દોરાબજી તાતા : કેન્સર થયું પત્નીને, સગવડ કરી સૌની સારવાર માટે
સમય : ઈ.સ. ૧૯૬૨નો કોઈ એક દિવસ
સ્થળ : ભારતના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની ઓફિસ.
ડો. હોમી ભાભા અને પંડિત જવાહર લાલ નેહરુ
રાતના દસ વાગવા આવ્યા છે. વિશાલ ટેબલ પાછળ નેહરુ બેઠા છે. ટેબલ લેમ્પના અજવાળામાં કોઈક પુસ્તક વાંચે છે. બારણું ખુલે છે એટલે નજર એ તરફ નાખે છે, થોડા અણગમા સાથે. મનમાં થાય છે કે માંડ થોડું વાંચવાનો ટાઈમ મળ્યો છે ત્યાં અત્યારે કોણ … અંગત સચિવની સાથે ડો. હોમી ભાભા દાખલ થાય છે તેમને જોતાં વેંત નેહરુ ઊભા થઈ શેક હેન્ડ કરે છે અને કહે છે :
નેહરુ : આવ આવ હોમી! ઘણે દિવસે આવ્યો!
ભાભા : ખાસ કારણ વગર આપને …
નેહરુ : કેટલી વાર કહ્યું કે ‘આપ’ નહિ કહેવાનું મને. પણ માનતો જ નથી.
ભાભા : સોરી, પ્રાઈમ મિનિસ્ટર સર!
નેહરુ : જવા દે! તું નહિ સુધરે!
ભાભા : પણ આજે હું સુધારવાની વાત લઈને જ ખાસ મળવા આવ્યો છું.
નેહરુ : શું સુધારવું છે તારે?
ભાભા : તાતા મેમોરિયલ સેન્ટર.
નેહરુ : એ તો આરોગ્ય ખાતાનો અખત્યાર છે. તારે …
ભાભા : એ જ તો વાત છે. સેન્ટરને આરોગ્ય ખાતામાંથી કાઢીને એટોમિક એનર્જી ખાતાને સોંપવાની જરૂર છે.
(એટલામાં પર્સનલ ફોનની રિંગ વાગે છે. થોડા અણગમા સાથે નેહરુ ફોન ઉપાડે છે. ભાભાને પણ સામેનો અવાજ સંભળાય છે. ‘તમે હજી ઓફિસમાં જ છો! જરા ઘડિયાળ સામું અને તમારી તબિયત સામું તો જુઓ!)
ભાભા : કોણ, ઇન્દુ બેટી છે ને!
નેહરુ : બીજું કોણ મને આ રીતે ધમકાવે?
(ફોનમાં : ઇન્દુ બેટા! આ તારા ભાભા અંકલ મળવા આવ્યા છે. એ મને છૂટો કરે કે તરત આવું છું.)
નેહરુ : હોમી, તારી વાત કંઈ હજમ થતી નથી. એક હોસ્પિટલને એટોમિક એનર્જી ખાતામાં ગોઠવવાની કઈ જરૂર?
ભાભા : કેન્સરની સારવાર માટે આજે સૌથી વધુ અસરકારક થેરાપીને એટોમિક એનર્જી સાથે સીધો સંબંધ છે. એટલે અમેરિકામાં કેન્સરની સારવાર કરતી ઘણી હોસ્પિટલોને એટોમિક એનર્જી ખાતા નીચે મૂકવામાં આવી છે. જો આપણે પણ …
નેહરુ : બસ. સમજી ગયો તારી વાત. તું આજને નહિ, આવતી કાલને જોનારો છે એટલે તને આવું સૂઝે. એક-બે દિવસમાં સરકારી નોટીફિકેશન બહાર પડી જશે. બીજું કંઈ?
ભાભા : ના. પણ એટલું યાદ અપાવું કે ઘરે ઇન્દુ રાહ જુએ છે.
નેહરુ : બસ, હું પણ નીકળું જ છું. ગૂડ નાઈટ.
ભાભા : ગૂડ નાઈટ, સર!
***
આમ તો તાતાનું બીજું નામ જ સખાવત છે. પણ મુંબઈમાં કેન્સરના દર્દીઓ માટે શરૂ કરેલી હોસ્પિટલની સાથે વ્યક્તિ માટેનો પ્રેમ કઈ રીતે બદલાઈને અનેક રોગીઓ માટેની સહાનુભૂતિ બની જાય એની આંખ જરી ભીની થઈ જાય એવી વાત છે. તાતા ખાનદાનના એક નબીરા દોરાબજી તાતા. એમનાં ધણિયાણી મેહેરબાઈ. ૧૮૭૯ના ઓક્ટોબરની ૧૦મી તારીખે મુંબઈમાં જન્મ. પિતા હોરમસજી ભાભાના કુટુંબમાં ભણતર અને સમભાવની નવાઈ નહિ. દરિયો ઓળંગીને ઈન્ગલેન્ડ જનારા પહેલવહેલાં થોડા પારસીઓમાંના એક હતાં હોરમસજી. મુંબઈ છોડી કુટુંબ ગયું બેંગલોર. એટલે મેહેરબાઈ ત્યાંની બીશપ કોટન સ્કૂલમાં ભણવા લાગ્યાં. ૧૮૮૪માં મેહેરબાઈના પિતા મૈસોરમાં આવેલી મહારાજાની કોલેજના પ્રિન્સીપાલ બન્યા. એટલે કોલેજનો અભ્યાસ મેહેરબાઈ માટે સહેલો બન્યો. અંગ્રેજી અને લેટિનનો ઊંડો અભ્યાસ કર્યો. પછી પપ્પાજીની મસ મોટી લાઈબ્રેરીમાં બેસીને જાતે અનેક વિષયો વિષે વાંચ્યું, જાણ્યું. પિયાનો વગાડવામાં માહેર બન્યાં. ૧૮૯૮ના ફેબ્રુઆરીની ૧૪મી તારીખે મેહેરબાઈ અને જમશેદજી તાતાના બેટા દોરાબજી એક બીજા સાથે અદારાયાં. બંને બાજુ પૈસાની રેલમછેલ. પણ મેહેરબાનુની નજર રહેલી ગરીબ, અભણ, દબાયેલી સ્ત્રીઓ તરફ. અને એટલે જ તેમણે બીજી કેટલીક સ્ત્રી આગેવાનો સાથે મળીને પહેલાં બોમ્બે પ્રેસિડેન્સી વિમેન્સ કાઉન્સિલ શરૂ કરી અને પછી શરૂ કરી ધ નેશનલ કાઉન્સિલ ઓફ વિમેન.
એ જમાનામાં હિન્દુસ્તાનની લગભગ બધી કોમમાં બાળલગ્નો બહુ સામાન્ય. કેટલાક સમાજ સુધારકોના આગ્રહથી બ્રિટિશ સરકારે ‘બાળલગ્ન પ્રતિબંધક કાયદો’ (સારડા એક્ટ) ઘડવાની શરૂઆત કરી. સમાજના એક વર્ગ તરફથી તેનો વિરોધ થયો. દેશમાં અને બીજા દેશોમાં ફરીને, ભાષણો કરીને, મેહેરબાનુએ આ કાયદાની તરફેણમાં જોરદાર પ્રચાર કર્યો. સ્ત્રીશિક્ષણની હિમાયત, પરદા પ્રથાનો વિરોધ, અને અસ્પૃશ્યતા જેવાં દૂષણોનો પણ તેમણે વિરોધ કર્યો.
પારસી ઢબે સાડી પહેરીને ટેનિસ રમતાં મેહરબાઈ
મેહરબાઈ ટેનિસ રમવામાં ખૂબ માહેર હતા. તેમણે ઓલિમ્પિક્સ રમતોમાં પણ ટેનિસની હરીફાઈમાં ભાગ લીધો હતો. પણ એ વખતે તેમણે બીજા બધા ખેલાડીની જેમ સફેદ સ્કર્ટ બ્લાઉઝ નહિ પણ સફેદ સાદી પહેરી હતી, અને તે પણ પારસી ઢબે!
બ્રૂકવૂડ, સરે, ઈંગલન્ડ ખાતે આવેલ મેહરબાઈનો મકબરો
પણ કહે છે ને કે ઉપરવાળો એક હાથે કૈંક આપે છે તો બીજે હાથે કૈંક લઈ લે છે. મેહેરબાનુ લુકેમિયા(લોહીનું કેન્સર)ના ભોગ બન્યાં. એ વખતે આપણા દેશમાં આ રોગ માટે નહોતી કોઈ દવા, કે નહોતી કોઈ સારવાર. પણ તાતા ખાનદાનને શાની કમીના? સારવાર માટે મેહેરબાઈને લઈ ગયા ઇન્ગ્લાન્ડના એક ખાસ નર્સિંગ હોમમાં. પણ કોઈ કારી ફાવી નહિ. અને ૧૯૩૧ના જૂનની ૧૮મીએ મેહેરબાનુ ખોદાયજીને પ્યારાં થઈ ગયાં. તેમની અંતિમ વિધિ વખતે દોરાબજી હિન્દુસ્તાનમાં હતા. મેહરબાનુની અંતિમ વિધિ બ્રૂકવૂડ કબ્રસ્તાનમાં કરવામાં આવી. પછીથી ત્યાં સુંદર સ્મારક બનાવ્યું. પણ મેહેરબાનુની યાદ કાયમ રાખવા માટે દેશમાં શું કરવું? દોરાબજીને વિચાર આવ્યો : આપણા પર તો ખોદાયજીની મહેરબાની છે. એટલે સારવાર માટે વિલાયત સુધી મેહરને મોકલી શકાઈ. પણ આ દેશના ઓછા નસીબદાર લોકો આવે વખતે શું કરે? એટલે શરૂ કર્યું લેડી તાતા મેમોરિયલ ટ્રસ્ટ. એનું કામ શું? લુકેમિયા અને એવા બીજા લોહીના દરદો અંગે સંશોધન અને સારવાર. મેહરબાનુ પોતાના વસિયતનામામાં પણ એક ટ્રસ્ટ શરૂ કરવાનું લખી ગયાં હતાં. એ પ્રમાણે દોરાબજીએ શરૂ કર્યું લેડી મેહરબાઈ ડી. તાતા એજ્યુકેશન ટ્રસ્ટ, જેનું કામ હતું દેશમાં અને પરદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે જવા માગતી સ્ત્રીઓને આર્થિક મદદ કરવી.
મેહરબાઈની છેલ્લી ઘડીઓમાં પોતે સાથે નહોતા તેનો ભારે વસવસો દોરાબજીને હતો. ૧૯૩૨માં નક્કી કર્યું કે ગ્રેટ બ્રિટન જઈને મેહરબાનુની કબરના દીદાર કરવા. ૧૯૩૨ના એપ્રિલની ૧૧મી તારીખે મુંબઈથી જહાજમાં રવાના થયા. પણ મુસાફરી દરમ્યાન જબરો હાર્ટ એટેક આવ્યો અને જર્મનીમાં ૧૯૩૨ના જૂનની ત્રીજી તારીખે બેહસ્તનશીન થયા. મેહરબાનુની વરસીને દહાડે જ દોરાબજીને મેહરબાનુની બાજુમાં જ દફનાવવામાં આવ્યા.
તાતા મેમોરિયલ હોસ્પિટલ, પરળ, મુંબઈ
દોરાબજી બેહસ્તનશીન થયા પછી થોડો વખત તો લાગ્યું કે લેડી તાતા મેમોરિયલ ટ્રસ્ટનું કામ ખોરંભે પડશે કે શું? પણ દોરાબજીની જગ્યાએ આવેલા નવરોજી સકલાતવાલાના મનમાં આ કામનું મહત્ત્વ વસ્યું અને જે.આર.ડી. તાતાએ પૂરેપૂરો ટેકો આપ્યો. પરિણામે ૧૯૪૧ના ફેબ્રુઆરીની ૨૮મી તારીખે મુંબઈમાં પરળ (પરેલ) ખાતે તાતા મેમોરિયલ હોસ્પિટલના સાત માળના મકાનનું ઉદ્ઘાટન થયું.
છેલ્લે, મેહરબાઈ અને દોરાબજીની કેટલીક વાત. ૧૮૯૭માં બંનેના લગ્ન થયાં ત્યારે દોરાબજીની ઉંમર ૩૮ વરસ, અને મેહરબાઈની ઉંમર ૧૮ વરસ! લગ્નની ભેટમાં સોરાબજીએ મેહરબાઈને ૨૪૫.૩૫ કેરેટનો હીરો મઢાવીને આપેલો. (આજે એક કેરેટના હીરાનો ભાવ ૭૫ હજારથી દોઢ લાખ રૂપિયા જેટલો થાય છે.) એ વખતે આ હીરો આખી દુનિયાના સૌથી મોટા હીરામાં બીજે નંબરે હતો. વાર-તહેવારે કે સારા પ્રસંગે મેહરબાઈ એ પહેરતાં ત્યારે માત્ર એમનો ચહેરો જ નહિ, આખા તાતા ખાનદાનનું નામ રોશન થઈ જતું. પણ ૧૯૨૪માં તાતા ખાનદાનને માથે અણધારી આફત આવી પડી. તાતા સ્ટીલના મજૂરોને પગાર ચૂકવવાના પૈસા પણ નહિ. વરસોથી જેની સાથે સંબંધ હતો તે બેન્કે પણ લોન આપવાની ના કહી દીધી. દોરાબજી અને આર.ડી. તાતા સાથે બેસીને જરૂરી પૈસા કઈ રીતે ઊભા કરવા એની ચર્ચા કરતા હતા. દોરાબજીએ કહ્યું કે મારી એક કરોડની મૂડી હું આપી દઈશ, અને કંપનીને બચાવી લઈશ. પણ એટલેથી કામ સરે તેમ નહોતું. હજુ વધુ પૈસાની જરૂર હતી. બંને જણ વાત કરતા હતા ત્યાં કંઈ કામસર મહેરબાઈ ત્યાં આવ્યાં. મામલો શું છે એ સમજી ગયાં. તરત પોતાના ઓરડામાં ગયાં. એકાદ મિનિટમાં પાછાં આવ્યાં અને પેલો ૨૪૫.૩૫ કેરેટનો હીરો દોરાબજીના હાથમાં મૂકીને કહે : ‘આ ગીરવે મૂકીને પૈસા લઈ લો અને આપણી કંપનીને બચાવી લો.
તાતા ખાનદાનની સખાવતની આવી બીજી થોડી વાતો હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 25 જાન્યુઆરી 2025