કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન બૅન્ગલોરમાં કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો કૉન્ગ્રેસને સરખી બેઠકો મળશે તો તેઓ વડા પ્રધાન બનશે.
સરખી એટલે કેટલી એ વિશે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લોકસભામાં સૌથી મોટો પક્ષ અને સ્થિર સરકાર આપી શકાય એટલી બેઠકો. આનો અર્થ એ થયો કે રાહુલ ગાંધીને હજી ભરોસો નથી કે કૉન્ગ્રેસને ૧૫૦ બેઠકો મળશે. જો કૉન્ગ્રેસને ૧૫૦ કરતાં વધુ બેઠકો મળે તો ત્રીજા મોરચાની સંભાવના ટળી જાય અને કૉન્ગ્રેસ UPAનો મોરચો રચીને સરકાર બનાવી શકે.
આવું બને? અસંભવ નથી. કૉન્ગ્રેસને જો કર્ણાટક વિધાનસભામાં સારી એવી સફળતા મળશે તો એ પછી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભાઓની ચૂંટણીમાં વિજય મળવાની શક્યતા નજરે પડી રહી છે અને એ સ્થિતિમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ૧૫૦ પ્લસ બેઠકો મુશ્કેલ નથી. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણી આનું ઉદાહરણ છે. એ સમયે તો અટલબિહારી વાજપેયીની સરકારની ઇમેજ અત્યારની નરેન્દ્ર મોદીની સરકાર કરતાં ઘણી સારી હતી. એટલે તો BJPના નેતાઓએ લોકસભાની ચૂંટણી મુદત પહેલાં યોજી હતી અને ઇન્ડિયા શાઇનિંગનું સૂત્ર આપ્યું હતું.
આ બાજુ કૉન્ગ્રેસમાં સોનિયા ગાંધીની ઇમેજ અને આવડત વિશે પ્રશ્નો હતા. એક તો વિદેશી, હિન્દી બોલતાં આવડે નહીં. વાંચીને ભાષણ કરે. ભારતના સામાજિક-રાજકીય વાસ્તવનું બહુ ઓછું જ્ઞાન અને કમને પરાણે રાજકારણમાં પ્રવેશીને કૉન્ગ્રેસનું નેતૃત્વ કરનારાં સોનિયા ગાંધી કૉન્ગ્રેસને સૌથી મોટા પક્ષ તરીકે બહુમતી અપાવી શકે એવી કોઈ શક્યતા નજરે પડતી નહોતી. એટલે તો એ સમયના નાયબ વડા પ્રધાન અને સંભવત: વાજપેયીના અનુગામી વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીએ કૉન્ગ્રેસની અક્ષરશ: દયા ખાતાં કહ્યું હતું કે જુઓને લોકશાહી માટે દેશને એક મજબૂત વિરોધ પક્ષની જરૂર છે અને આ કૉન્ગ્રેસ બેઠી થઈ શકે એવા કોઈ આસાર નજરે પડતા નથી. ૨૦૦૪માં BJPના નેતૃત્વમાં NDAનો વિજય નિશ્ચિત માનવામાં આવ્યો હતો.
જે પરિણામ આવ્યાં એ ચોંકાવનારા હતાં. કૉન્ગ્રેસને લોકસભામાં ૧૪૫ બેઠકો મળી હતી અને ડૉ. મનમોહન સિંહની સરકાર રચાઈ હતી. એક વાત યાદ રહે, ૧૯૯૯ની લોકસભામાં કૉન્ગ્રેસની ૧૧૪ બેઠકો હતી અને કુલ મતમાં વધારો થવાની જગ્યાએ ૧.૬ ટકા મતનો ઘટાડો થયો હતો. એ સમયે BJPને મળેલા મતમાં પણ એટલો જ ઘટાડો થયો હતો, પરંતુ એને મળેલી બેઠકોમાં ૪૪ બેઠકોનો ઘટાડો થયો હતો. આ ફરકનું કારણ એ છે કે ૧૯૯૯માં કૉન્ગ્રેસે UPA નામનો મોરચો નહોતો રચ્યો અને ૨૦૦૪માં સોનિયા ગાંધીએ કૉન્ગ્રેસની મર્યાદા સ્વીકારીને NDA સામે UPAના મોરચાની રચના કરી હતી. ૧.૬ ટકાનો મતોમાં ઘટાડો થયો હોવા છતાં બેઠકોમાં ૩૧નો વધારો થયો એ મોરચાનું પરિણામ હતું.
આમ કૉન્ગ્રેસ જરૂર પુર્નજીવિત થઈ શકે, પરંતુ ૧૧૪થી ૧૪૫ પર પહોંચવું અને ૪૫થી ૧૫૦ સુધી પહોંચવું એમાં બહુ મોટો ફરક છે. સો કરતાં વધુ બેઠકોની મજલ કાપવાની છે અને એ આસાન નથી. બીજું, UPA અત્યારે લગભગ અસ્તિત્વહીન છે. UPAના જૂના ભાગીદારો અત્યારે ત્રીજો મોરચો રચવાની વેતરણમાં છે. ગેરBJP-ગેરકૉન્ગ્રેસી રાજકીય પક્ષો કૉન્ગ્રેસ ને કર્ણાટકમાં કેવો દેખાવ કરે છે એ જોઈને આગળની રણનીતિ નક્કી કરશે. આ વરસના અંત સુધીમાં કર્ણાટક અને એ પછી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ કૉન્ગ્રેસનું ભાવિ નક્કી કરી આપશે. જો એમાં કૉન્ગ્રેસને સફળતા મળશે તો UPA આકાર પામી શકે છે અને જો નિષ્ફળતા મળશે તો વિરોધ પક્ષો ત્રીજા મોરચાનો રસ્તો અપનાવશે. કેટલાક વિરોધ પક્ષોએ અત્યારે જ ત્રીજો મોરચો રચવાની તજવીજ શરૂ કરી દીધી છે તો કેટલાક પક્ષો આ વરસના અંત સુધી રાહ જોવા માગે છે. રાજકારણમાં બધું જ શક્ય છે. કોઈ પક્ષ ૪૫થી ૧૪૫ સુધી પણ જઈ શકે છે.
રાહુલ ગાંધીએ જો સરખી બેઠકો મળશે તો એવી જે પૂર્વશરત મૂકી છે એનું કારણ આ છે. હવે પછી અહીં ગણાવી એ ચાર રાજ્યોની વિધાનસભાઓમાં જો કૉન્ગ્રેસને ધારી સફળતા મળશે તો આ વરસના અંત સુધીમાં રાહુલ ગાંધીની ભાષા બદલાઈ જશે. પણ BJP? BJP અને નરેન્દ્ર મોદી માટે કેવા સંજોગો હશે એનો ઉત્તર પણ આ વરસના અંત સુધીમાં મળી જશે. ત્રણ શક્યતાઓ છે : ૧. BJP જો કર્ણાટકમાં અને ઉત્તરનાં ત્રણ રાજ્યોમાં ભવ્ય વિજય મેળવશે તો નરેન્દ્ર મોદી બીજી મુદત માટે સત્તામાં આવશે. ૨. જો BJPનો વિજય ગુજરાત જેવો હાંફી જનારો હશે તો ૨૦૧૯માં BJP સૌથી મોટા પક્ષ તરીકે કેન્દ્રમાં સરકાર રચશે, પણ વડા પ્રધાનપદે નરેન્દ્ર મોદીની જગ્યાએ કો
ઈ બીજું હશે. ઘણું કરીને નીતિન ગડકરી અથવા સુષમા સ્વરાજ. ૩. જો આ ચારેય રાજ્યોમાં પરાજય થશે તો કેન્દ્રમાં UPAની અથવા ત્રીજા મોરચાની સરકાર આવશે.
જો કર્ણાટકમાં BJPનો પરાજય થશે તો કદાચ લોકસભાની ચૂંટણી વહેલી યોજવામાં આવે અને એની સાથે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની વિધાનસભાઓની ચૂંટણી પણ યોજવામાં આવે. આને કારણે રાજ્યોનો માર લોકસભાની ચૂંટણી પર ન પડે એવી ગણતરી હોઈ શકે. જો કે રાજકારણમાં છ મહિના ઘણો લાંબો સમય છે અને દરમ્યાન કોઈ નીરવ મોદી ખેલ બગાડી શકે છે.
અહીં દિમાગમાં એક તુક્કો આવે છે. રાહુલ ગાંધી વડા પ્રધાન તરીકે પોતે ઉમેદવારી કરવાની જગ્યાએ સૅમ પિત્રોડાને વડા પ્રધાનપદના અને રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનને નાણાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરે તો? તો ટેબલ ટર્ન થઈ શકે છે. નકરી વાતો અને નક્કર પરિણામમાં જમીન-આસમાનનો ફરક છે. જે મધ્યમ વર્ગે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને મત આપ્યા હતા એ કૉન્ગ્રેસને આપી શકે છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 10 મે 2018
![]()


મે મહિનાનો બીજો રવિવાર માને સમર્પિત છે. ૧૩મી મે એટલે મધર્સ ડે. આમ તો આ બધા ‘ડેઝ’ પાશ્ચાત્ય સમાજની દેણ છે પણ એ નિમિત્તે વિશ્વ આખાની માતાઓને મહત્ત્વ મળવા લાગ્યું છે. હવે તો સંતાનો માને ગિફ્ટ આપતાં પણ થયાં છે.
આવી આ મા જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી સંસ્કૃિત જીવવાની છે! આપણે તો આપણા દેશ, આપણી ધરતી અને ગાયને પણ માતા કહીએ છીએ. આવી આપણી સંસ્કૃિતનું અમર ગીત એટલે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મા હયાત હોય તો અપાર હેત વરસાવવાનું મન થાય અને સમયચક્રમાં વિલીન થઈ ગઇ હોય તો આંખ ભીંજવી જાય એવા આ ગીતની એક એક પંક્તિમાં અપાયેલી ઉપમા ખરેખર માતૃત્વને સાર્થક કરનારી છે. દરેકને એમ લાગે કે આ ગીત પોતાની મા માટે જ લખાયું છે. કાનમાં મોરનું પીંછું ફરતું હોય એવી હળવાશ, સરળ શબ્દોનું માધુર્ય અને રોમેરોમમાં વાત્સલ્યના ઝરા ફૂટતા હોય એવું સદૈવ તાજગીસભર આ ગીત માતૃવંદનાનાં કાવ્યોમાં હજુ ય ટોચ પર રહ્યું છે. મા વિશે કેટકેટલાં કાવ્યો રચાયાં છે પરંતુ, દામોદર ખુશાલદાસ બોટાદકરનું આ ગીત એટલું લોકપ્રિય થયું કે એ હવે લોકગીતની કક્ષાએ મુકાઈ ગયું છે. બોટાદકરનો જન્મ ૨૭ નવેમ્બર ૧૮૭૦માં અને મૃત્યુ ૦૭ સપ્ટેમ્બર ૧૯૨૪માં. દોઢસો વર્ષ પછી ય આ ગીત તરોતાજા લાગે એ કેવી મોટી ઉપલબ્ધિ!



