જીવતા રહીશું તો ફરી આવીશું, સાહેબ,
તમારા શહેરોને આબાદ કરવા.
ત્યાં જ મળીશું ગગનચૂંબી ઈમારતો પછીતે,
પ્લાસ્ટિક છાજલીથી ઢાંકેલી ઝૂંપડપટ્ટીઓમાં.
ચાર રસ્તે ઓજારોના થેલા સાથે,
કારખાનાઓના ઓકતા કાળા ધુમાડા જેવી હોટલો ને ઢાબા પર ખાવાનું પકાવતા.
વાસણ માંજતાં, કપડાં ધોતાં,
ગલી ગલી ને ચોકમાં ફેરી કરતા,
સાયકલ રિક્ષા ખેંચતા.
ઓટો રિક્ષા ચલાવતા,
પરસેવે રેબઝેબ થતા,
તમને તમારા મુકામે પહોંચાડતા.
ક્યાંક ને ક્યાંક તો ફરી મળીશું તમને,
પાણી પીવડાવતા કે
સાંચામાં શેરડીના સાંઠા પિલતા.
કપડાં ધોતાં, ઈસ્ત્રી કરતા,
શેઠની ભાડે લીધેલી રેંકડી પર
સમોસાં તરતાં કે પાણીપૂરી વેચતા.
ઈંટવાડા પર ધૂળિયા વેશે,
કે તેજાબથી ઘરેણાં ચમકાવતા,
સ્ટીલનાં વાસણોને બફ પોલિશ કરતા.
મોરાદાબાદના પિત્તળનાં કારખાનાથી લઈને,
ફિરોજાબાદની બંગડી સુધી.
પંજાબના લહેરાતા ખેતરોથી લઈ,
ગોવિંદ ગઢની લોહભઠ્ઠીઓ સુધી,
પૂર્વના ચાના બગીચાઓથી લઈને અલંગના જહાજવાડાઓ સુધી.
અનાજ મંડીઓમાં ગુણો ઊંચકતા ઠેર ઠેર હોઈશું અમે.
બસ ફક્ત એક મહેરબાની અમારી પર કરજો, સાહેબ,
આટલી વાર અમને અમારા ઘેર પહોંચાડી દો.
ઘરે બુઢ્ઢી મા છે, બાપ છે, જવાન બહેન છે.
મહામારીની ખબરો સાંભળી,
તે સહુ બહુ પરેશાન છે.
ભેગા મળી એ સહુ,
કાકા, કાકી, માસા, માસી
વાટ જુએ છે અમારી.
ના રોકશો હવે અમને,
બસ અમને જવા દો,
તૂટી ચૂક્યો વિશ્વાસ તમ શહેરીઓથી,
એ ફરી જતાવવા અમને થોડો સમય આપો.
અમે ય માણસ છીએ તમારી જેમ જ,
એ વાત અલગ છે અમારા શરીરે છે,
પરસેવે ગંધાતા પહેરેલાં જૂનાં કપડાં,
તમારા જેવાં ચમકતાં કપડાં નથી.
સાહેબ, ચિંતા ન કરો,
વિશ્વાસ ફરી જો પડશે
તો ફરી પાછા આવીશું.
જીવતા રહીશું
તો ફરી પાછા ચોક્કસ આવીશું.
આમ તો જીવવાની આશા નહિવત્ જ છે,
અને મરી ગયા તો ……
અમને આટલો હક તો હવે આપો,
અમને અમારા વતનની ધૂળમાં સમાઈ જવા દો.
આપે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે
ખવડાવ્યું તેનો દિલથી આભાર.
અમારા ઝોળામાં ફૂડપેકેટ બનાવી બનાવીને નાંખ્યા
એનો પણ આભાર.
આખરે તમે ય ક્યાં સુધી અમને ખવડાવશો?
સમયે તમને પણ લાવી દીધા અમારી બરોબર
પછી અમને કેમ જમાડશો?
તો પછી કેમ નથી જવા દેતા અમને અમારે ઘર, અમારે ગામ.
તમને મુબારક છે આ ચકાચોંધ ભર્યું શહેર તમારું.
અમને અમારા જીવથી વહાલું
ભોળું ભલું ગામ અમારું.
[ઘર તરફ ઉચાળા ભરી રહેલા શ્રમિકોના દિલમાં પડઘાતો અવાજ સંભ્રમિત શહેરીઓને સમર્પિત.]
મૂળ હિંદી અજ્ઞાત સર્જકની રચનાનો ભાવાનુવાદ.
યુ.એસ.એ.
e.mail : Kaushikamin@hotmail.com
![]()


ચોથા લૉક ડાઉનની અધવચ્ચે તમારા રાષ્ટ્રજોગ વ્યાખ્યાનની જાહેરાત થતાં હું અચંબામાં પડેલો કે તાબડતોબ તમારે શી જાહેરાત કરવાની હશે? મને થયું કે ૪૦ લાખ મજૂરો વતન જતાં અટવાયા છે, તેમને કોઈક રાહત આપવાની જાહેરાત હશે, રસ્તે રઝળીને મૃત્યુ પામેલાં, રેલવેના પાટા પર મરી ગયેલાં મજૂરો માટે શ્રદ્ધાંજલિના બે શબ્દો હશે, પણ આપના ભાષણમાં એવું કઈ આવ્યું જ નહીં! ખરે જ તમે ‘દયાહીન નૃપ’ છો. તમારા સમર્થકો કહેવા માંડે છે કે આટઆટલા પૈસાની જાહેરાત પૂરતી નથી? અરે ભાઈ, પૈસા જનતાના જ છે. વળી કોરોનાકાળમાં જ કૉર્પોરેટના રૂ.૬૫,૦૦૦ કરોડ માફ થયા છે. પણ રૂપિયાપૈસા સિવાય, તમે જે કહ્યું તેની પહેલાં ચર્ચા કરું.
મોટા-નાના, ગરીબ-તવંગર, વિકસિત-વિકાસશીલ આ તમામ દેશો માટે કોવિડ-૧૯ ખતરાનો ઘંટારવ બનીને આવ્યો છે. તેણે આરોગ્ય સેવાઓની નબળાઈઓ, આર્થિક માળખાંની અસ્થિરતા, વધતા કોમી દ્વેષ અને એકંદરે સમાજની નિર્બળતા વિશે આપણી આંખો ખોલી નાખી છે. વર્તમાન આફતનો મુકાબલો કેટલી સારી રીતે કરી શકીશું તેનો આધાર આપણો ફક્ત વૈશ્વિક નહીં, સ્થાનિક પ્રતિભાવ પણ કેવો છે, તેની પર રહેશે. ઉપરાંત, આ કટોકટીમાંથી આપણે કેટલી સારી રીતે બહાર આવી શકીશું તેનો આધાર પુનઃરચના કરતી વખતે આપણે પ્રાથમિકતાઓને નવેસરથી ગોઠવી શકીએ છીએ કે નહીં, તેની પર રહેશે.