સરસ મજાનો રસ્તો છે. બન્ને બાજુ અને રસ્તાની વચ્ચે પણ આંખને ઠારી દે તેવી હરિયાળી છવાયેલી છે. રસ્તાની એક બાજુએ શહેરનો જાણીતો પાર્ક છે. સહેજ આગળ જતાં એ રસ્તો શહેરના એક ઠીક ઠીક મોટા તળાવ નજીકથી પસાર થાય છે. મન નાચી ઊઠે તેવો માહોલ છે – કવિ હૃદયમાં કવિતા સ્ફૂરી ઊઠે તેવો.

પણ .. થોડાક જ ફૂટ નીચે શું છે? આખાયે શહેરની ગંદકીને શહેર બહાર ઠાલવતી બાર ફૂટ વ્યાસવાળી ગટરમાં લાખો લોકોએ સૂગથી ત્યજી દીધેલી, ગટર ગંગા વહી રહી છે. એમાં લાખો કીડા અને વંદા મહાલી રહ્યા છે. એ બધું નજરે પડે તો? ત્યાં નજર તો પહોંચે તેમ નથી છતાં એ છે તો ખરી જ.

સરસ મજાની ફાઈવ સ્ટાર હોટલમાં પાર્ટી યોજાઈ છે. ફેશન પરેડની અંદર હરીફાઈ કરતાં હોય તેમ, સભ્ય સમાજનાં સદ્દગ્રહસ્થો અને સન્નારીઓ, ચકાચૌંધ માહોલમાં મહાલી રહ્યાં છે. બાજુના ટેબલ પર મોંઘીદાટ, જાતજાત અને ભાતભાતની, ખુશબૂદાર વાનગીઓની સોડમથી મોંમાં પાણી છૂટી જાય છે.

પણ એ દરેક સભ્ય જણ, પોતાની સાથે ગંદી, ઊબકા આવે તેવી વિષ્ટાથી ભરેલી કોથળી સંતાડીને ફરી રહ્યું છે – તેની ઉપર કદી આપણી નજર પડવાની નથી. પણ એ છે, એ તો હકીકત છે જ.

આછાં વસ્ત્રો પહેરેલી, રૂપરૂપના અંબાર જેવી નૃત્યાંગના સ્ટેજ ઉપર અંગો ઉછાળતી નાચી રહી છે. એના પ્રત્યેક નખરાં થકી પુરુષોની કામૂકતા તો ઉત્તેજિત થાય છે જ; પણ દર્શક સ્ત્રીઓ પણ તેનાં રૂપને ઈર્ષ્યાના ભાવથી નિહાળી રહી છે.

પણ .. એના એ મનોહર, સૌંદર્યથી છલકાતી, ચામડીની એક જ મિલીમિટર નીચે લોહીથી લથબથ માંસ, ભય ઉપજાવે તેવા હાડપિંજરની ઉપર લટકી રહ્યું છે – તેની ઉપર આપણી નજર નથી જ પડવાની. પણ એ છે તે હકીકતનો કોણ ઈન્કાર કરી શકશે? લો, આ વીડિયો જોઈ લો.
એક દેશનેતા મંચ પરથી લાખોની માનવમેદનીને સૂફિયાણી દેશદાઝ અને સેવાના ભેખની આલબેલ પુકારી રહ્યો છે. એની જોમભેર વાણીના પ્રવાહમાં, હકડેઠઠ માનવમેદની વાક્યે વાક્યને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે.
પણ એ માંધાતાનું મન તો કલાક પછી, આંતરરાષ્ટ્રીય કમ્પનીના પ્રતિનિધિ પાસેથી કેટલા કરોડની લાંચ મળવાની છે; એના ખયાલોમાં નાચી રહ્યું છે – એની ખબર થોડી જ આમ જનને પડવાની છે? પણ એ મહાપ્રતાપી નેતાના સ્વીસ બેન્કના ખાતામાં એની દસ તો શું, સો પેઢી પણ ભોગવતાં ન ખૂટે તેટલો ભંડાર ભરેલો છે, એ હકીકતનો કોણ ઈન્કાર કરી શકશે?

ગગનચુંબી, વૈભવી ઈમારતો અને મહાલયોથી થોડેક જ દૂર દરેક ક્ષણે, સતત, માનવતા ગંદી ગલીઓમાં, ભૂખી, પ્યાસી દરિદ્રતાનાં બધાં દૂષણોમાં મજબૂરીથી કણસી રહી છે – તે આપણી નજરે કદી પડે છે?

નકારાત્મક દૃષ્ટિ? પાણીથી અડધો ભરેલો પ્યાલો – ખાલી પણ કહી શકાય; અને ભરેલો પણ કહી શકાય. ચમકતા રૂપની પાછળ ગંદી, ગોબરી કુરૂપતા પણ નિહાળી શકાય. જેવી જેની નજર.
પણ સત્ય તો કઠોર છે.
રૂપ અને કુરૂપ.
બન્ને છે, છે ને છે જ.
અહીં કેવી નજર રાખવી ઘટે, તેવી સૂફિયાણી સલાહ આપવાનો ઉદ્દેશ નથી. વાત એ જ કરવાની છે કે, રૂપ, કુરૂપ બન્ને હોવા છતાં – એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવાની તૈયારી આપણે કેળવી શકીએ? જગતના સર્જન કાળથી જ બન્નેનો આવિર્ભાવ થતો રહ્યો છે.

રૂપના પરમાણુ અને કુરૂપના પરમાણુમાં કોઈ તાત્ત્વિક ભેદ નથી; એટલે કે, એમાં આ સારું અને આ ખરાબ – એવું કશું હોતું નથી. એને સારું અને ખરાબ – એવી વ્યાખ્યાઓ તો આપણે ઊભી કરી છે. એ ત્રાજવાં તો આપણા મને બનાવ્યાં છે. આપણે એને ત્યજવા શક્તિમાન નથી.
કે એવા શક્તિમાન આપણે બની શકીએ તેમ છીએ?
e.mail : surpad2017@gmail.com
![]()




કમલા હેરિસનાં માવતર જ્યારે છૂટા પડ્યાં, ત્યારે તેમની વચ્ચે ભૌતિક ચીજ વસ્તુઓના બટવારા માટે કોઈ ઝઘડો થયો નહોતો. પરંતુ મઝિયારાં પુસ્તકોની વહેંચણી માટે તે જરૂર ઝઘડતા હતાં. આવાં માબાપનું સંતાન વાચક અને લેખક ન હોય તો જ નવાઈ! ટ્રમ્પ શાસનના પહેલા કાર્યકાળના મધ્ય ભાગમાં લખાયેલું અને ૨૦૧૯માં પ્રગટ થયેલું કમલા હેરિસનું પ્રથમ પુસ્તક ‘ધ ટ્રુથ વી હોલ્ડ : એન અમેરિકન જર્ની’ હતું. કમલા હેરિસના સરકારી વકીલ અને સેનેટર તરીકેના અનુભવોનું તેમાં બયાન છે અને તેમનું રાજકીય ઘોષણાપત્ર પણ છે. અમેરિકામાં પ્રવર્તતા રંગભેદના ભયાનક સ્વરૂપ, ન્યાય વ્યવસ્થા અને આરોગ્ય સેવાને સમજવા-જાણવા આ પુસ્તક ઉપયોગી છે. નાગરિક અધિકાર આંદોલનના દૌરમાં જન્મેલા અને બ્લેક લાઈવ્સ મેટર આંદોલનના ઉદય કાળમાં રાજનીતિમાં રહેલાં કમલા હેરિસની બીજી કિતાબ ૧૦૭ ડેઝ (107 Days) આ મહિને પ્રગટ થવાની છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના ૧૦૭ તણાવપૂર્ણ દિવસોની અંદરની વાતો આ પુસ્તકમાં લેખિકાએ વર્ણવી છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીના પરાજય પછી પણ કમલા સક્રિય હતાં અને ડેમોક્રેટને નેત્તૃત્વ આપી રહ્યાં હતાં. ૨૦૨૬ની કેલિફોર્નિયાના ગવર્નરની ચૂંટણીના તેઓ ઉમેદવાર બનવાના હતાં. આ માટેની તૈયારીઓ પણ ચાલતી હતી. એ સંજોગોમાં તેમણે ધ લેટ નાઈટ શો વિથ સ્ટીફન કોલ્બર્ટમાં રાજનીતિથી અલવિદાની ઘોષણા કરીને સૌને ચોંકાવી દીધાં છે. કમલા હેરિસે તેનાં કારણો જણાવતાં કહ્યું છે કે મારા મનમાં છેલ્લા છ-આઠ માસથી લોકોની સેવા કઈ રીતે કરવી તેની વિચારણા ચાલતી હતી. અંતે મને લાગ્યું છે કે હવેથી હું કેલિફોર્નિયાના ગવર્નરના પદથી લઈને કોઈપણ પદ માટે ચૂંટણી નહીં લડું. કારણ? તેમને લાગ્યું છે કે અમેરિકાની રાજકીય વ્યવસ્થા પડી ભાંગી છે, અને તેઓ લોકશાહી મૂલ્યોનાં રક્ષણ માટે પૂરતાં મજબૂત નથી. દેશમાં જે સિસ્ટમ છે તેમાં પરિવર્તન લાવવાની તાકાત તેમનામાં બચી નથી. તેમણે આ મુદ્દે ખૂલીને એમ પણ કહ્યું છે કે ટ્રમ્પ શાસનમાં મેડિકેટમાં કાપ, અદાલતી ચુકાદાઓને નજરઅંદાજ કરવા, સંસ્થાઓને નબળી પાડવી કે તેનો રાજકીય ઉપયોગ કરવો અને અમીરો પરના કરવેરામાં મોટા પાયે ઘટાડો જેવાં પગલાં અમેરિકાને કેમ કનડતાં નથી? જે લોકો પોતાને અમેરિકી લોકતંત્ર અને સિસ્ટમના રક્ષક માને છે તેમણે આત્મસમર્પણ કરી દીધું છે અને મેં અમેરિકામાં આ પહેલા આવી સ્થિતિ કદી જોઈ નથી. અમેરિકી લોકતંત્રનું તળિયું દર્શાવતા ટ્રમ્પશાસન સામેનું આ તહોમતનામુ નથી તો શું છે બીજું?