આજકાલ ભારતમાં ભમી રહ્યો છે એ કોરોના મહા રાક્ષસ છે. નાનપણમાં ‘ટચૂકડી ૧૦૦ વારતાઓ’-ની ચૉપડી વાંચેલી. એમાં કેટલીયે વારતાઓમાં રાક્ષસની વાત આવે, બોલતો ને હાંફતો ને ધૂણતો ને ફાંફાં મારતો જતો હોય – માણસ ગંધાય માણસ ખાઉં, માણસ ગંધાય માણસ ખાઉં. આ કોરોના એવો છે, કહો કે એથીયે ભૂંડો છે.
‘ધ વૉશિન્ગ્ટન પોસ્ટ’ આજે લખે છે કે ભારતમાં કોરોનાનો ઉછાળ અતિ ગમ્ભીર સ્વરૂપ પકડી રહ્યો છે. એ વિશ્વવ્યાપી ત્રીજો નવો ચેપ છે. સૂરતના એક સ્મશાનગૃહે એ છાપાના પ્રતિનિધિને જણાવ્યું કે રોજ ૧૦૦ શબ આવે છે, અમારી ચિમનીઓના સ્ટિલના બે પાઇપ નિરન્તરના વપરાશે કરીને પીગળી ગયા છે …
કોરોના-કોવિડની માહિતી WorldOmeter દર્શાવે છે :
વિશ્વમાં : કુલ કેસ : ૧૪,૩૧,૦૩,૭૯૫ : કુલ મૃત્યુ : ૩૦,૪૮,૯૦૧
ભારતમાં : કુલ કેસ : ૧,૫૫,૨૮,૧૮૬ : : નવા કેસ : ૨,૧૩,૪૭૨ કુલ મૃત્યુ : ૧,૮૧,૮૭૦ : નવાં મૃત્યુ : ૧,૩૨૦
આ આંકડા આ ક્ષણના છે, લખાતાં, પ્રકાશિત થતાં અને વંચાઈ રહેતાં, વધ્યા જ હોય, કેમ કે સર્વત્ર કોરોનાસંલગ્ન તમામ આંકડા નિત્યવર્ધમાન છે – સરકારો ખોટા આપે ને છાપાં છાપે, તે પછી પણ.
પહેલા વિશ્વયુદ્ધમાં ૨૦ મિલિયન મૃત્યુ થયેલાં, બીજમાં ૭૫ મિલિયન. ૧ મિલિયન = ૧૦ લાખ. આ આંકડા કોરોનાના આંકડા કરતાં મોટા છે !
કોરોનાને ઈશ્વરદત્ત ગણીએ ને યુદ્ધને માનવસરજિત કહીએ તો બધા દોષ સંસ્કૃતિઓમાં, સભ્યતાઓમાં અને પ્ર-ગતિશીલ આાચરવિચારમાં જોવા જોઈશે. કોરોનાને મૅનમેડ કહેવાયો છે, મનુષ્ય-સરજિત. કોઈકે તો એ માટે ચિનને દોષી ઠેરવ્યું છે. આ જો સાચું હોય તો એથી વધારે નઠારું ને ઘોર અ-માનવીય શું હોઈ શકે?
જો કે, ઈશ્વરમાં માનનારા ઘણા બધાઓ રોજ પ્રાર્થનાઓ કરે છે – હે ઈશ્વર ! બહુ થયું, બસ કર. પણ ઈશ્વરમાં માનનારા કેટલાક એમ પણ કહે છે કે જે થઈ રહ્યું છે એ ઈશ્વરની જ યોજનાથી થઈ રહ્યું છે, સહી લો.
વિજ્ઞાનમાં માનનારા અને વિજ્ઞાનીય દૃષ્ટિમતિ ધરાવનારાઓ એમ કહે છે કે જે થઈ રહ્યું છે એનાં ચૉક્કસ કારણો છે. એ કારણો મળી ગયાં છે ને રસી શોધાઈ ગઈ છે. અમુક સમયના અન્તરે હર્ડ ઈમ્યુનિટી વધશે ને લગભગ બચી જવાશે. 'લગભગ' એટલા માટે કે સૌએ જીવનશૈલી બદલવી પડશે, નહીં બદલે એમના બારામાં રસી કે કોઈ પણ ઔષધ નિષ્ફળ નીવડશે.
સમાજવિજ્ઞાનીઓ પ્રજાજનોનો વાંક જુએ છે – માસ્ક પ્હૅરતા નથી, સોશ્યલ ડિસ્ટન્સ જાળવતા નથી. એ લોકો સરકારોના પણ દોષ જુએ છે – કારગત ઉપાયો કરતી નથી. પ્રજાને માટે થાય એ કરે છે પણ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે સરકારોનાં લટિયાં એકબીજાં સાથે ઘણાં ગૂંચવાયેલાં છે.
એક જ રસ્તો છે : તમામ બાબતોથી શક્ય તેટલા દૂર થઈ જવું ને બસ ઘરમાં રહેવું. પણ સામો સવાલ એ છે કે જેઓ રોજે રોજ જાતમહેનતથી કમાયા પછી જ પેટનો ખાડો ભરી શકે છે એમને તો બહાર જવું જ પડવાનું, એમનું શું? મુમ્બઈના ધારાવીમાંથી ૨૫ હજાર જેટલા શ્રમજીવીઓએ વતનની વાટ પકડી છે. સામો સવાલ એ પણ છે કે વતનમાં ય એમને આશરો કેટલો ને કેવોક મળશે.
આ બધું જણાવનારા સૌ અંશત: સાચા છે. પણ કોરોના સ્વાયત્ત છે, નિરંકુશ છે, બેફામપણે પોતાનું કામ કરી રહ્યો છે. એ સંજોગોમાં કોઈને કશું પણ ચૉક્કસ – લાજવાબ – સૂઝતું નથી એ કરુણતા છે, એ મહા મોટી વાસ્તવિકતા છે.
કાવ્યો ને ગઝલો કરવાથી ગાયનો ગાવાથી નવલકથાઓ વાંચવાથી ફિલ્મો જોવાથી ઘડીભર સારું લાગે, પણ એ એક પ્રકારે તો પલાયન જ છે; અને એ પલાયન પણ ક્યાં લગી?
મેં હમણાં જ એક ફિલ્મ જોઈ ‘ધ પિયાનિસ્ટ’. ૧૯૩૯થી ૧૯૪૫ સુધી વિસ્તરેલા બીજા વિશ્વયુદ્ધમાં એક પોલિશ પરિવાર ફસાયું હોય છે. પુત્ર, સુખ્યાત પિયાનોવાદક, વિખૂટો પડી જાય છે ને બૉમ્બાર્ડિન્ગથી ધ્વસ્ત શેરીઓમાં ને ઘરોમાં આશરા ને મદદો શોધતો અથાક ભટકે છે … વગેરે, વગેરે.
સત્તાથી થતા હજારો નિર્દોષોની નિર્ઘૃણ હત્યાઓને હું સહી શકેલો નહીં. લાઈનમાં ઊભા રાખે, તું બહાર આવ, તું બહાર આવ, કરી લાઈનની બહાર કરે ને એ દરેકને વારાફરતી ગોળી મારે. પેલાઓ ઢળી પડે. લાશોનો ઢગલો કરાય ને પછી બાળી નંખાય.
એ અમેરિકન ઍક્ટર ઍડ્રિયન બ્રોડીની સર્જકતાભરી કલાએ મને ખુશ કરેલો. બ્રોડીને આ ફિલ્મમાં ૨૦૦૩માં લીડિન્ગ રોલ માટે ઍકેડેમી અવૉર્ડ અપાયેલો, ત્યારે એ માત્ર ૨૯-નો હતો, ૧૯૭૩માં જન્મ્યો છે.
પણ છેલ્લે હું ખૂબ વ્યથિત હતો.
ધર્મ, સાહિત્ય કે કલાઓ આજે સમ્મૂઢ ભાસે છે – સત્પ્રયાસ ભરપૂર કરે છે, તો પણ. આંશિક સત્ય, જૂઠાણાં અને પોસ્ટ ટ્રુથ વચ્ચેનો ભેદ ભુસાઈ ગયો છે. આ બધાનો આડકતરો અર્થ એ છે કે માણસ ઇચ્છે તો પણ અર્થ શોધી શકતો નથી. અનર્થની આ પરમ કોટિ છે.
મેં એક ઍપિગ્રામ લખ્યો છે :
અનર્થમાં અર્થ ન શોધ
આકાશને ન માપ
અર્થ પણ ક્યારેક અનર્થ હતો
આકાશ આકાશી ખયાલ છે
= = =
(April 20, 2021: USA)
![]()


‘ઓપિનિયન’ દોઢ દાયકા સુધી મુદ્રિત રૂપે, ત્રણ વર્ષ ડિજિટલ અવતારે અને છેલ્લાં સાત વર્ષથી ઓનલાઇન સામાયિક રૂપે સતત પ્રગટ થતું રહ્યું. તેની સર્વસમાવેશી નીતિ અને લેખકોની સ્વાયત્તતા જાળવી રાખવાનું ધ્યેય દાદ માગી લે તેવું ખરું. નિબંધો, લેખો, કાવ્યો અને વાર્તાઓનાં માધ્યમથી ડાયસ્પોરિક સાહિત્યને સંગોપીને સુરક્ષિત રાખવાનું કાર્ય પા સદીથી ચાલ્યું આવે એ નાની સૂની સિદ્ધિ નથી. તે માટે તેના સંસ્થાપક અને સંચાલક તેમ જ તેને ધબકતું રાખનારા સહુ ધન્યવાદને પાત્ર ઠરે.
1981માં ગુજરાત સરકાર દ્વારા ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ની સ્થાપના થઇ. મૂળે તો સાહિત્યના સંરક્ષણ અને સંવર્ધનનો હેતુ. અકાદમી સ્વાયત્ત સંગઠન હોવાથી તેના અધ્યક્ષની ચૂંટણી સામાન્ય સભાના સભ્યોના મતદાનથી થતી. અનેક નામાંકિત સાહિત્યકારોએ અકાદમીનું અધ્યક્ષ પદ શોભાવેલું. 1991માં સ્વ. મનુભાઈ પંચોલીની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવી. દર્શક બીજી મુદ્દત માટે બિનહરીફ ચૂંટાઈ આવેલા અને તેમના પછી પણ અકાદમીને ચૂંટાયેલા પ્રમુખો મળેલા. તેમણે પોતાના કાર્યકાળ દરમ્યાન અન્ય સાહિત્યકારોનો સાથ લઈને સ્વાયત્ત અકાદમીનું બંધારણ ઘડ્યું, જે મંજૂર પણ થયું. મુશ્કેલી એ થઇ કે બંધારણ ધારાસભામાં પસાર થયેલું ન હોવાથી તેને સરકાર બદલી શકે તેમ હતું; અને થયું પણ તેમ જ. મનુભાઇના કાર્યકાળ દરમ્યાન અર્જિત થયેલી મહત્તમ કક્ષાએ પહોંચેલી સ્વાયત્તત હાથમાંથી સરી
ગઈ. 2003થી 2015 સુધી સરકારે ચૂંટણીનું આયોજન ન કર્યું હોવાને લીધે કામ ચાલુ રજિસ્ટ્રાર અને ખેલકૂદ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સેક્રેટરી દ્વારા અકાદમીનું સંચાલન થતું રહ્યું. 2015માં ગુજરાતીના લેખક અને નિવૃત્ત આઈ.એ.એસ. ઓફિસર ભાગ્યેશ ઝ્હાની ચૂંટણી યોજ્યા વિના નિમણૂંક થઇ. તેના પ્રતિભાવ રૂપે ગુજરાતી સાહિત્ય પરિષદ અને બીજા નામાંકિત સાહિત્યકારોની આગેવાની હેઠળ Autonomous Academy Agitation – સ્વાયત્ત અકાદમી આંદોલન શરૂ થયું.


હતા. તેઓ મહિલાઓનો આદર કરતા. તેમણે ખેત ગુલામી પ્રથા નાબૂદ કરી. આ પુસ્તક હિન્દી, ઇંગ્લિશ, કન્નડ, ઉર્દૂ અને ગુજરાતીમાં અનુવાદિત થયું. આ વાત હિંદુત્વવાદના પ્રચારકોની માન્યતા વિરુદ્ધ હોવાને કારણે ગોવિદ પાનસરેની હત્યા કરાઈ. અંતિમવાદી વિચાર ધરાવનારાઓ સામે સત્ય હકીકત રજૂ કરવાની આ સજા. લોકોએ આ ક્રૂરતાનો જવાબ પાનસરેના પુસ્તકો વધુ સંખ્યામાં ખરીદીને વાળ્યો.
ગૌરી લંકેશના ઘરની બહાર જ તેમની હત્યા કરાઈ. કારણ? જમણેરી અંતિમવાદી હિન્દુ વિચારોનું ખંડન કરવાની હિંમત દાખવવી, જેને માટે તેમને Anna Politkovskaya પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેઓ મહિલાઓના અધિકારો માટે ઝુંબેશ ચલાવતાં અને જ્ઞાતિ આધારિત ભેદભાવ વિરુદ્ધ ચળવળ કરતાં. સંઘ પરિવારના સૂફી પવિત્ર સ્થાનને હિન્દુ સ્થાનકમાં ફેરવી નાખવાના પ્રયાસને તેઓએ વખોડેલો. જ્ઞાતિ અને લિંગભેદના સંદર્ભમાં તેમણે કહેલું, હિન્દુઈઝમ એ કોઈ ધર્મ નથી, એ તો સમાજની સ્તરીકરણની વ્યવસ્થા છે. ભારતીય જનતા પક્ષના ત્રણ સભ્યો સામે ઝવેરીઓને છેતરવા બદલ કેઈસ કરવા માટે તેમના પર બદનક્ષીનો દાવો કરવામાં આવેલ.



ભારતીય ન્યાયતંત્રનું એક મહત્ત્વનું અને અનોખું અંગ પી.આઈ.એલ. (પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન) કે જાહેરહિતની અરજીઓ છે. આ એક એવું કાયદાકીય અને ન્યાયિક ઉપકરણ છે જેના દ્વારા મોંઘા ન્યાયથી વંચિત, સમાજના નબળા વર્ગો સામાજિક-આર્થિક ન્યાય મેળવી શક્યા છે. સાચો, સટીક, સસ્તો ન્યાય તેના દ્વારા સુલભ થયો છે. જનહિતની અરજીઓ પરના દેશની સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતોના ચુકાદાઓમાં અદાલતોની ન્યાયિક સક્રિયતાનો વિસ્તાર જોવા મળે છે. સામાન્ય અદાલતી મુકદ્દમાથી અલગ, જેમાં જાહેર હિત કે જનહિત સમાયેલું હોય તેવી આ અરજી, અદાલતોમાં ન માત્ર પીડિત પક્ષ દાખલ કરી શકે છે, કોઈ પણ નાગરિક, સંસ્થા-સંગઠન કે ખુદ અદાલત જાતે પણ પીડિતના પક્ષે દાખલ કરી શકે છે.