થોડા દિવસ ઉપર (૨૭મી એપ્રિલે) ફેસબૂકના ફળિયે પાલનપુરના હરફન મૌલા જેવા મિત્ર હિદાયત અને ‘બહુરંગ બનાસ’ખ્યાત મનુ માલધારીની એક પોસ્ટ સાથે મુખોમુખ થવાયું, બલકે તારામૈત્રક જ રચાઈ ગયું. ઈન્દુકુમાર જાનીએ સંકલ્પપૂર્વક ‘નયા માર્ગ’નો સંકેલો કીધો તે અંગે વસમી ખોટ તરેહનો એક દલિતવંચિત સૌનો ભેરુ ગુમાવ્યાનો દિલી વસવસો એ પોસ્ટમાં હતો, અને હું પણ છેલ્લાં ઘણાં અઠવાડિયાંથી જે મીઠી વલૂરના દોરમાંથી ગુજરી રહ્યો હતો તે વ્યક્ત કરતાં મને રોકી ન શક્યો. દોડવું’તુંને ઢાળ મળ્યો : “સૌની લાગણી” એવી ટાંપ સાથે મેં એ ટપાલ શેર કરી.

એક વાર નારિયેળ રમતું મુકાયું; ડહીનો ઘોડો પાણીપીતો રમતોજમતો છૂટો મુકાયો એટલે જાતભાતનાં સ્નેહફટાણાં ને સ્મરણબોલ પણ આવી મળ્યાં. પણ અહીં તો બે-ત્રણ જ ટાંકીશ: ભાનુભાઈ રોહિતે લખ્યું કે 1988માં હું ઈડર કૉલેજમાં જોડાયો ત્યારે ‘નિરીક્ષક’ અને ‘નયા માર્ગ’ની રાહ જોતો. (કેટલાક મિત્રોએ આવું વાંચવાની ના પણ પાડી એવુંયે એમણે ઉમેર્યું છે.) સુરતસ્થિત કિરણ દેસાઈએ અભ્યાસશિસ્ત અને નિસબતના ધોરણે આરંભ તો એ એક વ્યાપક અવલોકનથી કીધો કે ‘નિરીક્ષક’, ‘નયા માર્ગ’, ‘ભૂમિપુત્ર’નું ગુજરાતના જાહેર જીવનમાં વૈચારિક અને સૂક્ષ્મ પ્રદાન રહ્યું છે. પછી અલબત્ત એમણે વિગતે નોંધ તો સહજ હતું તેમ વર્ણ્ય વિષયની જ લીધી અને દલિતવંચિત તબકાઓની ચિંતા એ ‘નયા માર્ગ’નો વિશેષ રહ્યો છે એ વાત પર ભાર દીધો.
મુદ્દે, છેલ્લાં વર્ષોમાં આ ત્રણે પત્રોનાં નામ સાથે લેવાતાં રહ્યાં છે. યથાપ્રસંગ કોઈક સમયે ‘ખોજ’નું નામ હું એમાં ઉમેરી શક્યો હોત. કાશ, ઉર્વીશ કોઠારી હસ્તક ‘દલિત શક્તિ’ અને ચંદુ મહેરિયા હસ્તક ‘દલિત અધિકાર’ એ બેને પૂરી ઈનિંગ્ઝ મળી હોત! ગમે તેમ પણ, ‘ભૂમિપુત્ર’, ‘નયા માર્ગ’ અને ‘નિરીક્ષક’ એ સાથે લેવાતાં રહેલાં નામો છે અને પોતપોતાની રીતેભાતે આગવી વિશેષતાપૂર્વક એ સક્રિય રહ્યાં છે. વૈચારિક સમશોધનની રીતે આ ત્રણ પૈકી કોઈ એક જ પત્ર અપૂરતું પણ હોઈ શકે છે.
હમણાં આરંભબિંદુ તરીકે હિદાયત અને માલધારીની પોસ્ટની જિકર કરી, પણ હમણેના દિવસોમાં ‘નયા માર્ગ’નો સંદર્ભ જેમ ચિંતવ્યો તેમ અણચિંતવ્યે છેડેથી સાંભળવાનું બનતું રહ્યું છે, અને આ નોંધ પાછળ વડો ધક્કો એનો જ છે. ‘નિરીક્ષક’ના વાચકોના એક વર્ગમાં જેમ ડિજિટલ સંસ્કરણ પરત્વે આનંદ અને આવકારનો સહભાગી-સંવાદી ભાવ જોવા મળે છે, તેમ સામગ્રીના એક હિસ્સા બાબતે આ ‘કકળાટ’ શેણે. એવો વિરોધભાવ નહીં તો લગભગ મજ્જાગત અભાવ માલૂમ પડે છે. કામૂ, હરારી, હેમિંગ્વે બાઅદબ બામુલાહિજા બસરોચશ્મ, પણ સોશિયલ કે ફિઝિકલ ડિસ્ટન્સની કોરોના શિસ્તચર્યાનું ઓઠું લઈને કે જે-તે નિમિત્તે આ બધો દલિત ને એવોતેવો ‘કકળાટ’ શીદને એવું તો નથી ને. કોઈ કોઈ કદાય વિમાસે પણ છે કે ‘નયા માર્ગ’ની સામગ્રી અને લેખકો અહીં આવી જશે એવું તો નહીં થાય ને.
ભાઈ, ‘નિરીક્ષક’ હોય કે ‘નયા માર્ગ’ અગર ‘ભૂમિપુત્ર’, એના વિશ્વદર્શનમાં જનસામાન્યનું અસામાન્ય સ્થાન છે તે છે. લોકશાહી પ્રક્રિયામાં (અને એ રાહે કથિત ‘વિકાસ’માં) જનસામાન્યનો પ્રવેશ અને પ્રતિષ્ઠા ઉત્તરોત્તર વધતાં જાય અને કથિત મુખ્ય પ્રવાહમાં એમની સાર્થક સહભાગિતા વધતી જાય એથી રૂડું શું.
મુદ્દે, એક સાવ સાદો – એલિમેન્ટરી, માય ડિયર વૉટસન – દાખલો આપું તો ટ્રેઇનમાં આપણે સૌ ધક્કામુક્કી કરીને ચઢીએ છીએ, પછી બરાબર ગોઠવાઈ જઈએ છીએ. આગલે સ્ટેશને નવસહિતના જોસ્સાથી પાછું તાલ સે શુરૂ: નવા ચઢનારાંનો પ્રતિકાર. વળી નવાં ચઢેલાંનો અને આગળથી અંદરનાંઓનો મેળ થઈ જાય છે, અને આગલે સ્ટેશને પ્રતિકાર ! ધીરે ધીરે, આપણો કોઠો મૂળ તો ફિલસૂફનો રહ્યો એટલે હશે ભાઈ, આ તો પંખીનો મેળો છે, લગરીક રહીને વળી છૂટા પડવાનું …
પ્રજાસત્તાક સ્વરાજની યાત્રામાં, કથિત મુખ્ય પ્રવાહમાં તેમ મધ્ય પ્રવાહમાં સ્વાભાવિક જ નવા વર્ગો ભળતા જાય છે. આપણું વર્ણવાસ્તવ પણ ન્યાય, હક અને સમાસની ઘોર ગડમથલમાં છે. ગુજરાતમાં જેમને વિચારપત્ર કહેવાનો ખરોખોટો પણ ચાલ છે એમનું ઈતિહાસકર્તવ્ય સહજ ક્રમે આ સંક્રાન્તિમાં સુવાણની સમજનું છે. સુવાણની વ્યાખ્યામાં સિઝેરિયનને નકારી શકવાની સ્થિતિમાં આપણે બધો વખત હોતા પણ નથી. ટ્રેન જેવો બાળબોધ દાખલો ન પણ ચાલે.
આ લખી રહ્યો છું એ કલાકોમાં ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ પર નૉળવેલની મહેકનો નવો હપતો મુકાયાની વધામણી ફેસબૂક પર જોઉં છું. રૂબરૂ મળવાનું થતું એ દિવસોમાં પરિષદપ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્રે શરૂ કરેલો કાર્યક્રમ ‘આનંદની ઉજાણી’નો હતો. નવલરામે પુસ્તકસમીક્ષા કે આસ્વાદની પ્રક્રિયાને બહુ સમર્પકપણે ‘ઉજાણી’ કહેલ છે. કોરોનાકાળે, જેમને આ પ્રયોગની પૃષ્ઠભૂ, મર્મ ને માયનો ખબર ન હોય એમને કદાચ તે અગ્રાહ્ય લાગે કે અન્યથા પણ સિતાંશુ યશશ્ચંદ્રે નૉળવેલની મહેક જેવો પ્રયોગ રમતો મૂક્યો છે. નૉળવેલનું ખેંચાણ, ચિર સર્પસત્ર વચ્ચે કોને ન હોય. કેમ ન હોય.
સિસૃક્ષાએ નૉળવેલ કને જવું તે આવી ક્ષણોમાં સહજ સૂઝવું જોઈએ. વિવેકાનંદ, ગાંધી, ફૂલે પરિવાર, વલ્લભભાઈ આદિએ નાનાવિધ મહામારીમાં ભજવેલી સાર્થક ભૂમિકાથી માંડીને મહામારી માહોલનાં કામૂ, હેમિંગ્વે અને બીજાનાં મહામંથન એ આવી ક્ષણોનું સહજ સહ્રદય સંબલ છે. અહીં અપેક્ષિત અભિગમ કોઈ દિમાગી અય્યાશીનો નથી કે સુખવસ્તુ સાહિત્યની કાલક્ષેપ કામગીરીનો મહિમા હોય. આ પ્રક્રિયા પલાયનની નથી. વંચિતોના સુખદુ:ખ આ પ્રક્રિયાનો અવિનાભાવ હિસ્સો છે.
માટે આ દિવસોનું ‘નિરીક્ષક’. ‘નયા માર્ગ’ દીધી શ્રી પણ એને કાલવીને કેમ ન મળી રહે વારુ. ભલુ થાજો હિદાયત અને માલધારીનું, કે એમણે આ હૃદયવાર્તા માટે નિમિત્ત સંપડાવ્યું.
e.mail :prakash.nireekshak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 02 મે 2020
![]()


નવતર કોરોના વિષાણુએ ૨૦૨૦ના જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસે ભારતમાં દેખા દીધી હતી. ૨૨મી માર્ચની સરકાર ઘોષિત સ્વંયસંચારબંધી અને ૨૪મી માર્ચથી શરૂ થયેલી દેશવ્યાપી ચાળીસ દિવસની ઘરબંધીના અંતિમ ચરણમાં, કોરોનાકાળની ભારતના દલિતોની દુનિયા વિશે વિચારતાં થતી લાગણી પીડા, દુ:ખ અને શરમની છે. શાં રૂઠ્યાં અમ ભાગ્ય કે ભારતમાં અમે જનમ લીધો—એવો પ્રશ્ન સતત પીડે છે.
અમદાવાદમાં વધતા કોરોના-કેસ સંદર્ભે કેટલાક નિષ્ણાત તબીબોને આગળ કરીને એવું કહેવામાં આવે છે કે આવી સ્થિતિમાં ગમે તેટલાં સરકારી સાધન હોય તો પણ તે ટાંચાં પુરવાર થાય. હાલના સંજોગોમાં કોરોના-પૉઝિટિવ દરદીઓને હૉસ્પિટલમાં દાખલ કરવાથી ‘આરોગ્યસેવાઓ પર બિનજરૂરી ભારણ’ વધે છે. માટે, એવા લોકોને ઘરે રાખવા અને જે સામાન્ય દવા-સારવાર તેમને હૉસ્પિટલમાં અપાય છે, તે ઘરે આપવી. એટલું જ નહીં, તેમનું વીડિયોથી મૉનિટરિંગ કરવું.