પ્રિય બાપુ,
હું અમદાવાદમાં વર્ષોથી રહું છું, છતાં તમારા હૃદયકુંજની મુલાકાતે ભાગ્યે જ હું આવ્યો છું. હું જ નહીં, મોટા ભાગના અમદાવાદીઓ અને ગુજરાતીઓની આ સ્થિતિ છે. ૧૯૧૭માં તે કોચરબ આશ્રમ છોડી અમદાવાદના સીમાડે (ત્યારે આ સીમાડો જ હતો) સત્યાગ્રહ આશ્રમની શરૂઆત કરી હતી, જેને આજે લોકો ગાંધી આશ્રમ તરીકે ઓળખે છે. આમ તો હવે આશ્રમ શબ્દ કાને પડે એટલે મન અનેક તર્કર્વિતક કરવા લાગે. કારણ છેલ્લાં વર્ષોમાં અનેક બાબાઓએ પોતાના આશ્રમ ખોલી કઈ પ્રવૃત્તિઓ કરી તેનાથી બધા વાકેફ છે, પણ આ બધા કરતાં તારો આશ્રમ ખૂબ જુદો છે. કારણ જે આશ્રમની માટીમાં તમે, સરદાર, મહાદેવભાઈ, કૃપાલાણીજી જેવા અનેક સત્યાગ્રહીઓ ચાલ્યા તે માટીમાં હજી પણ સત્યાગ્રહની મહેક છે. હું સોમનાથ મંદિર પણ ગયો છું અને દ્વારકા પણ ગયો છું અને હું તારા આશ્રમના હૃદયકુંજ સામે પણ હું ઊભો રહ્યો છું, પરંતુ સોમનાથ અને દ્વારકા કરતાં અહીંયાં જુદો જ અનુભવ થયો છે.
સોમનાથ અને દ્વારકામાં જ નહીં, કોઈ પણ મંદિરમાં હું તો કાયમ યાચક બનીને જ ઊભો રહું છું, પરંતુ હૃદયકુંજમાં આવ્યા પછી તારી પાસે માંગવાની હિંમત થતી નથી, કારણ તારી ફકીરી, સાદગી, તારો પ્રેમ, તારી સહિષ્ણુતા અને સારી સમજ ઝીલવાની મારામાં હિંમત નથી, એટલે જ કદાચ હું અને મારા જેવા અનેકો તારાથી પોતાને દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. મને ખબર છે, એક વખત તારી પાસે આવ્યા પછી તારાથી છૂટવું અશક્ય છે એટલે જ મારા જેવા લોકો પોતાનાં સંતાનોને સત્યાગ્રહ આશ્રમ બતાવવાને બદલે રિવરફ્રન્ટ, સાયન્સસિટી અને સ્ટેચ્યૂ ઑફ યુનિટી બતાવે છે, પણ તારું હૃદયકુંજ દેખાડતા નથી. અમને ડર લાગે છે કે ક્યાંક અમારો માંહ્યલો જાગી જશે, તો અમને તું ગમે છે પણ તારા રસ્તે ચાલવું પરવડે તેમ નથી.

બાપુ તું કહીશ, એમાં શું, બહુ સરળ રસ્તો છે. પણ અમને ખબર છે તારો રસ્તો સરળ નથી કારણ તું જે રસ્તે ચાલ્યો, તે રસ્તે ચાલવામાં તેં ઘણી કિંમત ચૂકવી છે. તારા જ દીકરા તારાથી નારાજ હતા, અને કસ્તૂરબાએ તો માત્ર તમારી સંગિની હોવાની કિંમત ચૂકવી છે. તું ઈશ્વર નથી. તેની મને ખબર છે, પણ હવે તને ઈશ્વર બનાવવો જ પડશે, તેવું કેટલાક લોકોએ નક્કી કર્યું છે. તને ઈશ્વર બનાવી તેઓ અમને તારાથી દૂર કરવા માગે છે. મને ખબર છે જો તને ગોળીઓથી નહીં પણ તોપથી ફૂંકી માર્યો હોત તો પણ તું મરવાનો નહોતો. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના અબજો લોકોનાં હૃદયોમાં, તું આજે પણ જીવે છે, એટલે જ તારી સાદગી, તારી ફકીરી અને તારી લડાયકતા અનેકોને ખટકે છે. તેમણે નક્કી કર્યું કે તારી પાસેથી તારી ફકીરી અને સાદગી છીનવી લેવી છે, એટલે તારા હૃદયકુંજને હવે વર્લ્ડ ક્લાસ બનાવવામાં આવશે.
તારા ખંડેર થઈ રહેલા હૃદયકુંજના મેદાનમાં રહેલી માટીથી કોઈના પગ ગંદા થશે નહીં. ત્યાં વિદેશી માર્બલ બિછાવી દેવામાં આવશે, વિશ્વના શ્રેષ્ઠ આર્કિટેક્ટ, વિશ્વનાં ઉત્તમ એમપી થિયેટર, વિશ્વમાં જે કઈ ઉત્તમ છે. તેવું બધું અહીંયાં બનાવી દેવામાં આવશે. જે રસ્તે દાંડી ગયો હતો, તેને ભવ્ય બનાવી દેવામાં આવશે, કારણ તારી સાદગીની ભવ્યતા અમને રાઝ આવતી નથી. તારી સાદગી અને સહિષ્ણુતા અમને સતત અમે હીન અને ઊતરતા છીએ, તેની યાદ અપાવે છે. એટલે જ તારું અને તારા ઘરનું રિડેવલપમેન્ટ કરવાનો અમે નિર્ણય કર્યો છે. અમને ખબર છે, તને આ જરા પણ ગમશે નહીં, કારણ તને તો તારી પ્રતિમાઓ મુકાય તે પણ મંજૂર નહોતું, પણ અમારા પ્રેમ સામે તારે કાયમ લાચાર રહેવાનું છે, હવે તારા આશ્રમને અમે નવાં વર્લ્ડ ક્લાસ બનાવીશું.
બાપુ, હું તને એટલા માટે આ પત્ર લખી રહ્યો છું કે ક્યાંક તું પાછો ફરે અને તને તારો આશ્રમ મળે જ નહીં. કદાચ તને એવું લાગે નહીં તે માટે તને જાણ કરી રહ્યો છું કે હમણાં રિડેવલમેન્ટનું કામ ચાલુ છે, એટલે પાછા ફરવાની ઉતાવળ કરતો નહીં. તારા આશ્રમવાસીઓને ઘરના બદલે ઘર આપવાનું કામ ચાલુ છે, એટલે તેમની ચિંતા કરતો નહીં, બાકીના લોકોની ચિંતા કરવાની જરૂર નથી, કારણ તેમની સંપન્નતાને કોઈ આંચ આવે તેમ નથી. તેમણે તારા નામે તેમની સાત પેઢીની વ્યવસ્થા કરી રાખી છે. ચાલ, મારી પાસે બીજાં પણ કામ છે. હું કઈ તારી જેમ ફુલટાઇમ સત્યાગ્રહી નથી. મારા ઘરે પણ હરિ અને કસ્તૂરબા છે. પાછાં તે ક્યાંક નારાજ થઈ જશે. સમય મળે પત્ર દ્વારા હું તને અહીંયાં શું ચાલી રહ્યું છે, તેનાથી અપડેટ કરીશ. સરદાર, નહેરુ સહિત તારા બધા સાથીઓને મારા રામરામ કહેજે.
તારો
પ્રશાંત
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 07
![]()






અમદાવાદના સાબરમતી આશ્રમને ‘વિશ્વકક્ષાના સ્મારક”(વર્લ્ડ ક્લાસ મેમોરિયલ)માં તબદીલ કરવાની સરકારી પરિયોજનાના રાષ્ટ્રવ્યાપી વિરોધનો આરંભ કરનારા પ્રકાશ ન.શાહ, ગણેશ દેવી અને આનંદ પટવર્ધનના જાહેર નિવેદન પર મેં પણ સહર્ષ હસ્તાક્ષર કર્યા છે. હું ગાંધીનો વંશજ છું કે ગાંધીનું મેં વિશદ અધ્યયન કર્યું છે એટલા માટે મેં તેના પર હસ્તાક્ષર કર્યા નથી, પરંતુ સાબરમતીના તટે સહેલાણીઓને આકર્ષવા સતત ઊભાં કરાતાં માળખાં ગાંધીના આશ્રમને ગળી તો નથી જતાં, પણ તેને નગણ્ય બનાવી દે છે તે વિચાર મારા વિરોધપત્ર પર હસ્તાક્ષરનું મુખ્ય કારણ છે.