નરેન્દ્ર મોદી સ્પષ્ટ બહુમતી સાથે અને પ્રચંડ લોકચાહના સાથે વડા પ્રધાન બન્યા ત્યારે દેશ અને દુનિયા આતુરતાથી નજર રાખી રહી હતી કે તેઓ વિદેશનીતિમાં કયો માર્ગ અપનાવે છે. શક્તિશાળી સરકાર છે એટલે ચીનનો મુકાબલો કરવાનો વિકલ્પ પસંદ કરે તો સ્વાભાવિકપણે ભારતના પાડોશી દેશો સાથે સંબંધો સુધારશે. ચીનનું પણ આવું જ અનુમાન હતું. વડા પ્રધાને જ્યારે તેમની સોગંદવિધિમાં પાડોશી દેશોના નેતાઓને ખાસ બોલાવ્યા, નેપાળ અને ભૂતાનની મુલાકાત લીધી અને જપાનની મુલાકાત લીધી ત્યારે ચીનને અને દુનિયાને ખાતરી થઈ ગઈ કે ૧૯૬૭ પછી પહેલીવાર ચીન સાથે ભારત અથડામણમાં ઊતરી શકે છે. કમસેકમ આત્મવિશ્વાસ સાથે બરોબરી કરવાની કોશિશ તો કરશે જ.
ચીન સાથે અથડામણમાં ઊતરવું હોય તો પાડોશી દેશો સાથે સંબંધ બગાડવા ન જોઈએ, બલકે વધારે મજબૂત કરવા જોઈએ એની સમજ મેળવવા માટે પી.વી. નરસિંહ રાવ જેવા વિચક્ષણ માણસની જરૂર નથી. છોકરું પણ એટલું તો સમજે છે કે એક સાથે અને એક જ સમયે બધે મોરચે ન લડાય. પણ આપણા વડા પ્રધાન તો વિલક્ષણ પ્રતિભા ધરાવે છે.
નેપાળની મુલાકાત વખતે નેપાળની સંસદમાં બોલતા તેઓ નેપાળનો ઉલ્લેખ તિબેટ તરીકે કરતા હતા અને એ પણ એક વખત નહીં અનેક વખત. એ સમયે નેપાળનું બંધારણ ઘડાતું હતું એટલે સાહેબે બંધારણ કેવું હોવું જોઈએ એની સંસદસભ્યોને સલાહ આપી હતી. દક્ષિણ નેપાળમાં બિહારમાંથી જઈને વસેલા મધેશીઓ સાથે અન્યાય ન થાય એની શિખામણ આપી હતી, પછી ભારતમાં ભલે મુસલમાનો અને દલિતો સાથે અન્યાય થતો હોય. બાય ધ વે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નકશામાં નેપાળ અખંડ ભારતનો હિસ્સો છે, નેપાળીઓ હિંદુ છે તો પછી શું નેપાળીઓ ઓછા અને મધેશીઓ અદકા હિંદુ છે? તેમની હિંદુ રાષ્ટ્રની વ્યાખ્યા જ સ્પષ્ટ નથી. વડા પ્રધાને નેપાળની મુલાકાત લીધા પછી પણ નેપાળની આંતરિક બાબતોમાં રસ લેવાનું ચાલુ રાખ્યું હતું અને સરવાળે નેપાળ સાથેના સંબંધો વણસ્યા હતા. આજે નેપાળ ચીનના ખીલે નાચી રહ્યું છે અને ભારતના પ્રદેશો ઉપર દાવો કરી રહ્યું છે.
ભૂતાનની વાત કરીએ તો ડોકલામમાં શી સ્થિતિ છે? કોઈ કાંઈ બોલતું જ નથી. ડોકલામ ભૂતાનનો પ્રદેશ છે અને ભૂતાનની જમીનની સુરક્ષાની જવાબદારી ભારતની છે. ભારત ડોકલામ ચીન પાસેથી ખાલી કરાવી શક્યું નથી અને ડોકલામની જેટલી ભૂમિની ચીનને જરૂર હતી એટલી ભૂમિ ઉપર ચીનનો કબજો છે. જૂન ૨૦૧૭માં ચીનાઓ રોડ બાંધવા ડોકલામમાં પ્રવેશ્યા હતા. બે મહિના પછી દેખાવ ખાતર થોડા સૈનિકોને પાછા ખેંચ્યા પછી ૨૦૧૮ના સપ્ટેમ્બર મહિનામાં ચીનાઓ પાછા ડોકલામમાં આવ્યા હતા અને ૨૦૧૯ના જાન્યુઆરી મહિનામાં રોડ બાંધવાનું અને બીજા લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું પૂરું કર્યું હતું. વાચકોને જાણ હશે કે ડોકલામ તળ ભારત અને ઇશાન ભારતને જોડનારી બગલાની ડોક જેવી જે સાંકડી કોરીડોર છે એની બરાબર ઉપર છે. એનો અર્થ એ થયો કે ડોકલામના માર્ગે ચીનાઓ ધારે ત્યારે ઇશાન ભારતને ભારતથી વિખૂટું પાડી શકે.
ભૂતાને જોયું કે ભારત સરકાર ચીનનો મુકાબલો તો બાજુએ રહ્યો, ડોકલામમાં ચીનની હાજરીની વાસ્તવિકતા તરફ જ આંખ આડા કાન કરી રહ્યું છે ત્યારે ભૂતાને ભારતને બાજુએ રાખીને સીધી જ ચીન સાથે વાટાઘાટો શરૂ કરી દીધી છે. પચીસ રાઉન્ડ વાતચીતના થઈ ગયા છે એની તમને જાણ છે? આ એ જ ભૂતાન છે જેણે દાયકા પહેલા ડોકલામ સામે સાટામાં ત્રણ ગણી ભૂમિ આપવાની ચીનની ઓફર નકારી કાઢી હતી અને ચીન સાથે સીધી વાટાઘાટ કરવાની ના પાડી દીધી હતી. આપણને ડોકલામ વિશે કાંઈ જણાવવામાં જ નથી આવતું. પ્રશ્ન પૂછે એ દેશદ્રોહી અને ઉપરાંત અર્ણવ ગોસ્વામી એન્ડ હીઝ ટ્રાઈબ તમને સુશાંતસિંહ રાજપૂતમાં એન્ગેજ રાખવાનું કામ કરે જ છે, જેથી લોહી નિંગળતા વઢાયેલા નાક તરફ નજર ન જાય.
અને બર્મા ઉર્ફે મ્યાનમાર? ૯મી જૂન ૨૦૧૫ના દિવસે ભારત સરકારે જાહેરાત કરી હતી કે ભારતના સૈનિકોએ મ્યાનમારની સરહદમાં અંદર સુધી ઘૂસીને અલગતાવાદી નાગા ત્રાસવાદીઓની છાવણી ઉપર હુમલો કર્યો હતો જેમાં ૩૮ નાગા ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. મ્યાનમારને આવી રીતે બારોબાર જાહેરાત કરવામાં આવી એ ગમ્યું નહોતું અને દાવો કર્યો હતો કે ભારતના સૈનિકોએ બર્મામાં પ્રવેશ કર્યો જ નહોતો અને ભારત જે ઓપરેશનનો દાવો કરે છે એ ખોટો છે. તમે ગમે તેટલા શક્તિશાળી હો, પણ બીજાના ઘરમાં પ્રવેશો ત્યારે ઘરધણીને જાણ કરવી જોઈએ કે નહીં? બર્માને એ વાતનું ખોટું લાગ્યું હતું અને એ પછીથી બર્મા ભારતથી દૂર જઈ રહ્યું છે તે ત્યાં સુધી કે ગયા ફેબ્રુઆરી મહિનામાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ભારતમાં નમસ્તે કરવા આવ્યા હતા ત્યારે ચીનના નેતા શી ઝિંગપીંગ બર્મામાં હતા અને એક-બે નહીં, ૩૫ સમજૂતીઓ કરી હતી.
શ્રીલંકા સાથેના ભારતના સબંધો પણ વણસ્યા છે. ભારત શ્રીલંકાના આંતરિક રાજકારણમાં દખલગીરી કરી રહ્યું છે એવો ભારત ઉપર આરોપ કરવામાં આવે છે. એમાં હવે ચીન તરફી રાજપક્સ બંધુઓ શ્રીલંકાના પ્રમુખ અને વડા પ્રધાન બન્ને છે. શ્રીલંકાએ તેનાં બે બંદરો ચીનને વિકસાવવા માટે આપી દીધાં છે. શ્રીલંકાએ તેના હેમ્બાનતોતા નામના બંદરને વિકસાવવાની ઓફર પહેલાં ભારતને કરી હતી, પરંતુ ભારતે તેમાં રસ લીધો નહોતો એવો શ્રીલંકાનો આરોપ છે. રહી વાત બંગલાદેશની તો એ હજુ ૨૦૧૮ સુધી ભારતની નજીક હતું, પરંતુ ગયા વરસે નાગરિક ધારામાં સુધારો કર્યા પછી બંગલાદેશ સાથે પણ સંબંધો વણસ્યા છે.
ટૂંકમાં આજે પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકા ચીનના ખોળામાં બેસી ગયા છે. ભૂતાન, મ્યાનમાર, બંગલાદેશ અને માલદીવ ભારતથી દૂર જઈ રહ્યા છે. આને કારણે ચીનને ભારતને ઘેરવાનો મોકો મળ્યો છે. ચીનની નીતિ બહુ સ્પષ્ટ છે. ચીનની પહેલી ઈચ્છા એવી છે કે ભારત ચીનની મહત્ત્વાકાંક્ષી યોજનામાં ભાગીદાર બને. અનેકવાર ચીને આમ કહ્યું છે અને ભારતનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો છે. જો ભારત ભાગીદાર બનવા ન ઈચ્છતું હોય તો મૂંગું રહે, પણ જો તે ચીનના હિતોની આડે આવશે તો ચીન તેને એવી રીતે ઘેરશે કે તેને તેની જગ્યાએથી ચસકવા નહીં દે. ચીને આના પણ સ્પષ્ટ સંકેત ૨૦૧૪થી જ આપવા માંડ્યા છે. ચીનની આર્થિક તાકાત ભારત કરતાં અનેકગણી છે અને તેના જોરે તે ભારતનાં પાડોશી દેશોમાં પ્રવેશ કરી રહ્યું છે.
છેલ્લે બાકી હતું તે ઈરાનનું છાબહાર બંદર પણ ભારત પાસેથી છીનવીને ચીને ઈરાનમાં પ્રવેશ મેળવી લીધો છે. ઈરાન કહે છે કે ભારતે ભાગીદારીની શરત મુજબ તેના હિસ્સાના જે પૈસા આપવાના હતા એ આપ્યા નહીં એટલે ઈરાને ચીન સાથે ભાગીદારી કરી. પૂતળાં અને પ્રસિદ્ધિ પાછળ પૈસા ખર્ચવા કરતાં ઈરાનમાં પ્રવેશ મેળવ્યો હોત તો વધારે નક્કર દેશસેવા થઈ શકી હોત. નક્કર રાષ્ટ્રવાદ એને કહેવાય. ચીનાઓ આપણા શાસકો કરતાં વધારે સાચુકલા રાષ્ટ્રવાદી છે. બીજું, ચીન જેવા શક્તિશાળી હરીફ કે દુશ્મનને છેડતી વખતે બધા જ મોરચા – અને એ પણ પાડોશના મોરચા – એક સાથે ન ખોલાય એવી સાદી સમજ આપણા અત્યારના શાસકો નહોતા ધરાવતા? તો પછી શા માટે આમ કર્યું? ભક્તો નામના ઘેટાં નાસી ન જાય એટલા માટે. તમારા નેતા ઐશ્વર્યવાન છે એ બતાવવા માટે નાના અને નિર્બળ પાડોશી દેશોને પસંદ કરવામાં આવ્યા હતા.
ચીનની સામે અનુનય કરવાનો અને પાડોશી દેશો ઉપર ઐશ્વર્ય બતાવવાનું. આમાં બાવાના બેઉ બગડ્યા છે. ન ચીન હાર્યું, ન પાડોશી દેશોને જીતી શકાયા. ઊલટું ચીન જીત્યું અને આપણે હાર્યા. પણ કાંઈ વાંધો નહીં, ટી.વી. સામે બેસી જાઓ. સુશાંતસિંહ રાજપૂતનું શું થયું એની નેશનને જાણ થવી જ જોઈએ. આખરે આપણે જેવીતેવી પ્રજા ઓછી જ છીએ. હિંદુ હૈ હમ. પછી ચીનાઓ ભલે ઘેરી લે!
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 06 ઑગસ્ટ 2020
![]()



‘ખમ્મા વીરાને …’ ગીતના રચયિતા છે જાણીતા ગુજરાતી સાહિત્યકાર, વિદ્વાન અને ડોલનશૈલીના જનક કવિ ન્હાનાલાલ. એમના પિતા દલપતરામ ડાહ્યાભાઈ નર્મદયુગના મહાન કવિ હતા. ન્હાનાલાલનો જન્મ માર્ચ ૧૬, ૧૮૭૭માં અમદાવાદમાં થયો હતો. એમની મૂળ અટક ત્રિવેદી હતી. અમદાવાદની ગુજરાત કોલેજ, મુંબઈની ઍલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન કોલેજમાં અભ્યાસ કર્યો. ૧૮૯૯માં તત્ત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસ સાથે એમ.એ. થયા. તેઓ ફારસી પણ બહુ સારું જાણતા હતા.