મણ જેવા રશિયાએ જ્યારથી કણ જેવા યુક્રેન પર ચઢાઈ કરી છે, ત્યારથી એક મોરચા પર તેની સતત હાર થઇ છે; પ્રચાર યુદ્ધ. રશિયા બધી રીતે ચઢિયાતું છે, પરંતુ પૂરી દુનિયામાં ગુણગાન તો યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોડિમિર ઝેલેન્સકીની બહાદુરીનાં થઇ રહ્યાં છે. તેનું એક કારણ એ છે કે રશિયાની નાગાઈ સામે પશ્ચિમનું મીડિયા એક થઇ ગયું છે, અને યુક્રેન કેવા સાહસથી લડી રહ્યું છે, તેના સમાચારો નિયમિતપણે આપી રહ્યા છે. તેના પરિણામે પશ્ચિમ સહિતના અનેક દેશોમાં યુક્રેન તરફી હમદર્દીનો માહોલ પેદા થયો છે.
આ યુદ્ધમાં તમે પ્રેસિડેન્ટ પુતિનના ફોટા કે વીડિયો ભાગ્યે જ જોયા હશે, જ્યારે ઝેલેન્સકી યુદ્ધ પોષકમાં મોરચા પર હોય તેવા ફોટા અને તેમણે મોબાઈલમાં રેકોર્ડ કરેલા વીડિયો દુનિયાભરમાં વાઈરલ થયા છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પત્રિકા 'ટાઈમ'ના કવર પેજ પર યુક્રેન આવી ચૂક્યું છે અને જે રીતે રશિયાનું યુદ્ધ લંબાઈ રહ્યું છે, તે જોતાં 'ટાઈમ'ના કવર પર 'મેન ઓફ ધ ઈયર' તરીકે વોલોડિમિર ઝેલેન્સકી ચમકે તેવી પૂરી સંભાવના છે.
પશ્ચિમના દેશોમાં મીડિયા સરકારી દરમિયાનગીરીથી મુક્ત છે, અને તેનો વ્યાપ પ્રિન્ટથી લઈને ટેલિવિઝન, ડિજીટલ અને સોશ્યલ મીડિયા સુધી છે, પરિણામે તે કોઈ પણ વૈશ્વિક સંકટને તાબડતોબ વિશાળ લોકો સુધી લઇ જાય છે, અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખે છે. એક દેશના ભવિષ્યને અસર કરે તેવી ઘટનાઓમાં વૈશ્વિક મત બહુ અગત્યની ભૂમિકા ભજવે છે, અને તે મત કેળવવાનું કામ સ્વતંત્ર મીડિયા કરે છે.
બહુ ઓછા લોકોને ખબર છે કે ભારતની આઝાદીની લડાઈમાં દુનિયાનું ધ્યાન અમેરિકાના સ્વતંત્ર મીડિયાના કારણે જ ખેંચાયું હતું, અને એથી જ બ્રિટન પર દબાણ વધ્યું હતું. ઉપર વાત કરી તે 'ટાઈમ' પત્રિકા પર ચમકનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતી, તેવું પૂછો તો મોટા ભાગના લોકો એક્ટ્રેસ પરવીન બાબીનું નામ આપશે, પરંતુ
હકીકત એ છે કે 'ટાઈમ'નું કવર
શોભાવનારા મહાત્મા ગાંધી પ્રથમ ભારતીય હતા, અને તેમને કવર પર મુકવાના 'ટાઈમ'ના એ નિર્ણય પાછળ અમેરિકન મીડિયામાં મહાત્માની લડાઈને મળેલી વ્યાપક પ્રસિદ્ધિ હતી.
ગાંધીજી 'ટાઈમ'ના કવર પર ત્રણ વખત ચમક્યા હતા : પહેલીવાર જાન્યુઆરી ૧૯૩૧માં 'મેન ઓફ ધ ઈયર' તરીકે, બીજીવાર જૂન ૧૯૪૭ના અંકમાં અને ૧૯૯૯માં 'પર્સન ઓફ ધ સેન્ચુરી' આલ્બર્ટ આઇન્સ્ટાઇનના રનર-અપ તરીકે.
૧૯૨૦ના દાયકા સુધી અમેરિકન મીડિયા મોટા ભાગે તેમના લંડન સ્થિત સંવાદદાતાઓના અહેવાલો પર આધાર રાખતા હતા, કારણ કે લંડન તે દિવસોમાં વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્રની 'રાજધાની' હતું. એટલે ભારત સંબંધી સમાચારો 'બ્રિટિશ દૃષ્ટિકોણ'થી અમેરિકા અને બીજા દેશોમાં જતા હતા. એમાં મોટા ભાગે બ્રિટનનું સારું જ દેખાતું. જેમ કે જલિયાંવાલા બાગના હત્યાકાંડની વિગતો પશ્ચિમના વાચકો સુધી પહોંચી જ નહોતી.
'સરકારી' સમાચારોની આ પરંપરા તોડી વેબ મિલર નામના અમેરિકન પત્રકારે. તેમાં નિમિત બની ૧૯૩૦ની દાંડી યાત્રા. મીઠાના સવિનય કાનૂન ભંગની આ ચળવળ શરૂ થઇ તે પહેલાંથી મહાત્મા ન્યૂયોર્કમાં ઇન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગના સંચાલક સાથે સંપર્કમાં હતા, અને તેમણે વિનંતી મોકલી હતી કે અમેરિકન મીડિયામાં આ વિરોધને પ્રસિદ્ધિ મળે. ન્યૂયોર્ક ટાઈમ્સ સમાચારપત્રએ એ અપીલ આ મથાળા સાથે છાપી હતી – "ગાંધી અહીંથી સમર્થન માંગે છે : ભારતની આઝાદી માટે સાર્વજનિક જનમતની માંગણી."
તેનાં પગલે, અમેરિકનની સમાચાર સંસ્થા યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનેશનલનો પત્રકાર વેબ મિલર દાંડી યાત્રા વેળા ગાંધીજીનો ઇન્ટરવ્યુ કરવા માટે ભારત ગુજરાત આવ્યો. મિલર એક માત્ર વિદેશી પત્રકાર હતો, જેણે વલસાડ જિલ્લાના ધરાસણા ગામ પાસે દાંડી યાત્રા પર પોલીસે જે નિર્દયી દમન કર્યું હતું તેનું રિપોર્ટીંગ કર્યું હતું.
મિલરનો એ અહેવાલ વિશ્વના ૧,૩૫૦ અખબારોમાં છપાયો હતો, અને અમેરિકન સેનેટર જ્હોન જે. બ્લેને તેને યુનાઇટેડ સ્ટેટ્સની સેનેટમાં વાંચી સંભળાવ્યો હતો. મીઠાના સત્યાગ્રહની અને પોલીસ અત્યાચારની દુનિયાને જાણ થઇ તે એટલે ભારતના કટ્ટર દુશ્મન વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ બોલ્યા હતા, “એશિયાની જમીન પર પગ મુક્યો, તે પછી પહેલીવાર બ્રિટિશરોને આવું અપમાન અને અવજ્ઞા સહન કરવી પડી છે.”
મિલર યુદ્ધ-પત્રકાર હતો, અને પ્રથમ મહાયુદ્ધ તથા સ્પેનિશ યુદ્ધ સહિત ઘણા સંઘર્ષો અને લડાઈઓનું રિપોર્ટીંગ કર્યું હતું. તેને પત્રકારત્વના નોબેલ કહેવાતા પુલિત્ઝર પારિતોષિકથી નવાજવામાં આવ્યો હતો. તેણે લખ્યું હતું, “બાવીસ દેશોમાં અઢાર વર્ષના મારા રિપોર્ટીંગમાં મેં ધરાસણા જેવાં ભયાનક દૃશ્યો જોયાં ન હતાં. એ હિંસા જોઈને હું સુન્ન થઇ ગયો હતો. હિંસાની સામે હિંસા જોવા ટેવાયેલા પશ્ચિમના લોકો માટે એ અજબ અને ચકકરમાં નાખે તેવી વાત હતી (કે લોકો ચૂપચાપ માર ખાતા હતા). મને ગૂંગા જાનવરને માર પડતો હોય તેવી ઘૃણા થઇ હતી. થોડું અપમાન અને થોડો ક્રોધ મહેસૂસ થયો. ક્યારેક દૃશ્યો એટલાં પીડાદાયક હતાં, કે હું થોડીવાર માટે નજર ફેરવી લેતો હતો.”
વેબ મિલરના ધરાસણા સત્યાગ્રહના એ રિપોર્ટીંગના કારણે વિશ્વને પહેલીવાર અહિંસક વિરોધની વ્યાખ્યા ખબર પડી : પ્રતિરોધ એટલે સામો હુમલો નહીં, પણ પોતાની જાત પર હુમલો થવા દેવો, પછી ભલે એમાં ઘાયલ થવાય કે મોત આવે. વર્ષો પછી, અમેરિકન ગૃહયુદ્ધમાં માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એ શક્તિશાળી રાજકીય ઓજારનો ઉપયોગ કરવાના હતા.
ગાંધીજીના એ અનોખા સત્યાગ્રહના કારણે જ ‘ટાઈમ’ પત્રિકાએ ૧૯૩૦માં તેમને કવર પેજ પર ‘મેન ઓફ ધ ઈયર’ જાહેર કર્યા હતા. સ્વતંત્ર મીડિયાની કેમ જરૂર હોય છે તેનું આ ઉદાહરણ છે.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 03 ઍપ્રિલ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીના ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()


યુદ્ધમાં તેલ યુક્રેનનું નીકળી રહ્યું છે ને તેલ લેવા ભારત જાય કે ન જાય, પણ રશિયા તેલ આપવા સામેથી આવ્યું છે ત્યારે તેલ અમેરિકાને રેડાઈ રહ્યું છે. માનો કે ના માનો, પણ ભારતનો દબદબો વિશ્વમાં વધી રહ્યો છે. થોડા દિવસ પર ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારતની મુલાકાતે આવ્યા અને ભારત સાથેના સંબંધો અંગે ચર્ચા કરી ગયા. રશિયાનું ક્રૂડ રૂબલ-રૂપીમાં ખરીદાય એવું લાગતાં અમેરિકાએ ભારતને ધમકાવવા તાબડતોબ દલીપસિંહને મોકલી આપ્યા, એ પછી એપ્રિલફૂલ બનાવતા હોય તેમ રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ ભારતની મુલાકાતે આવ્યા અને યુક્રેન યુદ્ધ સંદર્ભે ભારતનાં તટસ્થ વલણની તેમણે ભૂરી ભૂરી પ્રશંસા કરી. ભારતીય વડા પ્રધાન મોદીને, રશિયન રાષ્ટ્રપતિ પુતિને એ વલણ બદલ ‘થેન્ક યૂ’ પણ કહેવડાવ્યું છે. રશિયાની અને ભારતની નીતિ રાષ્ટ્રીય હિતોની જાળવણીની છે, જેથી રશિયા અને ભારતની મૈત્રી મજબૂત થઈ છે, એ વાતે ખુશ થઈને રશિયા ભારતને ચર્ચા, ખરીદી કે અન્ય કોઈ પણ બાબતે તમામ મદદ કરવા તૈયાર છે, એટલું જ નહીં, યુદ્ધ પહેલાંના ભાવે બેરલ પર 35 ડોલરના ડિસ્કાઉન્ટથી ક્રૂડ આપવાની ઓફર પણ લાવ્યું છે. રશિયા અગાઉ ક્યારે ય આટલું વરસ્યું ન હતું, વરસવાનું કારણ એટલું જ છે કે ભારત શસ્ત્રોની ખરીદી ચાલુ રાખે ને નક્કી કર્યા મુજબ 1.5 કરોડ બેરલ ક્રૂડ ખરીદે. રશિયાએ એટલી ગરજ પણ બતાવી છે કે આ સોદો તે રાષ્ટ્રીય ચલણમાં કરવા પણ તૈયાર છે. આ બધું રશિયા કરે જ, કારણ રશિયાને અમેરિકાએ એકલું પાડવા પ્રતિબંધો મૂક્યાં છે. એ સ્થિતિમાં કોઈ કાકો ય તેનું ક્રૂડ ખરીદે એમ નથી. જો ક્રૂડ ન ખરીદાય તો કરોડો બેરલ ક્રૂડ ફાજલ પડે. હવે એનો નિકાલ જો ભારત ખરીદીને કરી આપતું હોય તો રશિયાને તે વહાલું લાગે ને તે ઓફરો આપીને પુચકારે તેમાં નવાઈ નથી.
1950માં આર્ષદૃષ્ટા પત્રકાર વજુ કોટકે ‘ચિત્રલેખા’ સામયિકની શરૂઆત કરી. ત્યાર પછીના લગભગ સિત્તેર વર્ષમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ધરખમ ફેરફારો થયા. યુરોપના સામ્રાજ્યવાદી રાષ્ટ્રોની જકડમાંથી અનેક ગુલામ પ્રજાને મુક્તિ મળી અને નવા દેશો સ્થપાયા. બીજા વિશ્વયુદ્ધ(1939-45)ની સમાપ્તિ પછી જ્યારે યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ, ત્યારે તેમાં 51 દેશો હતા, આજે એમાં 193 છે.