ભગવદ્ગીતાના બીજા અધ્યાયના ૫૪મા શ્લોકમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, ‘स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव । स्थितधी: किं प्रभाषेत किमासीत व्रजेत किम् ।।’ અર્થાત્ હે કૃષ્ણ, અધ્યાત્મમાં લીન થયેલી ચેતનાવાળા સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો બતાવો. તે કેવી રીતે બોલે છે અને તેની ભાષા કેવી છે? તે કેવી રીતે બેસે છે અને ચાલે છે?

અર્જુનના પ્રશ્નના જવાબમાં ભગવાન કૃષ્ણ પંચાવનમાં શ્લોકથી લઈને ૭૨મા શ્લોક સુધી સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો વર્ણવે છે.
પણ આપણે ચર્ચા જુદી કરવી છે. અર્જુનની માફક આપણે સવાલ કરવો જોઈએ કે ચૂંટણીનાં મેદાનમાં પ્રચાર કરવા ઉતરેલા નેતાના લક્ષણો બતાવો. તે કેવી રીતે બોલે છે? તેની ભાષા કેવી છે? તે કેવી રીતે બેસે છે અને ચાલે છે? આ નેતા શબ્દની સંસ્કૃત વ્યુત્પત્તિ પણ સમજવા જેવી છે. તે णीञ प्रापणे ધાતુ પરથી બન્યો છે. સંસ્કૃત શબ્દ પ્રાપણેનો અર્થ થાય છે; પહોંચાડવું, દોરી જવું, રાહબર, પ્રજાનું શ્રેય બતાવવું અને શ્રેયસિદ્ધમાં અગ્રજ બનવું. નીતિ, નેતા અને નાયક અને અભિનેતા શબ્દ સુદ્ધા આ णीञ ધાતુ પરથી બન્યા છે. નીતિના બે અર્થ છે નીતિ એટલે કે પોલિસી અને નૈતિકતા.
નેતાનો મૂળ અર્થ સમજી લીધા પછી ગીતાના અર્જુનની માફક સવાલ કરવો જોઈએ કે નેતા કેવી રીતે બોલે છે? તેની ભાષા કેવી છે? તે કેવી રીતે બેસે છે અને ચાલે છે? તમામ પક્ષોના તમામ નેતાઓ પર એક નજર કરી જુઓ, તમને નિરાશા સિવાય બીજી કોઈ ચીજ હાથ નહીં લાગે. મૂળ અર્થથી તેઓ ક્યાં ય દૂર છે.
એક પડાવથી બીજા પડાવ પર સમાજ જવા ઈચ્છે છે. સમાજમાં એવા લોકો પણ હોય છે જેમને વર્તમાન પડાવ પકડી રાખવામાં અને આગળ નહીં વધવામાં સ્થાપિત હિત રહેલું હોય છે. સમાજમાં એવા લોકો પણ હોય છે જેમને જૂનું એટલું સોનું લાગતું હોય છે અને તેઓ અતીતને વાગોળતા રહેતા હોય છે. સમાજમાં એવા લોકો પણ હોય છે જેમને અતીત સામે ભયંકર ફરિયાદ હોય છે અને ભવિષ્યમાં કોઈક આશા દેખાય છે. સમાજમાં એવા લોકો પણ હોય છે જેને પોતાના વર્તમાનથી કેવળ અને કેવળ અસંતોષ હોય છે.
અહીં નીતિ અને નેતાની ભૂમિકા આવે છે. અહીં નીરક્ષીર વિવેક કરવાની જરૂર પડે છે. સમાજનું આ વલણ કોઈ નવું નથી. સમાજ બન્ને દિશાઓ તરફ જોતો હોય છે, નેતાએ તેને તેના હિતની દિશા બતાવવી જોઈએ. આને માટે ખૂબ વિચાર-વિમર્શ કરવો પડતો હોય છે. ભારતની પ્રજાને જ્યારે પશ્ચિમનો પરિચય થયો એ પછી ભારતીય પ્રજાને પોતાને પોતાનો પરિચય થવા લાગ્યો હતો. કોઈના મનમાં પોતાપણા બાબતે અસંતોષ જાગ્યો હતો. કોઈના મનમાં પોતાના પોતાપણામાં શ્રેષ્ઠત્વ નજરે પડ્યું હતું તો કેટલાકને એમ લાગ્યું હતું કે આપણે સાવ નાખી દીધેલ પણ નથી અને એવા કોઈ મહાન પણ નથી. આપણે કેટલુંક અપનાવવું જોઈએ, કેટલુંક છોડવું જોઈએ અને કેટલુંક ધરાર જાળવી રાખવું જોઈએ. ૧૯મી સદીમાં ભારતમાં આ ત્રણ દૃષ્ટિકોણ વચ્ચે જબરો વિમર્શ થયો હતો. વિચાર અને કૃતિ માટેના આ ત્રણેય અભિગમોને ચાલના આપનારા નેતાઓ મળ્યા હતા. તેમની વચ્ચે સંઘર્ષ પણ થયો હતો; પરંતુ મહત્ત્વની વાત એ હતી કે તેમની પાસે ચોક્કસ નીતિ હતી, અભિગમ હતો, ચર્ચામાં ઉતરવાની તૈયારી હતી અને વિચારોને પ્રતિબદ્ધ નેતૃત્વ હતું. આ આપણા પહેલી પેઢીના નેતાઓ હતા.
૨૦મી સદીમાં ત્રીજા અભિગમની તરફેણમાં મહદ્ અંશે સહમતિ બની ગઈ હતી. એ ત્રીજો અભિગમ હતો આપણે સાવ નાખી દીધેલ પણ નથી અને એવા કોઈ મહાન પણ નથી. બીજાઓ પાસેથી આપણે કેટલુંક અપનાવવું જોઈએ, કેટલુંક છોડવું જોઈએ અને કેટલુંક ધરાર જાળવી રાખવું જોઈએ. આ આઝાદીના આંદોલન દરમ્યાન તમને આ અભિગમ નજરે પડશે અને કૉન્ગ્રેસના નેતાઓએ તેનું નેતૃત્વ કર્યું હતું. અપનાવવામાં, છોડવામાં અને આગ્રહપૂર્વક જાળવી રાખવામાં કોઈ ઝીઝક નહોતી અને નેતાઓ પ્રજાને એ માટે તૈયાર કરતા હતા. આ આપણા બીજી પેઢીના નેતાઓ હતા.
ઉપર મેં મહદ્ અંશે એમ કહ્યું છે એ એટલા માટે કે કેટલાક લોકોને અપનાવવા-છોડવા સામે વાંધો હતો. તેઓ સમાજ માટે શરમજનક અને અન્યાયકર્તા તત્ત્વોને પણ ધરાર જાળવી રાખવાનો આગ્રહ રાખતા હતા. આપણામાં કશું નથી એવી જે લઘુતાગ્રંથિની ભાવના હતી તે આઝાદીના અંદોલન દરમ્યાન પેદા થયેલી રાષ્ટ્રીય ચેતનામાં ઓગળી ગઈ હતી, પરંતુ આપણે શ્રેષ્ઠ છીએ એવી ગુરુતાગ્રંથિ કેટલાક લોકોએ જાળવી રાખી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આવા અભિગમનું નેતૃત્વ કરતો હતો અને આજે પણ કરે છે.
મહદ્ અંશે સર્વસમંતિ હતી એટલે બંધારણમાં પુરસ્કૃત કરાયેલા આધુનિક ભારતનો જન્મ થયો હતો. હવે આઝાદીના આંદોલન દરમ્યાન ચોક્કસ દિશા બતાવનારા નેતાઓએ એ દિશામાં દેશને અને સમાજને લઈ જવા માટે નેતૃત્વ કરવાનું હતું. માત્ર એક જ ગ્રંથની હું ભલામણ કરું છું. જવાહરલાલ નેહરુ દર પખવાડિયે રાજ્યોના મુખ્ય પ્રધાનોને પત્રો લખતા જેમાં તેઓ રાષ્ટ્રચિંતન કરતા, મૂંઝવણ રજૂ કરતા, પડકારો વિષે ચર્ચા કરતા, રસ્તો બતાવતા અને રસ્તો પૂછતા પણ ખરા. જી હાં, દેશના અત્યાર સુધીના સર્વોચ્ચ અને લોકલાડીલા નેતા મુખ્ય પ્રધાન પાસેથી માર્ગદર્શન મેળવતા પણ ખરા. જો ખાતરી કરવી હોય તો માધવ ખોસલા સંપાદિત ‘લેટર્સ ફોર અ નેશન : ફ્રોમ જવાહરલાલ નેહરુ ટુ હીઝ ચીફ મિનીસ્ટર્સ-૧૯૪૭-૬૩’ પુસ્તક જોઈ જાઓ. ભારતના ઇતિહાસનું રેખાદર્શન કરાવનારા નેહરુએ આઝાદી પછી ભારતના ભવિષ્યનું રેખાદર્શન કરાવ્યું છે. આને નેતૃત્વ કહેવાય.
નેહરુની નીતિ સામે વાંધો હોઈ શકે છે, પરંતુ નેહરુના નેતૃત્વ સામે વાંધો એ જ ઉઠાવી શકે જે અંધાપાનો શિકાર હોય. હું શું વિચારું છું, હું ક્યાં મૂંઝાઉં છું, હું ક્યાં દિશાહીન છું એ જે લોકોને કહી શકે એ નેતા.
આની હજુ વધુ ચર્ચા આવતા અઠવાડિયે કરીશું.
01 મે 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 02 મે 2019
![]()


આ ગીત સંદર્ભે એક કિસ્સો યાદ આવે છે. આ ગીતના કવિ હરીન્દ્ર દવે ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણતા હતા. પછીથી ૧૯૫૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. અને ૧૯૬૧માં એમ.એ.ની પદવીઓ મેળવી હતી. એમને ઉચ્ચ અભ્યાસ કરીને શૈક્ષણિક યોગ્યતા મેળવવાની તીવ્ર ઝંખના હતી. પરંતુ ઉચ્ચ અભ્યાસ માટે પસંદગી પામવામાં થોડાક માર્કસ ઓછા પડ્યા. પરિણામ જાણીને એમના હૃદયને ઊંડી ચોટ પહોંચી. પોતાની કિંમત ધૂળ બરાબર લાગી. એમની ક્ષમતા ઝીણામાં ઝીણી – જેનુ કશું ય મૂલ્ય નથી – એવી પામર, તુચ્છ રજકણ જેટલી જ હોવાનું કવિએ અનુભવ્યું અને એ અનુભૂતિનું પ્રાગટ્ય એટલે એક રજકણ સૂરજ થવાને શમણે.
‘રજકણ’ એ હરીન્દ્ર દવેએ ઈ.સ. ૧૯૬૧માં લખેલી સર્વકાલીન કૃતિ છે. આવી કોઈ મહાન કૃતિનું અર્થઘટન આપણે શું કરીએ? એ ગીતના ભાવજગતને અનુભવવાનું છે. એના સંગીતને માણવાનું છે અને લતાજીના કંઠની મધ જેવી મીઠાશ મનમાં ઉતારવાની છે. દિલીપકાકાનું રાગ પરમેશ્વરી (સિતારવાદક પંડિત રવિશંકરજી એ સર્જેલો રાગ) પર આધારિત સુમધુર સ્વરાંકન અને લતાજીના કંઠેથી અવતરતા પાવન સ્વરો હરીન્દ્ર દવેની કૃતિને યથોચિત ઊંચાઈ આપે છે.
આ સ્વરાંકન કેવી રીતે તૈયાર થયું એની દિલીપકાકાએ રસપ્રદ વાત કરી હતી. "એ એક નવીન અનુભવ હતો. મંગેશકર કુટુંબ સાથે મારે ખૂબ સારા સંબંધો હતા. હું, લતા મંગેશકર અને બાળ એટલે કે હૃદયનાથ મંગેશકર સાથે બેસીએ, વાતો કરીએ અને સાથે જમીએ પણ ખરા. હૃદયનાથ બહુ મોટા ગજાના સંગીતકાર. સ્વરાંકનની એમની પોતાની એક સ્ટાઈલ. અમુક હદથી એ નીચે ન જાય. એ વખતે હૃદયનાથજી મીરાંના ભજનની કેસેટ ‘ચલા વાહી દેસ’, ગાલિબની ગઝલો, ‘ગીતા અને જ્ઞાનેશ્વરી’ પર લતાજી સાથે કામ કરતા હતા. એનું રેકોર્ડિંગ ચાલી રહ્યું હતું. એ વખતે એચ.એમ.વિ.ના ઇન્ચાર્જ વિજય કિશોર દુબે હતા. તેમણે કહ્યું કે આપણે લતાજી પાસે ગુજરાતી ગીત ગવડાવીએ. લતાજીએ રેડિયો પર મેં ગાયેલું એક રજકણ ગીત સાંભળ્યું હતું અને તેમને બહુ ગમ્યું હતું એટલે લતાજીએ કહ્યું કે આ ગીતનું સામાન્ય રીતે જે પ્રમાણે રિહર્સલ થાય છે એ રીતે નહીં કરીએ. હું પાંચ-છ વખત ગીત સાંભળીશ, આત્મસાત્ કરીશ, પછી જ ગાઈશ. લતાજીએ ખરેખર આત્મસાત્ કરીને ભાવપૂર્વક આખું ગીત ગાયું. ગીત સ્વરબદ્ધ કર્યું ત્યારે ખબર નહોતી કે એ રાગ પરમેશ્વરીમાં બન્યું છે. કડીઓ મળતી ગઈ અને ગીત રચાતું ગયું. રાગ પરમેશ્વરીને તમે શુદ્ધ ધૈવતની ભૈરવી અથવા કોમળ રિષભનો બાગેશ્રી પણ કહી શકો. મધ્યમ શુદ્ધ કરો તો રાગ કિરવાની બને. અસલમાં નોટ્સ સરખી લાગે પણ સ્વરૂપ જુદું હોય. દિલીપ ધોળકિયાએ પંદરેક વર્ષ પહેલાં આ કિસ્સો મારી સાથે શેર કર્યો હતો.