ઘણાને અગિયારમી મે એક ઐતિહાસિક દિવસ લાગ્યો : સર્વોચ્ચ અદાલતે ‘રાજદ્રોહ’ની ઘોર સાંસ્થાનિક જોગવાઈને અંગે ‘રુક જાવ’નો રવૈયો અસંદિગ્ધ શબ્દોમાં પ્રગટ કર્યો એ જોતાં હર્ષોદ્રેકનું એક લૉજિક પણ હતું અને છે. પણ ભાઈ, ‘રુક જાવ’ અને ‘રૂખસદ’ વચ્ચે જે અંતર છે એનો ખ્યાલ તો કરો જરી. હોઠ અને પિયાલા વચ્ચેનું અંતર કપાય ત્યારે સાચું … કેટલી બધી બાબતો એવી છે આપણે ત્યાં કે સ્વરાજનું પ્રભાત અને સંસ્થાનવાદનો મધ્યાહ્ન, બેઉ જાણે સાથેલગાં ન ચાલતાં હોય!
હોઠ અને પિયાલા વચ્ચેના અંતરની જિકર પૂંઠે બને કે કોઈને દૂધે દાઝ્યાની છાશફૂંક ચિંતા લાગે. પણ સતર્ક બલકે સાશંક રહેવા બાબતે એલાર્મ બેલ તો સન્માન્ય કાયદા પ્રધાન કિરણ રિજ્જુએ તરત જ વગાડ્યો કે સર્વોચ્ચ અદાલતે ય લક્ષ્મણરેખામાં રહેવાપણું છે.
રિજ્જુ મશાયના આ બે ડહાપણબોલ અખરવાનું તત્કાળનિમિત્ત પણ અહીં મારે નોંધવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે અગ્નિર્ભા તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રાની અરજીને પગલે આગળ વધવાના સંકેત આપ્યા અને ‘આ પાર, પેલે પાર’ની ઢબે મોટી બૅન્ચ રચી આખરી સુનાવણીનો વિકલ્પ ખોલી કાઢ્યો ત્યારે વડા પ્રધાન મોદીએ સોલિસિટર જનરલ મારફતે હૃદયનો ઉચ્ચ અભિલાષ પાઠવ્યો કે સ્વરાજનાં પંચોતેર વરસના સ્પિરિટમાં અમે રાજદ્રોહની જોગવાઈ બાબતે પુનર્વિચાર સારુ તત્પર છીએ. સર્વોચ્ચ અદાલતે રાજદ્રોહના નવા કેસો ન નોંધવાની તેમ જ ચાલુ કેસોમાં જામીન માટે સુવાણની ભૂમિકાએ આ વિનંતી ગ્રાહ્ય રાખી લગીર ખમી ખાવાનું વલણ લીધું. કેન્દ્ર સરકારના ઉચ્ચ અભિલાષની વાસ્તવિકતા શું હોઈ શકે એનો એક બુલંદ અણસાર કાયદા પ્રધાન રિજ્જુએ લક્ષ્મણરેખાનો ચીપિયો પછાડીને અલબત્ત આપ્યો જ છે.
જ્યાં સુધી વડા પ્રધાને દાખવેલ પુનર્વિચારતત્પરતાનો પ્રશ્ન છે, અહીં એ એક વિગત વેળાસર સંભારી લેવી જોઈએ કે આ એમનું મૂળ વલણ નથી. ૧૯૬૨ના કેદારનાથ કેસમાં સર્વોચ્ચ અદાલતે રાજદ્રોહના કાયદાનો દુરુપયોગ અને ગેરઅમલ ટાળવા કેટલીક માર્ગદર્શક રેખાઓ આપી હતી, પછીથી આ રેખાઓ એના ઘોર ભંગ થકી જ ઓળખાતી રહી છે. એટલે ‘રાજદ્રોહ’ની જોગવાઈ બાબતે આમૂલ ફેરફારની માંગ ઉત્તરોત્તર અનિવાર્ય અનુભવાતી રહે છે. વરસેક પર ફરી અવાજ ઊઠ્યો ત્યારે ભારત સરકારે સર્વોચ્ચ અદાલતમાં એવું વલણ લીધું હતું કે ૧૯૬૨માં કેદારનાથ કેસમાં સર્વોચ્ચ અદાલતે જે કહ્યું છે તે ‘ગુડ લૉ’ છે અને એમાં કોઈ ફેરફારની જરૂર નથી. દરમિયાન, સર્વોચ્ચ અદાલત સમક્ષ મોઈત્રા પહેલથી જે વિગતો આવવા લાગી અને ન્યાયપીઠ પરથી પણ જે બેબાક નુક્તેચીની થવા લાગી એના ઉજાસમાં વડા પ્રધાને એમના સુપરિચિત રણનીતિકૌશલને શોભીતી રીતે સ્વરાજનાં પંચોતેર વરસના સ્પિરિટનો હવાલો આપવાનું દુરસ્ત લેખ્યું. અલબત્ત એની હેસિયત કથિત ‘ડેમેજ કન્ટ્રોલ’થી વધુ નહોતી તે કાયદા પ્રધાનના ઉદ્ગારોથી સમજાઈ રહે છે.
સાંસ્થાનિક ઓથારમાંથી સદંતર મુક્તિ અને સ્વરાજની પૂર્ણ અનુભૂતિની દૃષ્ટિએ જે અંતર કાપવું રહે છે એ અંગે રાજકીય શાસકીય અગ્રવર્ગની પ્રતિબદ્ધતા વસ્તુતઃ કેવી અને કેટલી છે એનું અચ્છું નિદર્શન રિજ્જુ મશાયની એ પ્રગટ ટિપ્પણી વાટે મળી રહે છે કે અગાઉની સરકારે (એન.ડી.એ. નહીં પણ યુ.પી.એ. સરકારે) આવા તો હજારો કેસ કર્યા છે. ભલા’દમી, જે ખોટું છે એના બચાવમાં સામેવાળાએ ખોટું કર્યાનો આક્ષેપ ક્યાં સુધી કામ આવી શકે, કોઈ તો કહો. આમ પણ, જો કે, ૨૦૧૦થી ૨૦૧૪ અને ૨૦૧૪થી આજ સુધીની ટકાવારીમાં ગુણાત્મક અંતર છે, પણ તે કાયદા પ્રધાનને કોણ બોલી બતાવે.
૧૮૭૦થી ચાલુ આ સાંસ્થાનિક જોગવાઈમાં ૧૯૭૩માં ઇંદિરાઈ કાળમાં વગર વૉરન્ટે અટકાયત શક્ય અને એવો સુધારો (ખરું જોતાં જો કે કુધારો) આમેજ થયો હતો. જૂન ૧૯૭૫થી માર્ચ ૧૯૭૭ સુધીના મિસા-શાસનનો એ પૂર્વાભાસ હતો. જનતા સરકારે કટોકટીરાજની દોષદુરસ્તી કરતા ઠીક સુધારા કીધા, પણ સાંસ્થાનિક ઓથારમાંથી મુક્ત થવાની પ્રક્રિયા લાંબી છે એ વખતોવખત સમજાતું રહે છે.
મુદ્દે, સરકારમાત્રની – રિપીટ, સરકારમાત્રની, પ્રકૃતિ સત્તાના કેન્દ્રીકરણ ને મનમુરાદ સુવાંગ ભોગવટાની હોય છે. અને એમાં પણ ચોક્કસ વિચારધારાત્મક ધોરણે એકશાહી ચલાવવા ઈચ્છતી સરકારનું પૂછવું જ શું. રાજદ્રોહના જે કેસો છેલ્લાં વરસોમાં નોંધાયા એમાંના કેટલા બધા વડા પ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીની ટીકા સબબ નોંધાયા છે એનું કોઈકે પ્રગટ સર્વેક્ષણ કરવું રહે છે. વસ્તુતઃ કોઈની ટીકા પોતે થઈને ‘ક્રાઇમ’ નથી, સિવાય કે એ ટીકા હિંસક ઉશ્કેરણી પ્રેરતી હોય. સર્વોચ્ચ અદાલતે એકથી વધુ વખત આ સ્પષ્ટતા કરેલી છે, પણ –
આરંભે જ સતર્ક, સાવધ ને સાશંક રહેવાની જે જિકર કરી એની એક સમજૂત લેખે વાતનો બંધ વાળતી વખતે મારે સાથી નાગરિકને નાતે સૌ વાચકોનું ધ્યાન એ હકીકત તરફ પણ દારેવું જોઈશે કે વખત છે તે ૧૨૪ એ (‘રાજદ્રોહ’ની જોગવાઈ) રદ્દ થઈ તો પણ યુ.એ.પી.એ. [અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ]થી માંડીને એન.એસ.એ. [નૅશનલ સિક્યોરિટી ઍક્ટ] સહિતની કેટલી બધી કાનૂની જોગવાઈઓ મનમુરાદ સત્તાતંત્રની સેવામાં સાક્ષાત્ હાજરાહજૂર હોવાની છે.
સ્વચિત્રનું પ્રભાત અને પરચક્રનો મધ્યાહ્ન … નાગરિકની આ દોધારી નિયતિ ક્યાં સુધી?
મે ૧૩, ૨૦૨૨
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 01-02
![]()



અંગ્રેજી સલ્તનતનો ભારતમાં પાયો નખાયો ત્યારે થોડાં વર્ષ સુધી તો પ્રજાએ ગુલામી વેઠી લીધી, પણ પછી જુલમો વધવા માંડ્યા તેમ તેમ અહીંની પ્રજાએ પણ માથું ઊંચકવા માંડ્યું. દેખીતું છે કે તે અંગ્રેજી વાઇસરોયોને માફક ન જ આવે. એ માથાં કચડવા તે વખતના જજ જેમ્સ સ્ટીફને 1870માં ઇંડિયન પિનલ કોડ(આઇ.પી.સી.)ની કલમમાં 124-એ નામની એક કલમ રાજદ્રોહને નામે ઉમેરી. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ભારતના નેતાઓ સામે એ કલમનો ઉપયોગ થયો. આ કલમ હેઠળ ભગત સિંહ, લોકમાન્ય તિલક, ગાંધી, નહેરુ જેવાઓ સામે કામ ચલાવવામાં આવ્યું. જો કોઈ વ્યક્તિ સરકાર વિરુદ્ધ લખે કે બોલે ને એ દ્વારા સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરે કે એમ કરવાનો પ્રયત્ન કરે તો તે આ કલમ હેઠળ દોષિત ઠરે છે. આ બિનજામીન પાત્ર ગુનો છે ને તેને માટે 3 વર્ષની જેલથી તે આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. આમાં દંડની જોગવાઈ પણ છે. આ કાયદો અંગ્રેજોના વખતમાં હતો ને સરકારનો કોઈ વિરોધ ન કરે એટલે અમલમાં આવ્યો હતો.