રજૂઆતની કલા
સરજાયા-લખાયા-છપાયા પછી સાહિત્યકૃતિ એની રજૂઆતનો મામલો બની જાય છે
શબ્દ લખાય છે, છપાય છે, એ તો ઠીક છે. પણ બોલાય છે, કેમ કે એ જીવન્ત વાણી છે. બોલાય છે, સાંભળવા માટે. શબ્દનો પહેલો શ્રોતા, બોલનાર પોતે હોય છે. ‘આપ કેમ છો?’ પૂછે – એ વખતે એ ત્રણેય શબ્દોને, પહેલાં તો, એ પોતે સાંભળતો હોય છે. પણ એ જો ગૂંચવણિયું બોલે કે ધીમું બબડે તો સામાવાળા પેલા ‘આપ’-ને એ નહીં સંભળાય. શબ્દ બરાબર સંભળાય એવી નિસબતથી રજૂ થવો જોઈએ. સરખી રજૂઆત વિના કોઈપણ વાણી-વચન સફળ નથી થતું. સાંભળનારે પણ બરાબર સાંભળવાની ગરજથી સાંભળવું જોઈશે. પેલો પૂછનાર ‘તું’ કે ‘તમે’ કેમ છો? એમ નથી બોલ્યો, ‘આપ’ બોલ્યો છે. ‘આપે’ એ પર ધ્યાન આપવું જોઈશે. ધ્યાન આપશે તો જ એ પ્રશ્નમાં વસેલા ભાવને અનુભવી શકશે. વાણીનું મૂળ પ્રયોજન અનુભવ છે. કાવ્ય, ટૂંકીવાર્તા કે નાટક વગેરે ભલે શબ્દમાં સરજાય, અનુભવવા માટે છે. એ પ્રયોજનને વીસરીને થયેલું સર્જન કે તેની રજૂઆત વ્યર્થ નીવડશે; નિષ્ફળ ‘અવાજ’ લાગશે.
માનવ-સભ્યતામાં બન્યું એમ કે વાણીનું સ્થાન લેખને લીધું અને લેખન છેલ્લે મુદ્રણ બની ગયું. વાણી પુસ્તકમાં ઠરી ગઈ. વાણીનો છેલ્લો અવતાર પુસ્તક છે. આ બહુ મોટું પરિવર્તન છે. મોટું એ રીતે કે એમાં ક્યાં ય બોલનારો હાજર નથી. તેમ જ કવિ વાર્તાકાર કે નાટ્યકાર હાજર નથી. શબ્દસૃષ્ટિ ખરી પણ એનો સર્જક અનુપસ્થિત. વળી, શબ્દસૃષ્ટિનો અનુભવ સામા માણસે જાતે મેળવવાનો …
હવે, સામો તો પોતાની શક્તિમતિ અનુસાર જ અનુભવવાનો ! ખાલી વાંચી જાય. કડકડાટ કે સડસડાટ, પણ વાંચી જાય. કેટલાક તો ગગડાવી જતા હોય છે. કેટલાક તો કાગડા કે ચકલાચકલીની જેમ અહીંતહીં ચાંચ મારતા જાય ને ગમતું ગમતું જ વાંચે. રચના ચૂંથાઈને મરણતોલ થઈ ગઈ હોય. કેટલાક નીવડેલા સાહિત્યકારો નવોદિતનું લખ્યું કેવીયે ગજબ રીતે વાંચી લેતા હશે, નથી ખબર. પણ નવોદિત ભટકાઈ જાય ત્યારે પ્રેમથી કહેતા જરૂર હોય છે — મધુસૂદન, ભાઈ, તારું એ કાવ્ય જોઈ ગયો ! ‘માધવી, તારી વાર્તા, જોઈ ગયો, સારી છે, પ્રયાસ ચાલુ રાખજે’. ‘જોઈ જવા’-થી કેવુંક વંચાય, નથી ખબર. એ મહાનોની એવી અટપટી રીત છે.

ઉપનિષદકાલીન ગુરુ-શિષ્ય
ઉપનિષદ-કાળે ઋષિ અને શિષ્ય એકબીજા સામે ઉપસ્થિત હતા. વૃક્ષની છાયામાં વ્યાઘ્રચર્મ પર ગુરુ બેસતા, શિષ્ય દર્ભાસને બેસતો. આજકાલ અધ્યાપક સામે વિદ્યાર્થી બેઠો હોય છે પણ ઉપનિષદ રચાય છે ખરું? અધ્યાપક ઊભાઊભ, સ્થિત, ને વિદ્યાર્થી બેઠેલા, સ્થિર. યુનિવર્સિટી ડિપાર્ટમૅન્ટ્સમાં અને કૉલેજે કૉલેજે ગુજરાતી સાહિત્ય ભણાવનારા કેટલાયે અધ્યાપકો છે. પણ એમાંના કેટલા અધ્યાપકો વિદ્યાર્થીને અનુભવ લગી દોરી જતા હશે? જો કે આ સવાલ ક્લાસમાં સાહિત્યકૃતિ લઈને જનારા અધ્યાપકને જ લાગુ પડે છે. મારા વતન ડભોઈના ‘સયાજી સાર્વજનિક પુસ્તકાલય’-માં સામાન્ય પ્રજાજનોને મેં વાંચતા જોયા છે. ટેબલ પર કૉણીઓ ટેકવાઈ હોય ને પુસ્તક હથેળીઓમાં જતનથી સાહી રાખ્યું હોય — અનુભવમાં ગરકાવ થઈ ગયા હોય …
કાવ્ય, વાર્તા કે નાટકને ખાલી વાંચી જઈએ, નહીં ચાલે. સર્જક પોતે પોતાની રચના રજૂ કરે તો ફર્ક પડી શકે છે. જો કે ફર્ક તો જ પડે જો એને રજૂ કરતાં આવડતું હોય. આપણે ત્યાં કોઇ કોઇ કવિઓ છે જેઓ પોતાની જ રચનાની રજૂઆતમાં અડવડિયાં ખાતા હોય છે. ટ્રાફિક-જામ વેઠીને કવિસમ્મેલનમાં મહા મહેનતે પ્હૉંચેલા સભાજનો એને દયાળુ નજરે સહી લેતા હોય છે. આમે ય, અમુક કવિસમ્મેલનમાં વધારે તો, સ્હૅવાનું હોય છે.
કેટલાક વાર્તાકારો પોતાની રચનાને ઊંધું ઘાલીને ફટાફટ પતાવતા હોય છે — જાણે એમને ટ્રેન પકડવાની હોય. સામે બેઠેલા સાવધ શ્રોતાઓને જુએ જ નહીં. નો આઈ-કૉન્ટેક્ટ. એક વાર્તાકારમિત્ર પોતાની વાર્તા એમનાં પત્ની પાસે રજૂ કરાવે છે. કારણ જે હોય તે. મને એમની એ પ્રામાણિક નિખાલસતા ગમે છે. સભાને રચનાનો પરચો મળે છે અને પત્નીની આવડતનાં સૌને દર્શન પણ થાય છે. એઓ એ પ્રસંગે તો પત્નીને નતમસ્તકે સુણતા હોય છે.
આ લેખનો કેન્દ્રવર્તી મુદ્દો જ એ છે કે સરજાયા-લખાયા-છપાયા પછી સાહિત્યકૃતિ એની રજૂઆતનો મામલો બની જાય છે. રજૂઆત એક કલા છે. હરેક સાહિત્યપ્રકારને રજૂ કરવાની રીત અલગ છે. કાવ્યનું ગાન થવું જોઈએ. ગાયન વિના સૉનેટ કે આખ્યાન રજૂ ન્હૉતાં થતાં. ગઝલને હંમેશાં તરન્નુમનો સાથ હતો. વાર્તા કહેવા-સુણવા અને નાટક જોવા-સાંભળવા માટે છે. હંમણાંના આપણે ત્યાં ‘કાવ્યપઠન’ અને ‘વાર્તાવાચિકમ્’ શબ્દો વપરાય છે તે યોગ્ય છે. કેમ કે પઠન અને વાચિકમ્ જો બરાબર થાય તો સીધાં વાણી સાથે જોડાઈ જાય. મુદ્રણ આડખીલી ન બને. નાટક અને વાર્તામાં સંવાદ તેમ જ દૃશ્યો ખડાં થાય એવાં આલેખન અને સ્થળ-કાળનાં વર્ણન હોય છે. નાટક ભજવાય ત્યારે એ ત્રણેયને જોઈ-સાંભળી શકાય છે. વાચિકમ્-માં એ ત્રણેયનો સાક્ષાત્કાર થવો જોઈશે. એ માટે વાર્તામાં જેટલાં પાત્રો હોય એટલા રજૂઆતકારો જોઈશે, એકથી ન ચાલે. એકથી ચલાવવું હોય તો એ આ ત્રણેયનું વહન કરી શકે એવો મહાન હોવો જોઈએ. જો કે ત્યારે પણ રજૂઆત કૃતક લાગવાનો સંભવ છે. યાદ રાખો કે વાર્તા કથનસૂર પકડીને સંભળાવવાની વસ્તુ છે, એને નાટકની રીતે રજૂ ન કરાય.
હરેક રચનાને રજૂ કરવાની રીત પણ અલગ છે. કોઈપણ કાવ્યને, અરે, હરેક કવિના હરેક કાવ્યને, એના લયમાં જ રજૂ કરાય. છાન્દસ રચનાને છન્દોલય સાચવીને જ. અક્ષરમેળને લઘુ-ગુરુ-યતિ સાચવીને જ. માત્રામેળને માત્રાઓ સાચવીને જ. ગઝલ પણ રદીફકાફિયાનું કાર્ય — ફન્કશન — ભૂલીને તો નહીં જ ! અછાન્દસ રચનાનો પણ લય હોય છે, વળી, એ તો કાવ્યે કાવ્યે બદલાતો હોય છે. એ બદલાવ પણ સચવાવો જ જોઈએ.
કાવ્ય ગદ્યમાં પણ હોય છે ને એને પણ લય હોય છે. ગદ્યકાવ્યના સંદર્ભમાં બૉદ્લેર યાદ ન આવે એવું ન બને. પણ એ વાત કોઈ બીજી વાર. સુબન્ધુ અને બાણ ભટ્ટ સંસ્કૃત કવિતાવિશ્વના મહાન ગદ્યકવિઓ છે. સુબન્ધુની ‘વાસવદત્તા’-માં અલંકાર-સમૃદ્ધિ અને પાણ્ડિત્ય-લક્ષ્મી બન્ને છે. બાણની ‘કાદમ્બરી’-માં ક્યારેક એક જ વાક્ય બેચાર પાનાં લગી ચાલતું હોય છે. એમાં સમાસ, શબ્દગુચ્છ, કલ્પનો, વર્ણનો કે આલેખનો એવાં તો લયાનુકારી કે રજૂ કરનારો વહ્યો જાય ને સાંભળનારો અવાક સુણતો રહે. હું ‘કાદમ્બરી’-ને અંગ્રેજીમાં ભણેલો ! પ્રૉફેસરબાનુ બોલતાં – ઍન્ડ ધેન ધ ડિસ્ક્રિપ્શન ઑફ અચ્છોદ-સરોવર સ્ટાર્ટ્સ … પછી અચ્છોદ-સરોવરને બાણના સંસ્કૃતમાં રજૂ કરતાં.
ગદ્યને સંસ્કૃત કાવ્યાચાર્યે ‘કવિની કસોટી’ કહ્યું છે તે વાર્તા કે નાટકના ગદ્યને પણ એટલું જ લાગુ પડે છે. એ વિધાન તેમના ઊંડા કલાનુભવોની નીપજ છે. દારુડિયાઓની જેમ એ લોકો સોમરસ પીને લુઢકી ન્હૉતા જતા. એમની જાગૃતિ જુદી જ વસ હતી. એ વિના થોડા કંઈ સર્જનના આવા મહા મર્મ ખૂલે?
પૂછવાલાયક સવાલ એ છે કે — શાળાકૉલેજોમાં આ વૈવિધ્યસભર રજૂઆતની કલા શીખવાય છે ખરી?
= = =
[શનિવાર તારીખ ૧/૨/૨૦૨૦-ના ‘નવગુજરાત સમય'માં પ્રકાશિત લેખ અહીં સૌજન્યથી મૂક્યો છે]
![]()


હું મારી કોલમમાં અનેક વેળા લખી ચૂક્યો છું કે ભારતમાં મુસલમાનો અને દલિતો કમનસીબ પ્રજા છે. કમનસીબ એટલા માટે નહીં કે તેઓ લઘુમતીમાં છે અથવા છેવાડે છે; પણ એટલા માટે કે તેમને પ્રજાવત્સલ અને વ્યવહારુ દૃષ્ટિકોણ ધરાવતું નેતૃત્વ જ નથી મળ્યું.
ભારતના અર્થતંત્રમાં અત્યારે વાતચીતની ભાષામાં મંદી અને થોડા શાસ્ત્રીય સ્વરૂપની ભાષામાં ‘સ્લોડાઉન’ ચાલે છે. ભારત સરકારના પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે તેને ‘ગ્રેટ સ્લોડાઉન’ તરીકે વર્ણવ્યું અને ઉમેર્યું કે ભારતનું અર્થતંત્ર અત્યારે ‘આઈ.સી.યુ.’માં છે, મતલબ કે કટોકટીભરી સ્થિતિમાં છે. અની સામે નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પાનગરિયાનો મત છે. તેમના મત પ્રમાણે ભારતના અર્થતંત્રમાં અત્યારે જે સ્થિતિ પ્રવર્તે છે, તે કોઈ રીતે અપૂર્વ કે અસામાન્ય નથી. ૧૯૯૧ના આર્થિક સુધારાઓ પછી જી.ડી.પી.ના વૃદ્ધિદરમાં આવી મોટી ગણી શકાય એવી વધઘટ થતી રહી છે. ભારતની જી.ડી.પી.નો વૃદ્ધિદર કાયમ માટે નીચી સપાટી પર ઊતરી ગયો છે એમ માનવાની જરૂર નથી. બૅંકોની ખરાબ લોનોના પ્રશ્ન ઉકેલાઈ જતાં બૅંકોની ધિરાણ આપવાની ક્ષમતામાં વધારો થશે અને ભારતની જી.ડી.પી.નો વૃદ્ધિદર પૂર્વવત્ ઊંચી સપાટી પર પહોંચી જશે.