હાલમાં દેશમાં આસામ, તામિલનાડુ, કેરળ અને બંગાળ એમ ચાર રાજ્યોમાં ચૂંટણી થઈ, પરંતુ નરેન્દ્ર મોદીને તો જાણે બંગાળ જ સર કરવું હોય એમ દિલ્હી-કોલકાતા વિમાનની ઊડાઊડ ચાલી! સામે મમતાની વ્હિલચૅરની હરીફાઈ : પરિણામ આવતાં જ સસલા-કાચબાની વાર્તા યાદ આવી ગઈ !
પરિણામો આગોતરાં જાહેર કરનાર તમામેતમામ ખોટાં ઠર્યાં. કોરોનાકાળમાં આ ચૂંટણી એક રાષ્ટ્રીય ઉત્સવ બની ચૂકી હતી. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનની ગરિમા બાજુએ મૂકીને અઢાર રેલીઓ કરીને, રણશિંગુ ફૂંકીને એક યુદ્ધનું એલાન કર્યું હોય એવો માહોલ હતો. રાજ્યની ચૂંટણી રાષ્ટ્રીય ચૂંટણીમાં પરિવર્તિર્ત થઈ ચૂકી હતી. આખી કૅબિનેટ, ઢગલો સાંસદ, ભા.જ.પ.ના મુખ્ય મંત્રીઓ અને સેંકડો કાર્યકરોએ બંગાળ ઘમરોળી નાખ્યું હતું. શુભેન્દુ જેવા ઘણા વિપક્ષી નેતાઓને ભા.જ.પ.માં સામેલ કરવા ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં નહોતો કર્યો એટલો સાતથી આઠ હજાર કરોડનો ખર્ચ કર્યો. ચૂંટણી આયોગને ય આગોતરું કામે લગાડ્યું હતું. લોકસભામાં ઈ.સ. ૨૦૧૯માં જે વિસ્તારોમાંથી ભા.જ.પ. ચૂંટાયેલું ત્યાની ચૂંટણી પહેલા યોજવાની. ટી.એમ.સી. પ્રભાવિત જિલ્લાઓને બે-ત્રણ-ચાર ભાગમાં વિભાજિત કરી નાખવાના, ચૂંટણી આઠ તબક્કામાં જેવા નાના-મોટા ખેલ પણ પડ્યા, છતાં ય પરિણામ ન મળ્યું.
બસોથી વધુ બેઠકોનો હુંકાર અમિત શાહે કરેલો એ તો ક્યાં ય દૂર રહી ગયો. રાષ્ટ્રીય ચૂંટણીમાં સેનાસમેત પધારેલ રાષ્ટ્રીય નાયકે દીદી … ઓ … દીદીનો વરવો અભિનય કરેલો. ‘અમે હાથપગ ચલાવીશું તો બૅન્ડેજ પણ ઓછાં પડશે’ … જેવી દિલીપ ઘોષની કે ‘બીજી મે પછી ટી.એમ.સી.ના કાર્યકરોએ જાનની ભીખ માંગવી પડશે,’ એવી યોગીજીની ધમકીઓ. આમ સામ, દામ, દંડ, ભેદ બધું ય ચાલ્યું, છતાં ય ભા.જ.પ.ને લોકસભા કરતાં ૩% વોટ ઓછા મળ્યા. લોકસભામાં ૪૧% મળ્યાં હતા. આ વખતે ૩૮% જ મળ્યા.
મોદી બ્રાંડ રાજનીતિનો પરાભવ એનાં કારણો અને એની આગામી અસરો ખૂબ જ મહત્ત્વની બની રહેવાની. ચારમાંથી ત્રણ રાજ્યોમાં સમાંતરે મોદી બ્રાંડ રાજનીતિનો પરાભવ થયો. તરત જ ઉત્તર પ્રદેશની સ્થાનિક ચૂંટણીમાં પણ એનો પ્રભાવ દેખાય છે. મોદી બ્રાંડ રાજનીતિની લોકપ્રિયતામાં આવેલી ઓટનું આ સીધું પરિણામ છે. જે લોકસભાના વિસ્તારો ભા.જ.પે. જીતેલા એ વિસ્તારોમાંથી ૧૨૨ ધારાસભ્યો જીતવા જોઈએ. જેમાંથી પચાસ જેટલા ઓછા છે, તેથી એવું આશ્વાસન લેવાનું કે અમે ત્રણમાંથી આટલે પહોંચ્યા એ મન મનાવવાની વાત છે, તોતિંગ ભીડ મતમાં પરિવર્તિત ન થઈ.
બંગાળ જ મોદીજીની ચિંતાનું કારણ કેમ હતું એ સમજી શકાય તેમ છે. બંગાળ રાજા રામમોહનરૉયથી આજ લગી સર્વધર્મસમભાવની નીતિવાળું છે. એ જીતી બહુસંખ્યક રાજનીતિનો દબદબો કરવાનો મોદીજીનો મનોરથ હતો. એમની લડાઈ મમતા સામે નહીં, વિકાસ માટે નહીં, પણ પરિવર્તન માટે હતી. પરિવર્તન એટલે સર્વધર્મસમભાવમાંથી બહુસંખ્યક રાજનીતિનું પરિવર્તન, પણ ધ્રુવીકરણની લડાઈ પ્રજામિજાજને અનુકૂળ ન આવી. હિંદુબહુલ વિસ્તારમાંથી ટી.એમ.સી.ને ખૂબ મત મળ્યા છે; મુસ્લિમોના વોટ ઓવૈસીને, કૉંગ્રેસને નથી મળ્યાઃ આ પરિવર્તન થયું. ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર માટે જરૂરી પરિણામ આવ્યું.
મમતાને અગાઉ વિધાનસભામાં કે લોકસભામાં ન મળ્યા હોય એટલા મત મળ્યા ! એનો અર્થ એ થાય કે શાહીનબાગ અને કિસાનઆંદોલને ઊભી કરેલી હવા એમને ફળી. ૬૨% મત ભા.જ.પ.વિરોધમાં પડ્યા છે. જો રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યથી રાજ્યની ચૂંટણીને જોઈએ તો વિપક્ષને આટલા બધા મત મળવા એ રાષ્ટ્રીય નાયકનો પરાભવ છે. સ્થાનિક અસ્મિતા અને હિંદુત્વનું રંગીન શરબત ત્રિપુરાને માફક આવી ગયું અને ડાબેરી સરકાર ગઈ હતી. અહીં પણ એ જ નીતિ અખત્યાર થઈ. બંગાળમાં એક કરોડ લોકો હિન્દીભાષી છે. આ હિન્દીભાષી લોકોને બંગાળના નવજાગરણનો એટલો પરિચય નથી, તેથી એ સાંપ્રદાયિક સૂત્રોચ્ચારમાં ફસાઈ જાય પણ ખરા. તેથી ‘જય શ્રીરામ’નું ચાલ્યું. ‘જય શ્રીરામ’ અવશ્ય બોલવું જોઈએ. મંદિરમાં જઈ બોલો, ધર્મનું સંમેલન હોય ત્યાં બોલો, જ્યાં હનુમાનચાલીસા કે રામાયણનો પાઠ ચાલે ત્યાં બોલો, પણ ચૂંટણીની સભામાં ‘જય શ્રીરામ’? આ તો લોકતંત્રમાં સંવિધાનને બાજુએ મૂકીને ધર્મને કેન્દ્રમાં મૂકવાની જ મોદી બ્રાંડ રાજનીતિ થઈ. જો ધર્મ આટલો જ પ્રિય હોય તો સંત બની જાવ, સંકીર્તન કરો. રાજનીતિને પ્રદૂષિત ન કરો. ‘કસમ રામ કી ખાતે હૈં, વિધાનસભા હમ બનાયેંગે’ … આવાં સૂત્રો આ પ્રદૂષણનો જ ભાગ છે. ‘હિન્દુ હિન્દુ ભાઈભાઈ, દૂસરી જાતિ કહાઁ સે આઈ?’ જેવા સૂત્રોચ્ચાર માટે ચૂંટણીઆયોગે હરફ સરખો ય ઉચ્ચાર્યો નથી.
મોદી બ્રાંડ રાજનીતિમાં ધર્મ રાજનીતિથી મોટો છે, તેથી કોરોના ગમે તેટલો વકરે પણ કુંભનો મેળો તો થવો જ જોઈએ. ધર્મનિરપેક્ષતા વિરુદ્ધ બહુસંખ્યક સાંપ્રદાયિક રાજનીતિમાં આ ધર્મનિરપેક્ષતાનો વિજય છે બંગાળનું પરિણામ. અહીં મમતાનો વિજય મહત્ત્વનો નથી, કૉંગ્રેસ-ડાબેરીની હાર મહત્ત્વની નથી. મોદી બ્રાંડની ‘મિશન બંગાલ’ની રાજનીતિનો પરાભવ મહત્ત્વનો છે. ભા.જ.પે., ભા.જ.પ.માં ભળી ગયેલાએ આ મોદીબ્રાંડમાંથી બહાર નીકળવું જરૂરી છે. કિસાન-આંદોલનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે બંગાળની ચૂંટણી ટ્રેલર છે, ફિલ્મ હજુ બાકી છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, મોદી સરકાર કોરોનામાં સરિયામ નિષ્ફળ ગઈ છે ત્યારે બંગાળની ચૂંટણી ખુદ ભા.જ.પ.ને પુનઃ વિચાર કરવાની તક આપે છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 06
![]()


બીજી મેની ધોમધખતી બપોરે દોઢ વાગ્યાની આસપાસ કોલકાતાથી અંતરા-દેવસેનનો મૅસેજ આવે છે કે, ‘ભાલો ખેલા હોલો’. દેશદુનિયાની જેના પર નજર હતી એ બંગાળ વિધાનસભાનાં પરિણામો આવવા માંડ્યાં હતાં. મમતા બેનરજી સતત ત્રીજી વાર અને પહેલાં કરતાં વધારે બહુમતીથી બંગાળમાં સરકાર બનાવવા જઈ રહ્યાં હતાં. બંગાળમાં ‘ખેલા હોબે’નો નારો લોકજીભે હતો અને હરકોઈ ખેલા જોવા આતુર હતું. આ પરિણામો દેશની દશા-દિશા પર ઘેરી અસર કરવાનાં હતાં એ સૌ કોઈ જાણતું હતું.
અંતે વાત આ સમગ્ર ખેલામાં સૌથી અનોખા ઉમેદવાર મનોરંજન બ્યાપારી વિશે. એમની જીવનયાત્રા એક ચમત્કારથી ઓછી નથી. મનોરંજન બ્યાપારીનું બાળપણ અત્યંત ગરીબીમાં ફૂટપાથ અને ચાની લારી પર વાસણ ધોતાં પસાર થયું છે. શાળામાં જવાનું તો સ્વપ્નમાં પણ શક્ય નહોતું. યુવાનીમાં આંદોલનકારી તરીકે જેલવટો ભોગવવાનો આવ્યો. કાળા અક્ષરો જોડે પહેલી વાર પનારો પડ્યો. જેલમાં જ જાતે શિક્ષિત થયા. વાંચવાનું-લખવાનું શરૂ કર્યું. જેલમાંથી છૂટ્યા બાદ દાયકાઓ સુધી કોલકાતાની સડકો પર પેદલ રીક્ષા ખેંચવાનું કામ કર્યું. એક દિવસે એમની પેદલ રીક્ષામાં જે સવારી આવી એણે મનોરંજન બ્યાપારીનું જીવન જડમૂડળથી બદલી નાંખ્યું. તે સવારી એટલે જ્ઞાનપીઠ પુરસ્કૃત જગવિખ્યાત લેખિકા મહાશ્વેતાદેવી. તેઓ હાંસિયામાં ધકેલાયેલા લોકો માટે ફરિસ્તા સમાન હતાં. એમણે મનોરંજનની વાતો સાંભળીને લખવા માટે પ્રેરિત કર્યા. મહાશ્વેતાદેવીએ એમની વાર્તાઓ અને લેખો છાપવા માંડ્યાં. જોતજોતાંમાં બંગાળભરમાં સાહિત્યકાર તરીકે એમની ખ્યાતિ વધવા માંડી. એમનાં ઘણાં પુસ્તકો અંગ્રેજીમાં અનુવાદિત થયાં, ચર્ચિત બન્યાં અને મનોરંજન બ્યાપારીની ખ્યાતિ બંગાળના સીમાડાઓ ઓળંગી ગઈ. એમની આત્મકથાના અંગ્રેજી અનુવાદ ‘ઈન્ટરોગેટિંગ માય ચાંડાલ લાઇફ’ને ૨૦૧૯નું બહુ પ્રતિષ્ઠિત ‘ધ હિન્દુ લિટરરી’ સન્માન મળ્યું. મમતા બેનરજીએ સૌ પ્રથમ વાર બંગાળ દલિતસાહિત્ય અકાદમીનું ગઠન કર્યું ત્યારે મનોરંજન બ્યાપારીને એના પ્રથમ અધ્યક્ષ બનાવ્યા. આ ચૂંટણીમાં એમનો રાજકારણમાં પ્રવેશ થયો. તૃણમૂલના ઉમેદવાર તરીકે બાલાગઢ વિધાનસભા ક્ષેત્રથી ભારે બહુમતીથી ચૂંટાઈ આવ્યા. મનોરંજન બ્યાપારી જેવા ‘માટીર માનુષ’ ઉમેદવારનું ચૂંટાવું ભારતીય લોકશાહીમાં આપણી આસ્થાને મજબૂત કરે છે.
મમતા બેનરજીની ઝળહળતી ફતેહનો સીધો સંદર્ભ અલબત્ત કોલકાતાની રાજવટ છે, પણ એનાં મનોવૈજ્ઞાનિક આંદોલનો બેલાશક દેશવ્યાપી છે. ભા.જ.પ.ના અશ્વમેધ અભિલાષને દિલ્હીમાં આપ અને અરવિંદ કેજરીવાલે ક્યારેક ભોંઠામણનો જે અનુભવ કરાવ્યો હશે, પશ્ચિમ બંગાળમાં એવી જ આકરી ભોંઠામણ એને મમતા બેનરજીએ કરાવી છે : વ્હિલચૅરમાં અહીંતહીં સઘળે ફરી વળતાં મમતા અને બસો જેટલાં ચાર્ટર વિમાન ને હેલિકૉપ્ટરો વાટે ગરુડે ચડી ગિરધારી પેઠે દિલ્હીથી ઊતરી આવતી ન.મો.-અમિત મંડળી : આ બે સામસામાં ચિત્રો વચ્ચે મતદારને મમતા સ્વાભાવિક જ પોતાનાં પૈકી ને પોતાનાં લાગ્યાં.