[પાર્ટ-3]
હત્યારાઓને ફાંસીએ ચડાવવા તે જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગોધરા હત્યાકાંડનો બદલો અમદાવાદમાં લઈ શકાય નહીં ! પરંતુ જ્યારે લોકોની ધાર્મિક લાગણીઓ ઉપર સવાર થઈને ‘સત્તા’ મેળવી હોય ત્યારે ‘સત્તા’; તોફાનીઓ ઉપર કડક પગલાં લઈ શકે નહીં. સરકાર તરફથી નિર્દોષ લોકોની સલામતી માટે જે પગલાં લેવાવાં જોઈએ તે સરકાર તરફથી લેવાયાં ન હતા. 2002ના તોફાનોમાં 'લાર્જર કૉન્સપીરેસી' છે કે નહીં; તેની ઉપર સુપ્રિમકોર્ટે વિચાર કરવાનો હતો; તેના બદલે ફરિયાદી ઝાકિયા જાફરીને મદદ કરનાર તીસ્તા સેતલવાડ અને IPS અધિકારી આર.બી. શ્રીકુમાર વગેરે ઉપર ધોકો પછાડ્યો છે ! સુપ્રિમકોર્ટને પીટિશનમાં સરકારને બદનામ કરવાનું કાવતરું દેખાયું તે ચિંતાનો વિષય છે !

2009માં સુપ્રિમકોર્ટે તિસ્તા સેતલવાડ અને 'સિટીઝન ફૉર જસ્ટિસ ઍન્ડ પીસ'ની કામગીરીને બિરદાવી હતી; જ્યારે 24 જૂન 2022ના ચૂકાદામાં, એ જ કોર્ટ તેમને કાવતરાખોર કહે છે ! સુપ્રિમકોર્ટના ચૂકાદાના ફકરા-88માં ગોધરાકાંડ પછીનાં તોફાનોની ચર્ચાને જીવતી રાખવા માટે કોઈ કાવતરું હોય તેવી શંકા વ્યક્ત કરીને તીસ્તા સેતલવાડનું નામ નોંધ્યું છે. આ અંગે ‘તપાસ કર્યા વિના જ’ બીજે જ દિવસે તીસ્તાને અને પૂર્વ IPS અધિકારી આર.બી. શ્રીકુમારને જેલમાં પૂરવામાં આવ્યાં; તે શું સૂચવે છે? એક વેળાએ સુપ્રિમકોર્ટ તીસ્તાની મદદ લેતી હતી; હવે તીસ્તા કાવતરાખોર લાગે છે; આવું કેમ? 2008માં, સુપ્રિમકોર્ટે SITની રચના; ઝાકિયા જાફરી અને તીસ્તા સેતલવાડની રજૂઆતના કારણે જ કરી હતી. તે સમયે સુપ્રિમકોર્ટને લાગ્યું હતું કે ગુજરાત પોલીસની કામગીરી બરાબર નથી, માટે SITની રચના કરી ! તીસ્તાની રજૂઆતના કારણે જ સુપ્રિમકોર્ટે બિલકીસબાનો કેસ / બેસ્ટ બેકારી કેસ ગુજરાત બહાર મુંબઈમાં ટ્રાન્સફર કર્યા હતા ! બન્ને કેસમાં આરોપીઓને સજા થઈ હતી; આ બન્ને કેસ ગુજરાતમાં ચાલ્યા હોત તો આરોપીઓને સજા થાત? ઉપરાંત તીસ્તાની રજૂઆતના કારણે SITની રચના થઈ અને SITના કારણે અનેક કેસોમાં આરોપીઓને સખ્ત સજા થઈ છે ! જો SITની રચના થઈ જ ન હોત તો બાબુ બજરંગી / માયા કોડનાણી વગેરેને સજા થઈ હોત? સુપ્રિમકોર્ટને ગુજરાત પોલીસની કામગીરી યોગ્ય નહોતી લાગી; એટલે SITની રચના કરવાની જરૂર પડી હતી; આ બાબત સુપ્રિમકોર્ટ કઈ રીતે ભૂલી શકે? ‘સત્તા’નો ચમત્કાર એ છે કે હવે સુપ્રિમકોર્ટને તીસ્તા ‘ષડયંત્રકારી’ લાગે છે ! હવે તેને લાગે છે કે સરકારને બદનામ કરવા તીસ્તાએ કાવતરું કર્યું હતું ! સવાલ એ છે કે SITએ પોતાનો રિપોર્ટ તો 2012માં સુપ્રિમકોર્ટને સુપ્રત કરી દીધો હતો; છેલ્લાં 10 વર્ષ દરમિયાન સુપ્રિમકોર્ટે આ રિપોર્ટના આધારે તીસ્તા અને બીજા કાવતરાખોરોની ધરપકડ કરવા કેમ કહ્યું નહીં? માની લઈએ કે તીસ્તાએ કાવતરું કર્યું હતું; તો 2000થી વધુ નિર્દોષ લોકોની હત્યા થઈ, એ માટે કોઈની જવાબદારી હોય કે નહીં? હિંસાનો શિકાર બનેલાઓને કે તેમના વતી અવાજ ઊઠાવનારને કાવતરાખોર કહી શકાય? રાજ્યને બદનામ કરવા / રાજ્યને અસ્થિર કરવા / રાજ્ય સામે કાવતરું કરવાનો આરોપ ફરિયાદી સામે મૂકી શકાય? જો રાજ્ય આવો આરોપ મૂકે કે તો કોઈ ફરિયાદી સલામત રહે ખરો? કોર્ટનું વલણ બંધારણ આધારિત હોવું જોઈએ કે ‘સત્તા’ આધારિત? શું ‘રાજ્ય’ અને ‘નેતા’ પર્યાયવાચી બની ગયા નથી? શું કોર્ટ ‘સત્તા’ની એક શાખા છે?
સુપ્રિમકોર્ટને થયું છે શું? 16 આદિવાસીઓની હત્યાની તપાસ થવી જોઈએ; તેવી અરજ કરનાર એક્ટિવિસ્ટ હિમાંશુ કુમારને 5 લાખનો દંડ? સુપ્રિમકોર્ટને વામપંથી ચરમપંથીઓને બચાવવાનું કાવતરું દેખાય છે ! 2000થી વધુ મોત અંગે તપાસ થવી જોઈએ; તેવી અરજ કરનાર ઝાકિયા જાફરીના સાથીદારોને જેલમાં પૂરવાના? સુપ્રિમકોર્ટને રાજ્યને બદનામ કરવાનું કાવતરું દેખાય છે ! દરેક અરજદાર જે રાજ્ય સામે અદાલતનો દરવાજો ખખડાવે તેની વાત સાંભળવી જ જોઈએ. તેને દંડિત કરી શકાય નહીં કે જેલમાં પૂરી શકાય નહીં ! ફરિયાદીને જ ઠમઠોરવાનો સુપ્રિમ કોનો નવો અવતાર જોવા મળ્યો છે; જે લોકશાહી માટે ભયંકર સંકેત છે. સત્તાની તરફેણમાં મજા / લાભ / પુરસ્કાર / નિમણૂંકો / વાહવાહી મળે છે ! સત્તા વિરુદ્ધ લખવામાં તમને બદનામ કરે /રાષ્ટ્રદોહી ચીતરે / તમારા NGOના ફંડ અંગે તપાસ થાય / કેસ થાય / જેલમાં પૂરે / ભક્તો ટ્રોલ કરે / ગાળો આપે / હિંસક હુમલા કરે / કાળી શાહી ફેંકે ! સત્તા વિરુદ્ધ બોલવું અને લખવું જોખમકારક છે ! આ સ્થિતિને લોકતંત્ર નહી ષડયંત્ર કહી શકાય ! સૌથી મોટો સવાલ એ છે કે શું સુપ્રિમકોર્ટ એવું માને છે કે નાગરિકોને નહીં; રાજ્યને અદાલતી-સુરક્ષાની જરૂર છે?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



ઘણીવાર તો એવો વહેમ પડે છે કે અંગ્રેજો ગયા જ નથી ને આપણે હજી અનેક પ્રકારનાં બંધનો, પ્રતિબંધોથી જકડાયેલાં હોવાનો વહેમ પડે છે. એ ખરું કે સ્વતંત્રતા જવાબદારી તો ઊભી કરે જ છે, પણ જવાબદારી જ હોય ને મોકળાશ ન હોય તો જે અનુભવ બચે તે ગુલામીથી બહુ જુદો ન હોય. એ પણ છે કે એક વર્ગ એવો છે જેને બધું ઉત્તમ જ થતું દેખાય છે. એ ભક્તિમાર્ગી ભલે આનંદ માણે, પણ મોટે ભાગની પ્રજા રાજી નથી. હવે જે રાજી નથી તે વિપક્ષ જ છે એમ માનવું એ એવા લોકોને અન્યાય કરે છે જે વિપક્ષના સભ્યો નથી. આજકાલ વિરોધ કરે તે વિપક્ષનો જ છે ને ભક્તિ કરે છે તે ભા.જ.પ.નો જ છે એવી જાહેર સમજ પ્રવર્તે છે, પણ ઘણા લોકો એવા છે જે ભા.જ.પ.ના નથી ને વિપક્ષના પણ નથી, તેમને માટે કોઈ જગ્યા આ દેશમાં છે કે કેમ તે પ્રશ્ન છે.