કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે 1969માં આજની તારીખે વડાંપ્રધાન તરીકે ચૂંટાયેલાં ગોલ્ડા માયરને યાદ કરી લઈએ
ગોલ્ડા માયર, ઇઝરાયેલનાં પ્રથમ અને એકમાત્ર મહિલા વડાંપ્રધાન અને વડાપ્રધાન પદ સુધી પહોંચનાર વિશ્વની ત્રીજી મહિલા. વિશ્વ ઇતિહાસમાં ગોલ્ડા માયરનું નામ એક સન્માનનીય નેતા તરીકે સોનેરી અક્ષરે અંકિત થયેલું છે. આવતી કાલે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઊજવાશે. યુવતીઓ-મહિલાઓ માટે પ્રેરણાદાયક અને રોલમૉડલ સમી મહિલાઓને યાદ કરવામાં આવશે, જેમાં ગોલ્ડા માયરનું નામ પણ ચોક્કસ લેવાશે. જો કે, આજે તેમને યાદ કરવાનું નિમિત્ત મહિલા દિવસ ઉપરાંત તેમના જીવનનો મહત્ત્વપૂર્ણ પ્રસંગ પણ છે.
ઈ.સ. 1969માં 7મી માર્ચના રોજ લેબર પાર્ટીની સેન્ટ્રલ કમિટીના 70 સભ્યોએ એક સૂરે ગોલ્ડા માયરને નવા વડાંપ્રધાન તરીકે ચૂંટ્યાં હતાં. ઇઝરાયેલના ત્રીજા વડાપ્રધાન લેવી એસ્કોલના નિધન બાદ સ્થિતિ એવી હતી કે સામાન્ય ચૂંટણીને માત્ર આઠ જ મહિનાની વાર હતી. શાસક પક્ષ માટે વડાપ્રધાન પદ કોને સોંપવું, એ નિર્ણય ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો. વડાપ્રધાન પદના દાવેદારો એકથી વધારે હતા, પરંતુ પક્ષને સત્તાનું સુકાન 71 વર્ષનાં ગોલ્ડા માયરને સોંપવું જ મુનાસિબ લાગ્યું હતું. ગોલ્ડા માયરે 17મી માર્ચ, 1969ના રોજ વિધિવત્ રીતે ઇઝરાયેલનું વડાંપ્રધાન પદ સંભાળ્યું હતું.
વડાપ્રધાન બન્યાં પહેલાં ગોલ્ડા માયર અગાઉની સરકારોમાં શ્રમ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને આંતરિક બાબતોનું મંત્રાલય સંભાળી ચૂક્યાં હતાં, એ તો ખરું જ, પરંતુ ઇઝરાયેલની સ્થાપનામાં તેમની કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી, એ જાણવા જેવું છે. ઇઝરાયેલની આઝાદીનું જે જાહેરનામું બહાર પડ્યું, તેમાં કુલ 24 લોકોના હસ્તાક્ષર હતા, જેમાં માત્ર બે મહિલા હતી, એમાંનાં એક હતાં ગોલ્ડા માયર. આમ, તેઓ ઇઝરાયેલના અસ્તિત્વ કરતાં પહેલાં પણ એક નેતા તરીકે સ્થાપિત થઈ ચૂક્યાં હતાં.
યુક્રેનમાં (તે વખતે રશિયાના તાબા હેઠળનો પ્રદેશ) 3 મે, 1898ના રોજ જન્મેલાં અને અમેરિકામાં ઉછરેલાં-ભણેલાં ગોલ્ડા માયર 20 વર્ષની વયથી જ જાહેરજીવનમાં સક્રિય બની ગયાં હતાં. કરિયાણાની દુકાન ધરાવતા પિતાની દીકરી તરીકે દુકાન સંભાળનારાં ગોલ્ડા માયરે પોતાના દેશને એટલી સારી રીતે સંભાળેલો કે આજે પણ તેમનું નેતૃત્વ જાહેરજીવનમાં આવનારી દુનિયાભરની મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. દૃઢ મનોબળ ધરાવતાં તથા એક ઘા ને બે કટકામાં માનનારાં આ સ્પષ્ટવક્તા નેતા ઇઝરાયેલનાં ‘આયર્ન લેડી’ તરીકે પણ જાણીતાં છે. ગોલ્ડા માયર પરના લોકોના અતૂટ વિશ્વાસને કારણે તેમના નેતૃત્વમાં તેમનો પક્ષ એક નહિ, બે બે સામાન્ય ચૂંટણીઓ જીતી શક્યો હતો.
ગોલ્ડા માયરના કાર્યકાળ દરમિયાન જ મ્યુિનક ઓલિમ્પિકના હત્યાકાંડમાં ઇઝરાયેલના 11 ખેલાડીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. ગોલ્ડા માયરે મોસાદના માધ્યમથી ખેલાડીઓના એકેએક હત્યારાને આખી દુનિયામાં શોધી શોધીને પતાવી દીધા હતા. મ્યુિનક હત્યાકાંડનો બદલો ગોલ્ડા માયરે જે સાહસ અને સપાટાભેર લીધો હતો, તેને કારણે પણ તેઓ દુનિયામાં ચર્ચામાં રહ્યાં હતાં. ઇઝરાયેલના અસ્તિત્વ સામે ખતરો પેદા કરનારાઓને ગોલ્ડાએ છોડ્યા નહોતા. જો કે, તેમણે ઇઝરાયેલની ફરતે આવેલા આરબ દેશો સાથે સંબંધો સુધારવા અને શાંતિ સ્થાપના માટે પ્રશંસનીય પ્રયાસો કર્યા હતા. ગોલ્ડાનું એક ખૂબ જાણીતું મરમી વાક્ય છે, ‘શાંતિ ત્યારે સ્થપાશે જ્યારે આરબ લોકો ઇઝરાયેલને નફરત કરવા કરતાં પોતાનાં સંતાનોને વધારે પ્રેમ કરશે.’
આજે આતંકવાદની સમસ્યા વિશ્વભરને સતાવી રહી છે ત્યારે બોલબચ્ચન નેતાઓ તો ઘણા છે, પરંતુ ગોલ્ડા માયર જેવા ખરા અર્થમાં પોલાદી નેતાઓની ખોટ સાલી રહી છે.
મિસ યુ, ગોલ્ડા માયર!
સૌજન્ય : ‘કળશ’પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 07 માર્ચ 2018
![]()





ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે શિક્ષણ માટેના આદર્શવાદી દર્શનથી સ્થાપેલી વિશ્વભારતી યુનિવર્સિટી અડતાળીસ સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાંની એકમાત્ર યુનિવર્સિટી છે જેના ચાન્સલર વડા પ્રધાન હોય. રાષ્ટ્રપ્રમુખ હોદ્દાની રુએ તેના ‘વિઝિટર’ હોય છે. આ સંસ્થામાં વારંવાર કપરા તબક્કા આવ્યા કરતા હોય છે. ફેબ્રુઆરી 2016માં તેના વાઇસ ચાન્સલર સુશાન્ત દાસગુપ્તાને વહીવટી ગેરરીતીઓ માટે બરતરફ કરવામાં આવ્યા હતા. તે પછી વિજ્ઞાની સ્વપન કુમાર દત્તને કાર્યકારી વાઇસ-ચાન્સલર તરીકે નીમવામાં આવ્યા. તેમને કાયમી બનાવવાનો નિર્ણય વિવાદાસ્પદ બન્યો અને વિવાદનો અંત આવે તે પહેલાં તાજેતરમાં તેઓ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા. તેમના કાર્યકાળ દરમિયાન અધ્યાપક આંદોલનો થયાં. એક આંદોલન તો એવું હતું કે જેમાં દત્તની બાબતે અધ્યાપકો સામસામાં જૂથોમાં વહેંચાયા. એક જૂથ વાઇસ-ચાન્સલર તરીકે તેમની નિમણૂકની માગણી કરતું હતું, જ્યારે બીજું જૂથ તેમની બરતરફીની. યુનિવર્સિટીના આ માહોલ પાછળ દત્તની નેતૃત્વશક્તિનો અભાવ છે એવું તારણ કાઢીને તેમને વાઇસ-ચાન્સલર બનવા દેવામાં ન આવ્યા એમ માનવામાં આવે છે. પણ એ સંજોગોમાં મંત્રાલયે તેમના નામનો સમાવેશ ત્રણ નામોમાં શા માટે થવા દેવામાં કાચું કાપ્યું. રાષ્ટ્રપ્રમુખે તેમના નામની પસંદગી પર છેલ્લી મહોર મારીને મામલાને વધુ ખરાબ કર્યો. તેમણે બધી ન્યાયિક પ્રક્રિયાને કોરાણે મૂકીને આમ કર્યું છે. સેન્ટ્રલ યુનિવર્સિટીઝ ઍક્ટ 2009 જણાવે છે કે ધ વિઝિટરનું સ્થાન ધરાવનાર રાષ્ટ્રપ્રમુખ સમયના જુદા જુદા તબક્કે એક કે વધુ વ્યક્તિઓની નિમણૂક કરીને યુનિવર્સિટીના કામ અને તેની પ્રગતિઓનું પુનરાવલોકન કરી શકે છે. આવી કોઈ કાર્યપ્રક્રિયા વિશ્વભારતીના આ કિસ્સામાં રાષ્ટ્રપ્રમુખે અનુસરી નથી. આ રાષ્ટ્રપ્રમુખે ગણતંત્રદિવસ પરના ભાષણમાં સંસ્થાઓનાં ગૌરવ અંગે ઘણું કહ્યું હતું. જેમ કે, ‘એવી સંસ્થાઓ કે જે ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા વિના તેમની નિષ્ઠા અને શિસ્ત જાળવી રાખે’, ‘સંસ્થાઓ તેમની સાથે જોડાયેલ વ્યક્તિઓ કરતાં વધુ મહત્ત્વની હોય છે’, ‘સંસ્થાના સભ્યોએ લોકોની ટ્રસ્ટી બની રહેવા બનતો પ્રયત્ન કરવો જોઈએ’.
સરકારને કારણે વિશ્વભારતી યુનિવર્સિટીમાં વાઇસ-ચાન્સલર પરેશાન થયા છે, તો વળી મુંબઈની વિશ્વવિખ્યાત ‘ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સેસ’(ટિસ)માં વિદ્યાર્થીઓ ભણતરના આર્થિક બોજ હેઠળ કચડાઈ જાય એવી નોબત આવી છે. સામજિક રીતે પછાત મનાતા વર્ગો તેમ જ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ અને રાહતો બંધ કરવાની જાહેરાત સત્તાવાળાઓએ કરી છે. તેના વિરોધમાં ટિસમાં એકવીસમી ફેબ્રુઆરીથી જોરદાર વિદ્યાર્થી આંદોલન ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓએ વર્ગો, ફીલ્ડ વર્ક, સબમિશન જેવી શિક્ષણપ્રવૃત્તિઓનો બહિષ્કાર કર્યો છે. તેઓ સંસ્થાના ઝાંપે રાતદિવસ ધરણાં ધરીને બેઠાં છે. મોટાં ભાગનાંએ સંસ્થાના ભોજનકક્ષ અર્થાત્ ડાઇનિંગ હૉલમાં જમવાનું બંધ કર્યું છે. સભાઓ, શેરી નાટકો, ગીતો, સૂત્રોચ્ચાર, મોબિલાઇઝેશન થતું રહે છે. દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સહિત દેશભરની કેટલી ય યુનિવર્સિટીઓનાં સંગઠનો અને મંચોનો ટેકો આ આંદોલનને સાંપડી રહ્યો છે. સંસ્થાના અધ્યાપકોનો એક વર્ગ પણ ચળવળની સાથે છે. મુંબઈ ઉપરાંત ટિસની હૈદરાબાદ, ગુવાહાતી અને તુળજાપુરની કૉલેજોના વિદ્યાર્થીઓ પણ ચળવળમાં જોડાયા છે. જો કે તેમાં મુંબઈની ટિસ સહુથી જાણીતી છે .. જે.એન.યુ.ની જેમ ટિસ પણ સમાનતાવાદી રૅડિકલ વિચારસરણી તરફ દોરી જાય છે અને કર્મશીલતા પ્રેરે છે. મૌલિક સંશોધન કરનાર અધ્યાપકો, બાવીસ કલાક ખુલ્લું રહેતું ત્રણ માળનું ગ્રંથાલય, વૃક્ષ-વનસ્પતિ-માટીથી સમૃદ્ધ કૅમ્પસ, વિદ્યાર્થીઓ માટે એકંદર નિસબત, તકોની સમાનતા, વિશિષ્ટતા-વિમર્શ-વિવાદને પોષક વાતાવરણ એ જે.આર.ડી. ટાટાએ 1936માં સ્થાપેલી ટિસની કેટલીક વિશેષતાઓ છે.