આશ્ચર્ય, આઘાત અને રમૂજમિશ્રિત સમાચારો મળતા રહે છે, જેમાં આપણા શાસકો અને અમલદારોના બૌદ્ધિક સ્તર, ઇરાદાઓ, માનસિકતાનો પડઘો પડતો જોવા મળે છે.
આવકવેરા અધિકારીઓએ કોઈ શાળામાં જઈને ત્યાંનાં બાળકોને, તે મોટી વયનાં થાય ત્યારે, કરચોરી ન કરવાના શપથ લેવડાવ્યા. અરે મારા સાહેબો! ભવિષ્યની ચિંતા છોડો, અત્યારે આ પ્રકારના શપથ કોની પાસે લેવડાવવા તે આપ જાણો જ છો. નેતાઓ, ઉચ્ચ પદાધિકારીઓ, રમતવીરો, અભિનેતાઓ વગેરે પાસે જતાં આપ મહાનુભાવોને કોણ રોકે છે ? દેખીતો આવકનો કોઈ સ્રોત ન હોવા છતાં છાશવારે પોતાની પાસે અમુક કરોડોની સંપત્તિ હોવાનું ગર્વભેર જાહેર કરનાર કદાવર વ્યક્તિને પૂછો તો ખરા કે ‘ભાઈ, આટલી સંપત્તિ આવી ક્યાંથી ?’ અને બિચારાં નિર્દોષ બાળકો … કે પછી નબળો ધણી બૈરી પર શૂરો? (જો કે હવે બૈરીને શૂરાતન બતાવવાના દિવસો ગયાં.)
હમણાં વડીલ મહેન્દ્ર મેઘાણીએ પોતાના સાર્થક જીવતરનાં સત્તાણું વર્ષ પૂરાં કરી અઠ્ઠાણુંમાં વર્ષમાં પ્રવેશ કર્યો, ત્યારે one man institute જેવા મહેન્દ્રભાઈના પ્રદાનની નોંધ લેવાનું, આપણાં વર્તમાનપત્રો અને વિશ્વવિદ્યાલયો તથા વિવિધ જાહેર સંસ્થાઓ કેમ ચૂકી ગયાં હશે ? પણ એ નથી કોઈ રાજકીય હસ્તી, કોઈ ઉદ્યોપગતિ, કોઈ અમલદાર – પછી આમ જ થાયને? આપણી પાસે કોઈ શપથ લેવડાવ્યા વિના તેમણે આપણાં બાળકોને ઉમદા વાચન મળે તે માટે જાત ઘસી નાખી છે. એમનાં નામ અને કામથી અજાણ નાગરિકો અને અધ્યાપકો પણ મળી રહેવાની પૂરી સંભાવના.
ભૂતપૂર્વ ધારાસભ્યો પેન્શનની માગણી લઈ મેદાનમાં આવ્યા છે. સહેજે પચીસ-ત્રીસ લાખ ખર્ચીને વિજેતા થયેલા અને તે પછી વિવિધ આર્થિક લાભ મેળવનારા આ સેવકોની (!) કફોડી હાલત માટે દયા ખાવી રહી. નોકરીમાં નવાસવા જોડાયેલા યુવાનોને વિદ્યાસહાયક / અધ્યાપક-સહાયકના રૂપાળા નામે, ‘સમાન કામ, સમાન વેતન’ના નિયમને અવગણી પાંચ વર્ષ શોષણ કરવાનું અને પછી નિવૃત્તિકાળે ‘પેન્શન’થી વંચિત રાખવાના. એમના વતી કોણ બોલશે?
ખલેલ પહોંચાડે એવા ઘટનાઓ બનતી જ રહે છે. આકાશ વિજયવર્ગીય જેલમાંથી બહાર આવે તો તેને આવકારવા તેના સમર્થકો પહોંચી જાય. મીઠાઈ વહેંચવામાં આવે. There are many to bat for him. આપણી સહાનુભૂતિ તો જેના પર આકાશ તૂટી પડ્યું, એ સહાયક અમલદાર માટે જ હોય.
કેટકેટલાની ચિંતા કરવાની? સ્વામી આનંદે તેમના પુસ્તક ‘બાહ્યાન્તર યાત્રા’માં તુલસીદાસના એક પદનો ઉલ્લેખ કર્યો છે, જેમાં આ સંતકવિ કહે છે. આયખું અલ્પ છે, વેદ, પુરાણ, કાવ્યકલાનો વ્યાપ મોટો છે, ચિત્ત ક્યાં ક્યાં પરોવવું? ‘બાતન કી એક બાત’ જન્મ સુધારવો હોય, તો રામનામ લેવું.
આપણે ય સો વાતની એક વાત – બાતન કી એક બાત – સાક્ષીભાવે બધું નિહાળ્યા કરવું. ન મૂંગા રહેવાય, ન બોલાય. ભલા લોકો પર સિતમ ગુજારાય ત્યારે જે.પી., લોહિયા, ઉમાશંકર, માવળંકર વગેરેની ખોટ ખૂબ સાલે છે. ક્યારેક એમના બરની કોઈ પ્રતિભા મળી રહેશે, એ શ્રદ્ધાના બળે ટકી જવાશે.
ગાંધીનગર
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2019; પૃ. 15
![]()


માત્ર કૉન્ગ્રેસ માટે નહીં, કોઈને પણ માટે પહેલું સનાતન સત્ય એ છે કે પ્રજા ક્યારે ય કાયમ માટે કોઈની હોતી નથી. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધી પોતે, સંજય ગાંધી અને કૉન્ગ્રેસનો કારમો પરાજય થયો ત્યારે ઘણા લોકોએ એમ માની લીધું હતું કે કૉન્ગ્રેસ હવે પાછી બેઠી નહીં થઈ શકે. એમ.ઓ. મથાઈ નામના નેહરુના વખતના વડા પ્રધાનના કાર્યાલયના એક અમલદારે તો નેહરુની બદનામી કરનારું અને ઇન્દિરા ગાંધી તેમના પ્રેમમાં હતાં એવો દાવો કરનારું પુસ્તક પણ લખી નાખ્યું હતું. (ભક્તોને આ પુસ્તક કામમાં આવે એવું છે) તેમને બિચારાને એમ કે કૉન્ગ્રેસનો સૂર્ય કાયમ માટે આથમી ગયો છે. આવાં બીજાં પણ પુસ્તકો અને લેખો પ્રકાશિત થયાં હતાં. ઇન્દિરા ગાંધી માત્ર બે વરસમાં સત્તામાં પાછાં ફર્યાં ત્યારે તેઓ આજીજી કરતાં થઈ ગયાં હતાં એ પણ ત્યારે જોવા મળ્યું હતું.