તમે સૌ
તાળું મારી ભરાયા છો ઘરમાં
કોરોનાના ભયથી
ધ્રૂજતા થરથરતા
ત્યારે
હું તમે નાખેલો કૂડો-કચરો
વાળું છું,
ભેગો કરી લારીમાં નાંખું છું.
દૂર.
ડર તો મને ય છે.
કોરોનાનો તમારી જેમ
મને ય છે ચિંતા મારાં બીબીબચ્ચાંની
તમારી જેમ.
તો ય ઝાડુ મારું છું.
આમ તો તમે મને અતિશૂદ્ર કહેતા
કંઈ કેટલાં ય નામોથી ધિક્કારતા
હવે સફાઈ કામદાર
કહો છો.
તમે નથી કદી હાથ મિલાવ્યો
કે નથી કદી કર્યા નમસ્કાર.
કાયમ કર્યો તિરસ્કાર.
હવે તમે
તમારા રક્ષણ માટે
લડતો લડવૈયો કહો છો !
વૉરિયર કહો છો !
ધન્યવાદ !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 ઍપ્રિલ 2020
![]()


૧૪મી એપ્રિલે લૉક ડાઉન-૨ની જાહેરાત થઇ ત્યારથી સુરત અને મુંબઈ જેવાં શહેરોમાંથી પરપ્રાંતીય શ્રમિકોમાં ઊભા થઈ રહેલા આક્રોશના સમાચાર આવી રહ્યા છે. ૨૦મી એપ્રિલે સરકારે ઘણી છૂટછાટની જાહેરાત કરી છે. સ્થળાંતરિત શ્રમિકોને રાજ્યની સરહદની અંદર પ્રવાસ કરવાની છૂટ મળી, પણ આંતરરાજ્ય શ્રમિકોને પોતાના વતન પાછા જવાની છૂટ મળી નથી. આ લખાય છે ત્યારે, ૨૨મી એપ્રિલ સુધી તો, સંબંધિત રાજ્યનું પોલીસતંત્ર તેમને તે જ્યાં છે ત્યાં રોકી રહ્યું છે. શ્રમિકોને રેશન નહીં મળવાના, પગપાળા પાછા જવાના, થાકને કારણે રસ્તામાં થતાં મૃત્યુના કે પછી પોલીસ દ્વારા અટકાયતના સમાચાર આવી રહ્યા છે. ૨૧મી એપ્રિલના રોજ, મંગળવારે મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને પરપ્રાંતીય શ્રમિકોને તેમના ઘરે પરત મોકલવા ખાસ ટ્રેનોની વ્યવસ્થા ગોઠવી આપવાની વિનંતી કરી છે. એનો અર્થ એ થયો કે શ્રમિકો જ્યાં છે ત્યાં હજુ લાંબુ રોકાઈ રહેવા તૈયાર નથી અને જો આ પરિસ્થિતિ લાંબી ચાલી તો આક્રોશ મોટું સ્વરૂપ લે તેવો ભય છે.
ઘણી બાળકથાઓ ને બોધકથાઓ એવી હોય છે કે વિવિધ પરિસ્થિતિઓમાં તે નવાં નવાં અર્થઘટન સાથે પ્રસ્તુત બની રહે. આવી જ એક કથા છે બાદશાહ અને તેના દીવાનની. એક વાર બાદશાહના દરબારમાં આવતાં દીવાનને મોડું થાય છે. બાદશાહ તેનું કારણ પૂછે છે. દીવાન હોઠે ચડ્યું એ કારણ જણાવતાં કહે છે, ‘સંધ્યા કરવા રોકાયો એટલે આવતાં મોડું થઈ ગયું.’ બાદશાહ વિધર્મી હોવાથી તેને માટે આ શબ્દ નવો હોય છે. એટલે તે પૂછે છે, ‘સંધ્યા કરવી એટલે શું?’ દીવાન માંડીને આખી વિધિ બાદશાહને સમજાવે છે. એ સાંભળીને બાદશાહને ધૂન ઉપડે છે, ‘મારેય સંધ્યા કરતાં શીખવું છે.’ દીવાનની સ્થિતિ કફોડી બની જાય છે. વિધર્મી બાદશાહથી કંઈ સનાતન ધર્મની વિધિ થાય? સાથે એ પણ મૂંઝવણ કે બાદશાહને સીધી ના શી રીતે પડાય? થોડું વિચારીને તે બાદશાહને બીજા દિવસે નદીએ આવવા જણાવે છે. નક્કી કરેલા સમયે બાદશાહ નદીએ પહોંચે છે. દીવાન અને બાદશાહ નદીનાં પાણીમાં ઊતરે છે. દીવાન સંધ્યાની શરૂઆત કરતાં પોતાના વાળની ચોટલી બાંધે છે અને બોલે છે : ‘શિખા બંધનમ્.’ બાદશાહ આશ્ચર્યથી પૂછે છે, ‘આ શું?’ દીવાન કહે, ‘શિખા બાંધો.’ મૂંઝાયેલો બાદશાહ કહે છે, ‘પણ મારે માથે શિખા નથી.’ દીવાન કહે છે, ‘તો કરાવો. માથાના વાળ ઉતારાવડાવો.’ બસ, પછી શું! માથું બોડાવવાના ખ્યાલે બાદશાહ ભડકી ઊઠે છે અને કહી દે છે, ‘નથી શીખવી મારે સંધ્યા.’ બાદશાહને સંધ્યા કરતાં શિખવવાનો મામલો સીધેસીધી ના પાડવાને બદલે દીવાન સિફતપૂર્વક ટાળી દે છે.