હાલની પરિસ્થિતિ અંગ્રેજી શબ્દપ્રયોગ ‘કૅચ-22’ની યાદ અપાવે એવી છેઃ કોરોનાનો પ્રસાર અટકે તો અર્થતંત્ર ચાલુ થાય કે અર્થતંત્ર ફરી પાટે ચડે તો કોરોનાનો ખોફ ઓછો થાય? ત્રણ-ત્રણ લૉક ડાઉન અને ફેરફાર સાથેના ચોથાની તૈયારી પછી સ્વાભાવિક રીતે જ લોકો કંટાળ્યા હોય. સરકારો પણ આફતનું આવડ્યું એટલું મૅનેજમૅન્ટ કર્યા પછી, તેના કાતિલ ચક્રવ્યૂહમાંથી કોઈ પણ રીતે બહાર નીકળવા માટે તલપાપડ હોય. અખબારોમાં છેલ્લા થોડા દિવસથી અમદાવાદના સમાચારોને હકારાત્મકતાના રંગરોગાન સાથે રજૂ કરાતા હોય, તેમાં વળી રૂ. ૨૦ લાખ કરોડના આર્થિક પૅકેજની જાહેરાત ભળે, એટલે આશાનો માહોલ બંધાય – સૌ સારાં વાનાં થશે એવી લાગણી ધીમે ધીમે વ્યાપક બને.
ફક્ત અમદાવાદને કે ગુજરાતને જ નહીં, સમગ્ર વિશ્વને હંફાવનારા વાઇરસ-ચેપના મહિનાઓ પછી આશાનું કિરણ શોધવાની ઝંખના માનવસહજ છે. પરંતુ આવી આશા જ્યારે હકીકતો નજરઅંદાજ કરવાના રસ્તે દોરી જાય, ત્યારે સાવધ રહેવું. અત્યાર લગી વેઠેલી મુશ્કેલીઓ એળે ન જાય તે માટે પણ સાવધાન રહેવું અને સરકારી સમાચારોની પહેલી તકે બિરદાવલીઓ ગાવા દોડી જવાને બદલે વિચારીને કામ લેવું.
સરકારોને વાઇરસના મૅનેજમૅન્ટ જેટલો રસ મથાળાંના મૅનેજમૅન્ટમાં પણ હોય છે અને એ તેને વધારે ફાવતું કામ છે. તકલીફ એ છે કે વાઇરસ પ્રસાર માધ્યમનું મથાળું નથી કે સરકારી પ્રયુક્તિઓથી મૅનેજ થઈ જાય. તે વૈજ્ઞાનિક પરિબળ છે અને વિજ્ઞાન કે કુદરત કે બંનેનો સરવાળો જ તેને નાથી શકે. તેનો પ્રકોપ ચાલુ હોય ત્યારે હકારાત્મક મથાળાં બાંધનારા હકીકતમાં લોકોને ગાફેલ બનાવવાની કુસેવા કરે છે. ‘ઑલ ઇઝ વૅલ’ના મંત્રોચ્ચાર કરવાથી વાઇરસના ફેલાવા પર કશી અસર પડવાની નથી. આ બાબતનું સરકારો ને મીડિયા ધ્યાન રાખે કે પોતપોતાનાં કારણસર ધ્યાન ન પણ રાખે, નાગરિકોએ ગાફેલ રહેવા જેવું નથી.
પહેલાંના જેવું સામાન્ય જીવન શરૂ કરી દેવાની તાલાવેલી અને ઉતાવળ સમજી શકાય એમ હોવા છતાં, જૂઠાણાં આધારિત કે આભાસી હકારાત્મકતાના નામે બેદરકાર બનવું નહીં. અને ‘વાઇરસની બીક ફગાવીને આપણે આપણું રુટિન ચાલુ કરી દઈશું તો વાઇરસ તેની મેળે જતો રહેશે’ — એવા ખોટા આશાવાદથી ભરમાવું પણ નહીં. વ્યૂહાત્મક રીતે ‘હર્ડ મેન્ટાલિટી’ એટલે કે સામૂહિક પ્રતિકારશક્તિ કેળવવા માટે પગલાં એક વિકલ્પ છે. તેમાં પણ બધું બેદરકારીથી નહીં, આયોજનપૂર્વક અને ચોક્કસ તૈયારી સાથે ખુલ્લું મૂકવાનું હોય છે. વર્તમાન સરકારની પદ્ધતિ મુજબ, ઝાઝું વિચાર્યા વિના બધું ચાલુ કરી દેવું, એ બીજી વાત છે ને તેનાથી ચેતવા જેવું છે.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 14 મે 2020
![]()


વૈશ્વિક કોરોના વાઇરસ મહામારીએ નફરત અને વિદેશીઓ વિરુદ્ધ દ્વેષની ભાવના, બીજાને બલિના બકરા બનાવવાની વૃત્તિ તથા ડરના ત્સુનામીને જન્મ આપ્યો છે. ઇન્ટરનેટથી લઈને સડકો સુધી બધી જ જગ્યાએ વિદેશીઓ સામે નફરત વધી છે. યહૂદીવિરોધી ષડયંત્ર ફેલાયું છે અને મુસલમાનો પર હુમલા વધ્યા છે. પ્રવાસીઓ અને શરણાર્થીઓને વાઇરસના સ્રોતના રૂપમાં બદનામ કરાય છે અને તેમની સારવારનો ઈન્કાર કરાય છે. પત્રકારો, ગોટાળા અને જુલમોનો પર્દાફાશ કરનારા વ્હીસલ બ્લોઅર, આરોગ્યકર્મીઓ અને રાહતકર્મીઓ તથા માનવ અધિકાર કાર્યકરોને માત્ર તેમના કામને કારણે નિશાન બનાવાય છે.