
courtesy : Surendra, "The Hindu", 26 December 2019
![]()

courtesy : Surendra, "The Hindu", 26 December 2019
![]()
ગયા સપ્તાહના લેખમાં ચાર પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યા હતા.
૧. સામાજિક સમાનતામાં માનનારા અને બ્રાહ્મણોનું પેટ ભરનારા યાચનાપરક કર્મકાંડોનો નિષેધ કરનારા શ્રમણ ધર્મના ઉપદેશો છતાં કેમ સનાતન ધર્મ પર તેની કોઈ અસર નહોતી થઈ? ત્યાં સુધીમાં ઇસ્લામ પણ ભારતમાં આવી ગયો હતો અને તેની સામાજિક સમાનતા તેમ જ ઇસ્લામિક બંધુત્વથી પણ સનાતન ધર્મ અક્ષુણ રહ્યો હતો એવું કેમ બન્યું? શંકરના લિંગનું પ્રક્ષાલન કરો અને જે રીતે પાણી ખાસ સ્પર્શ કર્યા વિના થાળામાં ઢોળાઈ જાય એવું કેમ બન્યું? હિંદુનો અને હિંદુસમાજનો પીંડ કેનો બનેલો છે?
૨. હિંદુ-મુસ્લિમ એકતા માટે જેટલા પ્રયાસ મુસલમાનોએ કર્યા હતા એટલા હિંદુઓએ નહોતા કર્યા. આમીર ખુસરો, બીજા સૂફીઓ, કબીર, અકબર, દારા શિકોહ અને બીજા અનેક લોકોએ હિંદુ-મુસ્લિમ એકતા માટે પ્રયાસ કર્યા છે. આની સામે ગાંધીજીના થવા સુધી હિંદુ પ્રતિસાદ નહીં જેવો હતો. આનું શું કારણ?
૩. મધ્યકાલીન હિંદુ સંતો રાંકની સાથે માનવતાથી વર્તવાની, માણસાઈની શીખ આપતા હતા; પરંતુ એની પાછળની પ્રેરણા અનુકંપા હતી, સામાજિક સમાનતા નહોતી. પ્રસ્થાપિત હિંદુ સમાજના સ્વરૂપ વિષે અને કુલ મળીને ભારતીય સમાજના સ્વરૂપ વિષે જે વિચારમંથન થવું જોઈએ તેનો સદંતર અભાવ હતો.
એવું નહોતું કે ત્યારે વિદ્વાનો નહોતા પાક્યા, પણ હિંદુ વિદ્વાનો વેદાંતની શાખા-ઉપશાખાઓની ચર્ચા કરવામાં મશગૂલ હતા. દ્વૈતીને અદ્વૈતીને પછાડવામાં કે અદ્વેતીને દ્વૈતીને પછાડવામાં જેટલો આનંદ આવતો હતો એટલો ગામની બહાર છેવાડે રહેતા દલિતની યાતના સાંભળવામાં કે પોતાના ઘરમાં રસોડામાં આંસુ સારતી સ્ત્રીની યાતના સાંભળવામાં કોઈ રસ નહોતો. એમ તો કાવ્યશાસ્ત્રમાં અને સૌંદર્યશાસ્ત્રમાં પણ એ યુગમાં ઘણું મૌલિક કામ થયું છે. એટલે વિદ્વતાનો અભાવ હતો એવું નહોતું. અને છતાં ય વરવી અને શરમજનક વાસ્તવિકતાઓ તેમને નજરે જ નહોતી પડતી. એવું કેમ? ઉદાસીનતા? અને જો ઉદાસીનતા હતી તો આવી? વરવી વાસ્તવિકતા હિંદુઓને નિર્બળ બનાવી રહી છે તેનું પણ તેમને ભાન નહોતું? અને જો ભાન હતું તો કોઈ ચિંતા જ નહોતી?
૪. શા માટે એકાદબે અપવાદ છોડીને દરેક વખતે વિદેશીઓની સામે હિંદુઓનો પરાજય થયો હતો? આ સવાલ જરૂર હિંદુ મસ્તિષ્કમાં પાછળના ભાગમાં કોઈક જગ્યાએ દબાયેલો પડ્યો હશે, પણ એનો મુક્ત સ્વીકાર અને ખુલ્લી ચર્ચા એ યુગમાં થઈ હોય એવું જોવા મળતું નથી. કોઈ બીમાર માણસ પોતાની બીમારીના કારણો વિષે પણ ન વિચારે? કે પછી બીમાર હોવાની વાસ્તવિકતાનો જ સ્વીકાર કરવામાં નહોતો આવતો? શું હિંદુ આ-લોકની વરવી અને શરમજનક વાસ્તવિકતાથી બચવા માટે, તેનાથી ભાગવા માટે પરલોક પ્રશ્નોમાં રસ લેતો હતો? શું મધ્યકાલીન હિંદુ દાર્શનિક મીમાંસા ભાગેડુ હતી?
અસ્તિત્વને વ્યાખ્યાયિત કરનારા નિર્ણાયક સવાલો હતા જે હિંદુઓને કવરાવવા જોઈતા હતા, પણ હિંદુ તેની સામે નજર પણ નહોતો નાખતો. આની વચ્ચે યુરોપિયનો આવ્યા હતા અને યુરોપિયનોને હિંદુઓનું આવું વલણ વિચિત્ર લાગ્યું હતું. તેમણે આવી કોઈ પ્રજા જગતમાં જોઈ નહોતી.
એવું નહોતું કે ઈ.સ.ની ૧૫મી સદીમાં યુરોપનો ભારત સાથે કે ભારતનો યુરોપ સાથે પહેલો પરિચય થયો હતો. પ્રાચીન યુગમાં સિકંદર અને બીજા યવનો ભારત આવ્યા હતા. કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં; ‘વિદેશી’, ‘શત્રુ’, ‘અન્ય’, ‘શંકાસ્પદ’ મુખ્યત્વે યવન છે. એમ કહી શકાય કે પ્રાચીન ભારતીય રાષ્ટ્રવાદ આખે આખો યવનોને નજરમાં રાખીને લખાયો છે. પરંતુ એ પછીનાં વર્ષોમાં ભારતનો યુરોપ સાથેનો સંબંધ કપાઈ ગયો હતો. એનું કારણ ઇસ્લામનો પ્રાદુર્ભાવ હતું. વચ્ચે પશ્ચિમ એશિયાના ઇસ્લામિક દેશો આવી ગયા હતા જેણે યુરોપ અને ભારત વચ્ચેના સંબંધોને બે દિશામાં પ્રભાવિત કર્યા હતા. એક તો મુસલમાનોનાં આક્રમણો પૂર્વ યુરોપ પર થઈ રહ્યાં હતા અને યુરોપ તેનો સામનો કરવામાં રોકાયેલું હતું. આ સિવાય ઈસાઈઓ અને મુસલમાનો વચ્ચે ક્રુઝેડ અને જીહાદ ચાલતી હતી. બીજું, એ યુગમાં ઇસ્લામ જગતનો સૌથી યુવાન, સર્વ માટે ઉપલબ્ધ, આજની પરિભાષામાં કહીએ તો સમાજવાદી અને હણહણતી ચેતના દ્વારા ધબકતો ધર્મ હતો.
આ બંને કારણે મુસ્લિમ દેશો અને મુસલમાન ભારત અને યુરોપ વચ્ચે એક જ સમયે બેવડી ભૂમિકા ભજવતા હતા. પૂર્વ યુરોપ પરનાં મુસ્લિમ આક્રમણો અને ક્રુઝેડ અને જીહાદને કારણે ભારત અને યુરોપ વચ્ચે અંતરાલ પડ્યો હતો. હવે યુરોપિયનો માટે ભારત આવવું મુશ્કેલ બની ગયું હતું. વચ્ચે મુસ્લિમ વિશ્વ હતું. બીજી બાજુ ભારતીય જ્ઞાન મુસ્લીલ દેશો દ્વારા યુરોપ પહોંચતું હતું એટલે પશ્ચિમ એશિયાના મુસ્લિમ દેશો એક જ સમયે સેતુનું તેમ જ પૂર્વ-પશ્ચિમ વચ્ચે સુવર્ણ મધ્યનું કામ કરતા હતા. વ્યાપારની વાત કરીએ તો ભારતની ચીજવસ્તુઓ પણ આરબ વેપારીઓ ભારતથી આયાત કરીને યુરોપ નિકાસ કરતા હતા. ઉપર કહ્યાં એવાં પરિબળોને કારણે ભારતના વેપારીઓને ક્યારે ય સૂઝ્યું જ નહોતું કે આપણે આપણી ચીજવસ્તુઓની નિકાસ સીધી યુરોપમાં કરીને વધારે પૈસા કમાઈ શકીએ.
આ સમય ઝાઝો ટક્યો નહોતો. ઇસ્લામ એક રાજકીય ધર્મ છે એટલે ખલીફાઓની સત્તાના રાજકારણનો શિકાર બનવા લાગ્યો. ધર્મના નામે સત્તાનું રાજકારણ ખેલાતું હતું. ઇસ્લામ એનો ધબકાર ખોવા લાગ્યો. મુસલમાનોમાં બૌદ્ધિક વ્યાપાર, વિચાર-વિવેક હાંસિયામાં ધકેલાવા લાગ્યા અને તેની જગ્યા ધર્મચુસ્ત ઈસ્લામે લેવા માંડી. આ બાજુ યુરોપમાં પુનર્જાગરણનો યુગ શરૂ થયો જેણે યુરોપની પ્રજાની વિચારવાની રીત જ બદલી નાખી. આને કારણે શંકા કરવાનું, પ્રશ્નો કરવાનું, ચોકસાઈ કરવાનું, ખાતરી કરવાનું, નક્કર ખાતરી ન થઈ શકે તેવા કહેવાતા પ્રમાણોને નકારવાનું વલણ વધતું ગયું.
સાહસવૃત્તિ આનું સ્વભાવિક પરિણામ હતું કારણ કે હવે બાયબલનાં, ચર્ચાનાં અને પાદરીઓનાં કે પોપનાં ગૃહિતોને નકારવામાં આવ્યાં હતાં. પોસ્ટ ડેટેડ ચેક જેવા પરલોકનું સુખ કમાવાની જગ્યાએ ઈહલોકમાં સુખ કમાવાનું અને આ જનમમાં જ ભોગવવાનું વલણ પેદા થયું હતું. હવે યુરોપિયનો આખા જગતમાં ફરી વળ્યા હતા અને તેમાં મુસ્લિમ દેશો અવરોધ પણ પેદા કરી શકે તેમ નહોતા અને તેની સેતુની ભૂમિકાની પણ જરૂર નહોતી. બીજું હવે મુસલમ દેશો અવરોધ, સેતુ કે સુવર્ણ મધ્ય એમ ત્રણમાંથી કોઈ ભૂમિકા ભજવી શકે એમ નહોતા. ટૂંકમાં યુરોપનું જાગરણ થયું હતું અને મુસ્લિમ વિશ્વની ધબકતી ચેતનાનો અંત આવવા લાગ્યો હતો.
ભારતમાં હિંદુઓ આગળ કહ્યું એવી કોશેટા-અવસ્થામાં મસ્ત હતા!
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 29 ડિસેમ્બર 2019
![]()
આપણે ધારત તો રાજકીય સ્થિરતાનો ઉપયોગ કરીને આર્થિક પછડાટમાંથી બેઠા થવું શક્ય હતું, પણ આપણે સંજોગો હકારાત્મક દિશામાં બદલવામાં થાપ ખાધી છે અને એક આખું વર્ષ ગુમાવી બેઠા છીએ
૨૦૧૯નો છેલ્લો રવિવાર આવીને ઊભો છે ત્યારે એમ થાય કે આ વર્ષ ક્યાં પસાર થઇ ગયું એ તો ખબર સુદ્ધાં ન પડી. સમય માટે હજ્જારો વાર કહેવાયેલી પેલી વાત સાવ સાચી છે કે એ મુઠ્ઠીમાં રહેલી રેતી જેવો હોય છે અને સડસડાટ સરી જાય છે. ૨૦૧૯નું વર્ષ બહુ જ ઝડપથી પસાર થઇ ગયું હોવા છતાં ય આ વર્ષે એવા કેટલાક પરિવર્તનો થયા, જેની ભારતનાં આર્થિક, રાજકીય અને સામાજિક પાસાંઓ પર વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે ઘેરી અસરો પડી. આઝાદી પછીનું ભારત સમયનાં વિતી રહેલા વ્હાણાંઓ સાથે વધારને વધારે સંકુલ અને જટિલ રાષ્ટ્ર બની રહ્યું છે. ઘણીવાર એમ લાગે કે ક્યાંક હરણફાળ ભરી તો અમુક મુદ્દે આપણા દેશનો પગ ધાર પર હતો અને મચકોડાઇ ગયો. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવાઇ રહી હતી એ વર્ષે મોદી સરકારે બીજી વાર બહુમતીની સરકાર રચી. ફરીવાર સત્તા પર આરુઢ થયેલા નરેન્દ્ર મોદીએ ચૂંટણી જીતતા પહેલાં અને પછી, શક્તિપ્રદર્શન કરવામાં કોઇ કચાશ ન છોડી, રાજકીય સ્તરે ધાર્યા કરતાં વધારે બદલાવ બહુ ઝડપથી કરવામાં આવ્યા જેનાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. ૨૦૧૯ની ચૂંટણી એ આખા વર્ષની સૌથી મોટી ઘટના ગણવી રહી વળી આ રાજકીય ખેલની સમાંતર પૂર, દુકાળ, પાણીની અછત અને વાવાઝોડાં જેવી આફતો પણ રાષ્ટ્રને માથે તોળાઇ.
આપણા અર્થતંત્રની વાત કરીએ તો વર્ષની શરૂઆતથી જ ચૂંટણી દેશની ઘટનાઓનું કેન્દ્ર રહી. રાજકારણનાં ખેલમાં સતત દોડતા રહેલું રાષ્ટ્ર અર્થતંત્રને મામલે બદનસીબ સાબિત થયું. રોજગારી અને વિકાસનાં દાવાઓ સાવ પોકળ રહ્યા અને વિકાસ દર પણ ઘટ્યો. ખૂબ ઘોંઘાટ અને બૂમરાણ કરીને ગર્વથી સત્તા પર ફરી આવેલી સરકાર લોકોનો વિશ્વાસ મેળવવામાં અને વિકાસ કરવામાં એમ બંન્ને પાસે પાછી પડી. ચૂંટણી પહેલાનું વચગાળાનું બજેટ હોય કે તે પછીનું પૂરું બજેટ હોય, બંન્ને વાર લક્ષણો સુધારવા માટે બજેટ બન્યું હોય એમ જ લાગ્યું અને સમસ્યાના મૂળ સુધી જવામાં સરકાર કાચી પડી. ખાડે ગયેલું બેંકોનું તંત્ર હોય, ખેડૂતોનાં પ્રશ્નો હોય કે બેરોજગારીનો વધતો આંકડો હોય – કોઇ પણ સમસ્યા અંગે સરકારે નક્કર પગલાં ભર્યા હોવાનું સાબિત નથી કરી શકી. એક તરફ મુકેશ અંબાણીએ પોતાના ધનભંડારમાં ૨૦૧૯નાં વર્ષમાં ૧૮ બિલિયન ડૉલર્સ ઉમેર્યા છે તો સાયરસ મિસ્ત્રીનું ફરી તાતા સન્સ સાથે જોડાયા છે જો કે તે બોર્ડ મેમ્બર તરીકે કાર્યરત ન રહીને કોઇની નોમીની તરીકે જાહેરાત કરે તેવી શક્યતાઓ વધુ છે.
આખા દેશને હચમચાવી નાખે તેવો પુલવામા હુમલાને પગલે ભારત સરકારે પાકિસ્તાન સામે પગલાં લેવા પડ્યાં. પાકિસ્તાનને બતાડી દેવાનો ભારત સરકારનો ઇરાદો સફળ રહ્યો અને બાલાકોટની એયર સ્ટ્રાઈકને પગલે પાકિસ્તાનમાં આંતકવાદી છાવણીઓનો ખાત્મો બોલાવાયો. તેના જવાબમાં પાકિસ્તાને પણ ફાઇટર જેટ્સ સરહદની પાર મોકલ્યા જેમાંથી એક પાડી દેવાયું પરંતુ ભારતી ફાઇટર પાયલટ અભિનંદન પાકિસ્તાની સૈન્યનાં હાથમાં ઝડપાયા પણ વાટાઘાટોને અંતે તે દેશ પાછા ફરી શક્યા. દેશભક્તિની ભાવનાનો ઉછાળ હજી હવામાં સ્થિર થાય, થાય ત્યાં તો સરકારે ભારતના આધુનિક ઇતિહાસ માટે સીમા ચિહ્ન કહી શકાય તેવા પગલાં લીધા. આ પગલાંઓની સારી અને નરસી અસરો પણ લાંબા ગાળે જ કળી શકાશે. ૩૭૦ની કલમ હટાવી દઇને જમ્મુ-કાશ્મીરનાં રાજ્યનો વિશેષ દરજ્જો દૂર કરાયો. અમિત શાહે જાહેરાત કરી હતી કે આ બંન્ને રાજ્યોને વખત આવતા યુનિયન ટેરિટરીઝ જાહેર કરાશે. સરકારનાં આ પગલાંને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આકરા પ્રત્યાઘાતો મળ્યાં છે. જમ્મુ-કાશ્મીર ઑગસ્ટ મહિનાથી જાણે બાકીનાં દેશથી સંપર્ક ખોઇ બેઠા અને હજી પણ એ પરિસ્થિતિમાં પૂરેપૂરો સુધારો તો નથી જ થયો. ૩૭૦ની કલમ હોવાથી કોઇપણ કાયદો લાગુ કરતાં પહેલાં સરકારે જમ્મુ-કાશ્મીરની સરકારની પરવાનગી લેવી પડતી, હવે તેમને એમ નહીં કરવું પડે. જમ્મુ-કાશ્મીરના નેતાઓ હાઉસ અરેસ્ટ હેઠળ છે અને હજી પણ પરિસ્થિતિ તંગ છે. આટલું ઓછું હતું ત્યાં સરકારે સિટીઝન્સ એમેન્ડમેન્ટ બિલને એક્ટ બનાવીને તથા નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સની વાત છેડીને આખા રાષ્ટ્રનો રોષ વહોરી લીધો છે. ઠેર ઠેર દેખાવો થઇ રહ્યાં છે અને ડિજીટલ મીડિયાનાં દરેક મંચ પર આ મુદ્દા અંગે સતત ચર્ચા ચાલી રહી છે. આ વિરોધો અને દેખાવોમાં વિદ્યાર્થીઓનો અવાજ સૌથી ઊંચો છે કારણ કે કેમ્પસમાં થયેલી પોલીસ હિંસાને પગલે ભાવિ પેઢીને એ અનિવાર્ય લાગે છે કે જો હમણાં વિરોધ નહીં થાય તો ભવિષ્ય વધારે આકરું બનાવી દેવામાં આવશે. આશાસ્પદ થઇને આગળ વધવાને બદલે યુવાનો વર્તમાન પરિસ્થિતિને નથી સ્વીકારવા તૈયારની વાત વધારે સ્પષ્ટતાથી રજૂ કરી રહ્યાં છે.
સરકારનું વલણ વધુ પડતું સાહસી અને જડ સાબિત થઇ રહ્યું છે અને તેની સીધી અસર ભારતની નીતિ અને સામાજિક વ્યવસ્થા પર પડી રહી છે. ચર્ચા કે દલીલો કરવા માટેની શક્યતાઓ દિવસે દિવસે ઘટી રહી હોવાનો ભાસ આપણા ‘લોકશાહી’ રાષ્ટ્રમાં વધારે ઘેરો બની રહ્યો છે. નીતિ વિષયક નિર્ણયોમાં કેન્દ્રીકરણનો અભિગમ આપણા રાષ્ટ્રની પ્રાથમિકતાઓ નિશ્ચિત કરવામાં અવરોધ બની રહ્યો છે. ચૂંટણી પહેલાં કરાયેલા બધી વાતો હવે ઠાલા વચનો અને ઝાંઝવાની જળ સમી જ લાગે છે. ૨૦૧૯નાં વર્ષમાં પી. ચિદમ્બરમનું જેલ ભેગા થવું એ મોટી ઘટના ગણવી જ રહી. કાળાનાં ધોળા કરવાનાં કેસમાં સી.બી.આઇ.ની તપાસમાં દોષી સાબિત થયેલા પૂર્વ નાણામંત્રીનું જેલમાં ૧૦૬ દિવસ સુધી જવું કોંગ્રેસીઓને મતે ભા.જ.પા.ની વેરવૃત્તિનું જ પરિણામ છે. કાયદાની દ્રષ્ટિએ અયોધ્યા ચૂકાદો આ વર્ષનો જ નહીં પણ દાયકાનો સૌથી અગત્યનો ચૂકાદો ગણાય. કૉન્ગ્રેસ માટે ૨૦૧૯ બહુ પડકારરૂપ વર્ષ રહ્યું છે અને ઘણાં લોકોને લાગી રહ્યું છે કે કૉન્ગ્રેસ અસ્તિત્વ માટેની કટોકટી ભરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહેલો પક્ષ છે.
મજાની વાત એ છે કે જે વર્ષમાં આપણે ભા.જ.પ.ને ધુંઆધાર સફળ થતા જોયો છે એ જ વર્ષમાં તેની સામેનો વિરોધ વધારે આકરો બનતા અને ભગવાની ચાદર દેશ પરથી ઘટી રહી હોય તેવું પણ જોઇ રહ્યા છીએ. સામાજિક દ્રષ્ટિએ જોઇએ તો શહેરોમાં ગીચતા, પ્રદૂષણ, તાણ વગેરેને કારણે થતી સમસ્યાઓ ઘટી તો નથી રહી પણ નાગરિકો આ મુદ્દાઓ પ્રત્યે જાગૃત થઇ રહ્યાં છે અને આપમેળે બનતું બધું જ કરવા પ્રયત્નશીલ છે. બદનસીબે સમાજમાં વાડાબંધીની રેખાઓ માનસિક સ્તરે વધારે ઘાટી બની રહી છે. વૈશ્વિક સ્તરે ભારત પાસેથી અન્ય રાષ્ટ્રોને આશા હોવા છતાં પણ આંતરિક અરાજકતાને કારણે ભારતનું સ્થાન નક્કર અને નિશ્ચિત રીતે વિકાશીલ રાષ્ટ્ર તરીકે સ્પષ્ટ નથી થઇ શકતું.
આપણે ધારત તો રાજકીય સ્થિરતાનો ઉપયોગ કરીને આર્થિક પછડાટમાંથી બેઠા થવું શક્ય હતું પણ આપણે સંજોગો હકારાત્મક દિશામાં બદલવામાં થાપ ખાધી છે અને એક આખું વર્ષ ગુમાવી બેઠા છીએ, આપણે એટલી કાળજી રાખવી રહી કે આ એક વર્ષની અસ્થિરતા આખા દાયકાની વાસ્તવિકતા ન બની જાય.
બાય ધી વેઃ
એક વર્ષ એટલે કે બાર મહિનામાં આપણે ધારીએ તેના કરતાં ઘણું વધારે પરિવર્તન આવતું હોય છે. આ વર્ષે ભારતે અગત્યનાં રાજકારણીઓ ગુમાવ્યાં જેમાં રાજકારણીઓ મનોહર પરિકર, શિલા દિક્ષીત, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી અને જાણીતા વકીલ રામ જેઠ મલાણીનો સમાવેશ થાય છે. વળી સારા સમાચારની વાત કરીએ તો તરફ ભારતીય મૂળનાં અભિજીત બેનર્જીને નોબેલ પ્રાઇઝ મળે છે તો એક તરફ સુંદર પીછાઇ ગુગલની પેરન્ટ કંપનીના સી.ઇ.ઓ. તરીકે નિમાય છે. ભારત ચંદ્રાયણ-૨નો પ્રયોગ પણ ભારતમાં થાય છે તો કુલભૂષણ જાધવનું એક્ઝિક્યુશન અટકાવવામાં આપણને સફળતા મળે છે. લિયાન્ડર પેસ પોતાની નિવૃત્તિ જાહેર કરવાની વાત કરે છે તો પી.વી. સિંધુ ભારતની પહેલી વિશ્વ ચેમ્પિયન જાહેર થાય છે. દેશ ભરમાં ચાલી રહેલી હો-હા, બળાત્કારની વરવી ઘટનાઓ, બેફામ રાજકીય પરિવર્તનોની વચ્ચે જેઓ પોતાના લક્ષ્યને નજર સામે રાખી રહ્યાં છે તેઓ દેશની ગરિમામાં અને ગૌરવમાં વધારો કરે જ છે. અસમાનતાઓ, અરાજકતાઓ અને ખોટાં પગલાંઓ લેવાયા હોવા છતાં ય ભારતની એટલી છાપ તો ચોક્કસ ખડી થાય છે કે આ રાષ્ટ્ર આગળ ધપવાની કૂચમાં હાંફીને થોભી જવા નથી માગતું.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 ડિસેમ્બર 2019
![]()

