ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ અને વર્તમાનમાં રાજ્યસભાના સભ્ય, રંજન ગોગોઈએ, અપેક્ષા પ્રમાણે જ, નવરાશના સમયમાં તેમની આત્મકથા લખી છે. તેનું શીર્ષક છે 'જસ્ટિસ ફોર ધ જજ’ – જજનો ઇન્સાફ. સામાન્ય રીતે જજનું કામ ઇન્સાફ કરવાનું હોય છે, પરંતુ ગોગોઈના કિસ્સામાં તેઓ ઇન્સાફ માગી રહ્યા છે.
કેમ? કારણ કે તેમને એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે તેમનો જે કાર્યકાળ હતો, તેમાં તેમને અન્યાય થયો છે; તેમની પર આરોપો લાગ્યા છે; તેમની બદનામી થઇ છે; તેમના ચૂકાદાઓ અંગે’ શંકા-કુશંકાઓ કરવામાં આવી છે; તેમની કારકિર્દી પર કલંક લાગ્યું છે. તેની સાફ-સફાઈ કોણ કરશે? ખુદ તેઓ જ. એટલા માટે તેમણે પોતાનો ઇન્સાફ કરવા માટે 'જસ્ટિસ ફોર ધ જજ' શીર્ષકથી આત્મકથા લખી છે.
વરિષ્ઠ પત્રકાર વીર સંઘવીએ પુસ્તકના શીર્ષક પર રમૂજ કરતાં કહ્યું હતું, "જજ માટે જસ્ટિસ? 'જજને રાજ્યસભાની બક્ષિશ' એવું શીર્ષક ન હોવું જોઈએ?" ગોગોઈએ સરકાર સામેના કેસમાં સરકારનો જવાબ બંધ કવરમાં સ્વીકારવાનો વિવાદાસ્પદ રિવાજ પાડ્યો હતો, જેથી મીડિયામાં તેની વાતો જાહેર ન થાય (જેવું રફાલે એરક્રાફ્ટની ખરીદીમાં
ભ્રષ્ટાચારના કેસમાં થયું હતું). તેને યાદ કરીને તૃણમૂલ કાઁગ્રેસની સાંસદ મહુઆ મોઈત્રાએ ટોણો માર્યો, "કોઈકે મને પૂછ્યું કે રંજન ગોગોઈનું પુસ્તક બંધ કવરમાં વેચાશે કે ખુલ્લામાં? શું લાગે છે."
તેના જવાબમાં કોઈકે કોમેન્ટ કરી, "એ તો સુપ્રીમ કોર્ટની પેલી મહિલા કર્મચારીને ખબર." ગોગોઈ જ્યારે ચીફ જસ્ટિસની ખુરશીમાં હતા, ત્યારે જ તેમની સામે સેકસુઅલ હેરેસમેન્ટના એક આરોપમાં ખુદને નિર્દોષ જાહેર કરી ચુક્યા હતા, એટલે નિવૃત્તિ પછી તેમણે બાકી રહી ગયેલી બાબતોમાં પણ પોતાનું 'સત્ય' જનતા જનાર્દન સમક્ષ મુકવા પ્રયાસ કર્યો છે.
એપ્રિલ ૨૦૧૯માં, સુપ્રીમ કોર્ટની પૂર્વ કર્મચારીએ એફિડેવિટ દાખલ કરી હતી કે ૧૦-૧૧ ઓકટોબરે, ચીફ જસ્ટિસે તેની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે અડપલાં કર્યાં હતાં. ગોગોઈએ તેને ન્યાયતંત્રની સ્વતંત્રતામાં અડચણ ઊભી કરવાનું કાવતરું ગણાવ્યું હતું. એક મહિના પછી, સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની આંતરિક સમિતિએ ગોગોઈને નિર્દોષ જાહેર કર્યા. ગુજરાતીમાં એક કહેવત છે : ઘરના ભૂવા અને ઘરનાં ડાકલાં. આરોપી પોતે, કોર્ટે ય પોતાની, પોતે જ તેના જજ.
એ તપાસ ગોગોઈએ જ બેસાડી હતી અને તેની અધ્યક્ષતામાં તેઓ ખુદ હતા. સમિતિના અહેવાલ અને રીતની ત્યારે બહુ ટીકા થઇ હતી. ૮મી ડિસેમ્બરે, તેમની આત્મકથાના વિમોચન પ્રસંગે ગોગોઈએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, "એ બેંચની અધ્યક્ષતા મારે કરવાની જરૂર ન હતી. મારે દૂર રહેવાની જરૂર હતી. આપણે સૌ ભૂલો કરીએ છીએ. જજો પણ આખરે માણસ છે અને તેમનાથી ભૂલો થાય, પણ એ યાદ રાખવા જેવું છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પર પહેલીવાર આવો આરોપ મુકાયો હતો. ૪૫ વર્ષની ઈજ્જત દાવ પર હતી."
ભારતના ચીફ જસ્ટિસ પર, સુપ્રીમ કોર્ટની જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ મહિલાએ સેકસુઅલ હેરેસમેન્ટની ફરિયાદ કરી હતી. ગોગોઈએ જાતે જ તપાસ બેસાડી અને એમાં એમાં એમને ક્લીન ચીટ મળી (એક વર્ષ પછી એ કર્મચારીને પાછી એ જ નોકરી પર લેવામાં આવી, જ્યાંથી તેને કાઢી મુકવામાં આવી હતી). કોર્ટના ઇતિહાસમાં આ અભૂતપૂર્વ ઘટના હતી, અને “મેં એ તપાસની અધ્યક્ષતા કરી એ ભૂલ હતી” એટલું બોલીને ગોગોઈએ તેમની આત્મકથામાં પૂરી ઘટનાને ‘કાવતરા’માં ખપાવી દીધી છે.
તેમની વાતને માન્ય રાખીએ, તો પણ એવો સવાલ તો જરૂર ઊભો થાય કે જેના હાથમાં દેશના કાનૂનની અને નૈતિકતાની રક્ષા કરવાની સત્તા અને જવાબદારી હોય, તે વ્યક્તિ આવી રીતે પોતાની સામેના આવા સૌથી ગંભીર આરોપમાં જજ બને?
અદાલતી કાર્યવાહીમાં ‘નોટ બિફોર મી’ની એક તંદુરસ્ત પરંપરા છે. જજ સાહેબોને જ્યારે લાગે કે કોઈ કારણસર તેઓ કોઈ ચોક્કસ કેસમાં તટસ્થ રીતે ન્યાય તોળી નહીં શકે, ત્યારે તેઓ તે કેસની સુનાવણી કરવાની ના પાડી દે છે અને બીજા જજને તે જવાબદારી સોંપે છે. ગોગોઈ તેમની સામેના આરોપોની તપાસ કરી રહેલી બેંચમાં ઉપસ્થિત ન રહેવાનો નિર્ણય કરી જ શક્યા હોત, પરંતુ તેમણે એવું કર્યું ન હતું.
ગોગોઈ સામે બીજા પણ આરોપો લાગ્યા છે. જેમ કે અયોધ્યા મંદિર-મસ્જીદ વિવાદમાં, રાહુલ ગાંધી સામેના અદાલતના તિરસ્કારના કેસમાં, કેરલના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવાના મામલે અને આસામમાં નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝનના મુદ્દે ગોગોઈએ સત્તાધારી પક્ષની તરફેણ કરી હતી.
મીડિયામાં અને લોકોના મનમાં ગોગોઈના વ્યવહારને લઈને શંકા થવાનું કારણ એ પણ હતું કે નિવૃત્તિના ચાર જ મહિનામાં રાષ્ટ્રપતિએ તેમની રાજ્યસભામાં નિમણૂક કરી હતી. આ એ જ ગોગોઈ હતા, જેમણે ભૂતકાળમાં કહ્યું હતું કે જજે તેનું દામન સાફ રાખવા માટે નિવૃત્તિ પછી કોઈ સરકારી હોદ્દા ગ્રહણ ન કરવા જોઈએ.
ગોગોઈએ આ બધા વિવાદોમાં પોતાનો પક્ષ આ પુસ્તકમાં રજૂ કર્યો છે. આત્મકથાઓમાં માત્ર જીવનની ઘટનાઓની તારીખો નથી હોતી. એમાં પોતાની વાતને પૂર્વગ્રહ સાથે મુકવાનો પ્રયાસ હોય છે. એમાં લેખક તથ્યોને ‘પોતાની રીતે’ મૂકે છે. એટલા માટે તટસ્થ આત્મકથાઓ દુર્લભ હોય છે, અને અભ્યાસુ લોકો જ્યારે આપણા નાયકોનું વિશ્લેષણ કરવા બેસે છે, ત્યારે આત્મકથાઓથી આગળ જઈને બીજા લોકોના અનુભવો અને દૃષ્ટિકોણને પણ ધ્યાનમાં લે છે. જસ્ટિસ રંજન ગોગોઈની કારકિર્દીમાં એટલા ઉતાર-ચઢાવ છે કે કદાચ એક પુસ્તકથી તેનો ન્યાય નહીં થાય.
ઇંગ્લિશ લેખક જ્યોર્જ ઓરવેલે કહ્યું હતું કે, “આત્મકથાનો વિશ્વાસ ત્યારે જ થાય, જ્યારે તેમાં કશુંક શરમજનક જાહેર કરવામાં આવે. જે માણસ તેની સારી-સારી વાતો માંડે, એ સંભવત: જૂઠ બોલતો હોય છે, કારણ કે જીવનને જ્યારે ભીતરથી જોવામાં આવે, ત્યારે તે પરાજયોનો એક સિલસિલો માત્ર હોય છે.”
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામેક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 ડિસેમ્બર 2021
![]()


છોટાઉદેપુરનું વાગલવાડ ગામ. તેની એક પ્રાઇમરી શાળા 2020માં વરસાદમાં તૂટી પડેલી. આ મામલે જિલ્લા શિક્ષણ વિભાગને રજૂઆત પણ કરવામાં આવી, પણ ડિસેમ્બર, 2021 પૂરો થવા આવ્યો, તો પણ તે ફરી બંધાવાના કોઈ અણસાર ન જણાતાં, એક અંગ્રેજી અખબારે છોટાઉદેપુર જિલ્લાની આ શાળાના વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા હોવાનો અહેવાલ પ્રગટ કર્યો, જે ગુજરાત હાઈકોર્ટના ધ્યાનમાં આવ્યું ને તેણે સુઓમોટો દાખલ કરી. ગુજરાત સરકાર પાસે પૈસા ખર્ચવાના ઘણાં બહાનાં છે, પણ કરવા જેવાં કામ માટે બેદરકારી સિવાય કોઈ બહાનું નથી. આમ પણ શિક્ષણ બાબતે અરાજકતાનો કોઈ પાર નથી, પણ સ્કૂલે આવતાં બાળકો માટે શાળાનું મકાન ન હોય એ સ્થિતિ અસહ્ય છે. 2020માં તો સ્કૂલોમાં શિક્ષણ આપી શકાય એવી સ્થિતિ જ ન હતી, ત્યાં બિલ્ડિંગ ન રહ્યું એટલે હવે બાળકો સ્કૂલે આવવાના જ ન હોય તેમ સ્કૂલ બાંધવાના કોઇ લક્ષણો ન જણાયા ને ઓફલાઇન શિક્ષણ તો શરૂ થયું જ ! વિદ્યાર્થીઓ પણ આવ્યા, પણ ભણે કયાં? સ્કૂલના વર્ગો તો હોવા જોઈએ ને ! મહિનોમાસ તો જેમ તેમ ભણ્યા, પણ ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં ભણવું કેમ? તો ય, ઠંડીમાં ખુલ્લામાં આદિવાસી બાળકો ભણવા આવ્યાં. તેમની પાસે પૂરતાં કપડાં પણ ન હતાં, ત્યાં ખુલ્લામાં ભર ઠંડીમાં ટકવું કેમ? હાઈકોર્ટનાં ધ્યાનમાં આ વાત આવી ને તેણે સરકારને છ મહિનામાં સ્કૂલનું નવું મકાન ઊભું કરવાનો વચગાળાનો હુકમ કર્યો છે ને શિક્ષણ વિભાગના સંબંધિત અધિકારીને કોર્ટમાં હાજર રહી રિપોર્ટ રજૂ કરવાની ફરજ પાડી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે બાળકો ખુલ્લામાં ભણવા લાચાર બને તે ચલાવી શકાય નહીં. વાગલવાડમાં સ્કૂલ ન હોવાથી, મધ્યાહ્ન ભોજનમાં નોકરી કરતાં એક બહેનને ત્યાં બાળકોને બોલાવીને શિક્ષક, શિક્ષણ પૂરું પાડે છે.
ગયા અઠવાડિયે બહાર પડેલો વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટમાં ભારત વિષે માત્ર એક વાક્યમાં જે કહેવાયું છે એ બોલકું છે. રિપોર્ટ કહે છે : India stands out as a poor and very unequal country, with an affluent elite. બહુ સૂચક વાક્ય છે. વિશ્વ અસમાનતા અહેવાલ મુજબ ભારત એક ગરીબ દેશ તો છે જ, પણ ઉપરથી દેશમાં અતિશય અસમાનતા છે અને એટલું ઓછું હોય એમ સમૃદ્ધ ભદ્રવર્ગ છે. અહેવાલમાં આવું કે આ પ્રકારનું નિરીક્ષણ શ્રીમંત દેશો વિષે કરવામાં આવ્યું નથી, ચીન જેવા પોતાની શરતે અને પોતાના હિતમાં દાદાગીરી કરીને લાભ ઝૂંટવી જનારા દેશ માટે કરવામાં આવ્યું નથી; આવું નિરીક્ષણ ભારત, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલ વિષે કરવામાં આવ્યું છે. નિરીક્ષણ લગભગ એક સરખું છે, વાક્યપ્રયોગ અલગ અલગ છે. ભારત, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકા.