ગયે અઠવાડિયે [14 નવેમ્બરે] પપ્પાએ (પ્રકાશ ન. શાહ) પ્રભાષકાકા વિષે [બાર વર્ષ પહેલાં “દિવ્ય ભાસ્કર”માં] લખેલો લેખ ફેસબુક પર શેર કર્યો ,ત્યારથી “સર્વજનવિહારી” શબ્દ મનમાં સતત રમ્યા કરતો હતો. કેવો સુંદર અને છતાં ય સાચો પ્રયોગ!
2005માં કૈલાસ માનસરોવર જતાં પહેલાં થોડા દિવસ ગુજરાતી સમાજ રોકાવાનું થયું, ત્યારે એક સાંજે ખાસ મળવા આવ્યા, અને મારા નવપરિચિત સહયાત્રીઓ સાથે “રીતિના કાકા”ના નાતે ઉમળકાભેર વાતો કરેલી. અહીં વિશેષણ ઉમેરાઈ ગયું મારાથી “ઉમળકાભેર” વાતો, તેમનું તો સમગ્ર જીવન જ ઉમળકાનું પર્યાયવાચી. પળે પળ ઉમળકી, કયાં જરૂર રહી વિશેષણની? દશેરાના દિવસે રામલીલા મેદાન પર ચિક્કાર માનવમેદની વચ્ચે જ્યારે ધૂળ પોતાનો ઊર્ધ્વગામી માર્ગ કંડારવાની કોશિશ કરતી ઊડાઊડ કરતી હોય, ત્યારે એક નફિકરા કોલેજિયનની જેમ લારીએ ઊભા-ઊભા પાણીપૂરી ઝાપટવી.
માંડ બીજી-ત્રીજી ભણતી હઇશ ત્યારે અમદાવાદ હિન્દી ‘જનસત્તા’ના એડિટર તરીકે આવ્યા. દૂધમાં સાકર ભળે એટલી જ સહજતાથી અમારા કુટુંબ સાથે ભળી ગયા. કાતરને હિંદીમાં “કેચી” કહેવાય એ મને ઉષાબહેને શીખવ્યું સ્કૂલમાં. ”કાતર” મંગાવેલી તે બજારમાં ખરીદવા જ મમ્મી લઈ જતી હતી, ત્યાં તો બેલ વાગ્યો, સામે હતાં ઉષાબહેન. “અરે! હવે કાતર વગર શું કરીશ”? બાળકને માથે આભ ફાટયું. મારા મનની વાત જાણી, ઉષાબહેન તરત જ મને બજારમાં લઈ ગયેલાં અને પૂછપરછ કરીને મને સંતોષ થાય એવી કૈચી અપાવેલી. હોટલમાં જતાં – આવતાં પ્રભાષકાકાએ અમને કર્યા. ક્યારેક અમારા લઘર-વઘર વેશ વિષે પણ અમારી કઝીન્સનું ઉદાહરણ ટાંકી ટકોર કરેલી. અમારા દાદાજી સાથે એવા તો ભળી ગયા કે એમના કહેવાથી સિગરેટની ટેવ પણ એમણે છોડી. લેન્ડલાઈન પર એમનો ફોન આવે એટલે અચૂક સૌથી પહેલા માતારામ(દાદીમા)ને બોલાવે અને પછી એમની લાક્ષણિક ઢબમાં “મુજ ગરીબ આદમી કા નામ પ્રભાષ જોશી હૈ” કહી વાતની શરૂઆત થાય.
અમદાવાદ કાળ દરમ્યાન એક દિવસ ઘરે છાણાં લઈને આવ્યા. આજે હું સૌને રાજસ્થાની દાળબાટી બનાવીને ખવડાવીશ, એવી જાહેરાત કરી પરંપરાગત વેશ ધારણ કરી ઈંટો વડે ગેરેજમાં ચૂલો કર્યો. ત્યાં તો પાડોશીબહેન આવ્યાં. અને તેમણે પ્રભાષકાકા સાથે સીધો જ વાર્તાલાપ શરૂ કર્યો. “મહારાજ, તમે કેટલા પૈસા લો છો?” આવા તો નાના-મોટા કેટલા ય રમૂજી પ્રસંગો બનતા. “આપાતકાલ સે શૂન્યકાલ” વિષે ભાષણ આપવા આવ્યા, ત્યારે “ઘરમાં જ આપાતકાલ થઈ ગયો”, એવી મજાકો પણ થતી ક્યારે ય ખ્યાલ જ ન આવ્યો કે “પ્રભાષકાકા” એટલે આટલા મોટા માણસ. કૌસાની હનીમૂન પરથી અમે દિલ્હી આવ્યા, ત્યારે આશિષનાં જે.એન.યુ.ના વર્તુળમાં મારો વટ પડી ગયેલો, “પ્રભાષ જોશી”ની કાર અમને મિત્રને ઘરે લેવા આવેલી. (સામાન્ય સંજોગોમાં ફેર ના પડ્યો હોત, પણ નવી પરણેલી મારે માટે તે વખતે આ વ્હોટસ એપ સ્ટેટસ જેવી વાત હતી.) નિર્માણ વિહારનાં ઘરમાં પ્રવેશતા જ મૂમલ-માધવ (ત્રીજી પેઢી – સંદીપભાઈ-ઉમાનાં બાળકો) તાજા પરણેલા આશિષને “ફૂફાજી”નાં સંબોધન સાથે વળગેલા. જ્યારે પ્રભાષકાકાએ જાણ્યું કે પરણ્યા પછી મેં અટક “મહેતા” નથી કરી અને “શાહ” જ રાખી છે, ત્યારે આશિષને કહે કે “યે તો બેવકૂફી કી બાત હૈ”. મારુ દેલ્હીનું પહેલ-વહેલું ઘર મુનિરકા તે વખતે ગેસના સિલિન્ડર સહેલાઇથી નહોતા મળતા. મને પણ હોસ્ટેલની જેમ મજા પડી ગયેલી. એ વખતે પ્રભાષકાકા ચેક-અપ માટે ઈસ્ટ ઓફ કૈલાસ હોસ્પિટલમાં દાખલ થયેલા. તેમની ખબર કાઢવા ગઈ. વાત-વાતમાં ગેસ નથી બોલાઈ ગયું. તરત જ તે જ દિવસે હોસ્પિટલમાથી જ દીકરો સોપાન ઘરે જઈ, એકસ્ટ્રા સિલિન્ડર કારમાં લઈને ચોથે માળે આવેલા લિફ્ટ વગરના મારા ઘરે જાતે જ ઊંચકીને એકલે હાથે મૂકી ગયેલો.
શરૂઆતમાં દક્ષિણી દેલ્હી, પછી પશ્ચિમી દેલ્હી એમ ફરતા-ફરતા છેવટે 2010 ના દિવાળીમાં જમુના પાર પૂર્વ દેલ્હીમાં ઘર માંડ્યુ. હવે માત્ર 15 મિનિટ રિક્ષાના અંતરે જ પ્રભાષકાકા. નિયમિત જવાશે. પાંચમી નવેમ્બરે નિર્માણ વિહાર તેમની સોસાયટીમાં જ આવેલી સ્કૂલ “શિશુ મંગલ”માં દીકરી અમૃતાના પ્રવેશ માટે જવાનો વિચાર કરતી હતી, ત્યાં જ મમ્મીનો ડૂસકાં ભરતો ફોન : “પ્રભાષકાકા ગયા”. 15 મિનિટ રિક્ષાનું અંતર માત્ર 15 દિવસમાં જ અનંત. હજુ તો આગલે અઠવાડિયે જ પુત્રવધૂ ઉમાએ હાંકેલી કારમાં પહેલી અને છેલ્લી વાર બેસીને મમ્મી-પપ્પાને મારા નવા ઘરે મૂકવા આવેલા. “સર્વજનવિહારી” પ્રભાષકાકાની અલપ -ઝલપ મુલાકાત પણ નાના-મોટા સૌના હૃદયને અંગત સ્પર્શી જતી. નવરંગપુરા ચાર રસ્તે આવેલો ફાફડા-જલેબીવાળો, ઘરનો નોકર, સચિન તેંદુલકર, કુમાર ગાંધર્વ કે પછી વડા પ્રધાન વી.પી. સિંઘ કે વાજપેયી હોય. આ લખાણની મે શરૂઆત કરી ત્યારે “સર્વજનવિહારી” પ્રભાષકાકાની મનમાં રમતી છબીને શબ્દસ્વરૂપ આપવું હતું. પણ સ્વાભાવિક જ અંગત વાતો વધારે થઈ ગઈ.
સૌજન્ય : રીતિ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()


એ ખરું કે કોરોનાએ આપણી ઘણી આર્થિક, શૈક્ષણિક વ્યવસ્થાઓ ખોરવી નાખી છે ને એની આડમાં અનેક રમતો રમાઈ છે. કોરોનાએ કર્યું છે એથી વધુ નુકસાન માણસે માણસને કર્યું છે. દુનિયા થોડી વ્યવસ્થિત થવા જાય છે કે વૈશ્વિક કક્ષાએ જાતભાતના વેરિયન્ટની જાહેરાતો થતી રહે છે. કોણ જાણે કેમ પણ, આખું વિશ્વ ડરેલું જ રહે એવાં કોઈ કાવતરાંની ગંધ આવ્યાં કરે છે. લાખો માણસો હોમાયાં હોય ત્યાં ડરેલું જગત કોઈ રિસ્ક ન લે તે સમજી શકાય તેવું છે, પણ જે ચાલી રહ્યું છે તેમાં સચ્ચાઈ ઓછી જ છે. ભારતની વાત કરીએ તો એમ લાગે છે કે ત્રીજી લહેરની ચિંતામાંથી તે માંડ બેઠું થયું છે, ત્યાં નવો વેરિયન્ટ ઓમિક્રૉન આયાત થયાની વાતે ભયનું લખલખું ફરી વળ્યું છે.