વિધીનો ખેલ જુઓ : એક નાનકડાં રાજ્યમાં નાનકડા પક્ષે શાસન(ગવર્નન્સ)નો પ્રયોગ કર્યો અને એ જ નાનકડાં રાજ્યમાં દેશના વિરાટ રાજકીય પક્ષે ધાર્મિક રાષ્ટ્રવાદની વિકૃતિનો પ્રયોગ કર્યો. નાનકડા પક્ષે નાનકડા રાજ્યમાં શાસનનો પ્રયોગ કર્યો એ તો વિજ્ઞાનની દૃષ્ટિએ તાર્કિક છે. પહેલાં પ્રયોગશાળામાં પ્રયોગ કરવામાં આવે છે અને એ પછી જો તેનાં સારાં પરિણામ આવે તો નાનાં ક્ષેત્રમાં કે સમૂહમાં તેને લાગુ કરવામાં આવે છે અને એમાં પણ ધાર્યાં પરિણામ આવે તો આખી દુનિયાને માટે ઉપલબ્ધ કરી આપવામાં આવે છે. ૨૦૧૫માં આમ આદમી પાર્ટી અસાધારણ બહુમતી સાથે સત્તામાં આવી ત્યારે સરકારે જાહેરાત કરી હતી કે વીજળી, પાણી, શિક્ષણ અને આરોગ્ય એમ ચાર ક્ષેત્રમાં કેટલાંક પરિવર્તનો કરવામાં આવશે, કેટલાક સુધારા કરવામાં આવશે અને કેટલીક રાહત આપવામાં આવશે. વિધાનસભાની માત્ર ૭૦ બેઠકો ધરાવનારું નાનકડું શહેર હતું અને પ્રામાણિક તેમ જ પ્રતિબદ્ધ સરકાર હતી એટલે આદર્શ શાસનના પ્રયોગમાં તેને ઠીકઠીક સારી કહેવાય એવી સફળતા મળી. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે કામ તમારી સામે છે અને તે જોઈને તમારે મત આપવાના છે. ચકાસણી કરો અને પાસ કે નાપાસ કરો.
આ બાજુ બી.જે.પી.એ હિંદુ રાષ્ટ્રવાદનો હલકામાં હલકો અને વિકૃત પ્રયોગ કર્યો હતો અને એ પણ સાવ ૭૦ બેઠકો ધરાવતા એક નાનકડાં રાજ્યમાં. બી.જે.પી.એ સર્વસ્વ હોમી દીધું હતું. શું હોમી દીધું હતું? લાજ-શરમ અને આબરૂ. આવું ઉત્તર પ્રદેશ જેવાં કોઈ મોટાં રાજ્યમાં કર્યું હોત તો હજુ પણ સમજી શકાય એમ હતું, પરંતુ અહીં તો એક સાવ નાનકડા રાજ્યમાં લંગોટ ફગાવી દીધો. એવું તે શું દિલ્હીની ચૂંટણીનું મહત્ત્વ હતું કે બી.જે.પી.એ, નરેન્દ્ર મોદીએ અને અમિત શાહે લાજ-શરમ અને આબરૂરૂપી સર્વસ્વ હોમી દીધું? ઘણા લોકો કહેતા હતા કે બી.જે.પી.ના નેતાઓને પ્રમાણનું ભાન નથી. તેઓ એટલા અભિમાની છે કે લોકશાહીમાં થતા જય-પરાજયને સ્વીકારી શકતા નથી. નરેન્દ્ર મોદી એટલા અહંકેન્દ્રી છે કે દરેક પરાજયમાં તેમને પોતાનો પરાજય ભળાય છે અને તેનો તેઓ સ્વીકાર કરવા માગતા નથી. વડા પ્રધાને વડા પ્રધાનપદની ગરિમા જાળવવી જોઈએ. દિલ્હી જેવા નગણ્ય શહેર માટે કાંઈ આટલી તાકાત લગાવવાની હોય! તેને પ્રતિષ્ઠાનો પ્રશ્ન તો કાંઈ બનાવાતો હશે! વગેરે વગેરે.
રાજકીય સમીક્ષકોના અભિપ્રાયમાં એક ખામી હતી. તેઓ એ ભૂલી ગયા હતા કે ભારતના ઇતિહાસમાં પહેલી વાર ભલે નાનકડાં રાજ્યમાં, પણ શુદ્ધ શાસનનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. માત્ર શાસન. હિંદુ, જાતિ, ભાષા પ્રદેશ કે બીજી કોઈ વાત નહીં; માત્ર શાસન. પહેલી વાર આવું બન્યું હતું. એક પક્ષે કહ્યું, કર્યું, ભૂલ કબૂલી, જે કામ નહીં થઈ શક્યાં એ માટે માફી માગી અને કરેલાં કામોનો હિસાબ આપ્યો. એટલું જ નહીં આમ આદમી પાર્ટીને બીજી મુદ્દત મળશે તો તે શું શું કામ કરવાની છે તેનાં ગેરંટી કાર્ડ મતદાતાઓને આપવામાં આવ્યાં. મતદાતાઓને એમ પણ કહેવામાં આવ્યું કે આ ગેરંટી કાર્ડ મઢાવીને ઘરમાં સાચવી રાખજો અને મુદ્દતને અંતે અમારી ખબર લેજો. એની વચ્ચે તો કોઈ ચેતવણી, સલાહ કે સૂચન આપવાનાં હોય તો એ પણ કહેજો.
આ જોઈને દિલ્હીના બી.જે.પી. તરફી મતદાતાઓને લાગ્યું હતું કે જો મહેનતુ અને તેજસ્વી વિદ્યાર્થીને નાપાસ કરીએ તો નગુણા ગણાઈએ. કામઢા દીકરાની કદર ન કરીએ તો બાપપણું લાજે. જે માણસ કામ સિવાય બીજી કોઈ વાતે મત માગતો નથી એને બીજી વાતે દોરવાઈને પરાજિત કરીએ તો નમકહરામ ગણાઈએ. ભય આ વાતનો હતો. જો આપણા પોતાના મતદાતા સેવાની કદર કરવા લાગે તો હિંદુરાષ્ટ્રની ધાણી વેરાઈ જાય. માટે શુદ્ધ સેવાને પણ ઝેરી નજરે જોનારો મતદાર પેદા કરવાનો છે અને જે છે એ ટકાવી રાખવાનો છે. આ માટે લાજ-શરમ અને આબરૂ એમ સર્વસ્વ ફગાવી દેવાં જરૂરી હતાં. જો માણસ સત્ની કદર કરવા માંડે તો તમસનો વેપાર કઈ રીતે ચાલે!
બી.જે.પી.ના નેતાઓને આ વાતની જાણ હતી. ભાવનાઓને જગાડીને-ઉશ્કેરીને રાજકારણ કરનારાઓને જમીન પરની નક્કર વાસ્તવિકતા માફક નથી આવતી. અફીણનો નશો ઊતરી જાય તો તેને પીડાનો અનુભવ થાય, અનુભવ થાય તો તે ઈલાજ અને ઈલાજ કરનારા વૈદને શોધવા લાગે. શોધવા જાય તો આપણો વિકલ્પ જડે અને વિકલ્પ જડે તો મુઠ્ઠીમાંથી જતો રહે. સવાલ નજરબંધીનો હતો અને તેને ટકાવી રાખવાની હતી. એમ તો ગયા વર્ષે લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા પછીના માત્ર નવ મહિનામાં બી.જે.પી.નો મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં પરાજય થયો છે તો દિલ્હીમાં પરાજય થાય એમાં નવું શું હતું? કેટલાક વાચકો આવો પ્રશ્ન કરી શકે.
નવું એ કે દિલ્હીમાં શાસન, શાસનની ગુણવત્તા અને જવાબદેહી (એકાઉન્ટેબિલીટી) સામે પરાજય થઈ શકે એમ હતો. સાવ જુદી જ રાજકીય અને શાસકીય સંસ્કૃતિ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ વિકસાવી છે જેનો ખતરો મહારાષ્ટ્ર, હરિયાણા કે ઝારખંડમાં નહોતો. ઉપરનાં ત્રણેય રાજ્યોમાં પ્રતિસ્પર્ધી પક્ષો એકંદરે એક જ રાજકીય સંસ્કૃતિ ધરાવે છે; ભ્રષ્ટ, પરિવારવાદી, દરેક દિશામાં સમાધાન કરનારી અને સત્તાભૂખી. રામ વિલાસ પાસવાનો અને નીતીશ કુમારો આનાં ઉદાહરણ છે.
દિલ્હીમાં જુદી જ રાજકીય સંસ્કૃતિનાં બીજ રોપાયાં, બીજ કોળાયું પણ ખરું અને ફળ પણ આવ્યાં. યાદ કરો ૨૦૧૩-૨૦૧૮ના એ દિવસો, જ્યારે દિલ્હીની અત્યારની ચૂંટણીની જેમ જ નવી રાજકીય સંસ્કૃતિનાં બીજ જ ન વવાય એ માટે બી.જે.પી.એ કેવા કેવા ધમપછાડા કર્યા હતા! એ છતાં બીજ વવાયું તો ઊગે નહીં એ માટે, ઊગે તો છોડ ઊજરે નહીં એ માટે અને ઊજરે તો ફળ ન આપી શકે એ માટે શું નહોતું કર્યું? આ વખતે ચૂંટણીપ્રચારમાં સર્વસ્વ હોમી દીધું એ કોઈ નવી અને આશ્ચર્યજનક ઘટના નથી. દિલ્હીની બાબતમાં લાજ-શરમ અને આબરૂ એમ સર્વસ્વ હોમી દેવાનો અભિગમ જૂનો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી ખરી રીતે ૨૦૧૭નાં અંત પછી કામ કરી શકી હતી જ્યારે સર્વોચ્ચ અદાલતે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરના હાથ બાંધી આપ્યા હતા. આમ દિલ્હીમાં બી.જે.પી.એ સર્વસ્વ હોમી દીધું એનું કારણ પ્રમાણભાનનો અભાવ નહોતો પણ જુદી રાજકીય સંસ્કૃતિ અને શાસનનો પ્રયોગ હતો.
લોકોને ડરાવીને, રડાવીને, અતીતમાં રાચતા કરીને, કહેવાતા દુશ્મનને લલકારીને, ગાળો દઈને, નબળાને ધોલધપાટ કરનારું શૂરાતન બતાવીને, મીડિયા ખરીદીને, બાપુઓ-બાવાઓને સાધીને, ઉદ્યોગપતિઓ પાસેથી ધન મેળવીને, સરકારી સ્વાયત્ત સંસ્થાઓને ડરાવીને જે ફુગ્ગો ફુલાવવામાં આવ્યો છે તેની સામે સૌથી મોટો ખતરો ભિન્ન રાજકીય સંસ્કૃતિ અને નક્કર ટકોરાબંધ જવાબ દેનારા શાસન તરફથી છે. ફાસીવાદ એક વિચારધારા તરીકે પરીકથા જેવો હોય છે જેને વાસ્તવ માફક આવતું નથી અને ફાસીવાદી શાસન લોહિયાળ હોય છે જેને ભિન્ન મત સ્વીકાર્ય હોતો નથી. નરેન્દ્ર મોદીને, અમિત શાહને અને બી.જે.પી.ને ૨૦૧૩થી દિલ્હી અને આમ આદમી પાર્ટી આંખનાં કણાની જેમ હેરાન કરી રહ્યાં છે એ આ કારણે.
દરમ્યાન ખુલ્લે આમ હિંસાને પ્રોત્સાહન આપનારો આવો ગંદો પ્રચાર કરવા છતાં, લાલકૃષ્ણ અડવાણી અને ડૉ. મુરલી મનોહર જોશીને છોડીને દરેક નેતાઓને પ્રચારમાં ઉતારવામાં આવ્યા હોવા છતાં, રાજ્યોના મુખ્ય પ્રધાનોને પક્ષ માટે પ્રચાર કરવા દિલ્હી બોલાવવામાં આવ્યા હોવા છતાં, ત્રણસો સંસદ સભ્યોને ૭૦ વિધાનસભા ક્ષેત્રો વહેંચી આપવામાં આવ્યા હોવા છતાં, ઘર દીઠ એક કાર્યકરને મૂકવામાં આવ્યો હોવા છતાં, અઢળક પૈસા, ગોદી મીડિયા, પડ્યો બોલ ઝીલનાર પોલીસતંત્ર, આંગળિયાત ચૂંટણીપંચ, અને ડરાવનારી, બદનામ કરનારી અને જૂઠાણાં ફેલાવનારી ટ્રોલ્સની આર્મી છે અને છતાં; લોકસભાની ચૂંટણી પછીના નવ મહિનામાં બી.જે.પી.નો ચોથા રાજ્યમાં પરાજય થયો છે. પરાજય નહીં, દિલ્હીમાં તો બી.જે.પી.નું ધોવાણ થયું છે.
આ તો પ્રચારતંત્રની વાત થઈ. કહેવાતા બળુકા રાષ્ટ્રવાદની વાત કરીએ તો તીન તલાકને ફોઝદારી ગુનો બનાવવામાં આવ્યો હોવા છતાં, કાશ્મીરનું વિભાજન કરવામાં આવ્યું હોવા છતાં, આર્ટીકલ ૩૭૦ રદ્દ કર્યો હોવા છતાં, રામમંદિરના ખટલામાં સર્વોચ્ચ અદાલતે હિન્દુત્વવાદીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હોવા છતાં, રામમંદિર બાંધવા સરકારે ટ્રસ્ટની રચના કરી હોવા છતાં, નાગરિક ધારામાં સુધારો કરવામાં આવ્યો હોવા છતાં, નાગરિક નોંધણી જાહેર કરી હોવા છતાં બી.જે.પી.નો એક પછી એક રાજ્યમાં પરાજય થઈ રહ્યો છે.
હવે સમય આવી ગયો છે કે બી.જે.પી. આ પરાજયના સંકેતો સમજવાનો પ્રયાસ કરે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 13 ફેબ્રુઆરી 2020
![]()


ભારતમાં ૧,૬૬૮ અને ગુજરાતમાં ૧,૦૦૦ વ્યક્તિએ એક ડોકટર છે. આશરે સાડા છ કરોડની વસ્તીના આપણા રાજ્યમાં ૬૬,૯૪૪ રજિસ્ટર્ડ ડોકટર છે. દેશના કુલ ૨૫,૭૪૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી ૧,૪૯૪ ડોકટર વિનાના છે. તેમાંના દસ ટકા ગુજરાતના છે. ગુજરાતના ૧,૪૭૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી ૧૦૦માં એક પણ ડોકટર નથી. છેલ્લા પાંચ વરસમાં રાજ્યમાં ૮૪૮ બોગસ ડોકટરો હોવાની ફરિયાદો મળી હતી અને તેની તપાસ કરતાં ૧૯૮ બોગસ ડોકટરો પકડાયા હતા. બેરોજગારીને કારણે ગુજરાત હાઈકોર્ટની પટાવાળાની જગ્યા માટે એમ.બી.બી.એસ. અને ડોકટરની અન્ય ડિગ્રી ધરાવતી ૧૯ વ્યક્તિઓએ ઉમેદવારી કરી હતી, તેમાંથી ૭ પસંદ થઈ છે. પરસ્પર વિરોધી લાગતી આ હકીકતો એક કટુ વાસ્તવ છે અને તે આરોગ્યનાં ક્ષેત્રે કેવું અનારોગ્ય પ્રવર્તે છે તેનું દ્યોતક છે.