ચોમાસું તેના અંતિમ ચરણમાં છે, ત્યારે વીત્યા બેત્રણ મહિનામાં દેશમાં પૂરને કારણે સર્જાયેલી ભયંકર સ્થિતિની વિગતો મળી રહી છે. ૧૩૦ કરોડની આબાદીના દેશમાં પૂરને કારણે બારસો-પંદરસોનાં મોત એ કોઈ મોટી વાત નથી, એમ કહેનારાને પૂરની તબાહીનો વાસ્તવિક ખ્યાલ હોતો નથી. દર વરસની જેમ આ વરસે પણ દેશનાં અડધોઅડધ રાજ્યો અને મુંબઈ, બેંગલુરુ, દિલ્હી, વડોદરા જેવાં નગરો અને મહાનગરો પૂરસંકટમાંથી પસાર થયાં છે. આશરે ૧૦ કરોડ લોકો લાંબા ગાળા માટે પૂરથી ભારે પ્રભાવિત થયા છે. લાખો લોકો ઘરબાર વગરના થયા છે. માનવહાનિ કરતાં ઢોરઢાંખરની હાનિ અનેક ગણી વધારે છે. લાખો લોકોએ સ્થળાંતર કરવું પડયું છે. પાક અને ખેતીની જમીનના કરોડોના સહિત અબજો રૂપિયાના નુકસાનનો અંદાજ છે. ભોગ બનેલાઓને ફરી બેઠા થતાં દસ વરસ લાગશે.

દુનિયાના બીજા ક્રમાંકના પૂરનો ભોગ બનનારા ભારત દેશમાં પૂરની તબાહી જાણે કે વાર્ષિક ઘટના બની ગઈ છે. આ તો કુદરતી આફ્ત છે તેમાં શાસન અને પ્રશાસન શું કરે? તેવી માનસિકતાને કારણે પૂરના સંકટનો સ્થાયી ઉકેલ આવતો નથી. અસામાન્ય વરસાદ, વીજળી પડવી અને ભારે પવનને કારણે સર્જાતી તબાહી સામે બેબસ બનીને બેસી રહેવામાં જ શાસનને બહાદુરી લાગે છે. પૂરની તબાહી કુદરતસર્જિત ઓછી અને માનવસર્જિત વધારે છે તે દિશામાં ખાસ ધ્યાન અપાતું નથી. ધીમી ધારે થતા વરસાદ અને થોડા જ કલાકોમાં વરસી જતા ધોધમાર વરસાદનાં કારણો ચકાસાતાં નથી.
મોટા બંધોના નિર્માણનો એક હેતુ પૂરને રોકવાનો છે, પણ બંધો જ પૂરનું સંકટ ઊભું કરે છે તેવું ભૂતકાળમાં પણ બન્યું હતું અને આ વખતે પણ બન્યું છે. દેશમાં સૌથી વધુ બંધ ધરાવતા મહારાષ્ટ્રમાં વર્ષાઋતુના આરંભે જ તિવારે બંધ તૂટતાં પૂરનું સંકટ ઊભું થયું હતું. મહારાષ્ટ્રના કોયના બંધમાંથી પાણી છોડાતાં ઉત્તર કર્ણાટકમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. કર્ણાટકના ભાજપી મુખ્યમંત્રીએ આ બાબતે મહારાષ્ટ્રના તેમના જ પક્ષના મુખ્યમંત્રીને ફરિયાદ કરી તો જવાબમાં તેમણે મહારાષ્ટ્રની સૌથી મોટી નદી કૃષ્ણા પરના કર્ણાટકના અલમાટી બંધમાંથી પાણી છોડી મહારાષ્ટ્રને પૂરથી ઉગારી લેવા વિનંતિ કરી હતી. પૂરની સ્થિતિને પહોંચી વળવા કે તે સર્જવામાં રાજ્યો વચ્ચેના સંકલનના અભાવનું આ એક જ ઉદાહરણ નથી.
ભારતમાં આવેલા ૫,૨૬૪ મોટા બંધોમાંથી ૮૦ ટકા ૨૫ વરસ, ૨૫ ટકા ૫૦થી ૧૦૦ વરસ જૂના છે. ૨૯૩ બંધ ૧૦૦ કરતાં વધુ વરસ પહેલાં બંધાયેલા છે. નિર્માણમાં ખામી, યોગ્ય જાળવણી અને સમયસર મરામતના અભાવે ચોમાસામાં બંધોમાં ગાબડાં કે તિરાડો પડે છે અને કેટલાંક બંધ તૂટે છે. તેને કારણે પૂરનું સંકટ ઊભું થાય છે. પૂરનું કારણ માત્ર ભારે વરસાદ નથી. બંધોની જાળવણી અને મરામતનો અભાવ પણ છે. ‘કેગ’ના એક રિપોર્ટ પ્રમાણે ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી માત્ર બે જ રાજ્યોએ વરસાદ પહેલાં બંધોની ચકાસણી કરી હતી. આઝાદી પછીના છ દાયકામાં દેશમાં ૩૬ બંધ તૂટવાના કારણે પૂરની તબાહી સર્જાઈ હતી.
પર્યાવરણવિદોના મતે નદીના પાણીને રોકવું કે વાળવું ખતરનાક છે. બિહારના કોસી નદીકાંઠાનાં સેંકડો ગામ દર વરસે પૂરનો ભોગ બને છે તેના મૂળમાં નેપાળમાંથી બિહારમાં વહેતી કોસી નદી પર સાત નદીઓને બાંધીને ૧૯૬૫માં બનાવેલો કોસી બંધ છે. બંગાળનો ગંગા નદી પરનો ફરાક્કા બંધ પણ બિહારના પૂરનું કારણ મનાય છે. બંધોને કારણે નદીઓમાં કાંપ જમા થાય છે. એકલી ગંગામાં જ વરસે ૪૧.૩ કરોડ ટન કાંપ જમા થાય છે તેથી નદીઓનો પટ સંકોચાય છે અને નદીઓમાં વહેતાં પાણીનો પ્રવાહ ધીમો પડી જાય છે. તેનાથી વરસાદી પાણી નદીમાં વહેવાને બદલે કિનારાની વસતીમાં વહે છે.
તળાવો અને નદીઓને પૂરીને કે સંકોચીને થયેલાં બાંધકામો પૂરને આમંત્રે છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના કાંઠે થયેલાં અનેક બાંધકામોએ નદીના કુદરતી પ્રવાહને રોકી દીધો છે તેને કારણે આ વખતના વરસાદમાં ભારે મુશ્કેલીઓ પડી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં થતાં ભારે વરસાદને કારણે આ શહેર સ્થગિત થઈ જાય છે. તેના મૂળમાં શહેરમાં અનેક કુદરતી તળાવોનો નાશ કરવામાં આવ્યો છે અને મીઠી, ઉલ્લાસ, પોઈસર, દહિસર અને ઓશીવાડા નામક નાની નદીઓ પૂરીને તેના પર થયેલાં બાંધકામો પૂરની તબાહી સર્જે છે. પર્યટનના વિકાસના નામે પહાડોને ખોદીને તેમાં બાંધકામો થાય છે. કેદારનાથની દુર્ઘટના આ જ કારણે સર્જાઈ હતી. નગરો અને મહાનગરોમાં વરસાદને કારણે જે હાલાકી વેઠવાની થાય છે તે તો સાવ જ માનવર્સિજત છે. ચોમાસા પૂર્વે જ ઊભી થનારી સ્થિતિ અંગેનો કોઈ એક્શન પ્લાન કાર્યરત થતો નથી. વરસાદી પાણીના નિકાલ માટેની શહેરોની ગટરો જૂની છે અને સાફ થતી નથી. એટલે વરસાદી પાણીનો નિકાલ થતો નથી.
જળસંગ્રહ અને જળસંરક્ષણની કોઈ નીતિ કે આયોજન આપણી પાસે નથી, જે છે તેનો અમલ થતો નથી. કેરળના પૂરસંકટમાં થયેલાં મોત ભૂસ્ખલનને લીધે થયાં છે. કેરળમાં ૧૦૩ મોત જમીન ધસવાને કારણે થયાં. આ તમામ વિસ્તારોમાં ગ્રેનાઈટની ખાણો છે. ઈકોલોજિકલ સેન્સિટિવ ઝોનમાં થતાં ખાણકામ પૂર અને મોતના કારણ બન્યાં છે. તે પૂર અને મોતનાં કારણો બન્યાં છે. કુદરત સાથે મનુષ્ય જે છેડછાડ કરે છે તેનું આ પરિણામ છે. ઉબડખાબડ પહાડી વિસ્તારની ભૂમિ કેરળમાં પહાડો ધસવાને લીધે આખા વિસ્તારની હાઈડ્રોલોજી પ્રભાવિત થાય છે. નહેરો બ્લોક થઈ જાય છે. પાણી નજીકમાં વહી જાય છે અને લાંબા ગાળે પહાડો સુકાઈ જાય છે.
જેમ પડોશી રાજ્યો તેમ પડોશી દેશો સાથેના સંકલનના અભાવે પણ પૂરની સ્થિતિ ઊભી થાય છે. પશ્ચિમ બંગાળ, અરુણાચલ, આસામ અને સિક્કિમની સીમાઓ ભૂતાનથી જોડાયેલી છે. પચાસેક નદીઓ આ રાજ્યો અને ભૂતાન વચ્ચે વહે છે. ભૂતાનનો ભારે વરસાદ આ ચાર રાજ્યોને, નેપાળનો વરસાદ બિહારને અને પાકિસ્તાનનો વરસાદ પંજાબમાં તારાજી સર્જે છે. એટલે કેન્દ્ર સરકારે રાજ્યો અને પાડોશી દેશો વચ્ચે સંકલનની મજબૂત વ્યવસ્થા કરવી જોઈએ. પૂરની પૂર્વ આગાહીનું તંત્ર કાર્યરત નથી તે સૌથી મોટી ખામી છે. પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની તસવીરો અને નેતાઓનાં હવાઈ સર્વેક્ષણો, થોડી સંવેદનાસભર કહાનીઓ અને ટૂંકાલાંબા ગાળાનાં પગલાંની ઠાલી જાહેરાતો પૂરનાં પાણી ઓસરે તેના કરતાં વધુ ઝડપે ઓસરી જાય છે. પૂર આવતાં બચાવકાર્ય તો થાય છે પણ રાહત, પુનર્વસન, રોજીરોટી અને આરોગ્યના મુદ્દે ઠોસ કાર્ય થતું નથી. આયોજન અને અમલનો અભાવ જ પૂરની તબાહી નોતરે છે એટલું નક્કી છે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 25 સપ્ટેમ્બર 2019
![]()


૧૯૫૦-૧૯૫૨નાં વર્ષોમાં કનૈયાલાલ મુનશી ભારતના કૃષિ અને અન્ન પુરવઠા ખાતાના પ્રધાન હતા. કૃષિ પ્રધાન તરીકે તેમણે ભારત સ્વાવલંબી બને એટલું અનાજ ઉગાડવાનું હતું અને પુરવઠા પ્રધાન તરીકે ભારતના દરેક નાગરિકને ધાન મળી રહે એની તજવીજ કરવાની હતી. બન્ને પડકારો મોટા હતા. એક તાત્કાલિક હતો અને બીજો લાંબા ગાળાનો હતો. રોજ સવારે મુનશી જ્યારે તેમનાં દફતરમાં જતા ત્યારે પોતાના પ્રાંતની વિકટ પરિસ્થિતિ વર્ણવીને વધુ અનાજ માટેની વિનંતી કરતા ઓછામાં ઓછા આઠ-દસ પત્રો તેમના ટેબલ પર પડ્યા જ હોય. પત્ર લખનારા જે તે રાજ્યોના મુખ્ય પ્રધાનો હોય અને ઉપરથી કેન્દ્રના પ્રધાનોની અને કૉન્ગ્રેસના માંધાતાઓની જોડચીઠી હોય. આમાંથી કોની વિનંતી સ્વીકારવી અને કોની ન સ્વીકારવી અને દરેકની વિનંતી સ્વીકારવા જેટલું અનાજ લાવવું ક્યાંથી, એ મુનશી માટેનો રોજનો પ્રશ્ન હતો. મેં ‘મુનશી પેપર્સ’માં એ પત્રો જોયા છે જે સેંકડોની સંખ્યામાં છે.
બીજલ ઉપાધ્યાય આ ગીત વિશે કહે છે, "૧૯૮૨ની આસપાસનો સમય હશે. કોપવૂડ સુગમ સંગીત સંમેલનમાં અમે પહેલી વાર આ ગીત ગાયું અને લોકોને ખૂબ ગમી ગયું હતું. દક્ષેશકાકાએ કદાચ અમને ધ્યાનમાં રાખીને જ આ ગીત બનાવ્યું હોવાથી અમે બહુ સહજતાથી રજૂ કરી શક્યાં. પપ્પાના ઈનપુટ્સ તો હોય જ. કોણે કઈ લાઈન સોલો ગાવી, ક્યાં ઓવરલેપ કરવું, હાર્મની-મેલડીનું સંયોજન કેવી રીતે કરવું એવી ઘણી બારીકીઓ દક્ષેશકાકા અને પપ્પા શીખવતા.
‘સાહિત્ય સેતુ’ના એક લખાણ મુજબ, "વિનોદ જોશીએ ગીત રચનાઓમાં નારીભાવ વિશેષ આલેખ્યો છે. કવિના ગીતોમાં લોકલય સહજ આવીને ભળે છે. શબ્દલય, ઢાળનું ભાવવાહી માધુર્ય, સુગમ, સરળ અને સચોટ રીતે વ્યક્ત થાય છે. આ ગીતમાં નાયિકાનાં આંતરિક ભાવસૌંદર્યનો સ્પર્શ કરાવ્યો છે. ઉભરાતું યૌવન, સૌંદર્યથી છલોછલ અને લજ્જાળ, શરમાળ યુવતીનાં મનોજગત સુધીનો પ્રવાસ ગીતમાં જોવા મળે છે. વિનોદ જોશી સિદ્ધહસ્ત ગીત કવિ છે. તેઓ ઘણો સમય ગામડાંમાં અને નગરમાં બન્ને જગ્યાએ રહ્યા છે એટલે નાયિકાના મુખે ક્યારેક આવી રચના વાંચવામાં આવે છે.
દક્ષેશભાઈનાં સાળી અને લેખિકા કલ્લોલિની હઝરતે દક્ષેશ ધ્રુવ વિશે એક સ્થાને લખ્યું હતું, ગુજરાત રિસર્ચ સોસાયટીને તેમણે લગભગ ૩૦ વર્ષ સુધી માનદ સોલિસિટર તરીકે સેવા આપી. અનેક સમસ્યાઓનો તેઓ કુનેહથી ઉકેલ લાવતા. શાંત સ્વભાવ છતાં જરૂર પડે ત્યારે મક્કમતાથી માર્ગદર્શન આપતા હતા. એમના સોલિસિટર તરીકેના અતિ વ્યસ્ત કામમાં પણ સંગીતનો શોખ મોખરે રહ્યો છે. સંગીત એમના માટે એક પેશન હતું, શાસ્ત્રીય સંગીતની તાલીમ દક્ષેશભાઈએ મોડર્ન સ્કૂલથી જ સ્વ. યશવંતભાઈ પુરોહિત પાસે લીધી. એમનું સદ્ભાગ્ય કે યશવંતભાઈ મોડર્ન સ્કૂલના સંગીત શિક્ષક હતા. સુગમ સંગીત માટે સ્વ. નિનુ મઝુમદારનું માર્ગદર્શન મળ્યું. દક્ષેશભાઈની સ્વરરચનાઓમાં શાસ્ત્રીય સંગીતની છાંય સાથે ખૂબ મીઠાશ હતી. સાહિત્યનો શોખ હોવાને કારણે ઘણા જાણીતા કવિઓની કાવ્યરચનાઓને શબ્દના અર્થને અનુરૂપ સ્વરબદ્ધ કરી. એમની અનેક સ્વરરચનાઓમાં થાંભલીનો ટેકો, રાધાની લટની લહેરાતી કાળાશ તથા બાઇજી તારો બેટડો મને ઘડી ઘડી પજવે છે … ખૂબ લોકપ્રિય હતી.