બોલે તેના બોર વેચાય – એવી કહેવત છે. તે chheમાં મહિમા બોલવાનો છે. તમારી વાત બીજા સુધી પહોંચાડવી હોય તો તે બીજાઓ તરફ વહેતી મૂકવી પડે. તે વિના કોઈને એની ખબર ના પડે. એનો અર્થ એવો પણ ખરો કે બહુ બોલબોલ કરવાથી પણ બગાડ થાય. લવારા તે બોલવું નથી. એટલે જ કહેવત એવી પણ છે કે ન બોલવામાં નવગુણ. અહીં નવ- નકાર સૂચવે છે. આપણામાં ઘણા એવા છે જે બોલવામાં જ સાર જુએ છે. બહુ બોલવાથી માણસ માન ગુમાવે છે ને એમાં ઘણીવાર બેવકૂફ બનવાનું પણ આવે છે. આપણા ઘણા નેતાઓ અસરકારક રીતે બોલે છે તો કેટલાક એવા પણ છે કે એ ન બોલે તો એમની શોભા રહે.
તાજેતરમાં તર્ક વગરની વાત ઓઇલ અને કુદરતી ગેસ મંત્રીએ કરી છે. તેમણે મજાક કરતાં હોય તેમ કહ્યું છે કે ઠંડીને કારણે ઈંધણના ભાવ વધ્યા છે. શિયાળામાં માંગ વધી એટલે ભાવમાં ઉછાળો આવ્યો છે. માંગ કેવી રીતે વધી તેનો ખુલાસો તેમણે કર્યો નથી એટલે કોઈ પણ તર્ક લગાવી શકાય. ઠંડીમાં લોકો સગડી પર તાપવાને બદલે ગેસ પર તાપતાં હોય ને એને કારણે માંગ વધી હોય ને તેનું પરિણામ મહિના એકમાં, સિલિન્ડર પર 100 રૂપિયા વધવામાં આવ્યું હોય એમ બને. મંત્રીશ્રીને કહી શકાય કે ભાવ તો છેલ્લા મહિનામાં વધ્યો છે ને શિયાળો તો નવેમ્બરથી લાગુ પડી ગયો છે તો સાહેબ કદાચ કહે પણ ખરા કે ઉપકાર માનો કે વધારો નવેમ્બરથી લાગુ નથી કર્યો. આ જ પેટ્રોલિયમ મંત્રીશ્રીએ પૂરી બેશરમીથી એમ પણ કહ્યું હતું કે હાલમાં ડ્યૂટીમાં ઘટાડો કરવાનો સરકારનો કોઈ ઇરાદો નથી.
તો, હાલના નાણાં મંત્રી ઘણા વિષયના જ્ઞાતા હોય તેમ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાબતે પણ પોતાનો મત આપે છે. 26મીના અખબારોમાં નાણાં મંત્રીએ આઈ.આઈ.એમ. – અમદાવાદના વિદ્યાર્થીઓનું જ્ઞાન વધારતાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો એક (અ)ધર્મસંકટ છે. એ કઈ રીતે ધર્મસંકટ છે તેનો કોઈ ફોડ એમણે પાડ્યો નથી. જો કે, તેમણે એટલી પ્રમાણિક્તા જરૂર વાપરી કે કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટી ને રાજ્ય સરકારે વેટની આવક જતી કરવી નથી તે મુખ્ય પ્રશ્ન છે. તેમણે એમ પણ કહ્યું કે ભાવ ઘટાડા અંગે સ્પર્ધા ન હોવી જોઈએ, જ્યારે હકીકત એ છે કે આ સ્પર્ધા ભાવ ઘટાડવા અંગે નહીં, પણ ભાવ વધારવા અંગેની છે ને એમાં પ્રજાહિતની કોઈ વાત વચ્ચે આવતી નથી. આવું બોલતી વખતે નાણાં મંત્રી કોરી સિમ્પથી બતાવતાં કહે પણ છે કે ઈંધણના વધતા ભાવનો બોજો સામાન્ય પ્રજા પર ન પડવો જોઈએ. આવું કૃષિ સેસ ઠપકારતી વખતે પણ એમણે કહેલું ને એ સાથે જ પ્રજા પર બોજ પડવાની શરૂઆત થઈ ગયેલી. એમને બે હાથ જોડીને પૂછવું છે કે એવું કેવી રીતે બને કે સરકાર રોજિંદા વપરાશની વસ્તુઓ મોંઘી કરે અને તેનો બોજ લોકો પર ન પડે? એના કરતાં મંત્રીશ્રી થોડું મૌન પાળે તો પ્રજા ઘવાતી અટકે એવું નહીં?
નાણાં મંત્રી કહે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ મામલે સાથે બેસીને ઈંધણની સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. આવું કોઈ ત્રાહિત વ્યક્તિ બોલે તો સમજાય, પણ પોતે સરકારમાં છે એવા નાણાં મંત્રી કહે છે કે સરકારોએ સાથે બેસવું જોઈએ. તો, એમને પૂછી શકાય કે આવું “બેસણું” કરતાં રોકે છે કોણ? સરકારો ગમે તેટલાં નાટક કરે, પણ ઈંધણનો ભાવ વધારો કુદરતી નથી. આટલું ડહાપણ વઘારવા છતાં ફેબ્રુઆરીના છેલ્લા દિવસે પણ પૂરી નિર્લજ્જતાથી સરકારે ઈંધણના ભાવો વધાર્યા જ છે. સરકાર બધી વસ્તુના ભાવ વધારી શકે એમ નથી એટલે ઈંધણનો ભાવ વધારે છે જેથી તેને પગલે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય અને એ મોંઘું થાય તો દૂધ, શાક, ફળ, અનાજ એમ બધું જ મોંઘું થાય. થોડા દિવસ જવા દો, આ બધી વસ્તુઓ પણ, આપણાં ખીસાં ખંખેરવાની જ છે. સરકાર એમ કહેતી હોય કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ મોંઘું થયું છે તેથી ભાવ વધે છે, તે સાચું હોય તો ભાવ ઘટ્યા ત્યારે ભારતમાં ભાવ ઘટવા જોઈતા હતા તેને બદલે વધ્યા. એ ઉઘાડી લૂંટ હતી અને એક યા બીજા બહાને કોરોનાથી ગભરાયેલી પ્રજાને ખંખેરી લેવાની મેલી વૃત્તિ માત્ર હતી.
નાણાં મંત્રીના અગાધ જ્ઞાનનો એક બીજો દાખલો પણ જોવા જેવો છે. સરકારે મિડલ ઇન્કમ હાઉસિંગ સ્કીમ અંતર્ગત ક્રેડિટ લિન્ક સબસિડી 2017થી લાગુ કરેલી તે માર્ચ, 2020માં પૂરી થઈ, તેને નાણાં મંત્રીએ માર્ચ, 2021 સુધી લંબાવી હોવાની જાહેરાત કરતાં કહ્યું કે આ સ્કીમનો લાભ, જેમની વાર્ષિક આવક 6 લાખથી 18 લાખની વચ્ચે છે તે લોઅર મિડલ ક્લાસને મળશે. તેમણે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું કે જે ગરીબી રેખાની ઉપર છે એવા 6થી 18 લાખ વચ્ચેની વાર્ષિક આવક ધરાવતા લોઅર મિડલ ક્લાસના બીજા વધુ અઢી લાખ લોકોને માર્ચ,2021 સુધી આ સ્કીમનો લાભ મળશે. ના, આમાં ભૂલ નથી. નાણાં મંત્રીએ બિલકુલ સમજીને લોઅર મિડલ ક્લાસના લોકો માટે જ આ આંકડા આપ્યા છે.
ગરીબી રેખા નીચે જીવતા લોકોની ગ્રામીણક્ષેત્રે માથાદીઠ આવક 2011-12માં 816 અને શહેરીક્ષેત્રે 1000 હતી. એથી વધુ આવક ગરીબી રેખાની ઉપરનો આંકડો ગણાય. 2021માં આ આવક ડબલ તો ન થઈ હોય, છતાં થઈ હોય એમ માનીએ તો ગ્રામીણક્ષેત્રે 1632 અને શહેરી ક્ષેત્રે 2000 માસિક આવક ગરીબી રેખા નીચે જીવતા લોકોની ગણાય. મતલબ કે વાર્ષિક આવક 24,000થી વધે તો તે ગરીબી રેખાની ઉપર ગણાય. હવે ગરીબી રેખાની ઉપર તો તરત જ લોઅર મિડલ ક્લાસ આવે અને એની આવક નાણાં મંત્રી વાર્ષિક 6થી 18 લાખ ગણે છે. એટલે કે લોઅર મિડલ ક્લાસની વ્યક્તિ મહિને 50,000થી 1,50,000 કમાય છે એવું નાણાં મંત્રી માને છે. આ કોઈ પણ રીતે ભેજામાં ઊતરે એમ નથી. 18 લાખની આવકવાળો લોઅર મિડલ ક્લાસમાં આવે? નાણાં મંત્રી અમેરિકાનાં નાણાં મંત્રી હોય એમ ટાઢા પહોરની હાંકે છે એવું નથી લાગતું? સીધી ને સોંસરી વાત તો એ છે કે જેને આ દેશની પ્રજાનું ને તેની આવકનું સાચું જ્ઞાન નથી તે કરોડોની યોજનાઓ નક્કી કરે છે ને તેને લાગુ પણ કરે છે ને એવી ખોટી આવકને આધારે ટેક્સનું માળખું નક્કી કરે છે, એમાં સચ્ચાઈ અને વાસ્તવિક્તા કેટલી હોય? ગમ્મત તો એ છે કે 6થી 18 લાખવાળો લોઅર મિડલ ક્લાસ ગણાય છે ને એની નીચેની આવકવાળો પણ ઇન્કમટેક્સ ભરે છે, કારણ અઢી લાખથી કરપાત્ર આવક વધે તેને આવકવેરો લાગુ પડી જાય છે. આ બધું કેવળ અને કેવળ અતાર્કિક અને અક્કલ વગરનું છે એવું નથી લાગતું?
ચારેક દિવસ પર રેલવેએ પેસેંજર ટ્રેનનું ભાડું એક્સ્પ્રેસ ટ્રેન(અનરિઝર્વ્ડ)ની સમકક્ષ કરી દીધું છે. રેલવેનું કહેવું છે કે અત્યારે ચાલી રહેલ પેસેંજર ટ્રેન કુલ પેસેંજર ટ્રેનના ફક્ત 3 ટકા છે. એટલે બહુ ઓછા પ્રવાસીઓ તેનાથી પ્રભાવિત થશે. આ ભાડાં એટલે વધારાયાં છે કે પ્રવાસીઓ કોરોના કાળમાં બિનજરૂરી પ્રવાસ કરતાં અટકે. રેલવે એવો ખુલાસો પણ કરે છે કે તે એવી ઘણી ટ્રેન ચલાવે છે જેની ઘણી ઓછી સીટ ભરાય છે ને એમાં તે ઘણી ખોટ કરે છે. રેલવેને પૂછી શકાય કે સ્થિતિ સામાન્ય થાય તો વધેલાં ભાડાં પૂર્વવત થઈ જશે?
રેલવે એમ કહે છે કે ભાડાં એટલે વધાર્યાં કે લોકો કોરોનામાં અમથી દોડાદોડી ન કરે. હસવું આવે એવી વાત છે. રેલવે મફત પ્રવાસ કરાવતી નથી કે લોકો બિનજરૂરી દોડાદોડી કરે. ધારો કે લોકો ઓછા પ્રવાસ કરે તો રેલવેને ઓછી આવક થાય ને એ એને કોરોનકાળમાં પરવડે એમ છે? તે તો એ રડે છે કે રેલવે એવી ઘણી ટ્રેન ચલાવે છે જેની સીટ પૂરી ભરાતી નથી, તો મુસાફરો વગર પેસેંજર ટ્રેન પૂરી નહીં ભરાય તો રેલવે ખોટ ખાવા તૈયાર છે? ને સીધું તો એ પૂછવાનું કે મોંઘી ટ્રેનો પૂરી ન ભરાતાં જે ખોટ જાય છે તે પેસેંજર ટ્રેનના ભાડાં વધારીને સરકાર સરભર કરવાની છે? ને મંત્રીશ્રી, જરા એ કહેશો કે સાદી ટ્રેનમાં પ્રવાસ કરતાં પ્રવાસીનો શો વાંક છે કે પેસેંજર ટ્રેનમાં પ્રવાસ કરવા છતાં એણે એક્સ્પ્રેસ ટ્રેન જેટલું ભાડું ચૂકવવાનું? આ ભાડાં વધારો કોઈ પણ રીતે પ્રવાસીને ન્યાય કરતો નથી ને તે તાત્કાલિક અસરથી પાછો ખેંચાવો જોઈએ.
એક તરફ દેશ સતત વિકાસ કરી રહ્યો છે ને લાખો કરોડોની યોજનાઓ અમલમાં મૂકાઈ રહી હોવાનું ઊજળું ચિત્ર ઉપાસવાઈ રહ્યું છે, તો, બીજી તરફ મંત્રીઓ મનફાવે તેવાં વિધાનો કરીને અનેક રીતે ગરીબ અને લાચાર પ્રજાની પૂરી ઈમાનદારીથી મજાક ઉડાવી રહ્યા છે. એક તરફ સત્તા હાંસલ કરવા જે પેંતરા કરવા પડે એમાં અનેક મંત્રીઓ અને હોદ્દેદારો આકાશપાતાળ એક કરી રહ્યા છે ને બીજી તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓ કારણ વગર મોંઘી કરીને સરકારો તિજોરીઓ ભરવામાંથી જ ઊંચી નથી આવતી. અન્યાય એ જ ન્યાય હોય એમ ઘણાં વર્તી રહ્યાં છે, પણ આ લાંબું ચાલવાનું નથી. કુદરતી ન્યાય જેવું હજી છે અને અત્યારે તો એ જ એક માત્ર આશ્વાસન છે. અસ્તુ !
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 માર્ચ 2021
![]()



ભારતમાં મહિલાઓ વહેલીસવારથી મોડી રાત સુધી આખા ઘરનાં કામનો ઢસરડો કરતી હોય છે. ઘરની સફાઈ, રસોઈ, કપડાં, વાસણ, પતિ-બાળકો અને સાસરિયાંની સેવા અને દેખભાળ, બાળકોને ભણાવવાં, શાળાએ મૂકવા-લેવા જવાં, બજારમાં ખરીદી કરવી, કપડાંને ઇસ્ત્રી કરવી, ગામડાંઓમાં ઘર, કામ અને ખેતી સાચવવી, છાણ-વાસીદાં કરવા, ઢોર-ઢાંખર સાચવવાં, પાણી ભરવું, ઘાસચારો અને બળતણ લેવા જવું, અંતે ઘરના સૌને જમાડ્યા પછી વધ્યું-ઘટ્યું ખાવું – એવી નિયતિ ભારતીય સ્ત્રીઓના માથે મારવામાં આવી છે. એક અંદાજ મુજબ એક સ્ત્રી એક જિંદગીમાં એકલી ત્રણ લાખ તો રોટલી જ બનાવે છે. ઘરનાં બીજાં કામો તો જુદાં. આટઆટલાં કામો કરવા છતાં સામાન્ય રીતે એક સંવાદ લગભગ બધાં ઘરોમાં પુરુષોના જ નહીં, સ્ત્રીઓના મુખે પણ સાંભળવા મળે છે : “આખો દા’ડો ઘરમાં જ હોય છે … કશું જ કરતી નથી.” અણમોલ એવા મહિલાઓના ઘરકામનું કુટુંબ, સમાજ અને સરકારને કશું જ આર્થિક કે ભાવનાત્મક મૂલ્ય નથી.