આજે આન્તરરાષ્ટ્રીય ભાષાન્તર-દિવસ છે.
એટલે મને થયું કે વિદેશી સાહિત્યનાં ભાષાન્તરો બાબતે મારે કંઈક કહેવું જોઈએ. એ વિશે મેં એક લેખ કરેલો એના કેટલાક અંશ અહીં ફરીથી મૂકું છું :
આજની પેઢીને, સ્વાભાવિક છે કે ગાંધીવાદી મગનભાઇ પ્રભુદાસ દેસાઇનાં નામ-કામની જાણ ન હોય. ‘સત્યાગ્રહ’ પત્રિકાના તન્ત્રી. ‘સત્યાગ્રહની મીમાંસા’ એમનું જાણીતું પુસ્તક. આવાં જ સુખ્યાત બીજાં બે નામ છે, પુ.છો. પટેલ અને ગોપાળદાસ જીવાભાઇ પટેલ.
ગાંધીદર્શનના જ્ઞાતા મગનભાઇ એક દિવસ, ૧૯૫૦ આસપાસ, પુ.છો.-ને કહે છે : ‘પુ. ]છો. પટેલ ! પચાસ વર્ષ બાદ અંગ્રેજી અને બીજી ભાષાઓ સારી રીતે જાણનારા ગુજરાતમાં બહુ ઓછા લોકો હશે.’ દેસાઇએ પછી જે કહેલું તે ગાંધીજીએ કહેલું એવું જ હતું. કહે, ‘વિદેશી ભાષાઓમાં જે ઉત્તમ સાહિત્યનો ખજાનો પડેલો છે, તેને આપણે ભાવિ પેઢીઓ માટે ગુજરાતમાં લાવવો જોઇએ.’ ઉમેર્યું કે ‘એ બધું વિશ્વ-સાહિત્ય ઉત્તમ રીતે ગુજરાતીમાં લાવવા માટે તમો શ્રી. ગોપાળદાસ પટેલની સેવા લઇ શકો છો. તેઓ વિશ્વ-સાહિત્યની કથન-કલામાં સિદ્ધહસ્ત નીવડેલા સ્વતંત્ર મિજાજના લેખક-અનુવાદક છે. આ કાર્યમાં તમને યશભરી સફળતા, સંતોષ અને પરમ આનંદ મળશે. તથા તમારું અને સાથી કાર્યકરોનું જીવન ધન્ય ધન્ય થઇ જશે.’
દેસાઇની એ ભલી સિફારસ પછી ‘પરિવાર પ્રકાશન સહકારી મન્દિર લિમિટેડ’ શરૂ થાય છે, ‘વિશ્વસાહિત્ય અકાદમી’ સ્થપાય છે. છેલ્લે, રાજપથ ક્લબ સામે ‘રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ’ શરૂ થાય છે. ટ્રસ્ટ, ‘ગ્રંથમાળા’ શરૂ કરે છે. પ્રકાશક અનંતભાઇ ડી. પટેલ પુસ્તકાકારે આહલેક પોકારે છે, ‘ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારો !’ (૨૦૦૩ : પૂર્વોક્ત અવતરણો એમાંથી છે).

Picture courtesy : English Pen
એ સમગ્ર ગાળા દરમ્યાન ટૉલ્સટૉય, વિક્ટર હ્યુગો, ડૂમા, ડિકન્સ, સ્કૉટ, ડસ્ટયેસ્કી (દૉસ્તોએવસ્કી), આનાતોલ, વગેરેની સૃષ્ટિઓમાંથી અનેક કથા-કૃતિઓને ગુજરાતીમાં ઉતારવા માટેનો જાણે યજ્ઞ મંડાયો હતો. દેસાઇ-વાણી સાચી પડેલી. અનુવાદ-યજ્ઞના ઋત્વિજોને – ગોપાળદાસ ઉપરાન્ત, પુ.છો. અને સાથીઓને, યશભરી સફળતા, સંતોષ અને આનન્દ સાંપડ્યાં હતાં.
ગોપાળદાસ, લૅરી કૉલિન્સ અને ડૉમિનિક લૅપિયરકૃત ‘ફ્રીડમ ઍટ મિડનાઇટ’-નું ‘મધરાતે આઝાદી યાને ગાંધીજીની હત્યાની કહાણી’-થી જાણીતા થયા છે. પણ એમણે હ્યુગોકૃત ‘લે-મિઝરેબલ’-નું ‘પતિતપાવન’ અથવા ‘દરિદ્રનારાયણ’, ‘નાઇન્ટિ થ્રી’-નું ‘ક્રાંતિ કે ઉત્ક્રાંતિ ?’, સ્કૉટકૃત ‘કેલિનવર્થ’-નું ‘પ્રીત કિયે દુ:ખ હોય’, ડૂમાકૃત ‘થ્રી મસ્કેટિયર્સ’-નું ‘યાને પ્રેમશૌર્યના રાહે’, ‘કાઉન્ટ ઑફ મૉન્ટેક્રિસ્ટો’-નું ‘આશા અને ધીરજ’, ડિકન્સકૃત ‘પિકવિક ક્લબ’-નું ‘સૌ સારું જેનું છેવટ સારું’, જેવાં આકર્ષક શીર્ષકો બાંધીને એ બધાં ‘અનુવાદ-સમ્પાદન’ કર્યાં છે. નિષ્ઠા એવી કે પોતાનાં આ કામોને એઓ ‘અનુવાદ-સમ્પાદન’ ગણતા.
આ બધું ગુજરાતી ભાષામાં સંભવ્યું અને જે સંભવ્યું એ વિશ્વના મહાન સાહિત્યકારો સંદર્ભે સંભવ્યું છે.
વિશ્વસાહિત્યને ગુજરાતીમાં રમતું કરનારી આ પરમ્પરા દાયકાઓ પછી સુરેશ જોષી-કાળમાં એ જ વૃત્તિ-પ્રવૃત્તિના સુપરિણામ રૂપે આગળ ચાલેલી. એની વીગતે વાત કરવા માટે આજે મને જગ્યા ઓછી પડે, માટે ક્ષમાયાચના.
બાકી, ગુજરાતી સાહિત્ય, ચેખવ દૉસ્તોએવસ્કી બૉદ્લેર નિત્શે કાફ્કા કામૂ સાર્ત્ર હૅમિન્ગ્વે કાવાબાતા યાસુનારી હેરોલ્ડ પિન્ટર – એમ અનેકાનેક વિશ્વ-સાહિત્યકારોના અનુવાદો કે ભાવાનુવાદો વડે વિશ્વ-સાહિત્ય સાથે જોડાઇ ગયેલું. પરન્તુ અફસોસ ! વિકાસની એ દિશા આજે સાવ સૂની છે.
સામ્પ્રતમાં વિદેશી સાહિત્યકૃતિઓનાં ભાષાન્તર થતાં જ નથી. ‘ભાગ્યે જ થાય છે’ કહીને વિધાનને સુધારી શકું પણ આજે મને આવાં વ્યાપ્ત વિધાનો જ કરવા દો.
થઇ ચૂકેલાં સંખ્યાબંધ ભાષાન્તરોની કશી વાત પણ નથી થતી. જે થયાં તે દુનિયાભરમાં પંકાયેલા સાહિત્યકારોનાં થયાં પણ એ નામોની પણ કોઇને કશી તમા નથી. વિશ્વસાહિત્ય માતૃભાષામાં ઊતરે એ માટેનો કશો પણ પ્રયાસ કરનારી હવે કોઇ સંસ્થા રહી નથી. અનુવાદ નામે જ્યાં જે કંઇ ચાલે છે ત્યાં બધું માત્ર ભારતીય ભાષાઓ માટે ચાલે છે. દિલ્હીની સાહિત્ય અકાદમી દર વર્ષે અનુવાદનો અવૉર્ડ આપે છે એ પણ માત્ર ભારતીય ભાષાઓના અનુવાદ માટે આપે છે. શિક્ષિત સમાજને પણ આની કશી ભૂખ નથી.
મારી જ્યાં નજર પડે છે ત્યાં મોબાઇલ બધા વિદેશી – કશી મુશ્કેલ પણ આસ્વાદ્ય સાહિત્યકૃતિ જેવા. કૅમેરા બધા વિદેશી – કશી અટપટી પણ રમણીય કવિતા જેવા. પણ વાસ્તવિક સાહિત્યકૃતિ કે કવિતાપદાર્થને નામે કશું નહીં !
આ મનોદશા સાહિત્યકારોને જ ચિન્ત્ય નથી લાગતી, પ્રજાનો શો દોષ જોવો? ગાંધીજીને કેટલીયે બાબતે વીસરી ગયા છીએ એમાં કંગાળિયતની આ એમની ફરિયાદને ય ઉમેરો !
ગુજરાતી ભાષા-સાહિત્યના સંવર્ધન માટે અમેરિકામાં, યુ.કે.માં અને ગુજરાતમાં અકાદમીઓ છે. પણ આ ગોપાળદાસવાળી 'વિશ્વસાહિત્ય અકાદમી' અલોપ થઈ ગયાને ય વરસો વીતી ગયાં છે. વિશ્વસાહિત્ય સાથેનો અનુબન્ધ પણ નષ્ટભ્રષ્ટ છે. ૨૧મી સદીમાં છીએ છતાં વિચારો કે આપણે કઈ દિશામાં પ્રગતિ કરી રહ્યા છીએ?
= = =
(September 30, 2021 : USA)
![]()


એપ્રિલથી ઓગસ્ટ 2021 દરમ્યાન લતાબહેન દેસાઈ અને રોલ્ફ કિલસ (Rolf Killus) દ્વારા આયોજિત અને સુંદર રીતે અમલમાં મુકાયેલ એક પ્રકલ્પ વિષે જાણવાની અને તેમાં નાનો શો ફાળો આપવાની તક મળી. સબરંગ આર્ટસ અને બ્રેન્ટ મ્યુઝિયમ તથા આર્કાઇવ્સની ભાગીદારીમાં યુનાઇટેડ કિંગ્ડમમાં અને ખાસ કરીને લંડનના બ્રેન્ટ વિસ્તારમાં રહેતાં ગુજરાતી લોકોનાં મૂળ, પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં તેમનો વસવાટ અને ત્યાંથી આ દેશમાં સ્થળાંતરિત થઈને સ્થાઈ થવાને પરિણામે તેમનામાં આવેલ બદલાવ અને બ્રિટન પર પડેલ પ્રભાવની કહાણી પારંપરિક કળા કારીગરી, વેપાર-વણજની માહિતીઓ અને સંગીત, નૃત્ય, ખોરાક અને આધ્યાત્મિક જીવન જેવાં સાંસ્કૃતિક પાસાંઓની રજૂઆત દ્વારા અદ્દભુત રીતે કહી. નોંધ લેવા જેવી બાબત એ છે કે જેઓએ લંડનના સામાજિક અને સાંસ્કૃતિક જીવન પર પ્રભાવ પાડ્યો છે, તેઓ લંડનમાં રહેતા કેટલાક એવા લોકો છે, કે જેમનાં મૂળ ગુજરાત-ભારતમાં છે, જેઓ પોતપોતાના કાર્યક્ષેત્રમાં જાણકાર હોવા ઉપરાંત વ્યવસાયોમાં સફળ રહ્યાં છે. આ પ્રદર્શનમાં દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમોથી કેટલાંક લોકોની મુલાકાતો પ્રસારિત થઇ જેથી મૌખિક ઇતિહાસ જાણવા મળ્યો, અને તેમને મન મહત્ત્વની લાગતી વસ્તુઓ વિશેની વાતોથી બ્રિટનના લોકો પર પડેલી તેની છાપની અદ્દભુત કહાણી જાણવા મળી.






પહેલાં શૈલિનીબહેન શેઠ અમીન અને તેમના પરિવાર તથા તેમનાં કાર્ય વિષે જાણીએ. શૈલિનીબહેનનાં માતુશ્રીને તેમણે નવ વર્ષની વયે કેન્સરની બીમારીમાં ગુમાવ્યાં. ઇન્દુમતીબહેન ચીમનલાલ શેઠ તેમના દૂરના માસી થાય, જેમણે શૈલિનીબહેનને પોતાની પુત્રીની માફક ઉછેર્યાં અને જીવનભર તેમના માર્ગદર્શક બની રહ્યાં. ઇન્દુમતીબહેન ચીમનલાલ શેઠને ગુજરાતની પ્રજા સારી પેઠે જાણે. 1906માં ધનિક પરિવારમાં તેમનો જન્મ. મોતી અને કાપડનો વેપાર દક્ષિણ પૂર્વના દેશો સુધી ફેલાયેલો. કેલિકો મિલના માલિક અને મોટા ગજાના ઉદ્યોગપતિની નામના મેળવનાર અંબાલાલ સારાભાઈ તેમના પિતરાઈ ભાઈ થાય. એવા પરિવારો પર અંગ્રેજ આચાર-વિચારનું પ્રભુત્વ વધુ. એ લોકોએ એક કરતાં વધુ વખત ઇંગ્લેન્ડનો પ્રવાસ કરેલો અને ત્યાંના શિષ્ટાચાર અને સંસ્કૃતિ અપનાવેલા. સારાભાઈ પરિવારનો
કાપડ ઉદ્યોગ ધમધમતો ચાલ્યો, જેમાં ખૂબ પ્રતિષ્ઠા મેળવી, આમ છતાં એ પરિવારે જ સહુ પ્રથમ ગાંધીના વિચારો અપનાવ્યા. મૂળે ખુલ્લા અને આગળ પડતા વિચારો ધરાવતા હોવાને કારણે ગાંધીના નવા વિચારો તરફ પણ આકર્ષાયાં.



