નેહરુએ જેપીને બોલાવીને પોતાના ઉત્તરાધિકારી (વડાપ્રધાન) બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો, જે તેમણે નકારી કાઢ્યો હતો
નીતીશકુમારે બીજી વખત ભાજપનો હાથ ઝાલ્યા પછી બિનસાંપ્રદાયિક બૌદ્ધિક જગતમાં એ દલીલ વ્યાપક બની છે કે સમાજવાદીઓ તો હંમેશાંથી ફાસીવાદીઓને ટેકો આપતા રહ્યા છે. નીતીશકુમારે એવું બોલીને સમગ્ર હિન્દી બેલ્ટમાં સમાજવાદીઓના કાયમી પરાજયની ભવિષ્યવાણી કરી દીધી છે કે 2019માં નરેન્દ્ર મોદીને પડકાર આપનારું કોઈ નથી. બીજી તરફ, હિન્દુત્વવાદીઓ દ્વારા એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે જયપ્રકાશ નારાયણ અને લોહિયાને શક્તિ પૂરી પાડનારા સંઘના જ માણસો (દીનદયાળ ઉપાધ્યાય અને બાળાસાહેબ દેવરસ) હતા, એટલે લોહિયા અને જેપીના ખરા અનુયાયીઓ એ જ ગણાય, જે ભા.જ.પ.ની સાથે છે. આ બંને દૃશ્યોથી અલગ ‘ભારત છોડો આંદોલન’ના આ મહાનાયકોની એ તસવીર પણ બહાર આવવી જોઈએ, જે ખંડિત છે, સુંદર છે અને આદર્શ પણ છે.
જેમના વિના ન તો ભૂતકાળ સમજવો શક્ય છે અને ન તો ભવિષ્યમાં કોઈ સમજદારીભર્યો રાજકીય હસ્તક્ષેપ શક્ય છે. વર્તમાન પરિસ્થિતિઓ કદાચ એવું જ દર્શાવે છે કે જેપી અને લોહિયાના અનુયાયીઓ બિનલાયક નીકળ્યા અને તેઓ દીનદયાળ ઉપાધ્યાય-ગોળવેલકરના શિષ્ય બનવા માટે મજબૂર બન્યા પછી પોતાના ગુરુઓની સાથે ઇતિહાસની કચરાટોપલીમાં જઈ રહ્યા છે? એવું કહી શકાય કે ડેનિયલ બેલે ઔદ્યોગિક દેશોમાં માર્ક્સવાદ, સમાજવાદ, સંકુચિતવાદ અને ઉદારવાદ જેવી વિચારધારાઓના અંતની જે જાહેરાત સાઠના દાયકામાં કરી હતી, એ ભારતમાં આજે ચરિતાર્થ થઈ રહી છે? સવાલ જેપી અને લોહિયાના મુલાયમસિંહ, લાલુપ્રસાદ, નીતીશકુમાર અને શરદ યાદવ જેવા ચેલાઓના પતિત થવા અને નબળા પડવાનો છે. તેમની નબળાઈનું કારણ એ નથી કે તેમના નેતાઓએ ક્યારેક જનસંઘ તો ક્યારેક ભા.જ.પ.ની સાથે જોડાણ કર્યું હતું અને હિન્દી વિસ્તારોમાં સામાજિક પરિવર્તન માટે જાતિઓને આધાર બનાવીને પોતાના રાજકારણને વિસ્તાર્યું હતું.
આ દલીલો દ્વારા એવો ભ્રમ પણ પેદા થાય છે કે જેપી અને લોહિયા આખરે કોના માટે નાયક છે અને કોના માટે ખલનાયક છે? સૌથી મોટી વિડંબણા એ છે કે જે સંઘ પરિવાર તેમને પોતાના નાયક કે સહનાયક તરીકે રજૂ કરી રહ્યો છે, એ તેમની તત્કાલીન વ્યૂહરચનામાં સહયાત્રી હતો. બીજી તરફ, સામ્યવાદી જે તેમનાં સપનાં અને સિદ્ધાંતની નજીક બેસે છે, પણ બદલાતા રાજકારણમાં તેમનાથી દૂર રહ્યા છે, તેમને ખલનાયક અથવા ગુનેગાર તરીકે દર્શાવે છે અને તેમના ‘ભારત છોડો’ સંઘર્ષને બિનજરૂરી માને છે.

અરુણા અસફ અલી – જય પ્રકાશ નારાયણ – રામ મોહન લોહિયા – અચ્યૂત પટવર્ધન – પ્રભા દેવી
જેપી અને લોહિયા કોણ હતા, એ જાણવા માટે 1974 પહેલાં 1942ના વર્ષને યાદ કરવું પડશે. 2017 ‘ભારત છોડો’ આંદોલનની પ્લેિટનમ જ્યુબિલી (પંચોતેરમું) વર્ષ છે અને એ યાદ કરવું જરૂરી છે કે જ્યારે સામ્યવાદીઓ જનઆંદોલનના નામે અંગ્રેજોને સાથ આપી રહ્યા હતા, વિનાયક દામોદર સાવરકર અંગ્રેજો માટે ફૌજમાં ભરતી કરાવી રહ્યા હતા, અને ઝીણા અંગ્રેજો સાથે મળીને ભારતના ભાગલા પડવાની તૈયારી કરતા હતા, ત્યારે જેપી હઝારીબાગ જેલમાંથી ભાગીને નેપાળમાં લોહિયાની સાથે પોલીસ સામે મોરચો માંડી રહ્યા હતા. લાહોર જેલની જે કોટડીમાં ભગતસિંઘને ત્રાસ આપવામાં આવ્યો હતો, એ જ જગ્યાએ લોહિયાને 1945માં રાખીને તેમની પર અત્યાચારો ગુજારવામાં આવ્યા હતા. આ લોકો માટે નેહરુ સરકારમાં મોટા હોદ્દાઓના તમામ દરવાજા ખુલ્લા હતા.
1964માં તબિયત ખરાબ હોવાના કારણે નેહરુએ જેપીને બોલાવીને પોતાના ઉત્તરાધિકારી (વડાપ્રધાન) બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે તેમણે નકારી કાઢ્યો હતો. એ ઘટના યાદગાર છે કે જેપી, લોહિયાએ પોતાને સત્તાવિરોધના રાજકારણ અને સંગઠનની શોધમાં હોમી દીધા. સતત મળતી નિરાશાઓમાંથી બહાર આવવા માટે લોહિયાએ બિનકૉંગ્રેસવાદની રણનીતિ બનાવી. જેમાં તેમને એક હદ સુધી સફળતા પણ મળી. પછીથી જેપીએ પણ તે રણનીતિ અપનાવી અને તેમને ઇંદિરા ગાંધીને સત્તા પરથી દૂર કરવામાં સફળતા મળી. આ કંઈ જેપીનું દીર્ઘકાલીન લક્ષ્ય નહોતું કે ન તો લોહિયાનું. આજે આ લક્ષ્ય આરજેડી, સપા અને જે.ડી.(યુ)નું બની ગયું છે. તેમનું લક્ષ્ય સપ્તક્રાંતિ અથવા સંપૂર્ણક્રાંતિનું હતું. તેઓ કોઈને દુશ્મન નહોતા માનતા, પરંતુ સમતા અને સંપન્નતા આધારિત વ્યવસ્થા માટે વધુ લોકોને સાથે લેવા માગતા હતા.
જેપીએ 1974 પહેલાં અનેક જગ્યાએ સંઘના સિદ્ધાંતો અને નીતિઓની ટીકા કરી હતી. આંદોલન વખતે તેઓ ઇચ્છતા હતા કે તેમાં માર્ક્સવાદી, સમાજવાદી અને ગાંધીવાદીઓ પણ ભાગ લે. પરંતુ માર્ક્સવાદીઓનું કહેવું એવું હતું કે સંઘને હટાવો, જ્યારે જેપી એવું માનતા હતા કે તેઓ હવે સાંપ્રદાયિક નથી રહ્યા, તેમણે સંપૂર્ણ ક્રાન્તિમાં ભરોસો દર્શાવ્યો. ચોક્કસપણે આ તેમનું ભોળપણ સાબિત થયું. અનેક વિશ્લેષકોનું માનવું છે કે જો માર્ક્સવાદી 1974ના આંદોલનમાં સામેલ થયા હોત, તો હિન્દી બેલ્ટમાં તેમનો વિસ્તાર થયો હોત અને 1942ની ઊણપ પણ પૂરી થઈ ગઈ હોત. કદાચ એ સંકોચનો પસ્તાવો તેમને જ્યોતિ બસુને વડાપ્રધાન ન બનવા દેવા જેવો રહેશે.
આજે સપ્તક્રાંતિનો નારો સાંભળનારું કોઈ નથી કે સંપૂર્ણક્રાંતિ વિશે સાંભળનારું પણ કોઈ નથી. નીતીશ, લાલુપ્રસાદ, મુલાયમસિંહ અને શરદ યાદવ એ સૂત્રોને ભૂલી ગયા હશે અને કદાચ અખિલેશ અને તેજપ્રતાપને ભણાવાયા હશે. આજે રાજકારણ એક ચૂંટણીથી બીજી ચૂંટણી વચ્ચેની વિજયયાત્રા છે. આમ છતાં, વિરોધપક્ષ જો સંકોચ અને નિરાશામાંથી બહાર આવીને નબળી બનતી જતી લોકશાહીને કંઈ શક્તિ આપવા માગે, તો તેણે બિનકૉંગ્રેસવાદ અને બિનભાજપવાદની વચ્ચેની અટવામણમાંથી બહાર આવવું પડશે. આ બંને છેડાનો ભ્રમ જો સમાજવાદીઓમાં છે, તો સામ્યવાદીઓમાં પણ છે. એ બંનેને ભારતીય સમાજમાં ક્રાંતિ નહીં, તો બંધારણમાં નોંધાયેલી સમતા, સ્વતંત્રતા અને બંધુત્વના આદર્શો માટે આગળ આવવું પડશે. તેના પર ચાલવાનો કાર્યક્રમ બનાવવાથી નવો રસ્તો આપોઆપ મળી આવશે.
જેપીને આર્થર કોએસલરનું પુસ્તક ‘ધ યોગી ઍન્ડ કમિસાર’ ખૂબ પસંદ હતું. જે દર્શાવે છે કે એક તરફ યોગનો નૈતિતાનો માર્ગ નિષ્પ્રભાવી લક્ષ્ય સુધી પહોંચાડે છે, તો બીજી તરફ કમિસાર (નાયબ)નો માર્ગ રાજકીય સત્તા પ્રાપ્તિ પછી કઠોર વ્યવસ્થા લાગુ કરવા અને દમન તરફ લઈ જાય છે. જેપી હંમેશાં માનવસમાજને આ બંને બાબતોથી મુક્ત કરાવવામાં જ જોતરાયેલા રહ્યા. લોહિયા પણ ઉત્થાન અને પતનના ઇતિહાસ ચક્રમાંથી માનવ સભ્યતા અલગ કરવાનું સપનું જોતા રહ્યા. ચોક્કસપણે, તેમના શિષ્યો આજે સૌથી વધારે લાચાર અને પરાજિત છે, કારણ કે તેમની પાસે મોટું સપનું નથી. પરંતુ તેમના પ્રયોગધર્મી ગુરુઓનો ત્યાગ અને વિચારોનો આદર્શ એટલો નાનો નથી કે તેમને પથભ્રષ્ટ અથવા નકરા લટકણિયા જેવા ગણાવી શકાય.
[લેખક વર્ધા ખાતેના મહાત્મા ગાંધી આંતરરાષ્ટૃીય હિન્દી વિશ્વવિદ્યાલયમાં પ્રૉફેસર છે]
e.mail : tripathiarunk@gmail.com
સૌજન્ય : ‘સ્મરણ’, “દિવ્ય ભાસ્કર”, 10 અૉગસ્ટ 2017 : ફોટા સૌજન્ય : ઇન્ટરનેટ
![]()


કપાસીસાહેબે મારી જિંદગીને ઘણી રીતે ઘાટ આપ્યો છે. સિનેમામાં મને જે રસ છે, તેનું શ્રેય કપાસીસાહેબને આપું છું. હું પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધી વિદ્યાનગર સ્કૂલમાં ભણ્યો. એ બધાં વર્ષો એ આચાર્ય હતા. તેમની આચાર્યની કૅબિનમાં સિનેમા પરનાં પુસ્તકોની લાઇબ્રેરી હતી. કુરોસાવા, હિચકૉક, ફેલિની વિશેનાં પુસ્તકો મને ત્યાં મળ્યાં. એમની ઑફિસમાં એક રેડિયો પણ હતો, જેની પર તેઓ બી.બી.સી. સાંભળતા. દેવું કરીને પણ ફિલ્મ ફૅસ્ટિવલ જોવો જોઈએ એમ એ માનતા. હું સાતમા ધોરણમાં હતો ત્યારે ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ટેસ્ટમૅચ જોવા મારે મુંબઈ જવાનું હતું. વર્ગશિક્ષક ગેરહાજરીની મંજૂરી આપતા ન હતા. એટલે કપાસીસાહેબે સહેજ પણ કડકાઈ વિના એમને બહુ સરસ રીતે સમજાવ્યા, વાત એમને ગળે ઊતારીને મને મુંબઈ જવા માટેની મંજૂરી મેળવી આપી. સાવ નાની, દેખીતી રીતે મામૂલી બાબતોમાંથી આનંદ મેળવવાની વૅલ્યૂ મને એમનામાં જોવા મળી. મારા બાબા (પ્રા. જયંત જોશી) કહે છે : ‘સુખી થવું હોય, તો વધારે વસ્તુઓ નહીં મેળવવાની, પણ વસ્તુઓ પાસેથી વધારે મેળવવાનું – નોટ મોર થિન્ગ્સ, બટ મોર ફ્રૉમ થિન્ગ્સ.’ કપાસીસાહેબ આ વૅલ્યૂ મુજબ જીવ્યા.