કોરોનાની જેમ પ્લેગ પણ ચીનમાં ઉદ્ભવ્યો. ત્યાંના યુઆન પ્રાંતમાંથી સમગ્ર ચીનમાં અને ત્યાંથી હૉંગકૉંગ થઈને બ્રિટિશ ભારતમાં પ્રવેશ્યો — કલકત્તા અને કરાચી થઈ છેક પુના સુધી, સંયુક્ત પ્રાંતોમાં, હૈદરાબાદ, મૈસુર, મદ્રાસ, આગ્રા, અવધ અને બર્મા સુધી વિસ્તર્યો.
પ્લેગ વિશેનું ઇતિહાસકાર Myron Echenbergનું જાણીતું પુસ્તક છે The Global Urban Impact of Bubonic Plague, 1894-1901. આ પુસ્તકમાં તે જણાવે છે કે પ્લેગને કારણે વર્ષ 1896 થી 1921 સુધીમાં ભારતમાં એક કરોડ વીસ લાખ લોકોનાં મૃત્યુ થયાં, જ્યારે બાકીના વિશ્વમાં 30 લાખ મૃત્યુ થયાં. ભારતમાં વ્યાપક પ્રમાણમાં પ્લેગ ફેલાવાનું કારણ અંગ્રેજોની વેપારવૃત્તિ હતી. તેમનો વેપાર દુનિયામાં ચાલતો રહે એ માટે તેમણે તમામ બંદરો ખુલ્લાં રાખ્યાં પરિણામે પ્લેગને છુટ્ટો દોર મળ્યો.
કોરોના કોને કારણે વધુ ફેલાયો, એને માટે ઠીકરાં ફોડવામાં આવે છે જેમ કે દિલ્હીના મરકઝને જવાબદાર માનવામાં આવે છે અને તેને કારણે દેશના મુસ્લિમો સાથે ભેદભાવ વધ્યા છે. આ જ રીતે અંગ્રેજોએ ભારતના લોકોના રિવાજો અને ગંદી આદતો પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. પર્યાવરણીય મુદ્દા અને ચીન સાથેના વેપાર જેવા ચેપ ફેલાવાના મુદ્દાને દબાવી દેવામાં આવ્યા. લૉક ડાઉનને કારણે ગરીબ અને સ્થળાંતરિત શ્રમિકોને સહન કરવાનું આવ્યું છે, એવી જ સ્થિતિ અંગ્રેજી રાજમાં ફેલાયેલા પ્લેગ વખતે ઘણાખરા ગરીબોની થઈ હતી.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 23 મે 2020
![]()


શું આપણે આ વરસની પંદરમી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવતા હોય અને તેમને સાંભળવા જનમેદની એકત્ર થઈ હોય એ દૃશ્યની કલ્પના કરી શકીએ છીએ? શું એ વિચારી શકીએ છીએ કે આપણે ત્રણ મહિના પછી ઉપલબ્ધિઓના કયા પડાવ પર હોઈશું અને વડાપ્રધાન એ દિવસે જનતાને સાવ જ નવો ક્યો સંદેશ આપશે? આગામી ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વે દિલ્હીના રાજપથનો નજારો આ વખતે કેવો હશે તે કલ્પી શકીએ છીએ? હમણાં ચાર મહિના પહેલાંની ૨૬મી જાન્યુઆરીએ સમૃદ્ધિનું જે પ્રદર્શન કર્યું હતું, તે આ વખતે પણ કરવા ઈચ્છીશું ?



