૧૮૫૭માં સ્થપાયેલી મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલાં બે ગુજરાતીઓનાં નામ
સર કાવસજી જહાંગીર અને પ્રેમચંદ રાયચંદ
ગાંધીજીને પગલે ચાલતાં ચાલતાં આપણે છેક ૨૦મી સદીના પાંચમાં દાયકા સુધી આવી ગયા. પણ હવે ગાડી રિવર્સ ગિયરમાં નાખીને પાછા પહોંચી જઈએ ૧૯મી સદીના મધ્યભાગના મુંબઈમાં. ૧૮૫૭નું વર્ષ એટલે આપણા પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામનું વર્ષ. અને એ જ વર્ષે મુંબઈ શહેર માટે જ નહિ, આખા મુંબઈ ઇલાકા માટે બીજી એક ઐતિહાસિક ઘટના ઘટી. અને યાદ રહે, એ વખતે આજનાં મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યોનો સમાવેશ એ વખતે મુંબઈ ઇલાકામાં થતો હતો. છાપેલાં પુસ્તકો આવ્યાં, અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલો આવી તે આપણે અગાઉ જોઈ ગયા. આજે થોડી વાત કરવી છે ઉચ્ચ શિક્ષણની.

રાજાબાઈ ટાવરનું બાંધકામ ચાલુ હતું ત્યારે કાવસજી જહાંગીર હોલ બંધાઈ ચૂક્યો હતો
૧૮૫૭માં દેશમાં પહેલી ત્રણ યુનિવર્સિટીઓ સ્થપાઈ તેમાંની એક યુનિવર્સિટી ઓફ બોમ્બે (આજની મુંબઈ યુનિવર્સિટી) ૧૮૫૭ના જુલાઈની ૧૮મી તારીખે અસ્તિત્વમાં આવી. પણ તે વખતે તેને માટે અલગ મકાનની સગવડ થઇ નહોતી એટલે યુનિવર્સિટીની શરૂઆત ટાઉન હોલના મકાનમાં થઇ. અગાઉ એલ્ફિન્સ્ટન કોલેજની શરૂઆત પણ ટાઉન હોલમાં જ થઇ હતી, પણ ભાયખળામાં તેને માટેનું નવું મકાન બંધાઈ રહેતાં ૧૮૫૬માં તે એ મકાનમાં ખસેડાઈ હતી. તે વખતે યુનિવર્સિટીમાં માત્ર બે જ વિદ્યાશાખા હતી – આર્ટસ અને મેડિસિન. પણ શરૂઆતમાં યુનિવર્સિટી પાસે શિક્ષણ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી આર્ટ્સના વિદ્યાર્થીઓ મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુર્ટ એલ્ફિન્સ્ટનની સ્મૃતિમાં ૧૮૩૫માં શરૂ થયેલી એલ્ફિન્સ્ટન ઇન્સ્ટીટ્યુશન(પછીથી કોલેજ)માં અને મેડિસિનના વિદ્યાર્થીઓ ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા. મુંબઈના ગવર્નર સર રોબર્ટ ગ્રાન્ટની સ્મૃતિમાં આ કોલેજ ૧૮૩૫માં શરૂ થઇ હતી. ઉચ્ચ શિક્ષણ માટેની મુંબઈની આ બે જૂનામાં જૂની સંસ્થાઓ – મુંબઈ યુનિવર્સિટી કરતાં પણ જૂની. વિદ્યાર્થીઓને ડિગ્રી આપવાની સત્તા અગાઉ આ બે કોલેજો પાસે હતી તે તેમણે યુનિવર્સિટીને સોંપી દીધી.

એલ્ફિન્સ્ટન કોલેજનું ભાયખળાનું મકાન
૧૮૫૯માં યુનિવર્સિટીએ પહેલી વાર મેટ્રિકની પરીક્ષા લીધી. મુંબઈના ટાઉન હોલ ખાતે લેવાયેલી આ પરીક્ષામાં કુલ ૧૩૨ છોકરાઓ બેઠા હતા, પણ તેમાંથી માત્ર ૨૨ પાસ થયા હતા. તેમાંના બે ગુજરાતીભાષી હતા : ઝવેરીલાલ ઉમિયાશંકર અને નાનાભાઈ હરિદાસ. એ વખતે મેટ્રિકની પરીક્ષામાં ગુજરાતી-મરાઠી વગેરે ભાષાઓના દરેકના ત્રણ-ત્રણ પેપર રહેતા : એક વ્યાકરણનો, બીજો અંગ્રેજીમાંથી અનુવાદનો, અને ત્રીજો ગુજરાતી-મરાઠી વગેરેમાંથી અંગ્રેજી અનુવાદનો. ત્યાર બાદ ૧૮૬૨માં પહેલી વાર બી.એ.ની પરીક્ષા લેવાઈ તેમાં છ છોકરા બેઠા હતા જેમાંથી ચાર છોકરા પાસ થયા હતા. તેમાંનો એક પણ ગુજરાતીભાષી નહોતો. જે ચાર છોકરાઓ પાસ થયા તે હતા મહાદેવ ગોવિંદ રાનડે, રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર, બાળ મંગેશ વાગળે, અને વામન આબાજી મોડક. આગળ જતાં આ ચારેએ પોતપોતાના ક્ષેત્રમાં નામ કાઢ્યું હતું.

ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક

નાનાભાઈ હરિદાસ

પહેલા ગુજરાતી ગ્રેજ્યુએટ નગીનદાસ તુલસીદાસ મારફતિયા
પરીક્ષાના પરિણામમાં ભૂલોની શરૂઆત પણ આ પહેલી પરીક્ષાથી જ થઇ હતી, તેમાં માત્ર છ છોકરા બેઠા હતા છતાં. જ્યારે રિઝલ્ટ બહાર પડ્યું ત્યારે તેમાં ભાંડારકરનું નામ જ નહોતું, એટલે કે તેમને નાપાસ ઠરાવવામાં આવ્યા હતા. આ જોઈ તેમના એક પરીક્ષક એલેકઝાન્ડર ગ્રાન્ટને નવાઈ લાગી. આ છોકરો તો બહુ હોશિયાર હતો, તે ફેલ કેવી રીતે થાય? એટલે તેઓ જાતે યુનિવર્સિટીની ઓફિસમાં ગયા અને પરિણામની ચકાસણી કરી. ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે ભાંડારકર અને બીજા એક નાપાસ થયેલા વિદ્યાર્થીના માર્કની સેળભેળ થઇ ગઈ હતી અને તેથી ભાંડારકરને નાપાસ જાહેર કર્યા હતા. પછીથી યુનિવર્સિટીએ પોતાની ભૂલ સુધારી અને ભાંડારકરને રાનડેની સાથે પહેલા વર્ગમાં પાસ જાહેર કર્યા. લાઈસેનસિયેટ ઇન મેડિસિનની ડિગ્રી મેળવનારાઓમાં ત્રણ પારસી હતા બરજોરજી બેરામજી, કેખોશરૂ રુસ્તમજી વિકાજી, નસરવાનજી જહાંગીર અને એક હતા મરાઠીભાષી શાંતારામ વિઠ્ઠલ. ૧૮૬૩ની બી.એ.ની બીજી પરીક્ષામાં માત્ર ત્રણ છોકરા ગ્રેજ્યુએટ થયા હતા, અને એમાંનો એક ગુજરાતીભાષી હતો. તેમનું નામ નગીનદાસ તુલસીદાસ મારફતિયા. ૧૮૬૩ના એપ્રિલની છઠ્ઠી તારીખે તેમને બી.એ.ની ડિગ્રી મળી. આ નગીનદાસ તે કવિ નર્મદના મિત્ર. ૧૮૬૨માં છપાયેલા પહેલા મૌલિક ગુજરાતી નાટક ‘ગુલાબ’ના કર્તા. બી.એ. પછી એલએલ.બી. થઇ વ્યવસાયે વકીલ બન્યા, પણ વૃત્તિએ સમાજ સુધારાના પુરસ્કર્તા રહ્યા. પોતાની માતૃસંસ્થા વિષે લખેલો એક નિબંધ તેમણે ૧૮૬૯માં પ્રગટ કરેલો. નામ હતું જરા લાંબુ લચક : ‘મુંબઈનું સર્વવિદ્યોત્તેજકાલય એટલે મુંબઈની યુનિવર્સિટી વિષે એક ગુજરાતી નિબંધ.’

સર કાવસજી જહાંગીર
મુંબઈ યુનિવર્સિટીને પોતાનું મકાન નહોતું એ વાત સર કાવસજી જહાંગીર(૧૮૧૨-૧૮૭૮)ને ખૂંચતી હતી. એટલે ૧૮૬૩માં તેમણે મકાન બાંધવા માટે એક લાખ રૂપિયા (જે એ વખતે મોટી રકમ હતી) આપવાની ઓફર કરી. બીજે વર્ષે, ૧૮૬૪માં પ્રેમચંદ રાયચંદે (૧૮૩૧-૧૯૦૫) લાઈબ્રેરી અને તેને માટેના મકાન માટે બે લાખ રૂપિયા આપ્યા. પણ પછી તેમને થયું કે આ બે લાખની રકમ તો ઓછી ગણાય. એટલે બીજા બે લાખ રૂપિયા આપ્યા. સર કાવસજી જહાંગીરના દાનમાંથી જે સેનેટ હોય બંધાયો તેનું બાંધકામ છેક ૧૮૭૪ના નવેમ્બરમાં પૂરું થયું. યુનિવર્સીટીએ તેને સર કાવસજી જહાંગીર હોલ એવું નામ આપ્યું. જ્યારે યુનિવર્સિટી લાઈબ્રેરીના મકાન અને ટાવરનું બાંધકામ ૧૮૭૮ના નવેમ્બરમાં પૂરું થયું. પ્રેમચંદ રાયચંદની ઈચ્છાને માન આપીને ટાવર સાથે તેમનાં માતા રાજાબાઈનું નામ જોડવામાં આવ્યું. આ બંને ઇમારતો આજે પણ અડીખમ ઊભી છે. આમ, મુંબઈ યુનિવર્સિટીની પહેલી બે મુખ્ય, મહત્ત્વની, અને સુંદર ઇમારતો સાથે બે ગુજરાતીઓનાં નામ જોડાયેલાં છે.

પ્રેમચંદ રાયચંદ
યુનિવર્સિટી ઓફ બોમ્બેની શરૂઆતથી જ તેમાં ગુજરાતી, મરાઠી સહિતની કેટલીક સ્થાનિક ભાષાઓના શિક્ષણની જોગવાઈ મેટ્રિકથી એમ.એ. સુધી કરવામાં આવી હતી. શરૂઆતનાં વર્ષોની માહિતી મળતી નથી, પણ ૧૮૬૩-૬૪માં ફર્સ્ટ એક્ઝામિનેશન ઇન આર્ટ્સના અભ્યાસક્રમમાં આ ગુજરાતી પુસ્તકોનો સમાવેશ થતો હતો : બાલમિત્ર ભાગ ૧,૨, નર્મદનું અલંકારપ્રવેશ અને દલપતરામ સંપાદિત કાવ્યદોહન ભાગ ૧નાં પહેલાં ૭૭ પાનાં. તો ૧૮૬૪-૬૫ના વર્ષ માટે આ ચાર પુસ્તકો હતાં : માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને લખેલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાના ગુજરાતી અનુવાદના પહેલા બે ખંડ, ફરદુનજી મર્ઝબાનજીએ કરેલો પંચતંત્રનો અનુવાદ પન્ચોપાખ્યાન, શામળકૃત અબોલારાણી, અને કાવ્યદોહનનાં પા. ૭૭ થી ૧૫૦.
પરીક્ષા શરૂ થાય તે પહેલાં પેપર ફૂટી ન જાય તે માટે આજે યુનિવર્સિટીઓ જાતજાતની તરકીબ અજમાવે છે, અને છતાં ઘણી વાર પેપર ફૂટી જાય છે. જ્યારે એ જમાનામાં દરેક પ્રશ્નપત્રને મથાળે જ તેના પેપર સેટર્સનાં નામ છાપવામાં આવતાં! લેખિત પરીક્ષા પછીની મૌખિક પરીક્ષા પણ એ જ પેપર સેટર્સ લેતા, છતાં તેમનાં નામ આ રીતે જાહેર કરવામાં યુનિવર્સિટીને વાંધો જણાતો નહોતો. તેવી જ રીતે ઉત્તરપત્રમાં દરેક પાનાને મથાળે વિદ્યાર્થીએ નંબરની સાથોસાથ પોતાનું નામ પણ લખવું પડતું. એટલે કે એ વખતે યુનિવર્સિટીને પરીક્ષકો પર જ નહિ, વિદ્યાર્થીઓ પર પણ પૂરેપૂરો વિશ્વાસ હતો.
પણ દેશી ભાષાઓનું શિક્ષણ કમનસીબે ઝાઝો વખત ન ટક્યું. ૧૮૬૩માં સર એલેક્ઝાન્ડર ગ્રાન્ટ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બન્યા. બોમ્બે પ્રેસિડેન્સીમાં ૧૮૬૪ પહેલાં પ્રગટ થયેલાં પુસ્તકોની સૂચિ તેમણે અગાઉ બનાવી હતી. એને આધારે તેમનું માનવું હતું કે યુનિવર્સિટી કક્ષાએ શીખવી શકાય એવાં પુસ્તકો દેશી ભાષાઓમાં નથી. એટલે તેમણે આદેશ આપ્યો : ડિગ્રી લેવલે દેશી ભાષાઓ ભણાવવાનું બંધ કરો. કેટલાક દેશીઓ ઉપરાંત ડો. જોન વિલ્સન જેવા અંગ્રેજોએ વિરોધ કર્યો, પણ તેમની વાત યુનિવર્સિટીએ માની નહિ, અને ૧૮૬૭થી દેશી ભાષાઓ ડિગ્રી લેવલે ભણાવવાનું બંધ કર્યું. એ પછી છેક ૧૮૮૧માં યુનિવર્સિટીની સેનેટમાં આ ભાષાઓ ભણાવવાનું ફરી ચાલુ કરવા અંગેની દરખાસ્તો રજૂ થઇ, પણ તે પસાર થઇ નહિ. યુનિવર્સિટી ઓફ બોમ્બેના પહેલવહેલા ગ્રેજ્યુએટ મહાદેવ ગોવિંદ રાનડેએ ૧૮૯૪માં આ વાત પોતાના હાથમાં લીધી. વિદ્યાર્થી તરીકે તેઓ પોતે આ જ યુનિવર્સિટીમાં મરાઠી ભણ્યા હતા. કોઈ પણ તંત્ર ફેરફાર કરવા માટે રાતોરાત તૈયાર ન થાય એ હકીકત તેઓ જાણતા હતા. એટલે તેમણે માગણી કરી કે સંસ્કૃત, અરબી, ફારસી જેવી ક્લાસિકલ ભાષાઓ તો ભણાવાય છે જ, તો તેમની સાથે સાથે ‘દેશી’ ભાષાનું પણ એક-એક પુસ્તક અભ્યાસ ક્રમમાં દાખલ કરવું. પણ તેમની આટલી અમથી માગણી પણ સ્વીકારાઈ નહિ. ૧૮૯૮માં તેમણે આ માગણી ફરી રજૂ કરી. પણ રસ્તો જરા જૂદો લીધો. રોયલ એશિયાટિક સોસાયટીના જર્નલમાં અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં લેખો લખીને તેમણે મરાઠી ભાષાનું સાહિત્ય કેટલું સમૃદ્ધ છે તે બતાવ્યું. અને પછી ફરી દરખાસ્ત રજૂ કરી. હવે યુનિવર્સિટીએ આ અંગે ‘અભ્યાસ’ કરવા માટે ત્રણ સભ્યોની એક સમિતિ બનાવી જેના એક સભ્ય રાનડે પોતે હતા. એ સમિતિની ભલામણને આધારે છેવટે યુનિવર્સિટીએ દેશી ભાષાઓ ફરીથી શીખવવાનું નક્કી કર્યું. પણ એ નિર્ણયના સમાચાર જાણવા માટે રાનડે પોતે હયાત નહોતા. કારણ એ અંગેનો ઠરાવ પસાર થયો તે પહેલાં જ ૧૯૦૧ના જાન્યુઆરીની ૧૬મી તારીખે તેમનું અવસાન થયું હતું. ગુજરાતી, મરાઠી વગેરેને માનભર્યું સ્થાન અપાવવાની આ ચળવળમાં એક ગુજરાતીએ રાનડેને સતત સાથ આપ્યો હતો. એ હતા સર ચીમનલાલ સેતલવાડ.
૧૮૭૫માં યુનિવર્સિટી ઓફ બોમ્બેને બેળગાંવના પોસ્ટ માસ્તર એસ. ખરસેતજીએ કાગળ લખીને પૂછાવ્યું કે મારી દીકરી ફિરોઝા સોરાબજી મેટ્રિકની પરીક્ષામાં બેસી શકે કે નહિ? આ પત્ર સિન્ડિકેટ પાસે ગયો. યુનિવર્સિટીની સ્થાપના કરતા કાયદામાં બધે વિદ્યાર્થી માટે અંગ્રેજીનો ‘હી’ શબ્દ જ વપરાયો હતો. આથી સિન્ડિકેટે જવાબ આપ્યો કે કોઈ છોકરીને પરીક્ષા માટે પરવાનગી આપવાની સત્તા અમને કાયદા દ્વારા આપવામાં આવી નથી. પોસ્ટ માસ્તરે અને તેમની દીકરીએ તો વાત પડતી મૂકી, પણ ખુદ સિન્ડિકેટના જ કેટલાક સભ્યો આ નિર્ણયથી નાખુશ હતા. આઠ વર્ષ સુધી તેમણે કરેલા પ્રયત્નોને પરિણામે છેવટે કાયદામાં એવી કલમ ઉમેરવામાં આવી કે જો તેમની ઈચ્છા હોય તો છોકરીઓ પણ યુનિવર્સિટીની પરીક્ષામાં બેસી શકે છે. જાણે આવી તકની રાહ જોઇને જ બેઠી હોય તેમ પૂનાની એક છોકરીએ ૧૮૮૩માં પોતાનું નામ ડેક્કન કોલેજમાં નોંધાવ્યું અને ૧૮૮૮માં બી.એ.ની ડિગ્રી મેળવી. એ છોકરીનું નામ કોર્નેલિયા સોરાબજી. એ હતી મુંબઈ યુનિવર્સિટીની પહેલી સ્ત્રી ગ્રેજ્યુએટ, બોમ્બે પ્રેસિડેન્સીની પહેલી સ્ત્રી ગ્રેજ્યુએટ, અને પહેલવહેલી ગુજરાતીભાષી સ્ત્રી ગ્રેજ્યુએટ.

પહેલાં ગુજરાતી સ્ત્રી ગ્રેજ્યુએટ કોર્નેલિયા સોરાબજી
૧૯મી સદીના પૂર્વાર્ધમાં મુદ્રણ, પુસ્તક પ્રકાશન અને શિક્ષણ, ત્રણે એકબીજાનો હાથ પકડીને ચાલ્યાં. તેને પરિણામે આપણા સમાજનો ગણનાપાત્ર ભાગ મધ્યકાલીન યુગમાંથી અર્વાચીન યુગમાં ધીમે ધીમે દાખલ થયો. આજે આપણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જે સુધારક યુગ અને પંડિત યુગની વાતો કરીએ છીએ તેમાં જે કાંઈ વિચારાયું, લખાયું, અને થયું તે મુદ્રણની સગવડ વગર અને અર્વાચીન શિક્ષણ વગર શક્ય બન્યું ન હોત. મુંબઈ યુનિવર્સિટી શરૂ થઇ તે પહેલાંની એલ્ફિન્સ્ટન કોલેજમાં થોડો વખત ભણનાર કવિ નર્મદે ભણતરનું મહત્ત્વ સમજાવતાં ગાયું હતું:
સરસ નરસ સહુ સ્હેજ સમજશો, શ્રમથી જો ભણશો;
શ્રમથી જો ભણશો, પછી ઝટ વ્હેમો બહુ હણશો.
ભણીગણીને હિંમત ધરતાં, કદી ન ગણગણશો;
કહું હું નર્મદ વિશેષ નિત શું, ખરા સુખી બનશો.
‘ખરા સુખી’ બનવા માટે મુંબઈ અને તેના નાગરિકોએ શું શું કર્યું તેની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ “ ગુજરાતી મિડ ડે”, 19 ઑક્ટોબર 2019
![]()


અંગ્રેજીમાં એક શબ્દપ્રયોગ છેઃ રિઇન્વેન્ટિંગ ધ વ્હીલ. એટલે કે શોધાઈ ચૂકેલું ફરી ફરી શોધવું. ઇતિહાસમાં, સમાજમાં, સાહિત્યમાં ઘણી વાર નવા જ્ઞાનના સર્જનની સાથે, અગાઉ શોધાઈ કે લખાઈ ચૂકેલું પણ વખતોવખત યાદ કરવું જરૂરી બને છે. ગુજરાતના પ્રથમ હરોળના સર્જક અને જાહેરજીવન-રાજનીતિમાં પણ એટલો ઊંડો રસ લેનારા, ‘લોકભારતી’ ખ્યાત મનુભાઈ પંચોળી ‘દર્શક’નાં લખાણ વાંચતાં એ લાગણી મનમાં તાજી થાય. તેમની બહુ વખણાયેલી નવલકથાઓ ઉપરાંત નાગરિક સમાજ, લોકશાહી અને શાસનકર્તાઓની સરળ સમજ માટે તેમનાં લખાણ પાયારૂપ બને એમ છે. ભલે તે જુદા સમયમાં લખાયાં હોય.
મેકિયાવેલીનું વિશ્લેષણ સચોટ હોવા છતાં, તેનો ઉપયોગ પ્રજાને નાગરિક તરીકે ઘડવા માટે નહીં, પ્રજાની નબળાઈનો ગેરલાભ ઉઠાવીને રાજ્ય ટકાવી રાખવા માટે થયો. ગુજરાતીમાં હિટલરની આત્મકથાની જેમ મેકિયાવેલીનાં લખાણો માટે પણ વિવેકવિહોણું મનોરુગ્ણ આકર્ષણ જોવા મળે છે. તેનાથી બચીને ‘દર્શકે’ મેકિયાવેલીનાં લખાણોથી થયેલા નુકસાન વિશે ટીકા કરી હતી. લોકશાહી સંદર્ભે તેમનું બીજું પ્રિયપાત્ર હતું સોક્રેટિસ. ગ્રીસમાં એથેન્સમાં થયેલા સીધી લોકશાહીના પ્રયોગમાં સોક્રેટિસનું વિશેષ મહત્ત્વ છે. અન્યાયી કાયદાની નજરમાં ગુનેગાર ઠર્યા પછી મૃત્યુદંડની સજા તરીકે હસતા મોઢે ઝેર પીનાર સોક્રેટિસનું શું સ્વપ્ન હતું? ‘દર્શકે’ લખ્યું, ‘સોક્રેટિસ ઇચ્છતો હતો કે લોકશાહીનું ટોળાંશાહીમાં, ઘેટાંશાહીમાં, લાંચરુશવતથી ખરડાયેલી મતશાહીમાં પરિવર્તન ન થાય અને તે માટે જીવનભર મથ્યો … બીજી રીતે વિચારીએ તો સોક્રેટિસે જિંદગી આખી લોકોને તેમના અધિકારોની સુરક્ષા કરી શકે તે માટે જ્ઞાન-ડહાપણ આપવાની કોશિશ કરી. તેણે સતત લોકોને ચેતવ્યા કર્યા, સમજાવ્યા જ કર્યા કે ભાઈ તમે ખોટે રસ્તે છો. આ રસ્તે તમે ચડો છો તેમાં તમને અને લોકશાહીને નુકસાન થશે.’
સોક્રેટિસના જમાનામાં ગ્રીસમાં સોફ્સ્ટિો હતા, જેમના વર્તમાન અવતારો આજુબાજુ નજર નાખતાં સહેલાઈથી મળી આવશે. તેમના વિશે ‘દર્શકે’ લખ્યું હતું, સોક્રેટિસના સમયમાં પણ બુદ્ધિશાળી અને પ્રભાવશાળી વક્તાઓ હતા. તે સોફ્સ્ટિો કહેવાતા. સોક્રેટિસે તેમની જોડે ચર્ચા કર્યા પછી નિર્ણય બાંધેલો કે આ સોફ્સ્ટિો બુદ્ધિની વારવનિતાઓ છે. બુદ્ધિની મદદથી સારાને ખરાબ અને ખરાબને સારું દેખાડી શકે તે સોફ્સ્ટિ. લોકોના મત મેળવવા માટે ચાતુરી જોઈએ, આકર્ષણ ઊભું થવું જોઈએ, દલીલો જોઈએ, છટા જોઈએ, લોકોને આંજી નાખવા માટેની કળા જોઈએ – આ બધું સોફ્સ્ટિો પૈસા લઈને ઉચ્ચ વર્ગના લોકોને શીખવતા હતા. તેમણે શીખવાડ્યું કે સામાજિક કાયદા તો માણસે પોતાની સગવડ માટે કર્યા છે. સગવડ હોય ત્યારે પાળવા ને ન હોય ત્યારે નહીં. તેમાં કશું સનાતન સત્ય જેવું ન હોય. લોકશાહીમાં સોફ્સ્ટિો તો હોવાના જ, પણ સોક્રેટિસ નથી હોતા એની ચિંતા છે.
સંતોના પ્રદેશમાં પ્રવેશતા પહેલાં જો આમીર ખુસરોની મહાનતા તેના પૂરા સંદર્ભમાં રેખાંકિત કરવામાં ન આવે તો એ તેમને કરેલો અન્યાય કહેવાય. એવી વિભૂતિ સાથે અન્યાય કહેવાય જેણે ભારતમાં ભક્તિઆંદોલનનો પાયો રોપ્યો. એવી વિભૂતિ સાથે અન્યાય કહેવાય જેણે હિંદુ અને મુસલમાન એમ બંને માટે વતનપરસ્તીના સંસ્કાર દ્રઢ કરી આપ્યા. એવી વિભૂતિ સાથે અન્યાય કહેવાય જેને આપણે ખડી હિન્દવી-હિન્દુસ્તાની બોલી/હિન્દી/ઉર્દૂના પિતામહ કહી શકાય. જી હા, આ ભાષામાં સાહિત્યસર્જન સૌ પહેલાં ખુસરોએ શરૂ કર્યું હતું.