પ્રદેશ, ગરીબ-તવંગર કે ધર્મ કે પછી નાતજાતના ભેદ વિના સમગ્ર વિશ્વને ભરડામાં લઇ રહેલા કોરોના વાઇરસે આતંક મચાવીને લાખો લોકોને પોતાના રાક્ષસી પંજામાં લઈ લીધા છે. આવા મહાસંકટના સમયે એક બાજુ, માનવતાની સરવાણીઓ પણ દેખા દે છે અને બીજી બાજુ, એ મુદ્દે આંતરરાષ્ટ્રીયથી લઈને સ્થાનિક મંચ પર એકમેક પર દોષારોપણ કરવાનાં કે રાજકારણ ખેલવાનાં વરવાં દૃશ્યો પણ દેખા દે છે. સામાન્ય રીતે જે રાજનેતાઓ પર ભ્રષ્ટાચાર અને દુરાચારના આરોપ થતા હોય છે એ આવા માહોલમાં દાનશૂરા બનેલા જોવા મળે છે. જો કે મૂળે તો પ્રજાની સેવા સાટે મેવા બાબત દલા તરવાડીની ભૂમિકામાં કાયમ જોવા મળતા સત્તાપક્ષ કે વિપક્ષના રાજનેતાઓ અત્યારે પોતાના સાંસદનિધિ કે ધારાસભ્યનિધિમાંથી લાખો અને કરોડો રૂપિયા ફાળવવાનાં નિવેદનો કરીને પુણ્ય કમાઈ લેવાની સ્પર્ધામાં જોવા મળે છે.
દલા તરવાડીની કથા યાદ છે ને? કોઈકની વાડીએથી (અહીં પ્રજાની વાડી સમજવી) રીંગણાં ચોરનારા દલા તરવાડી ચોરીમાં પણ સ્વાવલંબી છે. પોતાને જ પ્રશ્ન કરે છે કે ‘રીંગણાં લઉં બે-ચાર?’ અને ઉત્તર પણ પોતે જ વાળે છે : ‘લોને દસ-બાર.’ સાંસદો કે ધારાસભ્યો લાખો અને કરોડોમાં આ “રીંગણાં” સત્તાવાર રીતે પોતાનાં ખિસ્સાંમાં સેરવે છે. પ્રજાના ચૂંટાયેલા “સેવકો” પોતે મહિને કેટલો “પગાર” લેવો અને કેટલાં ભથ્થાં લેવાં એ પણ પોતે જ ધારાગૃહોમાં સર્વાનુમતે નક્કી કરે છે! આવા પ્રજાના સેવકો કોરોનાગ્રસ્ત પ્રજાની વહારે ધાવા માટે પોતાના મહિનાના “પગાર”ની રકમ દાન કરીને કવચકુંડળ દાનમાં આપનારા મહાપુરુષ કર્ણની શ્રેણીમાં પોતાનું નામ નોંધાવવા આતુર જોવા મળે છે.
ખરા અર્થમાં દાનવીર ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીની જેમ પોતાની અંગત કમાણીમાંથી ૧,૨૦૦ કરોડ રૂપિયા ભલે આ રાજકીય દાનશૂરો ના આપે, પણ એ મસમોટા પગાર અને એનાથી ય મોટી રકમનાં ભથ્થાંની કમાણીમાંથી દાન કરી પોતે દાનેશ્વરી કર્ણ બનવા નીકળી પડ્યા હોય, ત્યારે એ ખટકવું સ્વાભાવિક છે. કોઈ પોતાના પરસેવાની કમાણીમાંથી થોડા રૂપિયા દાન કરે કે શાળાનો વિદ્યાર્થી પોતાના પોકેટમનીમાંથી એકાદ રૂપિયાનું પણ દાન કરે તો એનું મહાત્મ્ય ભૂખડીબારસ રાજનેતાઓના દાન કરતાં વધુ છે. પ્રજાએ તો વિચારવાનું છોડી દીધું છે. એટલું જ નહીં ઊલટાનું આવા મહાસંકટ ટાણે આવી વાત વળી કરાતી હશે? એવી સુફિયાણી સલાહ આપવા બેસી જવાની. અને છતાં સાચી વાત કહેવાની ત્રેવડ તો રાખવી પડશે, જેથી પ્રજાની સામે ઓઝલ થતાં સત્યોનાં દર્શન થાય.
તેલંગણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવ તો સામાન્ય રીતે પ્રજાના પૈસે ધાર્મિક સંસ્થાનોમાં કરોડોના ખર્ચે હોમ-હવન અને દાન-ધરમ કરવા માટે જાણીતા છે, પરંતુ કોરોનાસંકટ ટાણે તેમણે અને તેમના મંત્રીમંડળના સભ્યો જ નહીં, બોર્ડ-નિગમ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના વડાઓએ પણ ૭૫ ટકા પગારકાપ સ્વીકારીને એ સઘળી રકમ મુખ્ય મંત્રી રાહતકોશમાં જમા કરાવીને કોરોના સંકટગ્રસ્તોના લાભાર્થે ખર્ચવાનો નિર્ણય કર્યો છે. ૩૧ માર્ચ, ૨૦૨૦ના રોજ કે.સી.આરે. આ નિર્ણયની જાહેરાત કરી ત્યારે રાજધાની હૈદરાબાદ સહિત રાજ્યના દસ જિલ્લામાં કુલ ૬૧ લોકો કોરોનાગ્રસ્ત હતા અને બે વ્યક્તિનું આ ચેપથી મૃત્યુ થયાનું જાહેર થયેલું હતું. ૩ એપ્રિલ, ૨૦૨૦ના રોજ રાજ્યમાં કુલ ૨૨૯ જણને કોરોનાની અસર હતી, ૩૨ જણા સાજા થઇ ઘરે ગયા અને મૃત્યુનો આંક ૧૧નો હતો. કે.સી.આર. પોતાના પક્ષ ‘તેલંગણા રાષ્ટ્ર સમિતિ’ના સુપ્રીમો છે અને આંધ્રમાંથી અલગ તેલંગણા રાજ્ય મેળવાની ઝુંબેશના એ પ્રણેતા રહ્યા છે. એમના પ્રધાનો નહીં, ધારાસભ્યો, બોર્ડ-નિગમના અધ્યક્ષો અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ૭૫ ટકા પગારકાપ સ્વેચ્છાએ સ્વીકારી ચૂક્યા છે. અખિલ ભારતીય સેવાના આઇ..એએસ., આઈ.પી.એસ. જેવી કેડરના અધિકારીઓએ ૬૦ ટકા પગારકાપ સ્વીકાર્યો છે. રાજ્ય સરકારના બીજા અધિકારીઓએ ૫૦ ટકા અને ચોથા વર્ગના કર્મચારીઓએ ૧૦ ટકા પગારકાપ સ્વેચ્છાએ સ્વીકાર્યો છે. ચોથા વર્ગના નિવૃત્ત કર્મચારીઓ પેન્શનમાં ૧૦ ટકા કાપ અને બીજા નિવૃત્ત અધિકારી–કર્મચારીઓએ પેન્શનમાં ૫૦ ટકા કાપ કબૂલ્યો છે. જાહેર ક્ષેત્રના એકમોના અન્ય તમામ કર્મચારીઓએ ૫૦ ટકા સ્વૈચ્છિક પગારકાપ સ્વીકાર્યો છે.
નવાઈ તો એ વાતની છે કે તેલંગણા ભા.જ.પે. સત્તાવાર નિવેદન બહાર પાડીને બિરદાવવા જેવા સ્વૈચ્છિક પગારકાપના પગલાને “ઉતાવળિયું” ગણાવીને વખોડવાનું પસંદ કર્યું! ભા.જ.પ.નું નિવેદન કહે છે : “આ અંતિમવાદી (એક્સ્ટ્રીમ) અને અસમર્થનીય કે અનુચિત (અન્વોરંટેડ) પગલું છે.” કોરોનાસંકટ સામે લડવા માટે મહારાષ્ટ્રની શિવસેના-રાષ્ટ્રવાદી-કોંગ્રેસ સરકારે કર્મચારી-અધિકારી સંગઠનો સાથે મંત્રણા કરીને સ્વેચ્છાએ પગારકાપ અમલમાં લાવવાનો નિર્ણય કરવા ઉપરાંત એ અંગે સરકારી પરિપત્ર પણ કર્યો છે. નાયબ મુખ્ય મંત્રી અને નાણાંમંત્રી અજિત પવારે ૩૧ માર્ચ, ૨૦૨૦ના રોજ જાહેર કર્યું હતું કે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને તમામ સાથી મંત્રીઓ અને ધારાસભ્યો તેમ જ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના વડાઓ સહિતનાઓ સ્વેચ્છાએ માર્ચ મહિનાના પગારમાં ૬૦ ટકાનો પગારકાપ સ્વીકારશે. પ્રથમ અને દ્વિતીય વર્ગના અધિકારીઓ ૫૦ ટકા પગારકાપ સ્વીકારશે, ત્રીજા વર્ગના કર્મચારીઓ ૨૫ ટકા પગારકાપ કબૂલે છે અને બાકીના કર્મચારીઓનો કોઈ પગારકાપ નહીં રહે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ૧૯૩૭ના ગાળામાં બનેલી કૉન્ગ્રેસની પ્રાંતિક સરકારોના મંત્રીઓએ મહિને રૂપિયા ૫૦૦ લેવો જોઈએ, એવું સૂચવ્યું હતું; જેથી તેમના મહેમાનો સહિતના ખર્ચને પહોંચી વળાય. સરદાર પટેલને આ રકમ ઓછી લાગી હતી એટલે એમણે મહિને ૧,૫૦૦ રૂપિયાનો આગ્રહ સેવ્યો હતો. જો કે એ જમાનો સાદગી અને સોંઘવારીનો હતો. આઝાદી વખતે રાષ્ટ્રપ્રમુખ ડૉ. રાજેન્દ્રપ્રસાદ મહિને રૂપિયા ૧૦,૦૦૦ “પગાર” લેતા હતા. વડાપ્રધાન પંડિત નેહરુ અને નાયબ વડાપ્રધાન સરદાર પટેલ સહિતના કેન્દ્રીય મંત્રી ૩,૦૦૦ રૂપિયા લેતા હતા. નાયબ મંત્રી મહિને માત્ર ૨,૦૦૦ રૂપિયાનો પગાર લેતા હતા. રાજ્યોના મુખ્ય મંત્રી મહિને માત્ર ૧,૫૦૦ રૂપિયાનો પગાર લેતા હતા. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ એચ.જે. કણિયાનો પગાર મહિને ૭,૦૦૦ રૂપિયા હતો. રાજ્યોના રાજયપાલોનો પગાર મહિને ૫,૫૦૦ રૂપિયા હતો. એ વેળા દેશની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ગૃહમંત્રી સરદાર પટેલે સ્વૈચ્છિક પગારકાપની દરખાસ્ત મૂકી હતી. રાષ્ટ્રપ્રમુખે મહિને ૧,૫૦૦ રૂપિયાનો પગારકાપ સ્વીકાર્યો હતો.
નેહરુ-સરદારે મહિને ૪૫૦ રૂપિયા, જામસાહેબ અને ધ્રાંગધ્રાના મહારાજા મયૂરધ્વજસિંહજી જેવા રાજપ્રમુખોએ મહિને ૭૭૦ રૂપિયા અને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ મદ્રાસના રાજ્યપાલ તરીકે રૂપિયા ૫,૦૦૦ના પગારમાંથી ૮૫૦ રૂપિયા અને મુંબઈના રાજ્યપાલ રાજા મહારાજ સિંહે ૫,૫૦૦ રૂપિયાના પગારમાંથી ૧,૧૦૦ રૂપિયાનો પગારકાપ કબૂલ્યાનું રાષ્ટ્રીય અભિલેખાગાર(નેશનલ આર્કાઈવ્ઝ)ના દસ્તાવેજોમાં આ લેખકના અભ્યાસમાં આવ્યું હતું. સંયુક્ત પ્રાંત (ઉત્તર પ્રદેશ)ના મુખ્ય મંત્રી ગોવિંદ વલ્લભ પંતના મહિને ૧,૫૦૦ રૂપિયાના પગારમાંથી તેમણે ૧૮૭ રૂપિયાનો પગારકાપ સ્વીકાર્યો હતો. મુંબઈ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એમ.સી. ચાગલાએ ૫,૦૦૦ રૂપિયાના માસિક પગારમાંથી ૭૫૦ રૂપિયાનો પગારકાપ સ્વીકાર્યો હતો. સરદારના નિધન પછી ચક્રવર્તી રાજગોપાલાચારી (રાજાજી) દેશના ગૃહમંત્રી થયા ત્યારે સરદારના પ્રસ્તાવનો અમલ ચાલુ રખાયો હતો. જો કે એ વેળા કેટલાક અંગ્રેજ અધિકારીઓએ આ પગારકાપ સ્વીકાર્યો નહોતો, જ્યારે જમ્મુ-કાશ્મીરના પ્રીમિયર શેખ અબદુલ્લા અને એમના મંત્રીઓએ દસથી વીસ ટકા સુધીનો સુધીનો પગારકાપ કબૂલ્યો હતો.
આજે રાષ્ટ્રપ્રમુખ મહિને ૫,૦૦,૦૦૦ રૂપિયાનો પગાર મેળવે છે. ઉપરાષ્ટ્રપ્રમુખ ૪,૦૦,૦૦૦ રૂપિયા અને વડાપ્રધાન મહિને ૨,૦૦,૦૦૦ રૂપિયા તથા દેશના મુખ્ય ન્યાયાધીશ મહિને ૨,૮૦,૦૦૦ રૂપિયા પગાર મેળવે છે. મુખ્ય મંત્રીઓમાં સૌથી વધુ પગાર તેલંગણાના મુખ્ય મંત્રીનો મહિને ૪,૧૦,૦૦૦ રૂપિયા છે. તેલંગણાના ધારાસભ્યોને મહિને ૨૦,૦૦૦ રૂપિયા પગાર લે છે, પણ મતવિસ્તાર ભથ્થા પેટે મહિને ૨,૩૦,૦૦૦ રૂપિયા આપવા સાથે મહિને ૨૫,૦૦૦ રૂપિયાનું આવાસ ભથ્થું ઉપરાંત અનેક મફત સુવિધાઓ મળે છે. તેલંગણા પછીના ક્રમે દિલ્હીના મુખ્ય મંત્રીનો પગાર મહિને ૩,૯૦,૦૦૦ રૂપિયા. ગુજરાતના મુખ્ય મંત્રી મહિને ૩,૨૧,૦૦૦ રૂપિયા અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી મહિને ૩,૪૦,૦૦૦ રૂપિયા લે છે. નાગાલેન્ડના મુખ્ય મંત્રી સૌથી ઓછો એટલે કે મહિને ૧,૧૦,૦૦૦ રૂપિયા પગાર લે છે. આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી મહિને ૩,૩૫,૦૦૦ રૂપિયા લે છે. આ બધા ઉપરાંત બંગલા, ગાડીઓ, મફત સુવિધાઓ અને ફાટફાટ થતાં ભથ્થાં તો ખરાં જ. આમ છતાં પગારકાપ સ્વીકારવા માટે આગળ આવવામાં ઘણાને સંકોચ છે.
e.mail : haridesai@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 13 ઍપ્રિલ 2020
![]()




Recently, the Opinion published a column by Raj Goswami, જાણે નકશા પરથી અમેરિકા ઊડી ગયું છે અને ચીન બેસી ગયું છે.” The very title asserts China’s international supremacy in the wake of Coronavirus that still keeps the world on its edge as the death toll, particularly in the United States keeps rising. The same point is made in a recent Foreign Affairs article by Yanzhong Huang, “Xi Jinping Won the Coronavirus Crisis, How China Made the Most of the Pandemic It Unleashed.” The article states, “today, as the Chinese government lifts its lockdown on the city of Wuhan, the epicenter of the outbreak, Xi can present himself instead as a forceful and triumphant leader on the world stage. Leaders in Europe and the United States are increasingly looking to China for help as they struggle to contain the virus in their own countries.” Looking at the way how miserably Amerca has performed during the Coronavirus crisis under the wayward leadership of an incompetent and ignorant president, both Goswamy and Huang have a point.