"પુસ્તકો વિનાની જિંદગી અને દુનિયા હું કલ્પી શકતો નથી. જેમ પ્રાણવાયુ વિના જીવન થંભી જાય, તેમ પુસ્તકોના રસ અને આસ્વાદ વગર સંસ્કાર-જીવન અટકી જાય. પુસ્તકોનો સાથ હોવો તથા એ વાંચવાનો શોખ હોવો એનો આધાર વાતાવરણ અને ઉછેર પર ઘણો રહે છે. પરંતુ, કેવળ ઘર-આંગણે અને બહારની ચોતરફની આબોહવામાં પુસ્તકોની સુવાસ મઘમઘે અને પુસ્તકો વંચાતાં રહે એ પૂરતું નથી. વાતાવરણ અને વિદ્યાકીય પર્યાવરણ ઉપરાંત સુગ્રથિત ઘડતર અને સુયોજિત શિક્ષણ પણ એટલું જ આવશ્યક છે. સારાં પુસ્તકો વાંચવાનો રસ એ સભાનતાથી અને સતત પ્રયત્નપૂર્વક કેળવવાનો વિષય છે. ઘરમાંનાં મોટેરાંઓ સાંસ્કૃિતક સાહિત્ય વાંચતાં હોય, અને નિશાળમાંના શિક્ષકો સારા વાચનની ટેવ પાડતા હોય, તો જ પુસ્તકપ્રેમની માત્રા બરાબર વધતી રહે. પુસ્તકો જેવા મિત્રો અને માર્ગદર્શકો માણસની જિંદગીમાં અન્ય ભાગ્યે મળી શકે. પુસ્તકોની મિત્રતા ચાહીને કેળવવાની હોય છે. એમનું માર્ગદર્શન સજાગપણે અને સમજીને પ્રાપ્ત કરવાનું રહે છે. સાચાં અને સત્ત્વશીલ પુસ્તકો, સારા અને સંવેદનશીલ મિત્રોની જેમ, આપણી મદદે હરહંમેશ ઊભાં જ હોય છે. એમના પર રાખેલો ભરોસો ક્યારેય નિષ્ફળ કે નકામો નીવડતો નથી. તેથી જ, મિત્રોની માફક પુસ્તકોની પસંદગીમાં પણ કાળજી અને વિવેક રાખવાં રહ્યાં."
− દાદાસાહેબ માવળંકર
સૌજન્ય : ‘અવતરણની અત્તરદાની’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 04 અૉગસ્ટ 2014
![]()


૧૮૧૯ના નવેમ્બરની પહેલીએ માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન મુંબઈ ઇલાકાના ગવર્નર બન્યા અને હોદ્દાની રુએ સોસાયટીના પ્રમુખ બન્યા. પાઠયપુસ્તકો અંગેની મુશ્કેલી તેમના ધ્યાનમાં આવી. તેમણે નકકી કર્યું કે પાઠયપુસ્તકો પણ આપણે જ તૈયાર કરીએ. એ માટે તેમણે નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટી શરૂ કરી એટલું જ નહીં, પોતાની અંગત આવકમાંથી તેમણે તત્કાળ રૂ. ૬૦૦ એ કમિટીને આપ્યા જેથી કામ તરત શરૂ થઈ શકે. કેપ્ટન જ્યોર્જ રિસ્ટો જર્વિસ આ કમિટીનો સેક્રેટરી બન્યો. ૧૮૨૨ના ઑગસ્ટની ૨૧મી તારીખથી આ સંસ્થા કમિટીમાંથી સોસાયટી બની અને માતૃસંસ્થાથી અલગ થઈ. ૧૮૨૩ના સપ્ટેમ્બર સુધીમાં તેણે કુલ છ ગુજરાતી પાઠયપુસ્તકો પ્રગટ કર્યાં હતાં. ૧ લિપિધારા, ૭૨૫ નકલ, રૂ. ૩ (૨) એડવાઇઝ ટુ ચિલ્ડ્રન ઇન શોર્ટ સેન્ટન્સિસ, ૭૮૨ નકલ, રૂ. ૩ (૩) ટેબલ્સ ઇન બનિયન ગુજરાતી, ૧૯૫ નકલ, રૂ. ૩ (૪) ટેબલ્સ ઇન પારસી ગુજરાતી, ૧૯૫ નકલ, રૂ. ૩ (૫) અ ટ્રિટાઇઝ ઑન ધ મેનેજમેન્ટ ઑફ સ્કૂલ્સ, ૧૦૦૦ નકલ, રૂ. ૩ (૬) લેફટનન્ટ કર્નલ કેનેડીએ તૈયાર કરેલ શબ્દકોશ રૂ. ૧૨ (વાર્ષિક અહેવાલમાં નામ અંગ્રેજીમાં છાપ્યાં છે, પણ આ પુસ્તકો છપાયાં હતાં ગુજરાતીમાં.)