‘એ
દુનિયાના સહુથી મ્હોટા લોકતંત્રના
સહુથી મ્હોટા નેતા છે.’
ના સાહેબ, સાહેબ તો આ સદીના સહુથી મ્હોટા અભિનેતા છે.
ના, ના, ના, નેતા વત્તા અભિનેતા
અથવા અભિનેતા વત્તા નેતા !
એ નેતાની જેમ અભિનય કરે છે,
ને અભિનેતાની જેમ ભાષણ કરે છે,
એમની બધ્ધે બધ્ધી જ
ધાર્મિક, દેહધાર્મિક અને માર્મિક ક્રિયાઓ હાર્દિક નાટક હોય છે.
એ
સાચેસાચ લાશોના ઢગલા પાડી દે તો ય,
લોકને તો જોરદાર નાટક જ લાગે,
ને કરવા માંડે તાળીઓના ગડગડાટ.
એ
ટોળાં સામે લોહિયાળ પંજો ફરકાવે છે. મરકતા-મરકતા
ને લોકો એને અદ્ભુત અભિનય લેખી
ચૂમવા માટે ધક્કામુક્કીએ ચઢી જાય છે!
પણ કોક વાર સાલુ ખરું થાય!
હસવું આવે આપણને, હોં
એમના ‘એન્કાઉન્ટર’વાળા નાટકે
નામદાર કોર્ટને ય ગોટે ચડાવી દીધી!
તે સાચુકલું એન્કાઉન્ટર માની પકડી લીધા સાગરિતોને,
પછી ખબર પડી કે
અરે રે! આ તો નાટક છે. તે છોડી મૂકવા પડ્યા વારાફરતી એકેકને …
સાગરિતો તો બાપડા ગૌણ અભિનેતા હતા, સાઇડરોલવાળા.
નખ્ખોદ જજ નામદારકોર્ટનું
બાપડાના દા’ડા બગાડ્યા.
કોકવાર તો એ મૂડમાં આવી જાયને,
ભાષણ કરતા-કરતા તો
છેક આકાશ ભણી આંગળી કરી
ત્યાં લગી લઈ જતી એક સીડીનો મૂક અભિનય કરે,
પછી સમજાવે,
‘આ
ભારતવર્ષને સ્વર્ગના સુખે લઈ જતો વિકાસરથ છે,
પગથિયાં તૈયાર થઈ રહ્યાં છે.
હજુ તો એમનો બોલ પૂરો થાય ન થાય ત્યાં તો
ગુણવંતા કાલિગુલિયન કવિઓ
એ પગથિયાંનાં ગીતો લલકારવા માંડે છે.
એ
ધારે તો હાથમાં એકે ૪૭ ઝાલી
આ ગાંધીભાઈનું ઝાડુ છે, એવો અભિનય કરી શકે છે.
ને મંત્રમુગ્ધ પ્રેક્ષકગણ
ઊંધું ઘાલી વાળવા જ માંડે !
એમને ભાષણનો કેફ ચઢે ત્યારે,
આતંકથી આંધીની મહાત્મા ગાંધી સુધી
પાણી-વીજળીના કરથી માંડી આંબેડકર સુધી
ભગતસિંહથી માંડી મનમોહનસિંહ સુધી,
અંબેમા, ગંગામાથી માંડી ઓબામા સુધી
એક શ્વાસે
ગદ્દગદિત બોલી શકે છે.
હત્યામાં રુચિ લેતા-લેતા અહિંસાનું નાટક કરી શકે છે,
ઘેર પહોંચી,
પેટ પકડી ખડખડાટ હસે છે
એને ગૌરવ થાય છે એની નાટ્યકળા પર.
એ દિવસરાત એટએટલું બોલ્યા કરે છે કે
એની નટમંડળીને ચૂપ રહેવાનો જ અભિનય
કરવો પડે છે!
જો કે નટમંડળીને તો નિયમ પણ ખબર છે
‘નવ બોલ્યામાં નવ ગુણ
બોલ્યા તે બાર જાય
કાં તો બોલ્યા તેના બાર વાગી જાય !’
પદ્મશ્રી કહેતાં, કમળે વસતી લક્ષ્મીમાંથી
થોડો લેવો હો તો ભાગ
તો
તેમને જપવા માંડો જાપ
‘એ દુનિયાના સહુથી મ્હોટા લોકતંત્રના
સહુથી મ્હોટા નેતા છે.’
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2019; પૃ. 14
![]()


ડૉ. પાયલ તડવી (આત્મ?)હત્યાકાંડમાં રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી સમિતિએ રિપોર્ટમાં જણાવ્યું છે કે ડૉ. તડવી ચોક્કસ સંસ્થાકીય રેગિંગનો શિકાર બની છે. પરંતુ તપાસમાં જાતિ-આધારિત ભેદભાવ તથા અત્યાચારનાં કોઈ ’નિર્ણાયક’ પુરાવા મળ્યા નથી. બત્રીસ લોકોની જુબાની પર આધારિત રિપોર્ટ અનુસાર, અધધ ’વર્કલોડ’ અને ’લૉંન્ગ વર્કિંગ અવર્સ’ને કારણે ડૉ. તડવી ભારે માનસિક તણાવ હેઠળ હતી. વિશ્વસનીયતા વધારવા માટે સોળ-પાનાંના ફરફરિયાંમાં ‘એન્ટિ-રેગિંગમિકેનિઝ્મ’, ‘મેન્ટરશિપ’ અને ‘ક્વૉલિટીસર્કલ’ જેવી સરકારી લફાઝી ઠૂંસીઠૂંસીને ભરવામાં આવી છે, પરંતુ ડૉ. તડવીની હત્યા માટે જવાબદાર ત્રણ સવર્ણ ડૉક્ટર અને ગાયનેકોલૉજી ડિપાર્ટમેન્ટના હેડ પર કોઈ પણ જાતની કાનૂની કે અન્ય કાર્યવાહીની ભલામણ સુધ્ધાં નથી કરાઈ. મેલા રાજકારણ અને નિર્લજ્જતાની પરાકાષ્ઠા એ રિપોર્ટ ડિપાર્ટમેન્ટ અને પ્રોફેસરોને ક્લિનિકલ વિષયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ટાઇમ-મૅનેજમેન્ટમાં મદદ કરવાની સલાહ આપે છે. દેખીતી રીતે, આખી ઘટનામાંથી જાતિગત ઉત્પીડનનાં તત્ત્વનો ખૂબ સિફતથી છેદ ઉડાડી, આપણાં સામાજિક અને સંસ્થાકીય માળખાંઓમાં નખશિખ ફેલાઈ ગયેલા જાતિ નામના સડાને નકારવામાં આવ્યો છે.
ભારતીય સંસદની ૨૦૧૯ની ચૂંટણીએ મતદાન અગાઉના ચૂંટણી-તારીખોની ઘોષણાથી માંડીને ચૂંટણીપ્રચારના ઘમાસાણ સહિતના તબક્કાઓમાં એક લોકતાંત્રિક પ્રણાલીની અનિવાર્ય લાક્ષણિકતારૂપ બેહદ ઉત્તેજના અને તીવ્ર રસ જન્માવ્યાં. અગાઉની તમામ ચૂંટણીઓની તુલનામાં આ ચૂંટણી સમૂહ-માધ્યમો અને સામાજિક માધ્યમોના વ્યાપક પ્રસાર અને તદ્નુરૂપ વિનિયોગને કારણે સામાજિક-રાજકીય વિશ્લેષણના દૃષ્ટિકોણથી એક ઉલ્લેખનીય એકમ-અભ્યાસ પુરવાર થાય એમ છે. તો, મતદાન પછીનાં પૂર્વાનુમાનિત – સર્વેનાં તારણો અને ચૂંટણી-પરિણામોએ પણ ચૂંટણીશાસ્ત્રના નિષ્ણાતો, સમાજવિજ્ઞાનીઓ, તેમ જ અન્ય વિચારવંતો અને નિસબતયુક્ત નાગરિકોમાં તેના અર્થઘટન સંબંધે વિભિન્ન મત-મતાંતરોનાં વમળો સર્જ્યાં છે. પ્રસ્તુત લેખ તે સંદર્ભે એક વિનમ્ર ઉમેરણ છે; જે અલબત્ત, સઘન સર્વે આધારિત તો નથી, પરંતુ ખાસ તો, ચૂંટણી સમયાવધિની વિશેષ પરિસ્થિતિ, ઉપરાંત સામાન્ય સમયખંડ દરમિયાનની સામાજિક ગતિવિધિઓ, વ્યવહારો, પ્રક્રિયાઓ અને પ્રતિભાવોના સચેત અવલોકન આધારિત છે. તો, પરિણામો સંબંધિત અન્ય અર્થઘટનોનું વિહંગાવલોકન અને સમાલોચન પણ કરાયું છે.