ક્યાં ગઈ સામાજિક સંદેશ આપતી ‘એક, અનેક ઔર એકતા’ જેવી શોર્ટ ફિલ્મો? ક્યાં ગયાં દેશની એકતા અને અખંડતાનો સંદેશ આપતાં ‘મિલે સૂર મેરા તુમ્હારા’ અને ‘સારા ભારત યે કહે, પ્યાર કી ગંગા બહે’ જેવાં અર્થપૂર્ણ અને મીઠાંમજાનાં ગીતો? જેને જોઈને–સાંભળીને આજે પણ મનની કોરી પડી ગયેલી રેતી પર પ્રેરણાનું એક મોજું ફરી વળ્યા વિના રહેતું નથી …

સોનલ પરીખ
ફરી એક વાર 15 ઓગસ્ટ આવી રહી છે. જે દેશને કારણે આપણું અસ્તિત્વ છે, જેની ભૂમિ પર આપણે હરીએફરીએ છીએ, જેની હવામાં શ્વાસ લઈએ છીએ, જેની માટીમાં પાકેલું અન્ન ખાઈએ છીએ, જેનું નામ લઇ દુનિયામાં પગ મૂકી ઊભા રહી શકીએ છીએ એ દેશને એક વચન આપવાનો દિવસ – કે હે મારા દેશ, તારાથી વધારે મારે કશું નથી, મારું સર્વસ્વ તને અર્પણ.
આવું વચન સાચા દિલથી આપવાની હિંમત કે તૈયારી કે પરવા આપણામાંના કેટલામાં છે? હૃદય પર હાથ મૂકીને વિચારી લઈએ – ભણવામાં ને કમાવામાં હોંશિયાર થવા માટે બાળકોને ચાબૂકો માર્યા કરતાં આપણે તેમનામાં દેશપ્રેમના સંસ્કાર રેડવાનો કેટલો પ્રયત્ન કરી છીએ? શિક્ષણ નામનો ગંજાવર બિઝનેસ ચલાવતા ખેરખાંઓ કે જાતજાતની તડકભડક ખબરો અને જાહેરાતોથી બ્રેઇનવોશ કરવામાં નિષ્ણાંત માધ્યમોને પ્રજામાં દેશભક્તિનું મૂલ્ય કેળવવાનો ખ્યાલ સરખો કેમ નથી આવતો?
યાદ આવે છે 1980નો દાયકો. ભારતમાં ત્યારે ટેલિવિઝન એટલે દૂરદર્શન એવું સમીકરણ હતું. આમ તો ભારતમાં પ્રાયોગિક ધોરણે ટેલિવિઝનની શરૂઆત 1959માં જ થઈ ગઈ હતી, પણ તેને નેશનલ બ્રોડકાસ્ટ તરીકે કાર્યાન્વિત થતાં થતાં બે દાયકા લાગી ગયા હતા. 1972માં અમૃતસર અને મુંબઇમાં અને 1975માં બીજાં સાત શહેરોમાં દૂરદર્શન સેવા શરૂ થઈ હતી. 1982ની 15 ઓગસ્ટે પહેલી વાર વડા પ્રધાન ઇન્દિરા ગાંધી લાલ કિલ્લા પરથી આપેલા ભાષણનું લાઈવ ટેલિકાસ્ટ થયું. ત્યાર પછી એ વર્ષે દિલ્હીમાં થયેલી નેશનલ ગેમ્સનું જીવંત પ્રસારણ દેખાડવામાં આવ્યું હતું. આ જ વર્ષે ભારતમાં રંગીન ટી.વી.નું આગમન થયું હતું. કેબલ ટી.વી.ને આવવાને દસકાની વાર હતી. આ ગાળામાં સરકારની સામાજિક સંદેશ આપતી શોર્ટ ફિલ્મો અને દેશની એકતાનો સંદેશ આપતાં સરસ મજાનાં ગીતો પ્રસારિત થતાં જેને જોઈને-સાંભળીને આજે પણ મનની કોરી પડી ગયેલી રેતી પર પ્રેરણાનું એક મોજું ફરી વળ્યા વિના રહે નહીં.
યાદ છે ને ‘મિલે સૂર મેરા તુમ્હારા તો સૂર બને હમારા’? ભારતની 15 ભાષાઓ સાથેનું આ ગીત ઘણા શબ્દો ન સમજાવા છતાં મનને એવું સ્પર્શતું કે પ્રયત્ન વિના યાદ રહી જતું. દરેક વખતે જોવું ગમતું. નાનાં બાળકો રમતાં રમતાં અગડંબગડં લલકારતાં. આ ગીત 1988ની 15મી ઓગસ્ટે રિલિઝ થયું હતું. ‘સૂર કી નદિયાં હર દિશા સે બહ કે સાગર મેં મિલે, બાદલોં કા રૂપ લેકર બરસે હલકે હલકે’ પંડિત ભીમસેન જોશીના પહાડી કંઠેથી સરતા આ શબ્દો પછી કાશ્મીરી, પંજાબી, સિંધી, ઉર્દૂ, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, બાંગ્લા, અસમિયા, ઉડિયા, ગુજરાતી અને મરાઠી ભાષામાં જે તે પ્રદેશના લેન્ડસ્કેપ અને કલાકારો સાથે મિલે સૂરનો સંદેશ વહી આવતો. આ ગીત પિયુષ પાંડેયે લખ્યું હતું અને અશોક પત્કી, ડંબર બહાદુર, બુડાપ્રીતિ અને પ્રતાપ કે. પઠાણે સ્વરાંકિત કર્યું હતું. પંડિત ભીમસેન જોશી, લતા મંગેશકર, કવિતા કૃષ્ણમૂર્તિ, એમ. બાલકૃષ્ણમૂર્તિ, સુચિત્રા સેન અને શુભાંગી બોઝે ગાયું હતું. અમિતાભ બચ્ચન, જિતેન્દ્ર, મિથુન ચક્રવર્તી, શર્મિલા ટાગોર, હેમા માલિની, વહીદા રહેમાન, તનુજા, કમલ હાસન જેવી 35 સેલિબ્રિટિઝ જ્યારે કહેતી ‘મિલે સૂર મેરા-તુમ્હારા’ તો દેશભરના દર્શકોનાં હૃદય પડઘો પાડતાં, ‘તો સૂર બને હમારા’ 2010ની 26મી જાન્યુઆરીએ આ ગીતને ‘ફિર મિલે સૂર મેરા-તુમ્હારા’ નામથી રિલિઝ કર્યું હતું, જેમાં થોડા રમતવીરો, સંગતકારોને ઉમેર્યા હતા.
આવું જ એક ગીત, સ્વરૂપની દૃષ્ટિએ તેને શૉર્ટફિલ્મ કહેવું વધુ યોગ્ય છે, તે છે ‘એક, અનેક ઔર એકતા’. તેનું પહેલું પ્રસારણ 1974માં થયું હતું. ફિલ્મ્સ ડિવિઝન ઑફ ઇન્ડિયાની આ એનિમેટેડ ફિલ્મનું સંગીત વસંત દેસાઈનું હતું. હતી તો આ બાળફિલ્મ, પણ મોટેરાઓને પણ એટલી જ પ્રિય હતી. બાળકોમાં એકતા અને ટીમવર્કનાં મૂલ્યો કેળવવાનો તેનો ઉદ્દેશ હતો. એક બાળક ઝાડ પરથી કેરી પાડવા મથતો હોય છે, પણ કેરી પડતી નથી. કંટાળીને તે ‘અનેક’ શબ્દવાળી પંક્તિ ગણગણતી બહેનને પૂછે છે, ‘દીદી, યે અનેક કયા હૈ?’ બહેન લાંબા ગીત રૂપે જે જવાબ આપે છે તેમ અનેકનો અર્થ સમજાવવા સાથે અનેકનું જૂથ બને તો કેવી રીતે દુ:શ્મનથી બચી શકે તેનું વર્ણન કરતી પ્રતીકાત્મક વાર્તા વણી લેવાઈ હતી. અંતની પંક્તિઓ ‘બેલા ગુલાબ જૂહી ચંપા ચમેલી, ફૂલ હૈ અનેક કિન્તુ માલા ફિર એક હૈ’ સૌની જીભે રમતી થઈ ગઈ હતી. વિજયા મૂળે દિગ્દર્શિત, ભીમસેન નિર્મિત આ ફિલ્મનું નેરેશન પંડિત વિનયચંદ્ર મૌદગલ્યનું હતું. અ ફિલ્મને બેસ્ટ એજ્યુકેશન ફિલ્મનો ઍવોર્ડ મળ્યો હતો. ભારતની શોર્ટ ફિલ્મોના ઇતિહાસમાં આ ફિલ્મ સૌથી વધારે વખત જોવાઈ છે અને સૌથી વધારે વાર ડાઉનલોડ થઈ છે.
1993માં આ પરંપરાનું છેલ્લું કહેવાય એવું ગીત આવ્યું, ‘સારા ભારત યે કહે, પ્યાર કી ગંગા બહે’ જોલી મુખર્જી, મોહમ્મદ અઝીઝ અને ઉદિત નારાયણે ગાયેલા આ ગીતના શબ્દો આનંદ બક્ષીનાં હતા, સંગીત લક્ષ્મીકાન્ત-પ્યારેલાલનું હતું. ‘ભસ્મ કાલી રાત હો, રોશની કી બાત હો, દોસ્તી કી બાત હો, ઝિંદગી કી બાત હો, બાત હો ઇન્સાન કી, બાત હિન્દુસ્તાન કી – સારા ભારત યે કહે, દેશ મેં એકા રહે, પ્યાર કી ગંગા બહે, દેશ મેં એકા રહે’ અસરકારક શબ્દો અને સુંદર દિગ્દર્શનથી નીખરી ઊઠેલા આ ગીતમાં ટાઈગર શ્રોફ, સોનમ કપૂર અને રણબીર કપૂર નાનાં બાળકો હતાં અને તેમના યુવાન પિતાઓ જેકી શ્રોફ, અનિલ કપૂર, ઋષિ કપૂર સાથે બહુ વ્હાલસોયાં, ભારતનાં બાળકોનાં પ્રતીક સમાં લાગતાં હતાં.
આ ગીતો યાદ આવે છે અને મનમાંથી વાહ અને આહ બંને નીકળે છે. વાહ એ ગીતોની નિષ્ઠા અને ગુણવત્તા માટે અને આહ એ પરંપરા સહેલાઈથી ભૂંસી નાખવા માટે અને ભૂલી જવા માટે. મીઠાં, સૌમ્ય અને સંસ્કારસિંચન કરનારાં આ ગીતો સતત જોવા અને સાંભળવાથી એક અસર ઊભી થતી હતી. આજે આપણી પાસે આવું કશું નથી. ચોવીસ કલાક ચાલ્યા કરતી ચેનલો અને ઓ.ટી.ટી. પ્લેટફોર્મમાંનું કોઈ થોડી મિનિટો આવા કોઈ ગીત માટે ન ફાળવી શકે? સરકાર ન વિચારી શકે? નાગરિકો માગણી ન કરી શકે? કોઈને ફુરસદ નથી તે દેખાય છે; પણ શાંતિના, સંપના, એકતાના સંદેશ ફેલાવવાની ફુરસદ નહીં કાઢીએ તો તેનું પરિણામ આપણી જ જવાબદારીથી આપણે જ ભોગવવું પડશે.
આ યુગ વૈજ્ઞાનિક અને તાંત્રિક પ્રગતિની હરણફાળનો છે. ભૌગોલિક સીમાઓ ભુંસાવા માંડી છે. સંપર્કમાધ્યમો દ્વારા આંખના પલકારામાં દુનિયાના એક છેડેથી બીજે છેડે પહોંચી શકાય છે ત્યારે દેશભક્તિ શબ્દને અને એની પાછળની ભાવનાને એક નવું પરિમાણ આપવાની જરૂર છે. વિનોબાજીએ ઘણા સમય પહેલાં કહ્યું હતું, ‘થિંક ગ્લોબલી, એક્ટ લોકલી’ વિશ્વસ્તરની વૈચારિક્તા, સ્થાનિક સક્રિયતા. વિશ્વ અને રાષ્ટ્ર બંનેનું સંયોજન અને સંતુલન કરી શકાશે તો જ માનવ તરીકે અને માનવજાત તરીકેનો યોગ્ય વિકાસ થશે. પણ તેને માટે પહેલા સ્વાર્થ, સંકુચિતતા અને હુંસાતુંસીમાંથી નીકળી દેશને સાચી રીતે જાણતા અને સાચા અર્થમાં તેને પ્રેમ કરતા શીખવું જોઈશે.
યાદ કરીએ જ્હોન એફ. કેનેડીનું એક પ્રસિદ્ધ વિધાન, ‘આસ્ક નોટ વૉટ યૉર કન્ટ્રી કેન ડુ ફોર યુ – આસ્ક વૉટ યુ કેન ડુ ફૉર યૉર કન્ટ્રી.’ દરેક દેશના દરેક નાગરિકને પોતાના દેશ માટે કશુંક કરવાનો પડકાર આ શબ્દો આપે છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 11 ઑગસ્ટ 2024