1935ના માર્ચમાં સરદાર દિલ્હી હતા ત્યારે તેમને સમાચાર મળ્યા કે બોરસદ તાલુકાનાં ઘણાં ગામોમાં પ્લેગ ચાલે છે. ત્યાં 1932થી દર વર્ષે પ્લેગ ફાટી નીકળતો હતો. આ વર્ષોમાં સરદાર અને બીજા કાર્યકરો જેલમાં હતા અને સરકારી અમલદારો, લોકલ બોર્ડ તથા બોરસદ મ્યુનિસિપાલિટીએ પ્લેગ અટકાવવાનું કંઈ અસરકારક કામ કર્યું નહોતું. આ રોગને કાયમ માટે કાઢવા મોટા પાયા પર પગલાં લેવાની જરૂર હતી.
સરદાર માર્ચની 9મીએ મુંબઈ આવ્યા. તેમણે ડૉ. ભાસ્કર પટેલને પરિસ્થિતિ જોઈ આવવા બોરસદ મોકલ્યા. ડૉ. ભાસ્કર પટેલે આવીને જે અહેવાલ આપ્યો તે પરથી પરિસ્થિતિ અત્યંત ભયજનક જણાઈ. સરદારના સૂચનથી ડૉક્ટરે હાફકીન ઇન્સ્ટિટયૂટના કર્નલ સાહેબસિંહ સોખીની સલાહ લીધી. 23 માર્ચે સરદાર અને ડૉ. ભાસ્કર પટેલ બોરસદ પહોંચ્યા અને ત્યાં છાવણી નાખી પ્લેગ સામે લડવામાં ગરકાવ થઈ ગયા.
એક બાજુ ગામોમાં સફાઈ કરાવવા માંડી અને બીજી બાજુ કામચલાઉ ઇસ્પિતાલ ઊભી કરી. ત્યાં પ્લેગના દરદીઓને રાખવાની અને બહારના દરદીઓને દવા આપવાની વ્યવસ્થા કરી. વગર વેતને સેવા આપવા ડૉક્ટરો નીકળી આવ્યા. આ બધાં કામમાં મદદ કરવા સ્વયંસેવકો પણ આગળ આવ્યા. મણિબહેન પણ ત્યાં જ હતાં. બધા સ્વયંસેવકોને પ્લેગવિરોધી રસી મૂકવામાં આવી. ફક્ત સરદાર અને મણિબહેને રસી ન લીધી.
સફાઈનું કામ સહેલું નહોતું. શરૂઆતમાં લોકો વહેમને લીધે આ કાર્યમાં સહકાર આપતા નહિ. પણ સરદારે સ્વયંસેવકોને સૂચના આપેલી કે લોકો સાથે ધીરજથી કામ પાડવું અને નમ્રતાથી વર્તવું. સરકારી અમલદારોએ જે જંતુનાશક દવાઓ વાપરવા માંડેલી તે જોખમભરી હતી. તેનાથી કેટલાક દાઝી જતા અને કોઈને નુકસાનકારક વાયુની અસર થતી. એક છોકરી દાઝીને મરી ગઈ. ડૉ. ભાસ્કર પટેલે પોતે જ પ્રયોગ કરીને એક નવું જ મિશ્રણ બનાવ્યું. તેનાથી બધાં પ્લેગગ્રસ્ત ગામો સાફ કરવામાં આવ્યાં.
સરદાર અને કાર્યકરોને લોકોનાં અજ્ઞાન અને વહેમ દૂર કરવાનાં હતાં અને સરકારી અમલદારો તરફથી ઊભાં કરાતાં વિઘ્નોનો પણ સામનો કરવાનો હતો. સરદાર બધાં ગામોમાં ફરતાં, લોકો સાથે વાોત કરતા, ભાષણો કરતા, પત્રિકાઓ પ્રગટ કરતા અને વહેમ કાઢી આરોગ્ય અને સફાઈની રીતો અપનાવવા સમજાવતા. ક્યારેક વિનોદની ભાષા વાપરતા, ક્યારેક સખ્તાઈની. પછી તો ગામના જ જુવાનો અને ગામની બહેનો પણ આ કામમાં સામેલ થવા લાગ્યાં. ફક્ત અમલદારોએ છેવટ સુધી આડોડાઈ ચાલુ રાખી.
ત્રણ-ચાર હજાર દરદીઓએ દવા લીધી. 16ને ઇસ્પિતાલમાં દાખલ કર્યા હતા તેમાંથી બાર સાજા થઈ ગયા, બેનાં મરણ થયાં અને બે વગર રજાએ જતા રહ્યા. બે મહિનામાં બધાં ગામોની સફાઈ થઈ ગઈ. પ્લેગનું જોર નરમ પડી ગયું. મેની આખરે સરદારે ગાંધીજીને બોરસદ બોલાવ્યા. ગાંધીજીએ તાલુકામાં ફરીને બધું કામ જોયું અને પ્રસન્નતા વ્યક્ત કરી.
પણ સરકારી અમલદારોએ જુદું જ વલણ લીધું. સરકારે સરદાર અને તેમના સ્વયંસેવકોના કામને ઉતારી પાડતી ત્રણ યાદીઓ વારાફરતી બહાર પાડી. સરદારે તેના જવાબ પણ આપ્યા. અંતે તેમણે સરકારને લખ્યું કે યાદીઓ બદનક્ષી કરનારી છે. તેમાં ડૉ. ભાસ્કર પટેલની કુશળતા અને પ્રતિષ્ઠાનો પણ પ્રશ્ન પણ ઊભો થાય છે. કાં તો આક્ષેપો પાછા ખેંચો અથવા નિષ્ણાત ડૉક્ટરોની સમિતિ દ્વારા તપાસ કરાવો. સરકારે કંઈ કર્યું નહિ. એટલે સરદારે મુંબઈના ઍડવોકેટ બહાદુરજી, ડૉ. ગિલ્ડર, ડૉ. ભરૂચા અને વૈકુંઠભાઈ મહેતાની તપાસ-સમિતિ નીમી. સમિતિએ બધા દસ્તાવેજી પુરાવા તપાસ્યા, લોકલ બોર્ડના અધિકારીઓની અને કાર્યકરોની જુબાનીઓ લીધી અને બધી તપાસ બાદ રિપોર્ટ આપ્યો. તેમાં જણાવ્યું હતું : “પ્લેગનિવારણની બાબતમાં આરોગ્યખાતાના અધિકારીઓની વર્તણૂક બેદરકારીભરેલી હતી. તેઓ જેને પોતાની શાસ્ત્રીય પદ્ધતિ કહે છે તેનો કશો અમલ તેઓ કરી શક્યા નહોતા. ત્યારે કૉન્ગ્રેસ તરફથી જે ઉપાયો લેવામાં આવ્યા હતા તે સાદા અને લોકો અમલમાં મૂકી શકે તેવા હોવા ઉપરાંત શાસ્ત્રીય દૃષ્ટિએ પણ તદ્દન બરોબર હતા. ચાર વર્ષથી જામી પડેલા રોગનું આટલા થોડા વખતમાં નિવારણ કરવાનું કામ આટલી સુંદર રીતે થયું તે સરદાર વલ્લભભાઈ, ડૉ. ભાસ્કર પટેલ અને તેમની બહાદુર સ્વયંસેવકોની ટુકડીની લોકપ્રિયતા અને બાહોશીને આભારી છે.”
પ્લેગનિવારણના આ કાર્યમાં એવી મૂળગામી અસર થઈ કે બોરસદ તાલુકામાંથી પ્લેગનો ઉપદ્રવ સદંતર દૂર થઈ ગયો. દર વર્ષે ફેલાતો રોગચાળો ફરી દેખાયો નહિ.
[‘ગુજરાતનું રાજકારણ : 1935’ નામક પ્રકરણ; યશવંત દોશીકૃત “સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર : ભાગ 1”; પૃ. 374-376]