િગજુભાઈ બધેકા.
આ શબ્દો કાને પડતાં જ આપણને તેમનું લોકલાડીલું નામ ‘મુછાળી મા’ યાદ આવ્યા વિના રહેતું નથી. બાળકો પ્રત્યે અનહદ લગાવ અને લાગણી ધરાવતા ગિજુભાઈએ ‘મુછાળી મા’ નામને સાર્થક કરેલું, પરંતુ તેમને મળેલું બીજું અને ઓછું જાણીતું નામ છે, ‘બાલસાહિત્યનો બ્રહ્મા’. કાકાસાહેબ કાલેલકરે તેમના બાલસાહિત્ય ક્ષેત્રના યોગદાનને લક્ષ્યમાં લઈને તેમને ‘બાલસાહિત્યના બ્રહ્મા’ કહીને પોંખ્યા હતા.
આજે (15 નવેમ્બર,1885) ગિજુભાઈનો જન્મદિવસ છે. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે તથા બાલ સાહિત્ય ક્ષેત્રે વિરલ અને વિરાટ યોગદાન આપનારા ગિજુભાઈના જન્મદિવસની દર વર્ષે મોટા પાયે ઉજવણી થવી જોઈએ, પણ કમનસીબે થતી નથી. આ વર્ષે કોઈ ચૂંટણીનું બહાનું કાઢી શકે, પણ ખરેખર તો ચૂંટણીના મહિનાઓમાં તો ગિજુભાઈના પ્રદાનની ચર્ચા કરવાની સાથે સાથે આપણું રાજ્ય બાળશિક્ષણ ક્ષેત્રે ક્યાં છે, કેવી દિશામાં આગળ વધી રહ્યું છે, રાજ્યમાં બાળકોની સ્થિતિ કેવી છે, એનું વિશ્લેષણ કરવા માટે વિશેષ આયોજનો થવાં જોઈએ, પરંતુ આજે શિક્ષણ ક્ષેત્રે ‘પૈસા બોલતા હૈ’ યુગ પ્રવર્તી રહ્યો હોય, ત્યારે આવું તો કોને સૂઝે? વળી, જ્ઞાતિ કે ધર્મના કેફી રાજકારણમાં મસ્ત અથવા તો પછી વાહિયાત મુદ્દાઓની ચર્ચામાં વ્યસ્ત રહેનારાઓની કોઈ કમી નથી ત્યારે આવા મહત્ત્વપૂર્ણ મુદ્દા પર ભાગ્યે વિચાર કરવામાં આવે છે.
યુવાન ગિજુભાઈની મહેચ્છા તો પોતાના પિતાની જેમ વકીલ બનવાની હતી અને મુંબઈમાં જઈને ભણીને બન્યા પણ ખરા. વઢવાણ શહેરમાં રહીને વકીલાત કરીને નામ અને દામ પણ કમાયાં, પરંતુ તેમની નિયતિ કંઈક જુદી હતી. ઘરે પારણું બંધાયું પછી બાળ કેળવણી બાબતે સભાનતા વધી. વઢવાણમાં વારંવાર આવતા દરબાર ગોપાળદાસ દેસાઈ સાથે દોસ્તી થયેલી. તેમણે સૂચવ્યું કે તમારે બાળશિક્ષણનું સાહિત્ય વાંચવું હોય તો વસો જાઓ અને ત્યાં મોતીભાઈ અમીનને મળીને માર્ગદર્શન મેળવો. ગિજુભાઈનો જુસ્સો એવો હતો કે તેઓ તરત વસો ગયા. રાજ્યમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામહ ગણાતા મોતીભાઈએ પોતાની નવી બાળશાળા બતાવી અને છોટુભાઈ પુરાણીએ લખેલું ‘મોન્ટેસોરી પદ્ધતિ’ નામનું પુસ્તક આપ્યું. આ મુલાકાત અને પુસ્તક ગિજુભાઈના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ પુરવાર થયાં. કેળવણી અંગેનું ચિંતન વધતું ગયું અને વકીલાતમાં રસ ઘટતો ગયો. તેમના મામા હરગોવિંદદાસ પંડ્યાએ નાનાભાઈ ભટ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી દક્ષિણામૂર્તિ સંસ્થામાં સેવા આપવા ભાવનગર બોલાવ્યા. ભાવતું હતું અને વૈદ્યે કહ્યા જેવો ઘાટ થયો. ગિજુભાઈએ રાજીખુશીથી વકીલાતના વાઘા ઉતાર્યા, વઢવાણ છોડ્યું અને શિક્ષણની ધૂણી ધખાવવા ભાવનગર સ્થાયી થયા. પછી ભાવનગરમાં જે કંઈ થયું, તે ગુજરાતી બાળ કેળવણીનો સુવર્ણ ઇતિહાસ છે.
ગિજુભાઈએ બાળ કેળવણી-સાહિત્યનાં તમામ પાસાંઓ પર ખૂબ જ ઝીણવટથી ચિંતન કર્યું અને એક દર્શન (વિઝન) વિકસાવ્યું, જે આજે પણ માર્ગદર્શક-ઉપયોગી છે. ગિજુભાઈ મોન્ટેસોરીના કુળના બાળ કેળવણીકાર હતા, છતાં તેમણે પોતાની કોઠાસૂઝથી આ ક્ષેત્રે ઘણા મૌલિક વિચારો અને પ્રયોગો આપ્યા છે, જે બાળશિક્ષણ ક્ષેત્રે દીવાદાંડી રૂપ છે. ‘દિવાસ્વપ્ન’ નામનું ગિજુભાઈનું પુસ્તક દરેક શિક્ષકે, એમાં ય પ્રાથમિક શાળાના શિક્ષકે વાંચવા જેવું છે. આ પુસ્તક વંચાશે-ચર્ચાશે અને અનુસરાશે તો ગિજુભાઈનું સપનું જરૂર પૂરું થઈ શકશે.
e.mail : divyeshvyas.bhaskar@gmail.com
સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 15 નવેમ્બર 2017
![]()


ભારતમાં ૧૯૯૧માં ઉદારીકરણની નીતિ અપનવવામાં આવી એ પછી આર્થિક વૃદ્ધિ (જી.ડી.પી.ની વૃદ્ધિ) આર્થિક નીતિનો સર્વોચ્ચ ઉદ્દેશ બની છે. બજારવાદી અર્થશાસ્ત્રીઓના મત પ્રમાણે દેશની મોટા ભાગની સમસ્યાઓનો ઉકેલ આર્થિક વૃદ્ધિમાં રહેલો છે, ખાસ કરીને ગરીબી અને બેકારીના પ્રશ્નનો ઉકેલ તો આર્થિક વૃદ્ધિમાં જ રહેલો છે. ભારતમાં બે દાયકા સુધી જી.ડી.પી.નો વૃદ્ધિદર આઠ ટકાથી વધુ રહે, તો દેશની બેકારીની અને ગરીબીની સમસ્યા ઊકલી જાય અને દેશ મધ્યમસ્તરના વિકસિત દેશોની હરોળમાં આવી જાય એવો એક અંદાજ મૂકવામાં આવ્યો છે. નીતિઆયોગના પૂર્વઉપાધ્યક્ષ પાનસરિયાએ આવો એક દાખલો ગયા એપ્રિલમાં તેમના ‘વિઝન’ના એક ભાગરૂપે ગણ્યો હતોઃ ૨૦૧૫-૧૬માં ભારતની કુલ જી.ડી.પી. રૂ. ૧૩૭ લાખ કરોડ હતી અને માથાદીઠ આવક રૂ. ૧૦,૬૫૮૯ હતી. ૨૦૩૧-૩૨માં કુલ જી.ડી.પી. વધીને રૂ. ૪૬૯ લાખ કરોડ અને માથા દીઠ આવક વધીને રૂ, ૩,૧૪,૭૭૬ થશે. આ દાખલામાં તેઓ એવી ધારણા પર ચાલ્યા છે કે ઉપર્યુક્ત ૧૫ વર્ષ દરમિયાન દેશની જી.ડી.પી. એકંદરે વાર્ષિક આઠ ટકાના દરે વધતી રહેશે. આ વિચારણાના આધાર પર આઠ ટકાનો અને બને તો દસ ટકાનો આર્થિક વૃદ્ધિનો દર બે દસકા સુધી ટકાવી રાખવાનું ધ્યેય સરકાર અને દેશ સમક્ષ મૂકવામાં આવ્યું છે. આ ઊંચા વૃદ્ધિદરની ચર્ચા અહીં ગરીબી અને બેકારીના સંદર્ભમાં કરી છે.
ભારતમાં આર્થિક વૃદ્ધિનો ઊંચો દર ગરીબી ઓછા પ્રમાણમાં ઘટાડી શકે છે. એનો ખુલાસો, સર્જાતી આવકની અત્યંત અસમાન રીતે થતી વહેંચણીમાં શોધવાનો છે. ભારતમાં આવકની વહેંચણી અંગેનો એક સંશોધન-લેખ તાજેતરમાં પ્રગટ થયો છે. (‘ભારતમાં આવકની અસમાનતા, ૧૯૨૨-૨૦૧૪ઃ બ્રિટિશરાજથી અબજપતિઓના રાજ ભણી?’) એના એક લેખક પિકેટી૧ આવકની અસમાનતા અંગેના એમના અભ્યાસથી વિશ્વસ્તરે પ્રસિદ્ધિ પામ્યા છે. ભારતમાં ૧૯૮૦થી ૨૦૧૪ વચ્ચે આર્થિક વૃદ્ધિના ઊંચા દરથી સર્જાયેલી આવકની જે અસમાન વહેંચણી થઈ છે તેનું ચિત્ર આ અભ્યાસમાંથી સાંપડે છે. તળિયાના ૫૦ ટકાના ભાગે વધેલી આવકનો ૧૧ ટકા હિસ્સો ગયો હતો; બીજે છેડે ટોચના ૧૦ ટકાના ભાગે ૬૬ ટકા જેટલો મોટો ભાગ ગયો હતો અને ટોચના એક ટકાના દસમા ભાગમાં લોકો પાસે ૧૨ (બાર) ટકા જેટલી આવક ગઈ હતી, તેનાથી વધારે આવક ટોચના એક ટકાના દસમા ભાગના લોકો પાસે ગઈ હતી.