દોષ માત્ર શાસકો અને રાજદ્વારી પક્ષોનો જ?
ભારતના કેટલાક રાજ્યોમાં ધારાસભાની ચૂંટણીઓ યોજાઈ ત્યાં તો 2019ની સામાન્ય ચૂંટણીના નગારાં વાગવાં માંડ્યાં છે. અનેકાનેક ઘટનાઓ એવી બનતી આવે છે કે ‘જગતની સહુથી મોટી સંખ્યા ધરાવતી લોકશાહી’નું ગૌરવ ધરાવતા ભારતમાં ખૂણે ખૂણેથી ‘આપણા દેશની લોકશાહી ખતરામાં છે’ એવો ભયનો સૂર બળવત્તર થતો જાય છે.
આ પરિસ્થિતિ માટે પ્રજા અને વિરોધ પક્ષ સરકારને દોષ આપે અને સરકાર સત્તા પર ન બેઠેલા તમામ વિરોધ પક્ષોને સાગમટે ભૂતકાળમાં તેઓએ કરેલી ભૂલોને જવાબદાર ગણાવી પોતાની ફરજોને ગંગા સ્નાન દરમ્યાન નદીમાં પધરાવી દે છે.
સવાલ એ થાય કે સરકારી કે બિન સરકારી ક્ષેત્રે ઉચ્ચ કક્ષાએ ચાલતાં કૌભાંડો અને ગોટાળાઓ માટે શું માત્ર જે તે સમયની સરકાર અને તેની પુરોગામી સરકાર જ દોષિત હોઈ શકે? ‘લોકશાહી’ શબ્દ જ સૂચવે છે કે આ પ્રકારની શાસન પદ્ધતિમાં લોક પણ શામેલ છે અને એટલા જ જવાબદાર છે જેટલા રાજ્ય અને દેશના વહીવટદારો.
લોક એટલે કે સામાન્ય પ્રજાજન કે જેમને આઝાદ થતાની સાથે જ મતાધિકાર મળી ગયો છે તેમની મત આપવા માટેની સુસજ્જતા ન હોય તો તેઓ શી રીતે સારા ઉમેદવારોને ચૂંટીને રાજ્ય કરવા મોકલવાના? ગુવણંત શાહ કહે છે તેમ આરામખોર પ્રજાને હરામખોર નેતાઓ જ મળે. એમણે એવું પણ કહેલું કે એકાદ ચેરમેનપદું, એક મોટરગાડી, એક ઓફિસ, ઉપકારો ઠાલવવાની વિપુલ સત્તા, પ્રવાસભથ્થું, સર્કિટ હાઉસની સુવિધા, ટેન્ડર, ટ્રાન્સફર અને ટ્રાવેલ સાથે જોડાઈ ગયેલી ગળચટ્ટી ચશ્મપોશી એટલે આપણા ભ્રષ્ટ રાજકારણીઓનો બ્રેકફાસ્ટ. નિયમિત હપ્તા મળે તે લંચ અને મોટી રકમનાં બંડલો એ જ ડિનર! યાદ રહે કે હાલની ભારતની મોટા ભાગની પ્રજા એવી આરામપ્રિય થઈ ગઈ છે કે સહુને સરકારના નાના કે મોટા પદ પર બેસીને ઐયાશી જ કરવી હોય તો એવી આળસુ પ્રજાના નેતા હરામખોર હોય તેમાં નવાઈ શી?
હવે વિચારવાનું એ કે પ્રજા આરામખોર ન થાય અને નીતિવાન નાગરિક બને તે કોની જવાબદારી? એ માટે સહેજે માતા-પિતા પાસે ઉમ્મીદ રહે કે તેઓ તેમના સંતાનોને સર્વ રીતે યોગ્ય નાગરિકો બનવા સંસ્કારો આપે. વ્યક્તિ ઘડતરના બીજા મહત્ત્વના ભાગીદાર તે શિક્ષકો. એક જમાનો હતો જ્યારે મા-બાપ પાયાના સંસ્કારો આપીને ગુરુને પોતાના બાળકો સોંપે અને શિક્ષકો ટકોરાબંધ કુશળ કારીગરોથી માંડીને વહીવટદારો અને રાજનીતિજ્ઞો સુધ્ધાં ઘડીને સમાજને ચરણે ધરતા.
તેમાંના એક તે નાનાભાઈ ભટ્ટ. તેમણે પ્રજા તેજસ્વી હોય તો શું થાય એ વિષે કહેલું તે સમજવા જેવું છે, “પ્લેટોનું પુસ્તક ‘રિપબ્લિક’ મેં વાંચ્યું, અને કોઈ રાજા જ્ઞાની હોય તો રાજાશાહી પણ સુંદર પરિણામ આપે એવી વિચારણા થોડો વખત મારા મનમાં રહી ગઈ.” આપણે સહુ આપણો રાજા એવો જ્ઞાની જ હશે એવી શ્રદ્ધા ધરાવતા રહ્યા. તેમણે આગળ જણાવ્યું, “પણ રાજા આવો જ્ઞાની ન હોય તો? વળી રાજાના કુંવર પણ જ્ઞાની જ હશે, તેની શી ખાતરી? એટલે પછી, રાજવહીવટની લગામ વંશપરંપરામાં ઉતરે એ વ્યવસ્થાના મૂળમાં જ દોષ છે એમ હું સમજ્યો. પણ આ સમજણની સાથે જ એક બીજો વિચાર પણ મારા મનમાં ઊગ્યો: રાજ્યતંત્ર ગમે તે પ્રકારનું હોય; તંત્રનું બહારનું કલેવર રાજાશાહી હોય, લોકશાહી હોય, સરમુખ્યતારશાહી હોય, કમ્યુિનસ્ટ હોય – ગમે તે હોય; પણ પ્રજા પોતે જો તેજસ્વી હોય તો કોઈ પણ સરકારને પોતાના અંકુશમાં રાખી શકે છે. પ્રજામાં મોટા ભાગના લોકોમાં, જો આખરે ખુવાર પણ થઈ જવાની તાકાત હોય તો કોઈ પણ રાજસત્તાનો ભાર નથી કે તે પ્રજાને પીડી શકે. પરંતુ રાજતંત્ર લોકશાહી હોય તો પણ, જો પ્રજા નિર્માલ્ય હોય અને શાસકો સત્તાલોલુપ હોય તો, લોકશાહીના બહારના માળખાની અંદર પણ બીજી કોઈ ‘શાહી’ ઢંકાયેલી રહી શકે છે.”
આપણી તો પ્રજા સાવ નિર્માલ્ય અને શાસકો સત્તાલોલુપ. ભારત પાસે તો અત્યારે નથી કોઈ જ્ઞાની રાજા, નથી તેના કુંવરો જ્ઞાની કે શક્તિશાળી અને છતાં વંશ પરંપરાગત સત્તા ટકાવી રાખવાના ભૂતનો વળગાડ છૂટતો નથી. લોકશાહી એટલે રાજવહીવટની લગામ વંશપરંપરામાં ઊતરે જ એવું જરૂરી નથી, વ્યક્તિની લાયકાત જોઈને પ્રજામત આધારિત વરણી થાય એ તો આપણે સમજ્યા જ નહીં. જ્યારે લોકોમાં નૈતિક બળ અને પોતાના અધિકારો સાટુ ખપી જવાની કુરબાનીની ભાવના કેળવાઈ ત્યારે દુનિયાની સહુથી વધુ તાકાતવાન સત્તાને તડી પાર કરી, તો જો આજની ભારતની પ્રજામાં કૌવત હોત તો કોંગ્રેસ કે બી.જે.પી.ની મજાલ છે કે નાગરિક અધિકારોનું ખુલ્લેઆમ લીલામ કરીને પ્રજાને ગુલામી જેવી બદતર દશામાં ધકેલી શકે?
ભારત આજે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ઘણી પ્રગતિ કરીને દુનિયાના આગલી હરોળના દેશોમાં સ્થાન પામ્યું છે તેની ના નહીં. પણ વિજ્ઞાન અને શિક્ષણના પ્રસાર સાથે લોકોની સામાજિક ધારણાઓ અને ધર્મથી માંડીને રાજકારણ સુધીની સમતોલ સમજણ ન કેળવાઈ તેના પરિણામો શિક્ષિત પ્રજા અબૂધ ટોળાંની માફક વર્તે છે તેમાં જોવા મળે છે. મનુભાઈ પંચોળી – ‘દર્શક’ એક વેળા ભારતની જનતાનું જૂનું માનસ કેવું અકબંધ છે તે વિષે પોતાની વેદના ઠાલવતા બોલેલ, “જમાનો બદલાતો ગયો, પણ આપણે ન બદલાયા. ન્યાતજાતનાં તે જ કુંડાળાં, તે જ ધાર્મિક રૂઢિઓ, તે જ પરલોક-પરાયણતા, આ લોક વિષે તે જ બેદરકારી. આ બધાં અપલક્ષણો સાથે આપણે નવું બંધારણ ને નવી રાજનીતિ લાવ્યાં, પણ આપણે તો જૂના ને જૂના જ રહ્યા. કોળી કોળી માટે, કણબી કણબી માટે, ગરાસદાર ગરાસદાર માટે, ભણેલા – ખરી રીતે ભૂલેલા – ભણેલા માટે, આ નવો જ્ઞાતિવાદ. બધું જૂનું માનસ અકબંધ રહ્યું. અંગ્રેજોને આપણે જ આપણો દેશ સોંપી દીધેલો, તેમ આજે દેશ ન્યાતજાતને આપણે સોંપી દીધો છે.” તેમની આ ઉક્તિને હાલની રાજકીય આબોહવા તદ્દન ખરી પાડે છે એ કેવી કમનસીબી! બંધારણમાં ‘સેક્યુલર સ્ટેટ’ હોવાની ઘોષણા કરીને સર્વ ધર્મ સમભાવ આચરીએ છીએ અને અનામત બેઠકોની જોગવાઈ કરીને જ્ઞાતિ પ્રથાને દેશવટો આપ્યાનો દાવો કર્યો, પણ હકીકતે આચરણ તો એવું કર્યું કે ધર્મને આધારે વિભાજન અને જ્ઞાતિના વાડાની ચુસ્તતા વધતી જ ચાલી. આમાં માત્ર સરકારનો દોષ? સમાજના આગેવાનો, ધર્મના વડાઓ કે સહુથી વધુ તો પ્રજા પોતે કંઈ જવાબદાર નહીં?
હા, એટલું જરૂર કબૂલવું રહ્યું કે સામાન્ય જનતાને ઉચ્ચ આદર્શો અને ઉત્તમ નૈતિક આચરણનું દ્રષ્ટાંત તેમનાથી મૂઠી ઊંચેરા આગેવાનો જ પૂરું પાડી શકે. આજે જેમના વિષે એક બાજુ અપાર ભક્તિ દર્શાવાઈ રહી છે અને બીજી બાજુ છુટ્ટે મોંએ નિંદા થઈ રહી છે તેવા વલ્લભભાઈ પટેલની પ્રામાણિકતાનો જોટો જડવો મુશ્કેલ. તેમનો એક કિસ્સો જાણીએ. 1935માં પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણી વખતે રાજેન્દ્ર પ્રસાદે સરદારને ફરિયાદ કરી કે ચૂંટણી ફંડ માટે જે.આર.ડી. તાતા કેટલીક સોદાબાજી કરવા માંગે છે. સરદારે તાતાને મળવા બોલાવ્યા. તાતાએ માંગણી કરી કે ઉમેદવારો નક્કી કરવાની સમિતિમાં મારો એક માણસ મૂકો તો નાણાં આપું. સરદારે એનો ઇન્કાર કર્યો અને પૂછ્યું, “તમે તમારી કંપનીમાં અમારા કોઈ માણસને મેનેજમેન્ટ કમિટીમાં મૂકશો ખરા?” તાતા એ વાત સાંભળી, સહી કરેલો કોરો ચેક સરદારના હાથમાં મૂકી સસ્મિત વદને વિદાય થઈ ગયા.
બીજો એક કિસ્સો. એકવાર દાલમિયા શેઠના સેક્રેટરી ધર્મદેવ સરદારના સેક્રેટરી શાંતિલાલ હ. શાહને મળવા આવ્યા. તેમણે કહ્યું કે, “દાલમિયા શેઠ ચૂંટણી ફંડ માટે બે લાખ રૂપિયા આપવા માંગે છે. સરદાર એ સ્વીકારશે ખરા? સરદારે જવાબ આપ્યો, “લઈશું.” બીજે દિવસે ધર્મદેવ ફરી આવ્યા અને શાંતિભાઈને કહ્યું કે દાલમિયા શેઠે ઈચ્છે છે કે સરદાર સાહેબ તેમને ત્યાં ચા પીવા આવે અને એ સમયે તેઓ આ રકમ તેમને સુપરત કરશે. શાંતિભાઈએ આ સંદેશો કહ્યો તેવા જ સરદાર તાડુકી ઊઠ્યા, “જુઓ શાંતિલાલ, એમને સ્પષ્ટ જણાવો કે ચેક મોકલવો હોય તો મોકલે, નહીં તો એમની મરજી. આ કામ માટે હું એમના ઘેર નહીં આવું.” શાંતિલાલે એ સંદેશો ધર્મદેવને આપ્યો અને સરદારનો સંદેશો સાંભળીને દાલમિયા શેઠે બે લાખમાં પચીસ હજાર રૂપિયા ઉમેરીને સવા બે લાખનો ચેક તરત જ સરદારને મોકલી આપ્યો. આ હતી સરદારની ખુમારી અને રાજકીય સૂઝ. એ સાથે હૃદયની ઋજુતા પણ જુઓ. પંદર દિવસ પછી સરદાર સામેથી કહેવડાવીને દાલમિયાને ત્યાં ચા પીવા ગયા.
આજે સરદાર જેવા નિષ્ઠાવાન રાજકર્તાઓ નથી કે નથી તાતા અને દાલમિયા જેવા ઉદ્યોગપતિઓ કે જેમનામાં નૈતિક બળ ભરપૂર માત્રામાં હતું, જેઓ ફરજ અને અંગત સંબંધોને અલગ રાખી શકતા અને જેઓ હોદ્દેદારની પ્રામાણિકતાને વધાવી, તેનું ઊંચું મૂલ્ય આંકતા. ભારતના નેતાઓ, ઉદ્યોગપતિઓ અને સામાન્ય જનતાના ખાતામાંથી આ બધા ગુણોની ખાધ કેમ કરતાં પડી?
આજે જો કે વિશ્વ ભરમાં ઉદારીકરણ, વૈશ્વીકરણ અને ખાનગીકરણનાં નામે રાજકારણનું કંપનીકરણ જે રીતે થવા લાગ્યું છે, તેનાથી તો લોકશાહી મૂલ્યો જાણે વિના મૂલ્યે વેચાતાં જાય છે. એક વાત સમય જતાં વધુ ને વધુ સ્પષ્ટ થતી જાય છે કે હવે કોઈ અવતારો ધરતી પર નહીં અવતરે, કોઈ મહાપુરુષો આપણને આપણા પાપોમાંથી ઉગારવા જન્મ નહીં લે, જે કંઈ સત્કર્મો કરવાનાં છે એ હવે લોકોએ જ સાથે મળીને કરવા રહ્યાં. તે માટે અવતારી પુરુષોએ આપેલા સિદ્ધાંતો અને મહાપુરુષોએ તેના અલમથી કંડારી આપેલ માર્ગ આપણી સામે જરૂર હાજર છે. પણ કિશોરલાલ મશરૂવાળાએ કહેલું તેમ હવાડો એ શાસક વર્ગ છે, કૂવો એ સમસ્ત પ્રજા છે. ગમે તેવા કાયદાઓ અને બંધારણ ઘડો, સમસ્ત પ્રજાનાં ચારિત્ર્ય કરતાં શાસક વર્ગનું ચારિત્ર્ય ઘણું ઊંચું હોય તેમ બનવાનું નહીં. અને તેમની આ વાત સમજી, સ્વીકારીને કૂવા રૂપી પ્રજામાં જીવન લક્ષી નીરની આવે તે માટે સહિયારો પ્રયાસ આદરવાનો છે. એ માટે શું હવે એક વધુ ક્રાંતિની જરૂર છે? કોણ કરશે?
વિનોબા ભાવેને રાજ્યસત્તાની મર્યાદા વિષે પૂરેપૂરું ભાન હતું અને લોકસત્તાની શક્તિ પર ગાંધીજી જેવો જ ભારે ભરોસો હતો. એથી જ કદાચ અવળી દિશામાં ફંટાઈ ગયેલ સમાજને પુન: સન્માર્ગે લાવવા સરકાર સામે જોઈને બેસી રહેવું કે એ કોઈ કાયદા ઘડે કે પરિવર્તન લાવે તેના સમર્થનમાં તેઓ નહોતા. તેમના મતે તો સરકારનું એ ગજું નથી અને વધુમાં કહેલું પણ ખરું, “ખુદ મારા હાથમાં સત્તા હોત તો હું પણ ઝાઝું કામ ન કરી શકત. એનું કારણ એ છે કે સરકાર કદી ક્રાંતિકારી નથી હોતી. સરકાર તો આમ જનતાનું પ્રતિબિંબ હોય છે. બુદ્ધ ભગવાન સમાજમાં ક્રાંતિ લાવવા માગતા હતા. એટલે તો એમને પોતાના હાથમાં હતું તે રાજ્ય પણ છોડવું પડેલું. રાજ્યસત્તા હાથમાં રાખીને ક્રાંતિ ન કરાવી શકત – બહુ તો એક સારા રાજા થઈ ગયા હોત, પરંતુ ક્રાંતિકાર ન થયા હોત. અકબર ઘણો સારો રાજા હતો, પણ તે ક્રાંતિકારી નહોતો. બુદ્ધે ક્રાંતિ કરી, ઈશુએ ક્રાંતિ કરી, ગાંધીજીએ ક્રાંતિ કરી; પરંતુ એ સૌએ ઉપાસના કરી નૈતિક શક્તિની. નૈતિક શક્તિ નિર્માણ કરવાનું સરકારનું ગજું હોતું નથી. તે તો એ શક્તિની પાછળ ચાલે છે.” અહીં ‘સરકાર તો આમ જનતાનું પ્રતિબિંબ હોય છે.’ એ શબ્દો બહુ મહત્ત્વના છે.
હવે જ્ઞાની રાજા કે જ્ઞાની રાજાના જ્ઞાની વારસ કરોડો લોકોને નીતિમત્તા, પ્રામાણિકતા અને નિષ્ઠાના પાઠો ભણાવે અને દેશ તો શું આખી દુનિયામાં વ્યાપેલ ભ્રષ્ટાચાર, હિંસા અને વિભાજક વલણોનાં વહેણને પાછાં વાળે તેવી વ્યર્થ ઈચ્છા રાખવાને બદલે ઉપર ઉલ્લેખ કર્યો તે મનીષીઓના કથનને સમજી, સ્વીકારી, એ દિશામાં કાર્ય કરવા કટિબદ્ધ થયા વિના કોઈ આરો નથી.
e.mail : 71abuch@gmail.com
![]()


ભાનુભાઈ વણકર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેતા હતા અને દલિતોના અધિકારની જમીન દલિતોના નામે કરવામાં આવે એ માટે સંઘર્ષ કરતા હતા. અનેક નિવેદનો-આવેદનો છતાં પાટણમાં વહીવટી તંત્ર બધિર હતું અને જમીન નામે ચડાવી આપતું નહોતું. ભાનુભાઈએ આત્મવિલોપન જેવું અંતિમ પગલું ભરવાની નોટિસ આપ્યા છતાં, સત્તાવાળાઓ પર એની કોઈ અસર થઈ નહોતી. હદ તો ત્યારે થઈ હતી જ્યારે ભાનુભાઈએ આત્મવિલોપન કર્યું એ પછી સરકારે દલિતોના ગુસ્સાને શાંત પાડવાને બદલે કાયદો અને વ્યવસ્થાના નામે દલિત આગેવાનોની ધરપકડ કરી હતી. ગુજરાત સરકારની સાન જ્યારે ઠેકાણે આવી ત્યાં સુધીમાં આબરૂનું નુકસાન થઈ ચૂક્યું હતું. સાન ઠેકાણે એટલા માટે આવી હતી કે દલિતોનો ગુસ્સો ધારવા કરતાં વધુ પ્રગટ થયેલો જોવા મળ્યો હતો અને સરકાર ડરી ગઈ હતી.