આજે મહિલા દિવસ. ખરી ખોટી વાતોથી દિવસ પૂરો થશે. નેતાઓ ને કલાકારો નારીનાં ગુણગાન ગાશે, નારી છે ત્યાં દેવતાઓનો વાસ છે – જેવી વાતોથી આરતી ઉતારાશે અને દિવસ દરમિયાન જ નારી વળી અપમાન, છેડતી, બળાત્કાર કે હત્યાનો ભોગ બનશે. મહિલા દરેક ક્ષેત્રે આગળ વધી છે ને ઉજવણી વગર કે ઉજવણી સાથે પણ આગળ વધતી જ રહેશે. મહિલાઓને મફત શિક્ષણ અને નોકરી, રાજનીતિ, વગેરેમાં ભાગીદારી અપાઈ છે એની ના નથી, પણ આ બધું અધિકારને નામે દયાદાન જેવું વધારે છે, કારણ તેમાં સચ્ચાઈ ઓછી છે. મહિલા દિવસે થતાં સન્માનોમાં મહિલાઓ જ બીજી મહિલાનો હક મારીને કેવી રીતે સેલિબ્રિટિઝ સાથે ફોટા પડાવવા તે જાણી ગઈ છે એટલે એ મામલે તે પુરુષોને પાછળ મૂકી દે તો નવાઈ નહીં !
એક કાળે સ્ત્રીઓને મતાધિકાર ન હતો. તેનું સ્થાન “સેકન્ડ સેક્સ”નું, આજે પણ અનુભવાશે. મહિલા દિવસ અમેરિકામાં 28 ફેબ્રુઆરીએ, 1909ને રોજ ઉજવાયાની વાત છે. એ વખતે હેતુ તો મહિલાઓને મતાધિકાર આપવાનો જ હતો. 1917માં સોવિયેત સંઘે એ દિવસને રાષ્ટ્રીય અવકાશ તરીકે જાહેર કર્યો ને એનો પ્રભાવ આખા વિશ્વે ઝીલ્યો. 1917માં રૂસની મહિલાઓએ “બ્રેડ એન્ડ પીસ”ની માંગ સંદર્ભે હડતાળ પાડી, આ હડતાળ ફેબ્રુઆરીના આખરી રવિવારે પડી. તેનું ઐતિહાસિક મૂલ્ય એ રીતે પણ છે કે ત્યારે રૂસના ઝારે સત્તા છોડી ને તે વખતની સરકારે મહિલાઓને મતાધિકાર આપ્યો. રશિયામાં ત્યારે જુલિયન કેલેન્ડર અમલમાં હતું ને બાકીના જગતમાં ગ્રેગેરિયન કેલેન્ડર ચલણમાં હતું ને તે મુજબ રશિયન 1917ના છેલ્લા રવિવારે 23 ફેબ્રુઆરીની સમાંતરે ગ્રેગેરિયન કેલેન્ડર 8 માર્ચ બતાવતું હતું. એ તારીખ વિશ્વભરમાં મહિલા દિવસની ઓળખ પામી. એમાં પણ 1996થી સંયુક્ત રાષ્ટ્ર સંઘે મહિલા દિવસને સ્પેશિયલ થીમ સાથે ઉજવવાનું નક્કી કર્યું છે ને 2021નો થીમ છે, “વુમન ઇન લીડરશિપ: એચિવિંગ ઇન એક્ચ્યુયલ ફ્યુચર ઇન અ કોવિડ-19 વર્લ્ડ.”
એ હિસાબે આખું વિશ્વ મહિલા દિવસ ઉજવશે, પણ વાસ્તવિક પરિસ્થિતિ જુદી છે ને તે, ઉજવણીનો ઉત્સાહ બહુ ટકવા દે એમ નથી. છેલ્લા થોડા દિવસની કેટલીક ઘટનાઓ જોઈએ તો પણ ખ્યાલ આવશે કે સ્ત્રીઓની દશા કેવીક છે !
શનિવારની સુરતની ઘટના છે, 13 વર્ષની કિશોરીને ગર્ભવતી બનાવી તરુણ ફરાર થયો. શનિવારે જ કપડાં સુકવવાની પિન લેવા જતાં યુવતી છઠ્ઠા માળેથી પટકાઈને મૃત્યુ પામી. અમદાવાદની પત્નીએ પતિ સાથે મનમેળ કરવા કોઇની મદદ માંગી, તો તેણે જ તેનો ગેરલાભ ઉઠાવ્યો. રાજકોટની 7 વર્ષની બાળા સાથે 27 વર્ષના પડોશીએ અધમ કૃત્ય કર્યું. રાજસ્થાનમાં રેપ પીડિતાને આરોપીએ સળગાવી મારી. વિરમગામમાં માતપિતાએ પૈસા લઈ 15 વર્ષની દીકરીને પરણાવી અને મહિના એકમાં જ પતિએ મારઝૂડ શરૂ કરી દીધી. ભુવનેશ્વરમાં વિદાય વેળાએ નવ પરિણીતા એટલું રડી કે હાર્ટએટેક આવ્યો ને તે મૃત્યુ પામી. શાહજહાંપુરમાં 12 વર્ષની ઉંમરે બળાત્કારનો ભોગ બનેલી પીડિતાએ 27 વર્ષ પછી કેસ દાખલ કર્યો. હાથ-પગ બાંધેલી આંધ્રની યુવતીએ અપહરણનું નાટક કર્યું. દિલ્હીમાં પતિ સાથે થયેલા ઝઘડા પછી પત્નીએ બે બાળકોની હત્યા કરી આત્મહત્યા કરી લીધી. બિહારમાં સગીર યુવતી પર થયો ગેંગરેપ. 5 લાખ ન ચૂકવાતાં હોસ્પિટલે ટાંકા માર્યા વગર જ 3 વર્ષની બાળકીને બહાર કાઢી મૂકતાં મૃત્યુ પામી. ગ્રેટર નોઇડામાં પડોશીના બે નોકરોએ 90 વર્ષની મહિલાની હત્યા કરી. એવી તો બીજી ઘણી ઘટનાઓ હશે. એવો કોઈ ગુનો નથી જે સ્ત્રી સંદર્ભે થવાનો બાકી રહી ગયો હોય. અહીં સૌથી વધુ પીડા તો હોસ્પિટલની એ રાક્ષસી વૃત્તિથી થાય છે જેણે 3 વર્ષની બાળકીને પૂરી બેરહેમીથી ટાંકા લીધા વગર જ મરવા માટે બહાર મોકલી દીધી. બાળકીના સંબંધીઓ જવાબદાર હોય તો પણ, એ પૂછવાનું તો થાય જ છે કે બાળકીને બહાર મોકલી દીધી તો ફી આવી ગઈ? હોસ્પિટલ સત્તાવાળાઓનું આ અમાનવીય અને અધમ કૃત્ય છે ને એમની સામે કાનૂની રાહે કામ ચલાવવું જોઈએ. પ્રશ્ન તો એ પણ છે કે બાળકીની એવી તે કેવીક સારવાર થઈ કે બિલ પાંચ લાખનું થયું?
આ ઉપરાંત વટવાની એક પરિણીતાએ પતિની દહેજની માંગણીથી ત્રાસીને ગઈ 25મીએ સાબરમતીમાં ઝંપલાવી આત્મહત્યા કરી કે એના મહિના અગાઉ દહેજની માંગણીથી ત્રાસીને સુરતની મહિલા પી.એસ.આઈ.એ પોતે ગોળી ખાઈને આત્મહત્યા કરી- જેવી ઘટનાઓ સ્ત્રીનાં અસ્તિત્વ સંદર્ભે અનેક પ્રશ્નો ઊભા કરે છે.
આ બધું જોતાં એમ લાગે છે કે શિક્ષણ અને આર્થિક ભાગીદારી વધી હોવા છતાં મહિલા મુક્ત મને કોઈ નિર્ણય લેવા સક્ષમ નથી. એ ખરું કે જ્યાં અધિકારની ખબર છે ત્યાં સ્ત્રી શોષણ કરતી થઈ છે, પત્ની પીડિત પતિઓનાં મંડળો પણ શરૂ થયાં છે કે પત્ની દહેજના ખોટા કેસ કરીને સાસરિયાંઓને સળિયા ગણાવતી પણ થઈ છે, છતાં મહિલાઓ મુક્ત ઓછી જ છે. આપણે ત્યાં મોટા ભાગની મહિલાઓ અધિકારથી વાકેફ નથી, ત્યાં એનું શોષણ થયાં વગર ભાગ્યે જ રહે છે. બળાત્કાર અને દહેજને મામલે મહિલા ઘણે બધે અંશે શોષિત છે ને તેની સાથે કુટુંબથી માંડીને કોઈ પણ વ્યક્તિ ગમે તે પ્રકારનો વ્યવહાર કરી શકે છે. કાયદાએ સ્ત્રી-પુરુષને સમાન અધિકારો આપ્યા તે ઉપરાંત ઘરેલું હિંસા, પ્રેગ્નન્સી ટર્મિનેશન કાયદો, ખોરાકીનો હક, પિતાની મિલકતમાં હક વગેરે લાભો સ્ત્રીને જ અપાયા છે, તે છતાં સ્ત્રી હંમેશ રક્ષવા યોગ્ય જ રહી છે. એ ખરું કે તે પિતા, પતિ કે પુત્ર દ્વારા રક્ષણને યોગ્ય છે, આ સ્થિતિ એ જ તેનાં શોષણની તકો પણ પૂરી પાડી છે.
જ્યાં શિક્ષણ કે આર્થિક મામલે સમાનતા છે ત્યાં તક, ભાગ ભજવે છે. તક મળે તો, સ્ત્રી કે પુરુષ અધિકારનો દુરુપયોગ કેમ કરવો તે જાણે છે. એ સિવાય સ્ત્રીઓ શોષણને પાત્ર છે એવી સમજ, સમાજમાં ઘર કરી ગયેલી છે. લગ્ન એ કેવળ સ્ત્રીની ગરજ છે અને પુરુષ લગ્ન કરીને સ્ત્રી પર ઉપકાર કરી રહ્યો છે એવી સમજ રોગની જેમ ફેલાયેલી છે. પતિ ડોક્ટર હોય તો પણ, એવું માનતો હોય છે કે બાળકીનાં જન્મ માટે પત્ની જવાબદાર છે, જ્યારે ગર્ભમાં બાળકની જાતિ નક્કી કરવામાં પુરુષનાં રંગસૂત્રો નિર્ણાયક ભૂમિકા ભજવે છે તે કહેવાની જરૂર નથી.
ગર્ભ પરીક્ષણ, બાળકની જાતિ જાણવા બાબતે ગુનો છે, છતાં એ પૂર્ણપણે રોકી શકાતું નથી. એક સમયે બાળકી જન્મતી તો તેને દૂધપીતી કરવામાં આવતી. એમાં એટલું તો હતું કે બાળકીને જનમવા તો દેવાતી હતી, હવે આપણે સુધર્યાં છીએ એટલે જન્મ પહેલાં જ તેને ગર્ભમાં મારીને મુક્ત કરી દઈએ છીએ. એક સમયે પતિ મૃત્યુ પામતો તો પત્ની તેની પાછળ સતી થતી, હવે પતિ પોતે જ પત્નીને સતી કરી મૂકે એની નવાઈ નથી.
આ સ્થિતિ સુધરી શકે એમ છે, પણ સરકારો એ દિશામાં સક્રિય થાય તો જ ફરક પડે. બંધારણે સૌને સમાન તકો આપી છે તો તમામ ફોર્મમાંથી જાતિ, ધર્મનાં ખાનાં દૂર થવાં જોઈએ. એને બદલે જ્ઞાતિ, પેટાજ્ઞાતિનાં ખાનાંઓ વધતાં જ આવે છે. બાળઉછેરમાં મોટે પાયે ફેરફારની જરૂર છે. છોકરા કે છોકરીને ઘરકામની તાલીમ સમાન ધોરણે અપાય તો કેટલાંક કામ છોકરા – છોકરીમાં જે ભેદ જન્માવે છે એ ન રહે. રસોઈ કે કચરાપોતાં કે વાસણકપડાં એ સ્ત્રીનાં જ કામ છે, એવી સમજ સ્ત્રીને નીચલે સ્થાને રાખે છે ને નોકરી-ધંધો કે અન્ય ક્ષેત્રો ઉચ્ચ સ્થાનો છે ને એ વાત ગેરસમજ ફેલાવે છે. રસોઈ સ્ત્રીનું જ કામ હોત તો રસોઈયાઓ પાક્યા ન હોત. એ પણ કમાલ છે કે રસોઇયો ઘરમાં રસોઈ કરતો નથી. કપડાં સ્ત્રીએ જ ધોવાં એવું હોત તો ધોબી શબ્દ જ અસ્તિત્વ ધરાવતો ન હોત. જો કે, એ ધોબી પણ ઘરમાં તો કપડાં નહીં જ ધોતો હોય. રસોઇયો કમાય છે, ઘરવાળી કમાતી નથી. ધોબી કમાય છે, ઘરવાળી વૈતરું કરે છે. જે ઘરકામ બહાર કરવાથી પુરુષને પૈસા મળે છે, એ કામ મહિલા – મા, પત્ની, બહેન હોવાને લઈને એમ જ કરે છે, પણ તેની કિંમત કુટુંબ કે સમાજને નથી. એથી સ્ત્રી નીચી ગણાઈ છે. જે કામ સ્ત્રી, પ્રેમને કારણે કરે છે એ કામ બહાર કરાવવામાં આવે તો કેટલો ખર્ચ થાય તે દાખલો દરેક પુરુષે ગણી જોવા જેવો છે.
બીજી એક સમજ પણ બદલવાની જરૂર છે ને તે એ કે સ્ત્રીએ પુરુષ સમોવડી બનવું જોઈએ. સ્ત્રી, સ્ત્રી છે ને જે છે તેમાં તે સંપૂર્ણ છે. તેનામાં એવું કૈં ખૂટતું નથી જે પુરુષ જેવા બનવાથી જ સરભર થાય. પાયાનો પ્રશ્ન તો એ છે કે સ્ત્રીએ પુરુષ જેવા થવું જ શું કામ જોઈએ? આ ભાવના જ સ્ત્રીમાં લઘુતા જન્માવે છે.
સંસારને સ્ત્રી વગર ચાલવાનું નથી એ વાતે દરેક સ્ત્રીએ ગૌરવ અનુભવવાની જરૂર છે. તંદુરસ્ત સ્પર્ધા દરેક ક્ષેત્રે અપેક્ષિત છે, પણ શત્રુતા તે તંદુરસ્ત સ્પર્ધા નથી. એક વાત સમજી લઈએ કે સ્ત્રી અને પુરુષ એક બીજાના વિરોધી નથી, પણ એકબીજાંના પૂરક છે અને બંનેનો એ ધર્મ છે કે એકબીજાંને માનથી જુએ. મહિલા દિવસે આટલું તો થઈ જ શકે ને એ પણ ધ્યાન રાખીએ કે આ માન મહિલા દિવસ પૂરતું જ સીમિત ના રહે. અસ્તુ !
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 માર્ચ 2021
![]()


ઘણીવાર વધારે પડતા મોટા દાવા કરવામાં આવે ત્યારે ઇતિહાસ વેર વાળતો હોય છે. જપાની મૂળના અમેરિકન અર્થશાસ્ત્રી યૉશિહીરો ફ્રાન્સીસ ફૂકુયામા સાથે આવું જ બન્યું છે. તેઓ પણ રઘુરામ રાજનની માફક વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી છે અને તેઓ પણ રાજનની માફક મૂડીવાદ અને માર્કેટ ઉપર ભરોસો રાખતા હતા. ૧૯૮૯-૯૦માં પૂર્વ યુરોપના સામ્યવાદી દેશોમાં સામ્યવાદી વ્યવસ્થા પડી ભાંગી. ૧૯૯૧માં સોવિયેત રશિયામાં સામ્યવાદનો અંત આવ્યો અને એમ લાગવા માંડ્યું હતું કે ચીન અને ક્યુબામાં પણ નજીકના ભવિષ્યમાં સામ્યવાદનો અસ્ત થઈ જશે. ફ્રાન્સીસ ફૂકુયામાએ એ ઘટનાઓનો અર્થ સમજાવતું એક પુસ્તક લખ્યું હતું જેનું શીર્ષક હતું; ‘ધ એન્ડ ઓફ હિસ્ટરી એન્ડ ધ લાસ્ટ મેન.’
મુક્ત બજાર અને મુક્ત સમાજ એ બન્ને જ્યાં સાથે હોય ત્યાં માનવીય સુખનું હોવું અવશ્યંભાવી છે એવું હિંમતભર્યું નિવેદન ત્યારે તેમણે કર્યું હતું. તેઓ આવા તારણ ઉપર એમ સમજીને પહોંચ્યા હતા કે સુખની શોધ અને સુખની પ્રાપ્તિ મૂળભૂત માનવીય વૃત્તિ છે. સુખ મેળવવા માનવી ઉદ્યમ કરે છે અને ઉદ્યમ કરવામાં જેટલાં ઓછાં નિયંત્રણો એટલો વધુ ઉત્સાહ અને જેટલો વધુ ઉત્સાહ એટલો વધુ લાભ એ સંસારનો નિયમ પણ છે અને અનુભવ પણ છે. બીજું સુખ મેળવ્યા પછી તેને બને એટલો લાંબો સમય ટકાવી રાખવાની ઈચ્છા એ પણ મૂળભૂત માનવીય વૃત્તિ છે. બંધિયાર નિયંત્રિત સમાજ સંપન્ન હોય તો પણ સુખી ન હોઈ શકે એ પણ સંસારનો નિયમ છે અને અનુભવ પણ છે. જો મુક્ત રીતે ઉદ્યમ કરવા મળતો હોય, મુક્ત રીતે સુખ રળી શકાતું હોય, મુક્ત રીતે તેમાં વધારો થઈ શકતો હોય અને જો મુક્ત રીતે તેને ભોગવી શકાતું હોય તો તેને ગુમાવી દેવાનો ખોટનો સોદો કયો મૂરખ કરવાનો એમ માનીને તેમણે ધ એન્ડ ઓફ હિસ્ટરીની જાહેરાત કરી દીધી હતી.
બરાબર ૨૬ વરસ પછી, ૨૦૧૮માં પ્રકાશિત થયેલાં તેમનાં પુસ્તક, ‘આઇડેન્ટિટી: ધ ડીમાન્ડ ફોર ડિગ્નિટી એન્ડ ધ પોલિટીક્સ ઓફ આઇડેન્ટિટી’માં તેઓ કહે છે કે સંપત્તિની થઈ રહેલી લૂટના વિકલ્પ તરીકે સમાજવાદ પાછો આવી શકે છે. બીજા શબ્દોમાં તેમણે પોતાની ભૂલ સુધારતા કહ્યું છે કે નિયંત્રણરહિત બજાર અને નિયંત્રણરહિત સમાજ માનવીય સમાજની અંતિમ અને કાયમી મંઝીલ છે એવો તેમણે જે અભિપ્રાય આપ્યો હતો એ ઉતાવળિયો હતો.
કોરોના વાઇરસ, લૉકડાઉન, અનલૉક, વેક્સિન વગેરે શબ્દો આપણી જિંદગીમાં ઉમેરાયા એને વર્ષ થવા આવ્યું, પણ આ બધાંની વરસી હજી વળી નથી. કોવિડ-19 રોગચાળાએ જાતભાતનું નવું ઊભું કર્યું છે અને તે અર્થતંત્ર, રાજકારણ, વૈશ્વિક લેવડ-દેવડ, સ્વાસ્થ્યથી માંડીને બધાં જ ક્ષેત્રે અસર કરે તેવું છે. જો કે વેક્સિનેશનની શરૂઆત થઇ છે ત્યારથી માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં કોણે કોને કેટલી વેક્સિન પહોંચાડી, કઇ પહોંચાડી, જથ્થો કેટલો જલદી પહોંચ્યોની ચર્ચાઓ પણ ચાલી છે. જે પણ દેશ વેક્સિન બીજા રાષ્ટ્રોને આપે છે તે પોતાના કૉલર ઊંચા કરવામાં જરા ય પાછી પાની નથી કરતો. વેક્સિનના ડૉઝ માત્ર વાઇરસને અલવિદા કહેવા નહીં, પણ પોતાની પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય દોસ્તીને મજબૂત કરવા માટે પણ કામે લગાડાયા છે. આ છે મુત્સદ્દીપણું, ડિપ્લોમસી. ડિનર ડિપ્લોમસી હવે આ રોગચાળામાં કંઇ થોડી કામે લાગવાની છે, તે હવે આખી દુનિયામાં વેક્સિન ડિપ્લોમસીની મોસમ ચાલી છે.