જન્મની પળ કંઈ એવી અકળ અહીં,
પહોંચે ન કોઈ એ વિસ્મયની તળ મહીં.
ઘોડિયાએ માંડેલી વારતામાં, તડકા ને છાંયડાની શાહી ઢોળાય.
કોરાકટ કાગળ પર એક પછી એક નવા રંગોની ઢગલીઓ થાય ..
રોજ રોજ પાના તો જાય એમ સરી, જેમ સાગરમાં બૂંદ જાય વહી ..
પણ પહોંચે ન કોઈ એ વિસ્મયની તળ મહીં .…. ….. જન્મની પળ કંઈ એવી અકળ અહીં ..
અંદર છે અંતર ને અંતરની ભીતર, કંઈ ધબકે નિરંતર.
શોધી શોધીને ને કોઈ થાકે પણ જડતું ના કોઈને સદંતર ..
સદીઓથી સૂફીઓએ લળી વળીને ખૂબ કહી, કળ કહી,
તો ય પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં .……….. જન્મની પળ કંઈ એવી અકળ અહીં ..
ને વારતાને છેડે વમળ જેવી સળ કંઈ હાથમાં ય રાખી, ના કોઈને કીધી.
લાવે સવારી બહુ જ અણધારી, તો ક્યારેક પરીક્ષા, પ્રતીક્ષાની લીધી.
છેલ્લું વિકટ પાન દિસે નિકટ તહીં, દેખાય ના એક્કે સિક્કા કે સહી ..
આખરી પળ પણ એવી અકળ અહીં ………………… પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં.
e.mail : ddhruva1948@yahoo.com
![]()


‘જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયાં’ લેખક – કર્મશીલ – અનુવાદક અને આજીવન શિક્ષક એવા નડિયાદનિવાસી કાન્તિભાઈ મકવાણાની જીવનસફર વર્ણવતું પુસ્તક છે.
જીવનસફર લખનાર ખુદ દલિત હોય ત્યારે જાતિવાદી પીડાની લોહીઝાણ વેદનાઓ જે એણે વેંઢારી છે, તેનો ને તેમાંથી તેને મુક્તિ અપાવનારા મુક્તિદાતા ડૉ. ભીમરાવ આંબેડકરનો ઉલ્લેખ એના લેખનમાં સહજપણે વણાતો જતો હોય છે.
કાલેલકરની આત્મકથાનું નામ “સ્મરણયાત્રા” છે. આત્મકથા કે જીવનચરિત્રો સ્મૃતિ આધારિત લખાતાં હોય છે. એમાં મહત્ત્વ સત્યનું અને સ્મૃતિનું થાય છે. કવિ કલાપીની એક પંક્તિ છે, “માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લહાણું …” એમાં પણ સ્મૃતિનો મહિમા છે. વિશ્વભરની સાહિત્ય કૃતિઓમાં સ્મરણનો મહિમા આજ સુધી થતો આવ્યો છે. આ સ્મૃતિ, વિચાર શક્તિને આભારી છે. વિચાર મન- મગજની ઉપજ છે. કોઈ પણ વિચાર આવનારા સમયને પારખે છે તો વીતેલા સમયને સંઘરે, સંકોરે પણ છે. નિર્વિચાર હોવું એ ઉત્તમ અવસ્થા હોય તો પણ તે કોઈક સંજોગોમાં મૃત્યુ પણ સૂચવે છે. મરણ પછી વ્યક્તિ રહેતી નથી, પણ તેના વિચારો રહે છે ને એ ઘણીવાર સ્મૃતિનું ને સૃષ્ટિનું પણ ચાલક બળ બને છે.