
નેહા શાહ
૨૦૨૪માં દુનિયામાં આશરે ૮૩,૦૦૦ મહિલા કે છોકરીની ઈરાદાપૂર્વક હત્યા થઇ! તેમાંથી લગભગ ૫૦,૦૦૦થી વધુ એટલે કે ૬૦ ટકા હત્યા કરનાર પતિ / પાર્ટનર કે કુટુંબના કોઈ સભ્ય હતા, એટલે કે લગભગ દર દસ મિનિટે એક ! ૨૫ નવેમ્બરે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘મહિલા વિરુદ્ધ હિંસા નાબૂદી’ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ પ્રસંગે બહાર પાડેલા રિપોર્ટમાં આપેલા આ આંકડા ચોંકાવનારા છે. નારી-હત્યા એ સ્ત્રી વિરુદ્ધ હિંસાનું સૌથી ભયાનક સ્વરૂપ છે. ઉત્તરોત્તર સ્ત્રીઓની પ્રગતિ વધી રહી હોવા છતાં મહિલા વિરુદ્ધની હિંસા ઓછી થવાનું નામ લેતી નથી !
‘નારી-હત્યા’ માટે વપરાતો શબ્દ ‘ફેમીસાઈડ’નો આધુનિક ભાષામાં પ્રયોગ ૧૯૭૦ના દાયકામાં વૈશ્વિક નારીવાદી ચળવળની સાથે શરૂ થયો. એને લિંગ-સંબંધિત પ્રેરણા સાથે ઇરાદાપૂર્વકની હત્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. મહિલાઓની હત્યા પાછળ પુરુષપ્રધાન માનસિકતામાંથી ઊભા થતા સત્તાનાં સમીકરણ કામ કરતાં હોય છે. ભારતમાં પ્રશ્ન પેચીદો છે. માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા તો મા-બાપ કે ભાઈ નારાજ થઇ જાય, પતિના અહંકારને પડકારે એવી કોઈ વાતથી પતિ કે પાર્ટનર ગુસ્સે થઇ જાય, દહેજ સંબંધી હત્યા બંધ નથી થઇ, દીકરાને જન્મ આપવાની જવાબદારી પત્નીને જ ખભે હોય તો દીકરીને જન્મ આપતી પત્ની બોજો બની જાય, બળાત્કારનો ભોગ બનતી સ્ત્રી ગુનાની સાક્ષી બની જુબાની આપે તો ખતરો બની જાય, સેક્સ વર્કરની ગણતરી તો ઘણી વાર ‘માણસ’ તરીકે જ નથી થતી એટલે તેમને અવારનવાર હિંસક વૃત્તિનો સામનો કરવો પડે. આમ, સ્ત્રી વિરુદ્ધની હિંસા માટે એમનું સ્ત્રી હોવું પૂરતું હોય છે. એની પાછળ સ્પષ્ટ સામજિક-રાજકીય ચિત્ર ઊભું થાય છે એ ફેમીસાઈડને અન્ય હત્યા કરતાં અલગ તારવે છે. ભારતમાં દરેક હત્યાને ‘માનવ-વધ’ ગણવામાં આવે છે, પોલીસના રેકોર્ડમાં નારી-હત્યાનું અલગ નોંધ નથી એટલે કુલ હત્યામાંથી ફેમીસાઈડને અલગ તારવી એનું પ્રમાણ સમજવું અઘરું બને છે. વળી, ભારતમાં મહિલાઓ ઘરેલું હિંસા અંગે ખૂલીને વાત પણ નથી કરતી – એ અંગે ફરિયાદ કરવી તો દૂરની વાત છે.
ડીજીટલ ટેકનોલોજીના યુગમાં સ્ત્રી સામેની હિંસા નવા રૂપ લઇ રહી છે. સંમતિ વિના ફોટા શેર કરવા, ડોક્સિંગ અને ડીપફેક વીડિયો જેવી હિંસાનાં નવાં સ્વરૂપોને પણ જન્મ આપ્યો છે. અજાણી વ્યક્તિ સાથેની સોશ્યલ મીડિયા પરની આછી પાતળી વાતચીત બાદ ટ્રોલીન્ગ થાય કે ફોન પર સતામણી થાય એ તો ઘણું સામાન્ય બની ગયું છે, ઘણીવાર સતામણી ડીજીટલ માધ્યમ પૂરતી મર્યાદિત ના રહેતા મહિલાનો પીછો પણ શરૂ થઇ શકે છે! કોઈ અજાણી વ્યક્તિ તમને મેસેજ કરી તમે શું પહેર્યું છે, કે તમે કોને મળ્યા છો જેવી વિગતો આપી તમને જણાવતી હોય કે એ સતત તમારા પર નજર રાખે છે તો ડરવું જરૂરી બની જાય છે. ઘણીવાર પીછો કરતી વ્યક્તિ જ પછી મોતની ધમકી આપવા લાગે છે! નામ-ઠામ વગરની વ્યક્તિ સામે કોઈ પગલાં લેવામાં પોલીસ પણ ઝાઝી મદદ કરી શકતી નથી, કારણ કે ડીજીટલ હિંસા સામે હજુ સ્પષ્ટ કાનૂની પાયા અને નિયમો નથી. આ પરિસ્થિતિ દુનિયાના બધા દેશોમાં છે.
ફેમીસાઈડના સંદર્ભે શ્રદ્ધા વાલકર-વાળો કિસ્સો યાદ કરવો અગત્યનો છે. “લવ – જીહાદ’નું એ સીમા ચિહ્ન બની રહેલો આ કિસ્સો કોઈ ભૂલ્યું નહિ હોય. આંતર ધર્મ લગ્નને રોકવા આ કિસ્સાને ટાંકીને વિરોધ કરવામાં આવે છે. બદનસીબી એ છે કે શ્રદ્ધાના અપમૃત્યુની ચર્ચા માત્ર એના કોમી રંગને લીધે થઇ. એનું પોતાના પાર્ટનર પર નિયંત્રણ રાખતા વર્તનને એટલું પ્રાધાન્ય ના મળ્યું. શ્રદ્ધાની જગ્યાએ કોઈ સમ્-ધર્મી પાર્ટનર હોત, તો પણ આફતાબનું વર્તન આ જ રહ્યું હોત, કારણ કે હત્યાનું કારણ ધર્મ નહિ, પણ બંને વચ્ચે વધી રહેલા મતભેદ હતું. એ જ અરસામાં બીજા કેટલા બધા કિસ્સા બન્યા. અંકિતા ત્યાગીની હત્યા એના પુરુષ મિત્રએ કરી કારણ કે એણે લગ્ન કરવાની ના પાડી! કોન્ગરા નાગમણી કે ઐશ્વર્યાની હત્યા એમના માતા-પિતાએ કરાવી કારણ કે તેમણે દલિત પુરુષ સાથે લગ્ન કર્યા! મનોજ સાને નામના આધેડ પુરુષે એની પાર્ટનરની હત્યા કરી કારણ કે એણે એની સાથે શારીરિક સંબંધ બાંધવા ઇનકાર કર્યો ! રાધિકા યાદવની હત્યા એના પિતાએ કરી કારણ કે એની પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવા માંગતા હતા!
આવા કિસ્સાઓની યાદી હજુ ઘણી લાંબી છે. આ દરેક કિસ્સામાં હત્યા ઘરમાં જ થઇ છે અને નજીકની વ્યક્તિ દ્વારા થઇ છે. ઘરની ચાર દીવાલ જ સ્ત્રીઓ માટે જોખમી સાબિત થઇ છે, જ્યારે હિંસા તેમને ડરાવવા, અપમાનિત કરવા અને ખાસ કરીને ચૂપ કરાવવા માટે થઇ છે. જો પ્રશ્નનું નિદાન યોગ્ય હશે તો એનો ઉકેલ યોગ્ય દિશામાં શોધીશું. નારી-હત્યાને પુરુષ-પ્રધાન સામાજિક ઢાંચાના ભાગ તરીકે સમજવો પડશે, એનું યોગ્ય રીપોર્ટીંગ કરવું પડશે, આંકડાઓનું યોગ્ય દસ્તાવેજીકરણ કરી એ આધારે જરૂરી કાયદા ઘડી યોગ્ય પાલન કરવું પડશે.
સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



પરિષદના જ મુખપત્ર ‘પરબ’ના ઓક્ટોબર, 2025ના અંકમાં ચંદ્રકાંત ટોપીવાળાનો એક પત્ર પ્રગટ થયો છે. એમાં તેમણે ‘છેલ્લાં કેટલાંક વરસોથી ગુજરાત ક્ષેત્રે નોબેલ ગણાતા ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ અપાતો અટકી ગયો છે’, એવું યાદ અપાવતાં ઉમેર્યું છે, ‘૨૦૧૬માં છેલ્લે કુમારપાળ દેસાઈએ નાટ્યાત્મક રીતે લીધેલા રણજિતરામ ચંદ્રક પછી આ ચંદ્રક અદૃશ્ય થઇ ગયો છે.’ આ વિધાન સૂચક છે. રણજિતરામ ચંદ્રક ગુજરાત વિદ્યાસભા તરફથી અપાય છે. 2015 પછી રણજિતરામ અને ચંદ્રકનો હેતુ પૂરો થઈ ગયો હોય તેમ ચંદ્રક અપાવો બંધ થઈ ગયો છે. ગુજરાતના નીવડેલાં સર્જકોનું એ રીતે સન્માન થતું અટકી જાય તે ચિંત્ય છે. એવું નથી કે ગુજરાતમાં 2015 પછી સર્જકો નથી થયા. 2025 સુધીના બીજા દસેક સર્જકો ચંદ્રકથી પોંખી શકાયા હોત, પણ કમનસીબે તેવું થયું નથી. 2015 સુધીમાં દર વર્ષે 1928થી માંડીને 88 સર્જકોને રણજિતરામ ચંદ્રક એનાયત થયો હોય ને પછી 10 વર્ષ સુધી એક પણ ચંદ્રક જાહેર જ ન થાય, એ કેવું? વારુ, ગુજરાત સાહિત્ય સભા તરફથી ચંદ્રક ન આપવા પાછળનાં કોઈ કારણો પણ જાહેર થયાં નથી, એ બાબત સંસ્થા વિષે અને ચંદ્રક વિષે અનેક તર્કવિતર્ક કરવા પ્રેરે છે. ટોપીવાળાના પત્રમાં અપાયેલી વિગતમાં એવું જણાવાયું છે કે, ‘વિશ્વકોશ આ નવી જવાબદારી સ્વીકારવા તૈયાર નથી.’ એ પરથી પણ વિશ્વકોશે ચંદ્રક ન આપવા પાછળનાં કારણોનો ખુલાસો કરવો જોઈએ. 88 ચંદ્રકો જાહેર થયા પછી એવું તે શું થયું કે એકાએક ચંદ્રકો જાહેર કરવાનું બંધ થયું?
સમય સર ચંદ્રકો અને પારિતોષિકો જાહેર કરવાની ઉદાસીનતા ગુજરાતની સાહિત્ય સંસ્થાઓમાં જગજાહેર છે. ‘કુમાર ચંદ્રક’, કુમાર ટ્રસ્ટ, અમદાવાદ તરફથી 1944થી અપાય છે. એમાં પણ 2016 પછી ચંદ્રક જાહેર થયો હોય તો તેની વિગતો વિકિપીડિયા પર નથી. બને કે વિગતો અપડેટ કરવાની રહી ગઈ હોય, પણ એક કિસ્સો ડો. મહેબૂબ દેસાઈનો, તેમના જ બ્લોગ પર વાંચવામાં આવ્યો. તે વખતના ‘કુમાર’ના તંત્રી ડો. ધીરુ પરીખની પ્રેરણાથી મહેબૂબ દેસાઈએ ‘કુમાર’માં ગાંધીજીને અપાયેલાં માનપત્રોની શ્રેણી શરૂ કરી. ત્રણેક વર્ષ ચાલેલી એ શ્રેણી, પછી પુસ્તક આકારે પ્રગટ થઈ ને એ પુસ્તકને 2019નો ‘કુમાર’ ચંદ્રક જાહેર થયો. તેની જાહેરાત ‘કુમાર’ના 1118ના અંકમાં એપ્રિલ, 2021માં કરવામાં આવી. એ વાતના ઉલ્લેખ સાથે બ્લોગમાં જ મહેબૂબ દેસાઈ લખે છે, ‘આજે એ ઘટનાને પાંચ વર્ષ વીતી ગયા છે. છતાં ન તો કુમાર તરફથી ‘કુમાર’ ચંદ્રક મળ્યો છે, ન કોઈ તે અંગેનું પ્રમાણપત્ર મળ્યું છે.’ એ અંગે ખાતરી કરવા ડો. દેસાઈને મોબાઈલ પર પૂછ્યું, તો તેમણે રોકડું કર્યું કે એ ચંદ્રક અપાયો જ નથી. ‘કુમાર’ની આ ઉદાસીનતા બધી રીતે શરમજનક છે.