બે દિવસ પહેલાં મારા કેટલાક મિત્રો મુંબઈના બી.જે.પી.ના એક સંસદસભ્યને મળવા ગયા. એ સંસદસભ્ય મુંબઈના સંસદસભ્યોમાં સૌથી કામઢા છે. મારા મિત્રોએ કહ્યું કે તેઓ ઝૂંપડપટ્ટીઓમાં કામ કરે છે અને પાણીની સમસ્યા વિષે વાત કરવા આવ્યા છે. વાત થોડી નીતિવિષયક છે એટલે નગરસેવકની જગ્યાએ તમને મળવા આવ્યા છીએ.
એ તો ઠીક છે, પહેલાં એ કહો કે દેશના વડા પ્રધાન કોણ બનવા જોઈએ, નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી? તમે ઝૂંપડપટ્ટીઓમાં લોકોને શું સલાહ આપશો? મને ખબર છે તમે શું સલાહ આપતા હશો કે આપશો. તમે દેશદ્રોહીઓ છે.
મારા મિત્રો તો હેબતાઈ જ ગયા!
આનાં ત્રણ સૂચિતાર્થો છે. એક તો એ કે ૨૦૧૯નો ભય કેટલો વ્યાપક છે? ઊઠતા-બેસતા ચોવીસે કલાક ૨૦૧૯નાં બિહામણાં સપનાં કવરાવે છે. હાથમાંથી અમૂલ્ય અવસર સરકી રહ્યો છે એ તેમનાથી ખમાતું નથી. બીજો સૂચિતાર્થ એ કે હજુ બે વરસ પહેલાં જેની પપ્પુ તરીકે ઠેકડી ઉડાડવામાં આવતી હતી, એ રાહુલ ગાંધીનો નામોલ્લેખ નરેન્દ્ર મોદીની ભેગાભેગ કરવો પડે છે અને એ પણ પ્રતિદ્વંદી તરીકે! ત્રીજો સૂચિતાર્થ એ કે કોની સાથે કેમ વાત કરવી અને બોલવું એનો વિવેક પણ તેઓ ખોઈ બેઠા છે એટલી હદે તેઓ હતાશ છે. આ સંસદસભ્ય નવા નવા નથી, પીઢ છે.
થોડા દિવસ પહેલાં ‘ઇકોનોમિક ટાઈમ્સ’માં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ વડા પ્રધાનના કાર્યાલયે દેશભરના બી.જે.પી. શાસિત રાજ્યોનાં મુખ્ય પ્રધાનોને પત્ર લખીને જાણવા માગ્યું હતું કે તમારાં રાજ્યમાં એવાં કયા ઉપક્રમો છે જેનું ઉદ્ઘાટન કે શિલાન્યાસ વડા પ્રધાન કરી શકે? જો કોઈ યોજના (સડક, ડેમ, સંડાસ કાંઈ પણ) હોય તો તેનું ઉદ્ઘાટન કરવા વડા પ્રધાનને બોલાવવામાં આવે. જો કોઈ યોજના અધૂરી હોય અને આવતા બે મહિનામાં પૂરી થઈ શકે એમ હોય તો ઝડપથી પૂરી કરવામાં આવે અને જો કોઈ યોજનાઓ વિષે તમે વિચારતા હોય, તો તેને ઝડપભેર શરૂ કરવામાં આવે કે જેથી તેનો શિલાન્યાસ વડા પ્રધાન કરી શકે. વડા પ્રધાનનું કાર્યાલય એક સૂચના આપવાનું ચૂકી ગયું છે. યોજનાઓનું ગર્ભાધાન થઈ ગયું હોય તો વચ્ચે સીમંત-સંસ્કાર પણ કરી શકાય, પછી બાળક ગમે ત્યારે અવતરે અને કસુવાવડ થઈ જાય તો ન પણ અવતરે. પંચમાસી બાંધવાનો સીમંતનો એક અવસર ધ્યાનબહાર ગયો છે. આમ પણ સીમંત તો હિંદુ પરંપરા છે.
પહેલી જાન્યુઆરીએ દલિતો પુના નજીક ભીમા કોરેગાંવ ખાતે જમા થાય છે. દાયકાઓ જૂની આ પરંપરા છે. ૧૮૧૮માં પેશ્વાઓ સામેની લડાઈમાં અંગ્રેજોનો વિજય થયો હતો અને એ વિજય અપાવવામાં દલિતોની બનેલી મહાર રેજીમેન્ટનો મોટો હાથ હતો. એ સ્થળે અંગ્રેજોએ વિજય – કમ – શહીદસ્તંભ બાંધ્યો છે. દલિતો ૧૮૧૮ની લડાઈના અંગ્રેજોના વિજયને બ્રાહ્મણો સામેના દલિતોના વિજય તરીકે જુએ છે. હવે આ પણ નરેન્દ્ર મોદીના ભક્તો જેવું દલિત ભક્તોનું ભોળપણ છે. પેશ્વાઓ સામેનો એ વિજય અંગ્રેજોનો હતો, દલિતોનો નહોતો; પણ દેશની દરેક કોમને ૫૬ ઈંચની છાતી ધરાવતો નેતા જોઈએ છે અને ૫૬ ઇંચનો ઇતિહાસ જોઈએ છે. વાસ્તવિકતા કોઈને કબૂલ કરવી નથી.
તો દર વરસે પહેલી જાન્યુઆરીએ પુના નજીક ભીમા કોરેગાંવ ખાતે જમા થવાનો રિવાજ દલિતોમાં દાયકાઓ જૂનો છે. એને કારણે આજ સુધી દેશમાં કોઈ હાહાકાર મચ્યો નથી, બ્રાહ્મણોને કોઈએ ધોલ-ધપાટ કરી નથી, મંદિરો પર હુમલા થયા નથી; પરંતુ ગયા વરસે દેશપ્રેમીઓને એમાં દેશદ્રોહ નજરે પડ્યો અને દલિતો સાથે યુદ્ધે ચડ્યા. એ પછી દલિત નેતાઓને વડા પ્રધાનની હત્યાનું કાવતરું કરનારા નક્સલવાદી ઠરાવીને ત્રાસવાદના કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી અને છેવટે સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર સરકારનું નાક કપાયું એ ઘટના યાદ હશે.
આ વરસે ચન્દ્રશેખર આઝાદ નામના દલિત નેતાની આગેવાનીમાં ફરી પહેલી જાન્યુઆરીએ ભીમા કોરેગાંવ ખાતે દલિતો જમા ન થાય અને ઉજવણીની ઘટના ન બને તે માટે આઝાદને પકડવાના સરકારે અનેક ધમપછાડા કર્યા. તેમને એટલું પણ નથી સમજાતું કે તેમણે વિભાજિત દલિતોને દલિત તરીકે સંગઠિત કર્યા છે. તેમની આવી ટૂંકી દૃષ્ટિનાં પરિણામે દલિતો, મુસલમાનો, અન્ય લઘુમતી કોમો, ખેડૂતો, યુવાનો અને ઉદારમતવાદી હિંદુઓ એટલી હદે સંગઠિત થયા છે જેટલા સંગઠિત તેઓ આજ સુધી નહોતા. ‘તમે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને એમ ઈચ્છો છો કે રાહુલ ગાંધી?’ એવો પ્રશ્ન પોતે જ પેદા કરેલી સ્થિતિ અને સ્થિતિએ પેદા કરેલા ગભરાટનું પરિણામ છે.
જાણીતાં ભારતીય અંગ્રેજી સાહિત્યકાર નયનતારા સેહગલ ‘મરાઠી સાહિત્ય સંમેલન’નું ઉદ્ઘાટન કરવા આવવાનાં હતાં. તેમણે તેમનું ભાષણ લખીને મોકલ્યું અને આયોજકોનાં હાજાં ગગડી ગયાં. તેમાં અત્યારના શાસકોની નીતિની નિંદા કરવામાં આવી હતી. અરે ભાઈ, સ્વતંત્રતા અને સર્જકતાને કુંઠિત કરવામાં આવતી હોય ત્યારે સાચો સાહિત્યકાર બોલવાનો જ છે. બધા કઢીચટ્ટા હોય એવું તો બનવાનું નથી. નયનતારા સેહગલને આપવામાં આવેલું આમંત્રણ રદ્દ કરવામાં આવ્યું. હવે હકીકતો બહાર આવી રહી છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તેમાં હાજર રહેવાના હતા અને તેમના માટે મુંઝવણ પેદા ન થાય એ માટે આમંત્રણ રદ્દ કરવામાં આવ્યું હતું.
શું ફાયદો થયો? જો નયનતારા સેહગલ આવીને અંગ્રેજીમાં ભાષણ વાંચીને જતાં રહ્યાં હોત તો બહુ ઓછાને જાણ થઈ હોત કે તેઓ શું બોલ્યાં હતાં. મુખ્ય પ્રધાન સમાધાનકારી લાગે એવો બચાવ પણ કરી શક્યા હોત. એની જગ્યાએ આમંત્રણ રદ્દ કરવાને કારણે આખા દેશને એ ઘટનાની જાણ થઈ, દેશભરની બધી ભાષાઓમાં એ પ્રવચનનો અનુવાદ થયો અને ઉપરથી સરકારનું નાક કપાયું.
આ લોકોને રાજ કરતા પણ આવડતું નથી. ૧૮૫૭ના વિદ્રોહ પછી અંગ્રેજોએ સામે ચાલીને કૉન્ગ્રેસની સ્થાપના કરી હતી કે જેથી ખબર પડે કે લોકોના મનમાં શું ચાલી રહ્યું છે. ૧૮૫૭માં ઊંઘતા ઝડપાઈ ગયા એવું બીજીવાર ન બનવું જોઈએ. લોકોના અભિપ્રાયને અને ગુસ્સાને એમ બન્નેને વાચા મળવી જોઈએ અને તે માટે પ્લેટફોર્મ આપવું જોઈએ. લાગણીઓને દબાવી રાખવાથી દબાતી નથી અને એવા પ્રયાસ કરવામાં આવે તો વિસ્ફોટ થવાનો ડર રહે છે. જેમ ઘરને અશુદ્ધ હવા બહાર ફેંકવા અને શુદ્ધ હવા અંદર લેવા બારીની જરૂર પડે છે એમ સમાજને પણ લાગણીઓ પ્રગટ કરવા અભિવ્યક્તિની બારીની જરૂર પડે છે. તેને બંધ કરવાની ન હોય. પરંતુ આપણા મહાન શાસકોને માફક ન આવે એવા વિચાર પ્રગટ થશે અને પ્રતિકૂળ વિચાર પ્રવેશી જશે એનો ડર છે.
તમને ખબર હશે કે જેમ અંગ્રેજોએ સામે ચાલીને કૉન્ગ્રેસની સ્થાપના કરાવી હતી એમ મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસે સામેથી શિવસેનાની સ્થાપના કરાવી હતી. લાભોથી વંચિત મરાઠી યુવકનો ગુસ્સો મરાઠી અસ્મિતાના નામે પ્રગટ થઈ જાય એવી એની પાછળની ગણતરી હતી. ધૂંધવાટ નીકળી જવો જોઈએ. કૉન્ગ્રેસીઓએ છ દાયકા શાસન એમને એમ નથી કર્યું. લોકોની લાગણીઓ પર ઝીણી નજર રાખવી પડતી હોય છે અને તેને સાંભળવી પડતી હોય છે. ચોવીસ કલાક ખેલ પાડીને રમાડ્યા કરો તો આવા દિવસો આવે!
‘એ બધું ઠીક છે, પહેલા કહો; તમે નરેન્દ્ર મોદી સાથે છો કે રાહુલ ગાંધી સાથે?’
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 12 જાન્યુઆરી 2019
![]()


ગયે વર્ષે લિયો ટોલ્સટોય લિખિત ‘War and Peace’ વાંચતાં મહિનાઓ થયા. તેમાંની કૌટુંબિક આંટીઘૂંટીઓ સમજતાં, રાજકીય કાવાદાવાઓના સ્તર ઉકેલતાં અને પાંચસોથી અધિક નાયક-નાયિકાઓના પરસ્પરના સંબંધોની ગૂંચ ઉકેલતાં કદાચ શેષ જીવન પણ ટૂંકું પડે તેવું છે. પાંચ પુસ્તકોમાં વહેંચાયેલ આ મહાનવલ લગભગ 1,650 પાનાંનો દળદાર ગ્રંથ છે જે દિલચસ્પ કહાણીઓથી ભરપૂર છે. જો કે તેનો મુખ્ય હેતુ ઈ.સ.1812ની આસપાસ નેપોલિયન બોનાપાર્ટની રશિયા સાથેની લડાઈનું આલેખન કરવાનો હતો.



વીતેલા સાતેક દાયકાના મોટા ભાગના મરાઠી લોકો જિંદગીના કોઈ ને કોઈ તબક્કે જાણતા અજાણતા પુ.લ.ની સર્જનની છોળથી પુલકિત થયેલા હોય છે. બાળપણમાં તેમણે સૂરમાં ઢાળેલા મયૂરગીત સાથે ડોલી ઊઠેલા હોય છે. હજારો શોઝ થઈ ચૂક્યા હોય, થતા રહ્યા હોય તેવાં તેમનાં નાટકોના પ્રેક્ષકો બન્યા હોય છે. તેમની ફિલ્મો જોઈ હોય છે. લાજવાબ પરફૉર્મર પુ.લ.એ ભજવેલા અઢી કલાકના એકપાત્રી નાટ્ય પ્રયોગ ‘બટાટ્યાચી ચાળ’ સાઠ-સિત્તેરના દાયકાનું મહારાષ્ટ્ર ઘેલું હતું. આજથી પચાસ વર્ષ પહેલાં પુ.લ. દેશના એક બેતાજ સ્ટૅન્ડ-અપ કૉમેડિયન હતા. ‘મ્હૈસ’ (ભેંસ) નામના વાચિકમ્ના એક પ્રયોગમાં માત્ર અવાજથી પુ.લ.એ પચાસથી વધુ પાત્રો ધરાવતી હાસ્યકથામાં શ્રોતાઓને તરબોળ કરી દે છે. વ્યક્તિચિત્રો અને લલિત ગદ્યનું તેમનું વાચન સાંભળવું એ મજાનો અનુભવ બને છે. પુ.લ. અને તેમનાં વિચક્ષણ પત્ની સુનીતાબહેને કાવ્યપઠનના ટિકિટ સાથેના હાઉસફૂલ શો કર્યા હતા. સાહિત્ય-સંગીત-વિદ્યાકાર્ય-સમાજકાર્ય કરતી સંસ્થાઓના તેમનાં ભાષણો શ્રવણીય છે. આમાંથી ઘણી શ્રાવ્ય સામગ્રી હવે યુટ્યુબ પર પણ છે. ભાષાના આ જાદુગરના પંચાવન જેટલાં પુસ્તકોમાં છે : વ્યક્તિચિત્રો, પ્રવાસવર્ણનો, હાસ્યલેખો, નિબંધો, નાટકો, આસ્વાદો, ભાષણો, રૂપાંતરો અને અનુવાદ. તે બધાંની થઈને અઢીસોથી વધુ આવૃત્તિઓ છે. શતાબ્દી વર્ષમાં એક અપ્રકાશિત લેખસંગ્રહ અને ત્રણેક સ્મરણપુસ્તકો આવ્યાં છે. આનંદયાત્રી પુ.લ.એ મરાઠી રસિકોની જિંદગીને ખોબે ખોબે ન્યાલ કરી છે. રસિકોને માત્ર હસાવ્યા છે એમ નહીં. તેમને દુનિયામાં જે સુંદર છે તે જોતાં-માણતાં કર્યા ,વિસંગતિઓને પકડતા કર્યા. માણસને તેના અસંખ્ય રૂપોમાં જોવા-સમજવાની નજર આપી. ખુદ પર હસતાં અને ખુદની બહાર નજર કરતાં શીખવ્યું. કરુણા, કદર અને કૃતજ્ઞતા કેટલી મોટી બાબતો છે તે સમજાવ્યું.
પુ.લ.ના મોટા ભાગના લેખનમાં પ્રગતિશીલ મૂલ્યોની વાત સહજ રીતે વણાઈ છે. એ તેમનાં ઘણાં લખાણોનો વિષય બનેછે. મહાત્મા ફુલે, ગાંધીજી, સાવરકર, એસ.એમ.જોશી, ઇરાવતી કર્વે, આવાબહેન દેશપાંડે, રામમનોહર લોહિયા, હમીદ દલવાઈ, વિનોબા, દાદા ધર્માધિકારી, સાને ગુરુજી, બાબા આમટે, દયા પવાર, આનંદ યાદવ જેવાં વ્યક્તિઓ વિશેનાં પુ.લ.નાં લખાણો પર ઓછું ધ્યાન જાય છે. લોકશાહીના પુરસ્કર્તા સાહિત્યકાર તરીકે પુ.લ.એ વિદુષી લેખક દુર્ગા ભાગવતની જેમ કટોકટી સામે અવાજ ઊઠાવ્યો હતો. કટોકટી પછી જનતા પક્ષની ચૂંટણી પ્રચાર ઝુંબેશમાં ચમકદાર અને વિચારોત્તેજક ભાષણોથી મહારાષ્ટ્ર ગજવીને લોકમત પર મોટો પ્રભાવ પાડ્યો હતો. 1996માં તેમને શિવસેના-ભા.જ.પ. યુતિની રાજ્ય સરકારે ‘મહારાષ્ટ્ર ભૂષણ’ પુરસ્કાર આપ્યો. તેના સ્વીકાર કરતી વખતે પુ.લ.એ એ દિવસોમાં સરકારે લીધેલી ‘લોકશાહીને બદલે ઠોકશાહી જ અમે પસંદ કરીએ છીએ’ એવી ભૂમિકા સામે તીવ્ર નાપસંદગી નોંધાવી હતી. તેની સામે બાળ ઠાકરેએ આ મતલબનું કહ્યું : ‘અમારી પાસેથી અવૉર્ડ લેવાનો અને અમારી જ ટીકા કરવાની …’ પુ.લ.ના કરેલા આવા અપમાનને કેટલાક મરાઠી બૌદ્ધિકો અને સાહિત્યકારોએ ઘણું વખોડ્યું હતું.