શેક્સપિયર ‘જ્યુલિયસ સિઝર’માં કહે છે, “પ્રિય બ્રુટસ, અપરાધ આપણા તારાઓનો (પ્રારબ્ધનો) નથી પણ આપણામાં છે; આપણે યુદ્ધખોર નરાધમો છીએ.” (The fault, dear Brutus, is not our stars, but in ourselves, that we are underling.).
‘નિર્ભયા’ સાથે ક્રૂર રીતે દુષ્કર્મો કરીને એને મારી નાખનાર બળાત્કારોની બાબતમાં શેક્સપિયરની વાત સો ટકા સાચી છે. એ જ રીતે પોતાના આચારવિચારથી યુદ્ધખોર પુરુષોભક્તિમાં (Male chauvinism) માનતા દરેક માણસને પણ શેક્સપિયરની વાત લાગુ પડે છે.
મૃત ‘નિર્ભયા’નાં દુઃખી માબાપે પોતાની વહાલસોઈ દીકરીનું ખરું નામ જ્યોતિ સિંહ આપ્યું છે. પિતા બદ્રિનાથ સિંહે કહ્યું છે કે એમની દીકરી પર બનેલી દસ્તાવેજી ફિલ્મ દરેક જણે જોવી જોઈએ.

પોતાના શ્રેષ્ઠ કામ માટે પારિતોષિક મેળવનાર લેસ્લી ઊડવીને બી.બી.સી. વતી જ્યોતિ સિંહ અંગે દસ્તાવેજી ફિલ્મ બનાવેલી છે અને બી.બી.સી. દ્વારા માર્ચની ચોથી તારીખે ‘ઇન્ડિયાસ ડૉટર’ નામે એનું પ્રસારણ પણ કરવામાં આવ્યું છે. પરંતુ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભા.જ.પ. સરકારે એ દસ્તાવેજી ફિલ્મ ઇન્ડિયામાં પ્રસારણ કરવાની મનાઈ ફરમાવી છે. પણ સરકારે એ દસ્તાવેજી ફિલ્મ સામે ફતવો બહાર પાડ્યો તે પહેલાં ‘ઇન્ડિયાસ ડૉટર’ ‘યૂ ટૂબ’માં પ્રસારિત થઈ ચૂકી હતી. દેશવિદેશના મિત્રો વચ્ચે એની વહેંચણી પણ થઈ હતી.
સરકારની મનાઈના હુકમે એ દસ્તાવેજી ફિલ્મને ખૂબ પ્રસિદ્ધિ અપાવી છે. ‘ઇન્ડિયાસ ડૉટર’ એક વાર જોયા પછી આ લેખ લખવાના હેતુથી મેં બીજી વાર પર જ્યોતિ સિંહ અંગેની દસ્તાવેજી ફિલ્મ જોઈ. એમાં મુખ્યત્વે ત્રણ પાત્રોનો ચોટદાર સંવાદ છે. પાત્રો છે જ્યોતિનાં માબાપ બદ્રિનાથ સિંહ અને આશાદેવી. ત્રીજું પાત્ર બળાત્કારી યુવાન કેદી મુકેશ સિંહનું છે.
સામાજિક અને કૌટુંબિક પરંપરાથી ભિન્ન મનઃસ્થિતિ ધરાવતાં બદ્રિનાથ અને આશાદેવી વિકાસાત્મક વિચારો અને સુધારાત્મક સંસ્કારો ધરાવે છે. એટલે તેઓએ જ્યોતિના જન્મ વખતે છોકરાના જન્મ જેટલી ખુશી માની એની ઉજાણી કરી હતી. છોકરીને ભણાવવાનો વિરોધ કરતા સમાજમાં રહીને જ્યોતિનાં માબાપે એમનાં સગાં ભાઈબહેનોનો વિરોધ હોવા છતાં વારસામાં મળેલી જમીન વેચી દઈને જ્યોતિના ઉચ્ચ તબીબી શિક્ષણની ફી ભરી હતી.
બદ્રિનાથ અને આશાદેવીની વાતચીતમાંથી માની શકાય છે કે તેમના ને તેમની દીકરી વચ્ચે નિખાલસ પ્રેમસંબંધ હતો. ઊંડી સમજૂતિ હતી. પરસ્પરનું આદરમાન હતું. તેઓએ પોતાની દીકરી જ્યોતિ સાથે મિત્રભાવ રાખ્યો હતો.
બીજી બાજુ, બળાત્કાર કેદી મુકેશની વાતચીતમાં પુરુષપ્રાધાન્ય મનઃસ્થિતિ (Patriarchal mentality) જ નહીં, પણ યુદ્ધખોર પુરુષભક્તિની ઘોષણા થાય છે. મૂકેશની વાતમાં “બાળકો અને ગધેડાની જેમ સ્ત્રીઓને પણ તાડનને પાત્ર” માનતા ભારતીય મનઃસ્થિતિ છતી થાય છે. એને એક નરી વાસ્તવિકતા તરીકે સ્વીકારવા અને એને બદલવા તરફ વિચાર કરવાને બદલે કે ગૃહમંત્રી રાજનાથ સિંહે સંસદમાં કહ્યું કે, બળાત્કારી મૂકેશની વાત સ્ત્રીઓનાં ગૌરવ અને અસ્મિતાની પૂરેપૂરાં અપમાનજનક અને હાનિકારક છે.” (Highly derogatory and an affront to the dignity of women.).
ખરું છે કે ઇન્ડિયાસ ડૉટરે ભારતમાં સ્ત્રીઓને સામનો કરવા પૂરતી ખતરનાક પરિસ્થિતિ અને ભયાનક મનઃસ્થિતિને વાચા આપી છે. પણ ભારતના આ નગ્ન સત્યને સંતાડવાથી કે એને બળાત્કાર મૂકેશ જેવા કેટલાક પકડાયેલા ગુનેગારો પૂરતું મર્યાદિત ગણવાથી કશું ય વળવાનું નથી. વાસ્તવિકતા શી છે ? ‘ઇન્ડિયાસ ડૉટર’ ફિલ્મ જણાવે છે કે, “ભારતમાં દર વીસ મિનિટે એક બળાત્કાર થાય છે !”
મોદી સરકારના એક મંત્રી એમ. વેંકૈયા નાઈડુએ કહ્યું છે કે, ‘ઇન્ડિયાસ ડૉટર’ દસ્તાવેજી ફિલ્મ “ઇન્ડિયાની બદનક્ષી કરવાનું એક કાવતરું (a conspiracy to defame India) છે. એમાં બદનક્ષી ગણવા જેવી વાત શી છે?
જ્યોતિના પિતા બદ્રિનાથે કહ્યું છે કે, “દરેક જણે આ ફિલ્મ જોવી જોઈએ.” જ્યોતિનાં માતા આશાદેવીએ કહ્યું કે, બળાત્કાર કેદી મુકેશ જેવો વિચાર કરનાર ફક્ત મૂકેશ એકલાં નથી. મુકેશની વાત સ્પષ્ટ કરે છે કે સ્ત્રીઓ પર બળાત્કાર ગુજારનાર ઘણા બધા છે, પણ બળાત્કારના ગુના માટે પકડાનાર ખૂબ ઓછા છે. આવી બધી વાતમાં બદનક્ષી છે ? બળાત્કારના ગુના માટે પકડાયેલા અપરાધીઓએ ઘણા બધા બળાત્કારો કર્યા છે પણ એમાં ખૂબ ઓછાં દુષ્કૃત્યો માટે કેસ અને શિક્ષા થાય છે. આવી બધી વાસ્તવિક પરિસ્થિતિ રજૂ કરવા અને એ અંગે વાત કરવામાં ઇન્ડિયાની બદનક્ષી છે?
મુકેશે કહ્યું કે બળાત્કારનો ભોગ બનનાર જ્યોતિ રાત્રે બહાર નીકળવા કે બળાત્કાર સામે લડવા ગઈ નહોતી. મુકેશની આ વાતથી ઇન્ડિયાની બદનક્ષી થાય છે ? બળાત્કારોનો બચાવ કરનાર એક વકીલ કહે છે કે, સંસદ લોકસભામાં બળાત્કાર, હત્યા જેવા ગુનાઓ કરનાર રપ૦ જેટલા આરોપીઓ અને ગુનેગારો છે. તેમને બધાની સામે કેમ કાયદાકીય પગલાં લેવામાં આવતાં નથી? બળાત્કારી મુકેશ પૂછે છે કે કેમ ફક્ત તેમને ફાંસીની શિક્ષા થાય છે; કેમ બીજાને નથી ? બધા બળાત્કારીઓને કાયદા મુજબ શિક્ષા થવી જોઈએ. શું આવી હકીકતો કે આવી હકીકતો સામેના પ્રશ્નોથી ઇન્ડિયાની બદનક્ષી થાય છે ?
બચાવપક્ષે એક વકીલ કહે છે કે, “આપણી સંસ્કૃિત ઉત્તમ છે. એમાં સ્ત્રીઓ માટે કોઈ સ્થાન નથી.” આવી વાતથી સરકારની નામોશી થાય છે કે સરકારે ‘ઇન્ડિયાસ ડૉટર’ પર પ્રતિબંધ મુકાવ્યો છે? ખરી વાત એ છે કે જ્યોતિ સિંહ ‘ઇન્ડિયાસ ડોટર’ નથી. ઇન્ડિયાની દીકરી કહ્યાગરી છે. તેને કુપોષણનો ભોગ બનવું પડે છે. તેને શિક્ષણનો કોઈ અધિકાર નથી. બાળપણમાં તેનું લગ્ન કરી દેવામાં આવે છે. દહેજ માટે એને મારી નાખવામાં આવે છે. એની પોતાની કોઈ ઇચ્છા કે અરમાનો નથી. એને માના ગર્ભમાં સ્ત્રી-ભ્રૂણ હોવાને કારણે મારી નાખવામાં આવે છે. એ દસ્તાવેજી ફિલ્મમાં કહેવામાં આવે છે કે એક વાર મહારાષ્ટ્રના મુંબઈમાં કાઢી નાખેલા ૧૦,૦૦૦ ગર્ભમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે એમાં ૯,૯૯૯ ગર્ભ સ્ત્રી ભ્રૂણ હતા ! જ્યોતિ સિંહ આ પ્રકારના ‘ઇન્ડિયાસ ડૉટર’ નહોતી. જ્યોતિનો જન્મ એમનાં માબાપે ખૂબ આનંદથી વધાવ્યો હતો. છોકરો જન્મ્યા જેટલા ઉમંગથી તેઓએ જ્યોતિના જન્મની ઉજવણી કરી હતી.
લેસ્લી ઉડવીનની દસ્તાવેજી ફિલ્મ તો મુકેશ, એમના ભાઈ રામ, વિનય, અક્ષય અને પવન જેવા ઇન્ડિયાસ સન્સ (ભારતના દીકરાઓ) અંગે છે. તેઓ નાનાંમોટાં શહેરોના ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારોમાં રહે છે. તેઓ હંમેશ માટે સમાજના તિરસ્કૃત લોકો છે. તેઓ શહેરોમાં રખડીને ચોરી, લૂંટફાટ જેવા ગુનાઓ કરે છે. ગુંડાઓ, ગુનેગારો, સમાજનાં અન્ય અસામાજિક તત્ત્વો સાથે તેમની ગણતરી થાય છે. તેમના પ્રારબ્ધમાં ગરીબાઈ છે. ઝઘડો અને દાદાગીરી તેમનો રોજિંદો અનુભવ છે.
આ ‘ઇન્ડિયાસ સન્સ’ કોઈ જંગલનાં પ્રાણીઓ નથી. ખરું છે કે તેમને સમાજના હાંસિયામાં ધકેલવામાં આવ્યા છે. પરંતુ તેઓ જીવનનાં બધાં આશા-અરમાનોએ છોડી દીધેલા સામાન્ય માનવીઓ છે.
એક વાર એક ગરીબ છોકરા જ્યોતિની નાની થેલી છીનવી લઈને ભાગ્યો હતો. પોલીસે એને પકડીને મારપીટ કરતા જોઈને જ્યોતિએ એને બચાવીને પૂછ્યું, “બેટા, તું કેમ આવું કરે છે ?” છોકરાએ કહ્યું કે, “મારે પણ તમારા જેવાં સારાં કપડાં પહેરવાં ને પગે ચંપલ પહેરવાં અને સારું ખાવાની ઇચ્છા છે.” જ્યોતિએ એને માટે સારાં કપડાં, ચંપલ અને ખાવાનું ખરીદી આપ્યું; અને સમજાવ્યું કે ચોરી કરવી ન જોઈએ. આવી વાતો મોદીની સરકારની દૃષ્ટિએ બદનક્ષીનું કારણ હોઈ ન શકે.
ઇન્ડિયાની બદનક્ષીનું ખરું કારણ ‘ઇન્ડિયાસ સન્સ’ની મનઃસ્થિતિ છે. ભારતની પુરુષપ્રધાન સંસ્કૃિતમાં પુરુષોમાં અમુક પ્રકારનું માનસિક વલણ છે. એ વલણ, એ મનોદશા બળાત્કાર કેદી મૂકેશની વાતમાં, બળાત્કારોનો બચાવ કરનાર વકીલોની વાતમાં સ્પષ્ટ થાય છે. એ મનઃસ્થિતિમાં સ્ત્રીઓનું આદરમાન નથી. સ્ત્રીઓને સમાનતા કે એવો કોઈ હક નથી. સ્ત્રીઓ હંમેશાં પુરુષોની આધીનતામાં રહેવી જોઈએ, પુરુષોના કહ્યામાં રહેવી જોઈએ.
‘ઇન્ડિયાસ સન્સ’ની આ મનઃસ્થિતિ એક માંદા સમાજનું લક્ષણ છે. એ વલણ એક અસ્વસ્થ અને રોગિષ્ટ સમાજની વ્યાધિ છે, બીમારી છે. એને નકારવાથી કે એના પ્રદર્શન પર ફતવા કાઢવાથી પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. રોગિષ્ટ સમાજમાં સુધારો થતો નથી. માણસમાત્રની બીમારી દૂર થતી નથી. આ મનઃસ્થિતિ બદલવા માટે વાસ્તવિકતાનો સૌપ્રથમ સ્વીકાર થવો જોઈએ. બીમાર માનસિકતા બદલવાના માર્ગો શોધવા જોઈએ. ભૂખમરો હટાવો. ગરીબી દૂર કરવાનાં પગલાં લો. વિકાસને નામે ગુજરાતની જેમ ઝૂંપડપટ્ટીઓ પર બુલડોઝર ફેરવવાથી સુધારો થતો નથી. વિકાસ થતો નથી. પણ ગરીબોને શિક્ષણ આપો. સમાન તક આપો. સમાન હક આપો. રોજી, કપડાં ને મકાન જેવી લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવાનાં કામમાં અધિકારીઓની નિષ્ક્રિયતા હટાવો. રિશવતખોર રાજકારણીઓ અને સરકારી બાબુઓને કેદખાનાના સળિયા પાછળ પૂરી દો.
‘ઇન્ડિયાસ ડોટર’ ફિલ્મમાં જ્યોતિના પિતા કહે છે : “અમારી દીકરીએ સમાજને પોતાના ખરા ચહેરાનું દર્શન કરાવ્યું છે. તેમણે ઘણી યુવાન છોકરીઓનું જીવન બદલી નાખ્યું છે. પોતાના મૃત્યુ પછી પણ જ્યોતિ બીજા માટે પ્રેરણાસ્રોત બની રહી છે. તેઓ એ સેતાન બળાત્કારીઓ સામે લડી છે અને અમારી દીકરી માટે અમે ગર્વ લઈએ છીએ.”
યુદ્ધખોર પુરુષભક્તિને (male-chauvinism) આધીન રહેતા લોકો માટે, ખાસ તો મોદી સરકારના સત્તાધારીઓ માટે ‘ઇન્ડિયાસ ડૉટર’ એક પડકાર છે. પુરુષપ્રધાન મનઃસ્થિતિના પ્રવાહ સામે તરવાનો પડકાર છે. ઊઠો જાગો. આપણે પુરુષપ્રધાન મનઃસ્થિતિથી સભાન બનીને બધા માણસોને, વિશેષ તો સૌ સ્ત્રીઓને આદરમાન આપીએ. બધાની સમાનતાનાં સ્વીકાર કરીએ. બધાનો સમાન હક માન્ય રાખીએ. આમ જ્યોતિના મૃત્યુને એળે જવા ન દઈએ. ચાલો, ‘ઇન્ડિયાસ ડૉટર’ સામેનાં પ્રતિબંધ ઉઠાવી લઈએ.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2015; પૃ. 08-09
![]()


ફિલ્મ ‘ઉત્સવ’ શૂદ્રકના નાટક ‘મૃચ્છકટિકમ્’ ઉપરથી સર્જાયેલી છે. ફિલ્મમાં વસંતસેનાનું પાત્ર અભિનેત્રી રેખાએ ભજવ્યું છે. એક દૃશ્યમાં વસંતસેના તેના પ્રેમી ચારુદત્તની પત્નીને પૂછે છે કે તારા પતિની હું પ્રેયસી છું. તને મારી ઈર્ષા નથી થતી? ઝગડવાનું મન નથી થતું? ત્યારે ચારુદત્તની પત્ની જે રીતે જવાબ આપે છે, તે પ્રસંગ અત્યંત સંયત રીતે રજૂ થયો છે. અત્યંત ગોપનીય અનુભવની બે સ્ત્રીઓ વાત કરે છે, તેમાંની એક પ્રેયસી છે, જ્યારે અન્ય વિવાહિતા પત્ની છે, અને બંને માટે પુરુષપાત્ર એક જ છે, તે ચારુદત્ત. ને છતાં જે રીતે એ દૃશ્યની રજૂઆત થઈ છે, તે ખૂબ સુંદર છે. તેમાં કયાં ય રુચિભંગ જેવું નથી લાગતું. ઉત્તમ દિગ્દર્શક જ આવી સુંદર રજૂઆત કરી શકે. આ દૃશ્યમાં પ્રકૃતિ, પાત્રો અને સંગીતનો અત્યંત સુમેળ સધાયો છે. જેની યોજના દિગ્દર્શકે પહેલેથી જ વિચારીને તેના સિનારિયોમાં વર્ણવી હોય, ત્યારે જ આટલું સુંદર પરિણામ આવી શકે. કારણ કે અહીં અભિનેત્રીઓ અને તેને ઝડપનાર કૅમેરામેનની સાથે-સાથે પાર્શ્વ સંગીતકાર અને ફિલ્મ એડિટર પણ સંકળાયેલાં છે.