આ જગતમાં ઐશ્વર્યવાનોની બે પ્રકારની જમાત હોય છે. એકને અંગ્રેજીમાં કૉન્ફરમીસ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને બીજીને નોન – કૉન્ફરમીસ્ટ તરીકે ઓળખાવવામાં આવે છે. આ દરેક યુગની, દરેક દેશની અને દરેક સમાજની વાસ્તવિકતા છે. એનાં પ્રમાણમાં વધઘટ થાય, પણ એ હોવાની તો ખરી જ.
ઐશ્વર્યવાન એ છે જેને બોલતા આવડે છે, લખતા આવડે છે, જેનામાં સર્જકતા છે, સારી કૃતિ રચી શકે છે, ભજવી શકે છે, જે આપણાં કરતાં અનોખી રીતે દુનિયા નિહાળી શકે છે વગેરે. આ ઈશ્વરદત્ત સામર્થ્ય છે જે દરેકનાં નસીબમાં નથી હોતું એટલે પ્રજા તેમના તરફ આદરભાવથી અને કુતૂહલથી જુએ છે. કોઈ વાત, વિચાર કે વાસ્તવ આપણે કલ્પના પણ ન કરી હોય એવી કોઈક અનોખી કલ્પકતા દ્વારા સર્જક પોતાનાં માધ્યમ દ્વારા રજૂ કરે છે ત્યારે આપણે આફરીન થઈ જઈએ છીએ. પણ આવા લોકો સમક્ષ સર્જકતાની ઘડીનું એક સંકટ હોય છે જેનાં આપણે સાક્ષી નથી હોતા. એ પસંદગીનું સંકટ હોય છે, વિવેકનું સંકટ હોય છે. શું પસંદ કરવું; નિર્ભેળ સર્જકતા કે પછી ભાવક, સત્તાધીશ અને બજાર? આ હમણાં કહ્યું એમ દરેક યુગની, દરેક દેશની અને દરેક સમાજની વાસ્તવિકતા છે.
જે સર્જક પોતાનાં અંતરાત્માને અને પોતાની સર્જકતાને વફાદાર રહે છે અને ભાવકની પસંદગીનો, સત્તાધીશની જરૂરિયાતનો અને બજારમાં શું વેચાશે તેની ચિંતા નથી કરતો એવા સર્જકોની જમાતને નોન – કૉન્ફરમીસ્ટ તરીકે ઓળખાવવામાં આવે છે અને જે લોકો આવી બધી ચિંતા કરે છે એવા લોકોને કૉન્ફરમીસ્ટ તરીકે ઓળખાવવામાં આવે છે. આ બીજા પ્રકારની જમાતને પ્રવાહપતિત જમાત તરીકે ઓળખાવી શકાય. તેઓ સમાજ, શાસક અને બજારને નજરમાં રાખે છે અને તેમને જે જોઈતું હોય એ આપે છે. તેઓ પોતાની સર્જકતા સાથે સમાધાન કરે છે અને એ રીતે પોતાના અંતરાત્મા સાથે સમાધાન કરે છે. પરંતુ કેટલાક સર્જકો એવા પણ હોય છે જે સમાધાનો કરતા નથી. તેઓ જાણીબૂજીને સાહસ બતાવવા સામે પ્રવાહે તરે છે એવું નથી, પણ પ્રવાહની ચિંતા નથી કરતા. તેમનો અંતરાત્માનો અવાજ અને તેની સર્જકતાનો પુકાર તેમને તેમ કરતાં રોકે છે. સમયના ધસધસતા પ્રવાહમાં બન્ને કિનારે સમાજ સતત આકાર પામતો રહેતો હોય છે અને સતત આકાર બદલાતો રહેતો હોય છે એમાં સહેજે નજરે નહીં પડતા છાના ખૂણાઓ તેઓ શોધે છે. અથવા સ્થૂળપણે નજરે પડતું ભારીભરકમ વાસ્તવ બૂમબરાડા પાડીને જે વાસ્તવિકતાઓને છૂપાવે છે એને તે ખાસ શોધે છે.
કૉન્ફરમીસ્ટ હોવાને અને નોન – કૉન્ફરમીસ્ટ હોવાને લીધે સર્જકતા ઉપર કોઈ સારી-નરસી અસર થાય ખરી? થાય, અવશ્ય થાય. જેટલું પ્રવાહપતિતતાનું પ્રમાણ વધારે એટલી તેની અસર વધુ થાય. અંગત જીવનમાં ગામના ઉતાર જેવો નીચ અને વિચિત્ર માણસ અદ્ભુત કૃતિ આપી શકે જો એ નોન – કૉન્ફરમીસ્ટ હોય તો અને અંગત જીવનમાં સજ્જન અને ઠાવકો માણસ મીડિયોકર કૃતિ આપશે જો એ કૉન્ફરમીસ્ટ હોય તો. શ્રેષ્ઠ કૃતિને સર્જકના ચારિત્ર્ય સાથે સંબંધ નથી પણ કૉન્ફરમીસ્ટ હોવા ન હોવા સાથે અવશ્ય સંબંધ છે. એવું બને કે કેટલાક સર્જકો પ્રવાહને અને પ્રવાહે પેદા કરેલા સ્થાપિત હિતોને ભલે પડકારે નહીં, પણ તેમાં વહે પણ નહીં. તેઓ સમાંતરે પ્રવાહપતિત થયા વગર પોતાનું કામ કરતા રહે છે. અદ્ભુત કૃતિ તેમની પાસેથી પણ મળી શકે અને મળે છે. પણ કૉન્ફરમીસ્ટ લોકો અદ્ભુત કલાકૃતિ રચી શકે એ સંભવ નથી. નજર હટી કે દુર્ઘટના ઘટી એના જેવું છે. સર્જકતાની ક્ષણે ભાવકની સંખ્યા, તેનાં ગમાઅણગમા, શાસકનો ચહેરો અને તેની જરૂરિયાત તેમ જ બજારની યાદ આવી કે કૃતિ અભડાઈ ગઈ સમજો.
અને સર્જક જો જાણીબૂજીને, લાભ જોઈને, ગણતરીપૂર્વક સત્તાને શરણે જાય તો ત્યાં સર્જકતાનું હોવું અસંભવ છે. સત્તા માત્ર શાસકો જ ધરાવે છે એવું નથી; ભાવકોની સંખ્યા ધરાવે છે, ધર્મગુરુઓ ધરાવે છે, સમાજના ઠેકેદારો ધરાવે છે, કુબેરપતિઓ ધરાવે છે, મીડિયાના માલિકો ધરાવે છે અને બજારને ચલાવનારાઓ પણ ધરાવે છે. જે સર્જક પોતાની સર્જકતાને સ્થાપિત હિતોને શરણે ધરીને તેમને માટે કામ કરે છે એ ક્યારે ય સારી કૃતિ ન આપી શકે.
હવે ‘કાશ્મીર ફાઈલ્સ’ નામની ફિલ્મની વાત. કેટલાક સાહિત્યકારો અને સર્જકો નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારથી તેમના માટે કામ કરતા આવ્યા છે. ગુજરાતમાં તેમને લાભાર્થીઓ તરીકે ઓળખાવવામાં આવે છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી લાભાર્થીઓનો દાયરો મોટો થયો. કોઈ બાળ નરેન્દ્રની કથા લખે, કોઈ વળી ‘મામા મોદી મામા મોદી’ જેવું પ્રશસ્તિ ગીત લખીને ‘ચાચા નેહરુ’ને પદચ્યુત કરવાનો પ્રયાસ કરે. (નેહરુના નસીબ કે વડા પ્રધાનને મામા બનવું ગમ્યું નહીં એટલે એ પ્રશસ્તિ ગીત સિનેમાઘરોમાંથી ઉતારી લેવામાં આવ્યું અને ચાચા નેહરુ બચી ગયા) કોઈ કવિતા રચે, કોઈ તેમની આરતી ઉતારતા ગીતો કંપોઝ કરે અને ગાય વગેરે. ફિલ્મ નિર્માણમાં ખર્ચો ઘણો મોટો હોય છે એટલે તેને માટે ખાસ આર્થિક વ્યવસ્થા કરવામાં આવે છે. ‘કાશ્મીર ફાઈલ્સ’ આવી એક દેશના નાગરિકોને ડરાવવા માટે અને રુદન કરાવવા માટે ખાસ બનાવવામાં આવેલી ફિલ્મ છે.
હવે સ્થાપિત હિતોની ભાટાઈ કરનાર ભાટ પોતાને કાલિદાસ સમજવા લાગે તો શું થાય? તેને એમ સમજવાનો અધિકાર છે, પણ સમાજ તેને કાલિદાસ તરીકે સ્વીકારે એવો આગ્રહ રાખે તો શું થાય? તો એવું થાય જેવું ગોવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં થયું. ફિલ્મ ઇનામને લાયક છે કે નહીં એ નક્કી કરનારી જ્યુરીના ઈઝરાયેલી અધ્યક્ષે કહ્યું કે આ કોઈ ફિલ્મ છે? તેમણે અંગ્રેજીમાં ‘કાશ્મીર ફાઈલ્સ’ને પ્રચારાત્મક (પ્રોપેગેન્ડા) અને ફૂહડ (વલ્ગર) ફિલ્મ તરીકે ઓળખાવી અને પ્રશ્ન કર્યો કે આવી કલાત્મક ધોરણે જાડી અને અસહ્ય ફિલ્મ અહીં સુધી પહોંચી કઈ રીતે? એવો તમતમતો તમાચો પડ્યો કે લાબોનો બધો નશો ઊતરી ગયો હશે!
તમે કોઈની પગચંપી કરો એ તમારા અંતરાત્માનો સવાલ છે, પણ પોતાના અંતરાત્માનો સોદો કરનારાઓ પાછા પોતાને સત્યજીત રાય સમજવા લાગે ત્યારે આવું થાય. એમાં જો કે તેમનો વાંક નથી. જેમ ભાટ સર્જકો છે એમ ભાટ સમીક્ષકો, ભાટ ભાવકો અને ભાટ પ્લેટફોર્મ્સ પણ છે, જેમણે ભાટબંધુઓના મનમાં ભ્રમ ઘૂસાડી દીધો કે તમે સત્યજીત રાય કરતાં જરા ય ઓછા નથી. અને કદાચ એવું પણ બન્યું હોય કે લાભાર્થી ભાટોને એમ લાગ્યું હોય કે આપણા શાસકની આણ સરહદ વટાવી ગઈ છે એટલે તેઓ તેમને સત્યજીત રાય તરીકે સ્થાપિત કરી આપશે. સાહેબ માટે શું અસંભવ છે?
હમણાં વિક્રમ સંપત નામના કોઈ માણસે વિનાયક દામોદર સાવરકરનું અંગ્રેજીમાં જીવનચરિત્ર લખ્યું અને તેને પેન્ગ્વીન જેવી પ્રકાશનસંસ્થાએ પ્રકાશિત કર્યું. પેગ્વિનનું પ્રકાશન હતું એટલે પુસ્તક વિદ્વાનોની નજરમાં આવ્યું પણ પછી જોવા મળ્યું કે એ જીવનચરિત્રમાં પુષ્કળ ઉઠાંતરી કરવામાં આવી છે અને પરસ્પર વિરોધી વિધાનો કરવામાં આવ્યાં છે. વિદ્વાન સમીક્ષકોએ ‘કાશ્મીર ફાઈલ્સ’ની જેમ એને પણ એક પ્રોપેગેન્ડા અને ફૂહડ કૃતિ જાહેર કરી અને કેટલાકે તો તેની ઠેકડી ઉડાડી. સ્થિતિ એવી બની કે સરકાર અને લાભાર્થીઓએ બન્નેએ વિક્રમ સંપતની પડખે આગળ આવવું પડ્યું અને એમ કહીને કે બીજા દૃષ્ટિકોણનો પણ આદર કરવો જોઈએ. તેમની વાત સાચી છે, બીજા દૃષ્ટિકોણની પણ કદર કરવી જોઈએ, પણ ઉઠાંતરી અને પરસ્પર વિરોધી અને વિસંગત વિધાનો દ્વારા? આ દૃષ્ટિકોણ કહેવાય? બિચારાઓને થયું હશે કે ગાંધીજી વિષે એક લાખ પુસ્તક લખાય, નેહરુ વિષે સો કરતાં વધુ પુસ્તક લખાય, ઇન્દિરા ગાંધી ઉપર ત્રીસ કરતાં વધુ પુસ્તક લખાયાં હોય, ભગતસિંહ વિષે પચીસેક પુસ્તકો લખાયાં હોય, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ અને રાજેન્દ્ર પ્રસાદ વિષે અંગ્રેજીમાં ધોરણસરનાં અને પ્રતિષ્ઠિત પ્રકાશકો દ્વારા પ્રકાશિત પુસ્તકો હોય ત્યારે બિચારા સાવરકર વિષે ફાંકડા અંગ્રેજીમાં અને પ્રતિષ્ઠિત પ્રકાશનસંસ્થા દ્વારા પ્રકાશિત એક પણ પુસ્તક ન હોય!
સાવરકર ઉપરનું પુસ્તક પેંગ્વિન દ્વારા પ્રકાશિત કરાવવામાં ન આવ્યું હોત તો ધુલાઈ ન થાત. ‘કાશ્મીર ફાઈલ્સ’ને આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં મોકલવામાં ન આવી હોત તો ધુલાઈ ન થાત.
તો સત્ય પહેલું સત્ય એ છે કે જેઓ લાભ ખાતર પોતાનાં સર્જન સાથે સમાધાનો કરે છે એ ક્યારે ય મહાન કૃતિ ન આપી શકે. ગુલામી અને સર્જકતા પરસ્પર વિરોધી છે. કાં કોઈની આંગળી પકડો અને કાં સર્જકતાના સ્વતંત્ર માર્ગે ચાલો. બીજું સત્ય એ કે જેમને ગુલામી કરવી છે એ ખુશીથી કરે, પણ તેમણે પછી સત્યજીત રાય, નિરાલા કે રામચન્દ્ર ગુહા હોવાનો ભ્રમ પણ ન પાળવો જોઈએ. જો એવી ચેષ્ટા કરવામાં આવે તો સર્જકોની અને પંડિતોની સભામાં નાક કપાવીને આવવું પડે, જેનો અનુભવ વિવેક અગ્નિહોત્રીને સર્જકોની સભામાં અને વિક્રમ સંપતને પંડિતોની સભામાં થયો.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 ડિસેમ્બર 2022
![]()


રાજધાની દિલ્હીમાં દિવાળી અને તે પછીનો એકાદ મહિનો ભારે પ્રદૂષિત હોય છે. દિલ્હીની શિયાળુ સવાર જ નહીં બપોર પણ ધુમ્મસછાયી જોવા મળે છે. આ સ્થિતિનું કારણ પાડોશી રાજ્યો પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા થતાં પરાળના દહનને માનવામાં આવે છે. ખરીફ ફસલ તરીકે ડાંગરના પાકની કાપણી પછી આગામી રવી પાકની રોપણી માટે ખેતર સાફ કરવા ડાંગરની પરાળ તરીકે ઓળખાતા પાકના અવશેષોને ખેડૂતો બાળી નાંખે છે. તેને કારણે પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. જે દિલ્હીને પણ અસર કરે છે.
કાલે ગુજરાતની પહેલા તબક્કાની ચૂંટણી પૂરી થઈ અને 89 સીટ માટે 19 જિલ્લામાં ઉમેદવારી કરનાર 788 ઉમેદવારોનું ભાવિ ઇ.વી.એમ.માં કેદ થઈ ગયું. બીજા તબક્કાની 92 સીટ માટેનો પ્રચાર તેનાં અંતિમ તબક્કામાં છે. આ 92 સીટ પરનાં ઉમેદવારોનું ભાવિ 5મી ડિસેમ્બરે કેદ થઈ જશે. પહેલાં તબક્કાની જ વાત કરીએ તો મતદારોએ છેવટ સુધી મન કળાવા દીધું નથી ને ઉત્સાહ એવો દાખવ્યો છે કે બધાં, બધાંને જ મત આપવાના હોય ! નોટબંધી વખતે ન લાગી હોય એવી લાઈનો મત આપવા લાગી હોય એમ બન્યું છે, તો જામજોધપુરના ધ્રાફા ગામમાં 2 વાગ્યા સુધી એક પણ મત ન પડ્યો હોય એમ પણ બન્યું છે. મહિલાઓ માટે ગામમાં અલગ બૂથની વ્યવસ્થા આ વખતે કરવામાં ન આવી એટલે નારાજ ગ્રામજનોએ ચૂંટણીનો જ બહિષ્કાર કર્યો. સમજાવટના બધા પ્રયત્નો છતાં ત્યાં મતદાન ન જ નોંધાયું. એવું જ ઝઘડિયા સીટના કેસર ગામમાં પણ બન્યું. ત્યાં પણ ગ્રામજનોએ પ્રાથમિક સુવિધા ન હોવાને લીધે મતદાનનો બહિષ્કાર કર્યો. વાંસદા સીટના વાટી ગામમાં પણ અંબિકા નદી પર પુલ ન બનતાં મતદારો, મતદાનથી દૂર રહ્યા, પરિણામે 700માંથી એક પણ મત ઇ.વી.એમ.માં ન નોંધાયો. એક તરફ આ સ્થિતિ છે તો બીજી તરફ એક ઘરડી સ્ત્રીને પગમાં તકલીફ હતી છતાં પોલીસ અને અન્યોની મદદથી વાંકી વળી, પગથિયાં ચડીને તે મત આપવા પહોંચી. એ ઉપરાંત એવા ઉત્સાહી મતદાતાઓ પણ હતા, જેમણે સવારે મતદાન મથકનાં દરવાજા ખૂલ્યાં કે મત આપવા ધસારો કર્યો, તો સુરતના મજૂરાના જૈનો પૂજાનાં પરંપરાગત વસ્ત્રોમાં જ ઢોલનગારાં સાથે સમૂહમાં મત આપવા નીકળ્યા. સુરતમાં જ સગાં ભાઈબહેને પ્રથમ વખત મતદાનનો અધિકાર ભોગવવા ઘોડા પર સવાર થઈને નીકળવાનું સ્વીકાર્યું. આ બધું છતાં, 3 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં મતદાનની ટકાવારી ઓછી હતી. સૌથી ઓછું મતદાન 42.26 ટકા જામનગર અને સૌથી વધુ મતદાન તાપી જિલ્લામાં 64.27 ટકા હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ મતદાન 42 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 56 ટકા નોંધાયું. આમ સૌરાષ્ટ્ર-કચ્છ કરતાં દક્ષિણ ગુજરાતનું મતદાન 14 ટકા વધારે હતું. ટૂંકમાં, ત્રણ વાગ્યે પહેલા તબક્કાનું સરેરાશ મતદાન 48.48 ટકા હતું.