નિર્માતા-નિર્દેશક રમેશ સહેગલે ૧૯૫૮માં રાજ કપૂર-માલા સિન્હાને લઈને 'ફિર સુબહ હોગી' ફિલ્મ બનાવી હતી, તે રશિયન લેખક ફ્યોદોર દોસ્તોયેવસ્કીની નવલકથા 'ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ' પરથી પ્રેરિત હતી. એમાં એક ગરીબ વિધાર્થી રામ (રાજ કપૂર), પૈસા ધીરધારનો ધંધો કરનારા એક માણસનું ખૂન કરી નાખે છે, પણ પોલીસ એ સાબિત કરી શકતી નથી, અને કોઈ બીજો જ માણસ આ ખૂનનો એકરાર કરે છે. પાછળથી રામનો અંતર આત્મા ડંખે છે, અને બીજાને સજા થાય, તે પહેલાં તે કોર્ટમાં ઊભો થઈને અપરાધનો એકરાર કરે છે.
'ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ' ૧૮૬૬માં પ્રકાશિત થઇ હતી અને તે દોસ્તોયેવસ્કીની સૌથી મહાન કૃતિ ગણાય છે. ૧૯મી સદીની સાંસ્કૃતિક અને સાઈકોલોજીકલ ક્રાંતિઓ એનું મહત્ત્વનું સ્થાન છે, કારણ કે એમાં માનવતાની શાશ્વત્ દુવિધા ચિતરવામાં આવી હતી. રમેશ સહેગલે રાજ કપૂરને લઈને એના પરથી 'ફિર સુબહ હોગી' બનાવવાનું નક્કી કર્યું, ત્યારે ગીતો માટે એમના મનમાં સાહિર લુધિયાનવી હતા. સાહિર ત્યારે એક મોટું નામ તો હતા, પણ એમનાં ગીત-ગઝલોમાં સામાજિક સમાનતાનું જે તીવ્ર દર્દ હતું, તે પણ ત્યારે ચર્ચાનો વિષય હતું.
થયું પણ એવું. 'ફિર સુબહ હોગી' એનાં લાજવાબ અને સામાજિક ચિંતાવાળાં ગીતોને લઈને આજે પણ યાદગાર છે. એમાં મુકેશનું 'યે સુબહ તો આયેગી …' જાણે વંચિતોનું રાષ્ટ્ર-ગીત છે. લાલ કૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયી જ્યારે સંગાથે સ્કુટર પર ફરતા હતા, ત્યારે દિલ્હી કોર્પોરેશનમાં પક્ષના પરાજય પછી 'ફિર સુબહ હોગી' જોવા બેસી ગયેલા. વાજપેયીની આ ગમતી ફિલ્મ હતી. એ જ્યારે વડાપ્રધાન બન્યા, ત્યારે અડવાણીએ કાર્યકરોને કહેલું કે નવી સવાર આવી ગઈ!
બહરહાલ, આ ફિલ્મ માટે સહેગલ સાહિરના ઘેર ગયા, ત્યારે સાહિર ગીતો લખવા તૈયાર તો થયા પણ પૂછ્યું કે ગીતોનું કમ્પોઝિશન કોણ કરશે. સહેગલે કહ્યું કે હિરો રાજ કપૂર છે, એટલે સ્વાભાવિકપણે શંકર-જયકિશન જ સંગીત આપશે, એ ત્રણે ટીમમાં કામ કરે છે (વધારામાં મુકેશ પણ). સાહિરે કહ્યું, એ લોકો સફળ અને સમર્થ ટીમ છે એમાં શંકા નથી, પણ આનું સંગીત એની પાસે કરાવવું જોઈએ, જેણે ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ વાંચી હોય. આ એક ક્લાસિક ફિલ્મ છે, થ્રિલર નથી અને જેણે આ નવલકથા વાંચી હશે, તેને જ કેવું સંગીત આપવું જોઈએ, તેની ખબર પડશે. સહેગલે પૂછ્યું, "તમારા મનમાં કોઈ છે?" સાહિર બોલ્યા, "ખય્યામ."
સઆદત હસન મંટોની સાગરિત અને એટલી જ દમદાર કહાનીકાર ઈસ્મત ચુઘતાઈ અને તેનો ખાવિંદ શહીદ લતીફ 'લાલા રુખ' (૧૯૫૮) ફિલ્મ બનાવી રહ્યાં હતાં, ત્યારે તેમના ઘરે સાહિર સાથે ખય્યામની પહેલી મુલાકત થઇ હતી. કૈફી આઝમીએ એનાં ગીતો લખ્યાં હતાં. સાહિરને ત્યારે ખય્યામનો પરિચય થયો, અને સાહિત્યની એમની જાણકારીથી પ્રભાવિત થયા હતા. એમાં જ તેમણે 'ફિર સુબહ હોગી' માટે ખય્યામનું નામ સૂચવ્યું હતું.
ખય્યામ અને સાહિરને લઈને, સહેગલ રાજ કપૂર પાસે ગયા. સ્વાભાવિક રીતે જ રાજ કપૂરને સંગીતકાર તરીકે ખય્યામનું નામ ગમ્યું ન હતું. તેમણે એક શરતે હા પાડી કે ધૂન તે ઓ.કે. કરશે. આ પ્રસંગને યાદ કરીને ખય્યામ કહે છે, "રાજ કપૂર હોંશિયાર હતા. તેમને સંગીતની સમજ હતી. તેમની પાસે એક તાનપુરો હતો, જે લતાજીએ ભેટમાં આપ્યો હતો. મને કહે વગાડો. મેં પહેલી ધૂન બનાવી અને પછી એ જ ગીત માટે બીજી પાંચ ધૂન બનાવી. રાજ કપૂર સાંભળીને એટલા ખુશ થઇ ગયા કે મને વળગી પડ્યા અને બોલ્યા કે કઈ ધૂન પસંદ કરું અને કઈ કાઢી નાખું, તે સમજ નથી પડતી."
તેમણે કહ્યું કે ખય્યામને જે ઠીક લાગે તે કમ્પોઝ કરે. 'ફિર સુબહ હોગી'માં સાહિરની માર્ક્સવાદી હમદર્દી ખય્યામના સંગીતની લહેર પર સવાર થઈને બીજાં બે ગીતો 'ચીન-ઓ-અરબ હમારા હૈ, હિંદુસ્તા હમારા હૈ, રહને કો ઘર નહીં, હિંદુસ્તાઁ હમારા હૈ' અને 'આસમાં પર હૈ ખુદા ઔર જમીં પે હમ, આજકલ વો ઇસ તરફ દેખતા હૈ કમ' પૂર જોશમાં રંગ લાવી હતી. એમાં 'ચીનો અરબ હમારા હૈ …' ગીત તો સીધું જ અલામા મુહમ્મદ ઇકબાલનાં પ્રસિદ્ધ બે ગીત 'ચીન-ઓ-અરબ હમારા, હિન્દોસ્તા હમારા, મુસ્લિમ હૈ હમ, વતન હૈ સારા જહાં હમારા' અને 'સારે જહાં સે અચ્છા, હિન્દોસ્તાઁ હમારા ..’ પર હુમલો કરવા બરાબર હતું. સાહિરનું આઝાદીના ગીત દસ વર્ષ પછી આવ્યું હતું. નહેરુનું હનીમૂન પૂરું થવા આવ્યું હતું અને દેશ યુદ્ધ, ભૂખમરો અને ગરીબીમાં કણસી રહ્યો હતો. સાહિરે એમાં દેશની સચ્ચાઈ મૂકીને ઇકબાલના કલ્પનિક આદર્શની મજાક ઉડાવી હતી.
ફિલ્મ સંગીતના ચાહકો મોહમ્મદ ઝહુર હાશ્મી ઉર્ફે ખય્યામને (ખય્યામ એટલે ખેમો, ડેરા-તંબુ, બનાવનાર) ઉમરાવ જાન, રઝિયા સુલતાન, કભી કભી, નૂરી, બજાર, થોડી સી બેવફાઈ અને આહિસ્તા આહિસ્તાનાં કર્ણપ્રિય સંગીત માટે કાયમ યાદ રાખશે. ખય્યામ સાહિત્યિક સંગીતકાર હતા, એવું કહેવામાં અતિશયોક્તિ નથી. એ ખાલી ધૂન બનાવતા ન હતા, તેમને કવિતાની સૂઝ પણ હતી.
ખય્યામ પંજાબના રાહોનમાં ૧૮ ફેબ્રુઆરી ૧૯૨૭ના રોજ જન્મ્યા હતા. ભણવામાં એ કમજોર અથવા ઉદાસીન હતા. તેમના પિતા લખવા-વાંચવાના શોખીન હતા, એટલે દીકરાને રખડતો જોઇને ધમકાવતા રહેતા. ૧૧ વર્ષની ઉંમરે એ દિલ્હીમાં એમના કાકાના ઘેર નાસી ગયા હતા. ત્યાંથી લાહોર અને મુંબઈ ગયા. ૧૭ વર્ષની ઉંમરે ગાવા-વગાડવાનું શીખ્યા હતા. ત્યારના એમના ગુરુ હતા પંડિત હંસલાલ, પંડિત ભગતરામ અને બાબા ચિસ્તી.
નસીબ કહો કે બદ્દનસીબ, ૧૯૪૩માં એ ભારતીય સૈન્યમાં ભરતી થયા ગયા, કારણ કે (એમના શબ્દોમાં), "હિટલર સામેના યુદ્ધમાં જો મદદ કરશે, તો બ્રિટિશ સરકારે ભારતને સ્વતંત્રતા આપવાની ખાતરી આપી હતી." ખય્યામ મશહુર શાયર ફૈઝ અહેમદ ફૈઝની સંગીત મંડળીના સભ્ય હતા. આ મંડળીનું કામ લોકો વચ્ચે જઈને મનોરંજન કરવાનું અને તેમને સૈન્યમાં જોડાવા પ્રેરણા આપવાનું હતું. આ ફૈઝ ખય્યામને પાછળથી એક આગવો ખિતાબ આપવાના હતા, પણ તેની વાત પછી.
ખય્યામનું લાહોર, રાવલપીંડી અને પુણેમાં પોસ્ટીંગ હતું. ત્યાં પણ એ ગીતો ગાવા માટે મશહુર હતા, અને ઓફિસરો એમની પાસે મહેફિલ કરાવતા. એમનો જીવ સંગીતમાં હતો અને કે.એલ. સાયગલની જેમ ફિલ્મોમાં ગાવું હતું, એટલે સૈન્ય છોડીને મુંબઈ આવી ગયા.
ત્યાં એ સંગીતકાર રહેમાન સાથે જોડાયા. વિભાજન થઇ ગયું હતું, અને દેશનું વાતાવરણ કોમવાદી હતું. પંડિત હંસલાલના સૂચનથી ખય્યામ અને રહેમાને 'શર્માજી-વર્માજી' એવું વિચિત્ર નામ ધારણ કર્યું. તેમની ડેબ્યુ ફિલ્મ ૧૯૪૮ની હીર-રાંઝા હતી, જેમાં મુમતાઝ શાંતિ હિરોઈન' અને ગુલામ મોહમ્મદ હિરો હતો. ખય્યામ તરફ લોકોનું ધ્યાન ખેંચાયું ફિલ્મ 'બીવી'(૧૯૫૦)માં મોહમ્મદ રફીના ગીત 'અકેલે મે વો ધબરાતે તો હોંગે, મિટા કે મુજકો પછતાતે તો હોંગે’થી.
મીના કુમારીની માતા જદ્દનબાઈએ ખય્યામનો ભેટો પેશાવરના લેખક-નિર્માતા ઝિયા સરહદીને કરાવ્યો, અને એમની ફિલ્મ 'ફૂટપાથ'(૧૯૫૨)માં, સરહદીના સૂચનથી જ, ખય્યામ નામથી પદાર્પણ કર્યું. તલત મેહમૂદે ગયેલું એનું ગીત 'શામ-એ-ગમ કી કસમ' ઘણું જાણીતું થયું, અને અંગ્રેજીમાં કહે છે તેમ, રેસ્ટ ઈઝ હિસ્ટરી.
ઉપર જેની વાત કરી, તે ફૈઝ અહેમદ ફૈઝ વર્ષો પછી એક વાર રાજ કપૂરને ડીનર પર મળવા આવ્યા, તો રસ્તામાં ખય્યામને ત્યાં ચા-પાણી પીવા રોકાયા. બીજા પણ મહેમાનો ત્યાં હાજર હતા. ડ્રીંક ઉપર તડાકા વાગતા હતા, એવામાં ખય્યામની વાત નીકળી, તો ફૈઝ બોલ્યા, ખય્યામ સંગીતકાર નથી. એકદમ સન્નાટો. લોકોને સમજ ના પડી. બધાને થયું, ફૈઝ સા'બ કેમ આવું અવળું બોલ્યા. ફૈઝે ધીમેથી ઉમેર્યું, ખય્યામ ધૂનના કવિ છે!
ભારતીય ફિલ્મ સંગીતમાં ધૂનની કવિતા રચવાની વાત નીકળશે, તો લોકો હજાર રાહેં મૂડ કે ખય્યામને જોશે.
અલવિદા, ખય્યામ સા’બ.
https://www.facebook.com/permalink.php?story_fbid=2351792285148817&id=1379939932334062&__tn__=K-R
![]()







બહુરત્ના વસુંધરા ભારતભૂમિની કૂખેથી અનેક મહાન વિભૂતિઓએ જન્મ લીધો છે. ભગવાન બુદ્ધ, મહાત્મા ગાંધી, સ્વામી દયાનંદ સરસ્વતી, ગુરુ નાનક, સંત કબીર, નારાયણ ગુરુ, પેરિયાર રામા સ્વામી, ડૉ. આંબેડકર જેવા અનેક નામી અનામી મહાન સમાજ સુધારકોએ ભારતીય પ્રજામાં ક્રાંતિની જ્યોત જગાવવા પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. વિશેષ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રએ સમાજ સુધારણાની દિશામાં સમગ્ર ભારતવર્ષનું માર્ગદર્શન કર્યું છે. મહારાષ્ટ્રમાં સામાજિક અને શૈક્ષણિક આંદોલનોનો પાયો જોતીરાવ ફૂલેએ નાંખ્યો. જે સમયમાં કોઈ વિચારી પણ ન શકે તેવા સમયમાં તેમણે ક્રાંતિદૂત બનીને ભગીરથ કાર્ય કર્યું. કોઈ સામાન્ય માણસ જે કામ બે જન્મોમાં પણ ન કરી શકે, તેવું સમાજ સુધારણાનું મહાન કાર્ય મહાત્મા ફૂલેએ એક જ જન્મમાં કરી બતાવ્યું .સમાજની પરંપરિત માન્યતાઓના માળખામાં ક્રાંતિની ચિનગારી મુકનાર જોતીરાવે સમાજના નિમ્ન સ્તરના દીન દલિત, પીડિત, દબાયેલા, કચડાયેલા, હરિજન, ગિરિજન, ઉપેક્ષિત, બહિષ્કૃત વર્ગના લોકો, સ્ત્રી અને ખેડૂત વર્ગનાં લોકો માટે પોતાની જાત ઘસી નાખી.
ખેડૂતોના હમદર્દ મહાત્મા ફૂલેએ દેશના ખેડૂતોની દયનીય અને દારુણ દશા જોઈ અને એના માટે જવાબદાર કારણોની તપાસ કરી. એમના મતે ખેડૂતોની દુર્દશાનું કારણ – 'अशिक्षा ही किसान की सामाजिक, आर्थिक एवं पारिवारिक दुर्दशा का मूल कारण है ! ( पृ.९ कि.का.को) નિરક્ષરતાના પરિણામોનું યથાર્થ દર્શન કરાવતાં તેઓ લખે છે કે – 'विध्या बिन मति गई, मति बिन गई नीति, नीति बिन गई गति, गति बिन गया वित्त, वित्त बिन तूट गया शुद्र, अविद्या ने किये ऐसे अनर्थ' (पृ.९ कि.का.को) તેઓ જાણતા હતા કે ગ્રામીણ અને ખેડૂત સમાજ તેમ જ દેશની પ્રગતિ માટે શિક્ષણ પાયાનો પથ્થર છે. ક્રાંતિકારી વિચારોની ધધકતી મશાલ ગણાતા જોતીરાવે એટલા માટે જ ધર્મના પરંપરિત બંધનો તોડી શુદ્રો અને સ્ત્રીઓ માટે શિક્ષણના દ્વાર ખોલ્યા. Charity begins at home એમ સમજી તેમણે સૌ પ્રથમ પોતાના પત્ની સાવિત્રીબાઈને શિક્ષણ આપી શિક્ષિત કર્યાં. સાવિત્રીબાઈએ પણ પતિ સાથે ખભે ખભો મિલાવી સ્ત્રી શિક્ષણ અને નારી ઉદ્ધાર માટે પર્વતો, ખીણો, ગામેગામ અને ઘરે ઘરે ફરી સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા માટે લોકોને જાગૃત કરવાનું ક્રાંતિકારી કાર્ય કર્યું .
કિસાનોના હમદર્દ જોતીરાવે એમની સમસ્યાઓનું યથાર્થ દર્શન કરી એના નિવારણ માટે સચોટ ઉપાય બતાવ્યા. ઈ.સ. ૧૮૮૩માં આ માટે તેમણે મરાઠીમાં 'शेतक याचा असूड' નામના ગ્રંથની રચના કરી. જેનો હિન્દી અનુવાદ શ્રી વેદકુમાર વેદાલન્કાર 'किसान का कोड़ा' શીર્ષકથી કરે છે. કોડા શબ્દનો અર્થ થાય છે ચાબુક કે કોરડો. બળદ બરાબર કામ ન કરે ત્યારે ખેડૂત એની પીઠ પર ચાબુક ફટકારે છે. જેનાથી બળદ બરાબર કામ કરવા માંડે છે. ગરીબ ખેડૂતોના અજ્ઞાનનો લાભ લઈ લૂંટ ચલાવનાર શોષકો પર જોતીરાવ ફૂલેએ આવો જ કોરડો વીંઝ્યો છે. ભારતીય ખેડૂતની દુર્દશાનું વાસ્તવિક ચિત્રણ કરતો આ ગ્રંથ 'કૃષિ ગાથા' તરીકે ઓળખાય છે. ગ્રંથ વિશેની કેફિયતમાં તેઓ કહે છે કે – 'આ ગ્રંથ મેં અંગ્રેજી, સંસ્કૃત, તથા પ્રાકૃતના ગ્રંથો તેમજ વર્તમાન સમયની શૂદ્રોની દયનીય સ્થિતિને આધારે લખ્યો છે.' આ ગ્રંથના લેખન સમયે જોતીરાવ ફૂલેએ પૂણે, મુંબઈ, થાણે જેવા વિસ્તારના ગામડાંઓના શૂદ્ર સજ્જનોને વાંચી સંભળાવી વિગતો સત્ય હોવાની પુષ્ટિ કરાવી હતી. પ્રમાણભૂત તથ્યના હિમાયતી મહાત્મા ફૂલેએ આ ગ્રંથની એક હસ્તલિખિત પ્રત ગવર્નર સર ફ્રેડરિક હેમિલ્ટનને અને બીજી પ્રત વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડને મોકલાવી હતી.