
રવીન્દ્ર પારેખ
મિત્રો, આજે હોળી છે ને આ હોળીનો લેખ છે, એ હસવા માટે છે, એવું તમે ન કહો તો મિત્રો હસતાં નથી. કેટલાંક એટલાં સંવેદનશીલ છે કે તમે જોક કહો તો પણ રડી પડે. એ બધાં પાછાં ધાર્મિક પણ એટલા કે સમયે સમયે પૂજા, વ્રત, તપ, ઉપવાસ કરતાં રહે છે. જપ કરતી વખતે પણ એમને જંપ નથી હોતો. એમાં આ વખતે કન્ફ્યુઝન એ છે કે હોળી ક્યારે કરવી તે નક્કી નથી. ધૂળેટી કન્ફર્મ છે, પણ હોળી વિષે જ્યોતિષીઓમાં પણ મતભેદ છે. કોઈ 6 તારીખે હોળી પ્રગટાવવાનું કહે છે, તો કોઈ 7 તારીખે ! કોઈ તો કહે છે કે બંને દિવસે પણ ચાલે. એટલે 6 તારીખે પ્રગટાવવાની ને 7 તારીખે પણ પ્રગટાવવાની, એવું? એટલું સારું છે કે કોઈ ધૂળેટી પછી હોળી ઉજવવાનું નથી કહેતું ને જેને બારે મહિના હોળી છે તેને તો રોજ જ મુહૂર્ત નીકળે છે. એટલું છે કે હોલિકા દહન પરાપૂર્વથી ચાલ્યું આવે છે તેમાં ફેર એ પડ્યો છે કે હોલિકાનું સ્થાન પત્નીએ લીધું છે ને પ્રહલાદની ભૂમિકામાં પતિ ગોઠવાયો છે. રોજ જ હોળી થાય છે એટલે કોઈ વાર પતિ, પ્રહલાદ બનીને બહાર આવે છે તો કોઈ વાર હોલિકા ધુમાડો થતી બચે છે. જો કે, આ બચવાનું બહુ લાંબું ચાલતું નથી, કારણ કોઈ આજે બચી જાય છે તો કાલે તો ભેરવાય જ છે. પ્રોબ્લેમ એ છે કે ઘરમાં પ્રગટે છે તે હોળીને ધૂળેટી હોતી નથી. બહુ થાય તો પતિ-પત્ની એકબીજાં પર ધૂળ ઉડાડે, બાકી રંગોત્સવ લગભગ થતો નથી. ક્યારેક આજુબાજુનાઓને કરમુક્ત મનોરંજન મળતું હશે ને એ કૈં ગુલાલ ઉડાડે તો વાત જુદી છે, બાકી, હોળી તો બહાર ઉજવાય તે જ ખરી.
મૂળ સ્ટોરી એવી છે કે એચ. કશ્યપુ અસુર હતો ને સૂરમાં ન હતો, ઉપરથી રાજા હતો ને પોતાને જ ભગવાન માનતો હતો. હવે હિરણ્યકશ્યપુ આખું લખવાને બદલે એચ. કશ્યપુ લખીએ તો પણ ભક્તોને વાંધો પડે. એમાં ઘણાં વાંઢા હોય ને તે વાંધા પણ પાડે. અસુરોના ય ભક્તો તો હોય. આજકાલ તો અસુરોના જ ભક્તો રહી ગયા છે. ભક્તો એવા કે અસુરોને જ માને. ભક્તો એટલે આમ તો મતદાતાઓ. દરેક અસુરને એનો મતવિસ્તાર હતો. એચ. કશ્યપુને પણ હતો. એમાં પ્રદૂષણ હતું તે પ્રહલાદનું. આમ હતો તો તેનો જ દીકરો, પણ બાપને માનતો ન હતો, એટલે કે બાપને તો માનતો હતો, પણ બાપને ભગવાન માનતો ન હતો. તે વિષ્ણુનો ભક્ત હતો. ઘરમાં સગો દીકરો જ વિપક્ષમાં હોય તો કયા ફાધરને ગમે? તેણે દીકરાને પટાવી જોયો, પણ વિષ્ણુની આરતી ઉતારવાનું તેણે ન છોડ્યું. ફાધરે વિપક્ષવાળાને ફોડીને પોતાના પક્ષમાં ખેંચવાની રોકડી કોશિશ પણ કરી જોઈ, પણ પ્રહલાદ એકનો બે ન થયો. એટલે ફાધરનો પિત્તો ગયો, ‘જિસ થાલી મેં ખાતે હો ઉસી મેં છેદ કરતે હો?’ જેવો ફિલ્મી ગુસ્સો પણ કરી જોયો, પણ પ્રહલાદ માન્યો નહીં એટલે એચ. કશ્યપુએ તેનાં પાલતુ ચમચાઓને હુકમ કર્યો, ‘પ્રહલાદને પહાડ પરથી ગબડાવો ઔર ઉસકી બોટી બોટી કર કે કુત્તે કો ખીલા દો.’ પણ કૂતરાંઓએ ખિજવાઈને વિરોધ નોંધાવ્યો, ‘બધાંનો કચરો અમારે જ હું કામ ખાવાનો? માલ મલિદાઓ તમે ઝાપટો ને અમારે બોટીથી ચલાવવાનું? આવું ને આવું જ ચાલવાનું ઓ’ય તો કાલથી અમે હો ગામને બચકાં જ ભરીહું.’
પ્રહલાદને ચમચાઓએ ગબડાવ્યો તો ખરો, પણ નસીબનો બળિયો તે બચી ગયો. ફાધરને ખબર પડી તો એણે બીજી રીતે પ્રહલાદને હેરાન કરવાના ઘણાં પ્રયત્નો કર્યા, પણ પ્રહલાદે ભગવાનનું નામ ન છોડ્યું તે ન જ છોડ્યું. એમાં ને એમાં પ્રહલાદે એકના એક ફાધરને ખોવાનો વખત આવ્યો. બન્યું એવું કે એચ. કશ્યપુએ લાલચોળ થાંભલો તપાવ્યો ને પ્રહલાદને વળગી જવાનું કહ્યું, પ્રહલાદ ધગધગતો થાંભલો જોઈને ડર્યો તો ખરો, પણ તેણે એક કીડી તેનાં પર ચાલતી જોઈ ને તેને હિંમત આવી કે કીડીને કૈં નથી થતું તો પોતાને હું થવાનું હતું? તે તો વળગ્યો ને થાંભલો ફાટ્યો. હવે એ ની પૂછવાનું કે તપાવેલા થાંભલા પર કીડી હું કાંદા ખાવા ચડી? બને કે તેણે આપઘાત કરવો હોય ને એન મોકા પર પ્રહલાદ જોઈ ગયો હોય ને તેનો ગોડ પરનો કોન્ફિડન્સ વધી ગયો હોય ! એ હો ની પૂછવાનું કે પ્રહલાદ વળગ્યો તેમાં થાંભલાને ફાટવાનું કયું કારણ હતું? બને કે થાંભલા જેવું કૈં હોય જ નહીં ને થાંભલાની ઝેરોક્સ જ હોય જે ફાટી ગઈ હોય ને એમાંથી ભગવાન પ્રગટ થયા હોય. ભગવાન પણ કેવા? નૃસિંહ અવતાર. અડધા માણસ, અડધા સિંહ. ભગવાને આ આખો વેપલો એટલે કરવો પડ્યો કેમ કે એચ. કશ્યપુને વરદાન હતું કે તે ન તો દિવસે મરે કે ન રાતે. તો ભગવાને સાંજનો સમય પસંદ કર્યો. તેને ન તો કોઈ ઘરમાં મારી શકે કે ન તો ઘર બહાર, એટલે ભગવાને તેને ઉંબરા પર મારવા લીધો. તેને ન તો માણસ મારી શકે કે ન તો પશુ. એટલે ભગવાને નર અને સિંહનું ફ્યુઝન કરવું પડ્યું ને એચ. કશ્યપુના રામ રમી ગયા. ના, રામ તો ના રમ્યા, કારણ રામના અવતારને ઘણી વાર હતી. ભગવાન જેવા ભગવાને નૃસિંહરૂપ થાંભલામાં રાખ્યું એમ જ ઘણાં પોતાનું નૃસિંહરૂપ સંતાડીને રાખે છે. કોઈ એને નરસિંહ રૂપે, નહીં તો નેતા રૂપે પણ આરાધે છે.
જોક, આપણી વાત તો હોળીની ચાલતી હતી. થયું એવું કે ફાધર, પ્રહલાદથી ત્રાસી ગયો હતો ને તે તેનાથી છૂટકારો ઈચ્છતો હતો, એટલામાં એચ. કશ્યપુની સિસ હોલિકા આવી ચડી. સિસ એટલે સિસ્ટર. તેને પણ પ્રહલાદની એટિટ્યૂડ પસંદ ન હતી. ભગવાન ઘરમાં હોય ને બહારનાની પૂજા થાય, એ તો ભૂસાવાળો બાજુની દુકાનમાંથી બિસ્કિટ લાવીને ખાય એના જેવું હતું. એમાં વળી હોલિકાને વરદાન હતું કે અગ્નિ તેનું કૈં બગાડી ના શકે. તેણે બ્રોને આઇડિયા આપ્યો. બ્રો એટલે બ્રોકર નહીં, બ્રધર. તેણે કહ્યું કે પ્રહલાદને લઈને તે અગ્નિમાં બેસશે ને તેનો ધુમાડો કરી નાખશે. બ્રોને તો મજા પડી ગઈ, પણ પ્રહલાદે એ વાત છુપાઈને સાંભળી લીધી હતી. તેણે પણ લોર્ડ વિષ્ણુના એટલા મણકા ફેરવ્યા કે વિષ્ણુએ તેને પ્રસન્ન થઈને ફાયરપ્રૂફ ક્રીમ આપવું જ પડ્યું. ઓડોમસ ક્રીમ લગાડીએને એવું આ ફાયરપ્રૂફ ક્રીમ પ્રહલાદે આખે શરીરે લગાડ્યું ને હોલિકાના ખોળામાં બેઠો. જે વિષ્ણુ ભક્તો હતા તે ચિંતામાં હતા એટલે એમણે ધાણી ચણા ખાઈને દિવસ કાઢ્યો. ઘણાંએ એટલા ધાણીચણા ખાધા કે પાચક ચૂર્ણ લેવું પડ્યું. પછી કૈં એવું થયું કે હોલિકાનું વરદાન ફેલ ગયું ને તે દાઝવા માંડી ને ચીસો પાડવા લાગી, પણ છોકરાં હાળાં એવાં વંચર કે ઢોલકાં વગાડવામાંથી જ ઊંચા ની આવે તો કરવાનું હું? નાછૂટકે હોલિકાની રાખ પડી ગઈ અને પ્રહલાદ હોળીમાંથી હેમખેમ બહાર આવ્યો.
પ્રહલાદ બચી ગયો એ જાણીને ભક્તોએ ગુલાલ ઉડાડ્યો ને એ પછી ધૂળેટીની શરૂઆત થઈ. કોઈ ધૂળ ઉડાડીને ધૂળધાણી કરે છે તો કોઈ રંગ ઉડાડીને ! એક સમયે કેસૂડાંનાં રંગો છંટાતા. પણ હવે તો રંગો પિચકારીમાં ભરીને છંટાય છે. લોકો પણ રંગપાણી ને છાંટોપાણી સાથે સાથે જ કરે છે. લાલ, પીળો, ભૂરો, લીલો, કાળો એમ એટલા બધા રંગો પિચકારીથી છંટાય છે કે માથું, કપડાં ને હાથ-ટાંટિયા રંગોમાંથી શોધવાં પડે. કેટલાક રંગો તો એવા પાકા હોય છે કે બીજી ધૂળેટીમાં ફરી રંગાવાની જરૂર જ ન પડે. આમ આખો દેહ સીસમ જેવો હોય ને ઉપરથી ડામર જેવો રંગ છંટાય તો પૂનમની અમાસ જ થાય કે બીજું કૈં? એમાં એવું પણ થયું કે ભાભી તેનાં રંગાયેલા દીકરાને ધોવા બાથરૂમમાં ખેંચી લાવી હોય ને રંગો ધોવાતા તે પડોશીનો દીકરો થઈ ઊઠયો હોય ! પતિપત્નીમાં એવું થાય છે કે પતિ રંગે તો પત્ની ય રંગે, પણ પતિ ધ્યાન રાખે છે કે પત્ની પોતાની ન હોય. ને પત્ની ય ધ્યાન રાખે કે રોજિંદું થોબડું સામે ન ભટકાય. ઘણીવાર રંગાયેલી પત્ની બીજાની લાગે છે ને બીજાની પત્ની પોતાની લાગે છે.
ભાઈ ભાભીને રંગે, પણ ભાભી દિયરને શોધતી હોય, દિયર ગર્લફ્રેન્ડને શોધતો હોય ને ગર્લફ્રેન્ડનો બોયફ્રેન્ડ બીજો જ હોય. ઘણીવાર તો ખબર જ ન પડે કે બધાં રંગ લગાવે છે કે અંગ ! રંગો એવા કે કોઈ નંગો હોય તોય કપડાં પહેરેલો જ લાગે. કપડાં પણ એટલાં રંગાયાં હોય કે પોતાં મારવાં કે પોતાં મૂકવાં જેવાં ય ન રહ્યાં હોય. કોઈને રંગમાં ભંગ લાગે તો કોઈને રંગમાં જ ભંગ ઢીંચવાનું પણ થાય. રાધાનાં બરસાનામાં તો સ્ત્રીઓ, પુરુષો પર લાઠી વરસાવતી હોય છે. એમાં વળી દાઝ ચડે તો લાઠી કોઇની કાઠી ભાંગે એમ પણ બને. બરસાનામાં તો લાડુ પણ મારતા હોય છે. કેટલાક તો ખુલ્લે મોઢે લાડુ એવી રીતે ઝીલે છે કે પેટપૂજાનો પછી પ્રશ્ન જ ન રહે. ઘણી જગ્યાએ લોકો કલર રમવામાં કોલર પણ પકડી લે છે ને વગર કલરે જ લાલપીળા થતાં રહે છે. આમ તો હોળીમાં નાળિયેર પણ હોમાય છે, પણ જે ઘરમાં હોળી બારમાસી છે ત્યાં નાળિયેરનું સ્થાન ઘરવાળો લેતો હોય છે …
એટલે જ હોલી ઈઝ એ હોલી-ડે કહેવાય છે. એ દિવસે હોલીડે હોય છે ને રજા હોય એટલે બધા નવરા હોય ને નવરા તો નખ્ખોદ જ ..,
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 માર્ચ 2023
![]()




ક્ષમા સાવંતની યાદદાસ્તમાં બાળપણની એક વાત અટકેલી છે. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી ક્ષમાના દાદા તેમના ઘરમાં કામ કરતી એક મહિલા માટે એક શબ્દ વાપરતા હતા જે જાતિસૂચક અપમાન હતું. ક્ષમા કહે છે કે આમ તો ઘરમાં એ મહિલાનું પૂરું ધ્યાન રાખવામાં આવતું હતું પરંતુ તેને માટે