તા.૧-૧૨-૨૦૧૯ને રવિવારના રોજ સવારે ૧૦.૦૦ વાગે ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાની મથામણમાં રસ અને નિસબત ધરાવતા મિત્રો હવેના તબક્કે આગળ જવાની દૃષ્ટિએ શું કરી શકીએ એ વિચારવા પરિષદના પરિસરમાં ભેગા થયા હતા જેમાં પરિષદના મહામંત્રીએ આ બેઠકનો હેતુ દર્શાવ્યો અને પરિષદપ્રમુખ સિતાંશુ યશશ્ચન્દ્રે સ્વાયત્તતા નિમિત્તે એક નિવેદન રજૂ કર્યું. ત્યારબાદ શ્રી પ્રકાશ ન. શાહ, શ્રી ધીરુ પરીખ, શ્રી રઘુવીર ચૌધરી, શ્રી બિપિન પટેલ, શ્રી પરેશ નાયક, શ્રી રમેશ બી. શાહ, શ્રી ભરત મહેતા, શ્રીમતી સેજલ શાહ, શ્રી સમીર ભટ્ટ, શ્રી પીયૂષ ઠક્કર, શ્રી સરૂપ ધ્રુવ, શ્રી બારીન મહેતા, શ્રી પરીક્ષિત જોશી, શ્રી મનસુખ સલ્લા ઇત્યાદિએ સ્વાયત્તતા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને તે અંગે પુખ્ત વિચારણા બાદ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરની સ્વાયત્તતા અંગે નીચે મુજબ તબક્કાવાર કામ કરવાનું સર્વાનુમતે ઠરાવ્યું.
૧. ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’માં પ્રતિમાસ સ્વાયત્તતા અંગેની સમજ વિસ્તૃત કરવા સ્વાયત્તતામાં માનતા સાહિત્યકારો-વિચારકોના વિચારો મૂકવા.
૨. ડિસેમ્બર ૨૦૧૯ના અંતમાં પરિષદના પાલનપુર ખાતે યોજાનારા જ્ઞાનસત્રના ખુલ્લા અધિવેશનમાં સ્વાયત્તતાના મુદ્દાની ચર્ચા કરવી.
૩. સ્વાયત્તતા માટે ગુજરાત કક્ષાનું એક સંમેલન યોજવું.
૪. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને આ અંગે મળવું અને જરૂર જણાયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પણ મળવું.
૫. ગુજરાતમાં ચૂંટાયેલા ધારાસભ્યોને એમના વિસ્તારના લેખકોએ રૂબરૂ મળીને ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો રજૂ કરવો.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2019; પૃ. 08
![]()


ડૉ. શ્રીરામ લાગૂને એક વખત અમિતાભ બચ્ચને નમ્રતાથી જણાવ્યું હતું કે તે પોતે તેમની સાથે નજર મિલાવ્યા વિના સંવાદ બોલશે, કારણ કે ડૉક્ટરની નજરમાં કંઈક એવું હતું કે જેની સાથે નજર મિલાવવામાં બચ્ચન ડાયલૉગ ભૂલી જતા હતા ! આ મતલબનું સંભારણું મરાઠી તખ્તાના અગ્રણી રંગકર્મી અતુલ પેઠેએ ડૉ. શ્રીરામલાગૂના પંચોતેરમા વર્ષ નિમિત્તે 2002માં બહાર પડેલાં મરાઠી પુસ્તકના લેખમાં નોંધ્યું છે. અતુલે દિગ્દર્શિત કરેલાં ‘સૂર્ય પાહિલેલા માણૂસ’ (‘સૂર્યને જોઈ ચૂકેલો માણસ’) નાટકમાં ડૉ. લાગૂએ નાયક સૉક્રેટીસની ભૂમિકા ભજવી હતી. એ 1999ના વર્ષમાં મરાઠી રંગભૂમિના પદ્મશ્રી સન્માનિત એવા ઉમદા અભિનેતાની ઉંમર 72 વર્ષની હતી અને દિગ્દર્શક તેમના કરતાં અરધી ઉંમરના હતા !
સુગમ સંગીત અથવા કાવ્યસંગીતમાં શબ્દ અને સૂરની અભિવ્યક્તિ છે. ગુજરાતી સંગીતનો પોતાનો હૃદયોદ્વાર છે. તેમાં લોકપરંપરા તો છે જ, સાથે સંતવાણી, દુહા, ભજન, રાસ-ગરબા તથા અર્વાચીન-આધુનિક સુગમ સંગીત પણ ખરું. સામ ગાનથી લઈને હવેલી સંગીત, શાસ્ત્રીય સંગીત તેમ જ સુગમ સંગીતના ઉચ્ચ કોટિના કલાકારો ગુજરાતે અને મુંબઈએ આપ્યા છે. સાહિત્યના તમામ પ્રકારોમાં ‘ગીત’ હજારથી વધુ વર્ષનો દીર્ઘ ઇતિહાસ ધરાવે છે. ગવાય તે ગીત એમ સાદો અર્થ કરી શકાય. ગુજરાતી ગીત-ગઝલોનું માધુર્ય આગવું છે, અનોખું છે.