ઓશોએ એક મઝાનું દષ્ટાંત આપ્યું છે. પોતાનો પુત્ર, મોટો થયા બાદ પણ વાચાહીન રહેવાને કારણે તે માતા અત્યંત ચિંતિત હતી. એક દિવસ તે બોલી ઊઠયો, ‘મમ્મી, ટોસ્ટ બળેલો છે.’ સ્વાભાવિક રીતે જ માતાના હરખ અને વિસ્મયનો પાર ન રહ્યો. તેણે પૂછયું, ‘આટલું બોલવામાં તે આટલી વાર કેમ લગાડી ?’ પુત્રે જવાબ આપ્યો, ‘મમ્મી’, અત્યાર સુધી બધું બરાબર હતું તો હું નાહક શા માટે બોલું ? આજે ટોસ્ટ દાઝી ગયો હતો માટે મારે મૌનભંગ કરવો પડ્યો.’
તો મિત્રો, વાત આટલી જ છે. બધું સમુસૂતરું ચાલતું હોય, જીવનના કોઈ ક્ષેત્રમાં કશું કહેવાપણું ન હોય, વર્તમાનપત્રોમાં લાખોકરોડોનાં કૌભાંડોનાં કૌભાંડો વિશે વાંચવા ન મળતું હોય, પ્રજાને ભગવાનના ભરોસે છોડી દેવામાં આવી ન હોય, કરોડોમાં આળોટતા આપણા સેવકો પાસે આટલી સંપત્તિ કોઇ દેખીતા કામધંધા વિના કેવી રીતે આવી તેની જાણ ન થાય, ત્યારે લાંબા સમયથી મૂક પેલા બાળકની જેમ નાગરિકોએ પણ મક્કમપણે બોલવું રહ્યું. ચૂપ રહી પાપના ભાગીદાર બનાય નહીં.
વચ્ચે સચ્ચિદાનંદન સંપાદિત ‘Words Matter’ પુસ્તક વાંચવામાં આવ્યું. જેમાં આપણા અત્યંત સંવેદનશીલ બુદ્ધિજીવીઓ – માર્કંડેય કાત્જુ, એમ.એમ. કલબુર્ગી, પંકજ મિશ્રા, નયનતારા સેહગલ વ.એ કશી દિલચોરી કર્યા વિના શાસકોના કાન આમળ્યા છે, તેમને તેમનો ધર્મ સમજાવ્યો છે. આ પુસ્તકમાં શરૂઆતમાં જ Czeslaw Miloszની પંકિતઓ ટાંકી છે :
You who have wronged the simple man
Bursting into laughter at his suffering.
Do not feel safe. The poet remembers.
કવિઓ- સર્જકો માટે તો શબ્દો એ જ તેમનાં શસ્ત્રો. સલિલ ત્રિપાઠી સહિષ્ણુતાનો મહિમા સમજાવે છે. પણ એમ.એમ. બશીર જેવા અભ્યાસી વાલ્મીકિ રામાયણ વિશે લખે તે સાંખી શકતાં નથી.આપણે ત્યાં તો લોકોની લાગણી ઝટ દુભાઈ જાય છે અમુક તત્ત્વો અને એમને મનાવ્યે જ છૂટકો. કલાની જેને કોઈ ગતાગમ નથી તે કૉન્સ્ટેબલ, પ્રદર્શિત કૃતિને દૂર કરવાનું જણાવે, કારણ ? ગાયને અધચ્ચે લટકતી બતાવવામાં આવી હતી. બિચારો કલાકાર તો ગાયની દયનીય હાલત તરફ ધ્યાન દોરવા માંગતો હતો. આપણે ગાયને એંઠવાડ ખવડાવીએ, એના પેટમાં કેટલું પ્લાસ્ટિક જાય છે એની ચિંતા ન કરીએ; પણ કોઈ એના વિશે ચિત્ર દોરે તો વિરોધ કરવામાં પાછા ન પડીએ.
ગમે તે પક્ષની સરકાર હોય – સર્જકો હંમેશાં અવાજ ઉઠાવતા રહ્યા છે. કૉઁગ્રેસ શાસનવેળા કટોકટીનો જોરશોરથી વિરોધ થયો જ હતો. ઘણાંએ પોતાને પોંખવામાં આવ્યાં હતાં તે સન્માન ખુમારીપૂર્વક પરત કર્યાં હતાં. આજે તો કોઈ સૂઝ વિનાના રાજકારણીઓ બેફાન નિવેદનબાજી કરી રહ્યા છે. આક્ષેપો-પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે, એમને શબ્દોનું પાવિત્ર્ય અને માહાત્મય કોણ સમજાવે?
અશોક યુનિવર્સિટીમાં ઉચ્ચ હોદ્દા પર આસીન પ્રતાપ ભાનુ મહેતા જેવા વીરલા કોઈ ન મળે જેમને શાસકોની ખફગી વહોરવી પડે તે પહેલાં, અંતરાત્માના અવાજને અનુસરવાનું પસંદ કર્યું.
અત્યારે nameless fearનું વાતાવરણ જોવા મળે છે. ટોસ્ટ સંપૂર્ણપણે બળેલો છે એમ કહીએ તો પણ ચાલે. ત્યારે વાસ્તવિકતા તરફ અંગુલિનિર્દેશ કરવા સંવેદનશીલ નાગરિકો, સર્જકોએ બોલવું રહ્યું. અસહિષ્ણુતા, કોમવાદ, શોષણ જેવાં અનિષ્ટોએ ભરડો લીધો છે, એક મહાન ‘ઍબ્સર્ડ’ નાટક ભજવાઈ રહ્યું છે, ખુશામતખોરો કોઈ જાતની લાયકાત વિના ઉચ્ચ હોદાઓ પર ગોઠવાઈ ગયા છે, તો કોઈ તો કહો, આ ‘ટોસ્ટ હવે ખાવા જેવો રહ્યો નથી’. શાસકોને રામ કે કૃષ્ણ સાથે સરખાવવામાં આવે ત્યારે કરોડોની જનસંખ્યા ધરાવતા દેશોમાં કોઇના પેટનું પાણી પણ કેમ નથી હાલતું?!
બિચારા સામાન્ય નાગરિકોને તો ચૂંટણી વેળા જ યાદ કરવામાં આવે છે. પણ કોઇ દુષ્યંતકુમાર, કોઇ ધૂમિલ બધું જુએ છે, બધુ યાદ રાખે છે – તે મોટું આશ્વાસન છે. આપણે ત્યાં કયારેક સરદાર પટેલ જેવા ગૃહમંત્રી હતા જેમણે હોદ્દાનો કોઇ ગેરલાભ લીધો ન હતો, કોઇને લેવા દીધો નહતો. જયપ્રકાશ નારાયણ હતા જેમને રાષ્ટ્રપતિપદ કે વડાપ્રધાન પદ આકર્ષી શકયા નહોતા, ઇંદિરા ગાંધીએ જેલમાં ધકેલ્યા છતાં એમને મન તો પુત્રીવત્ રહ્યા હતાં. ‘હિસાબ પતાવવાના દિવસો’ દૂર હતા.
અંગત રીતે, મારા જેવા ઘણાને જે.પી.ની ગેરહાજરી સાલવાની, જેમનામાં ‘ટોસ્ટ બળી ગયો છે’ કહેવાની નૈતિક હિંમત હતી.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 02
![]()


૧૯૭૯માં હું પહેલી વાર અમદાવાદ ગયો અને તેના પછીના દાયકામાં વ્યાવસાયિક અને વ્યક્તિગત બંને કારણોસર ત્યાં ઘણી વખત જવાનું થતું રહ્યું. ત્યાર બાદ મેં ગાંધી પરનું મારું સંશોધન શરૂ કર્યું અને આ શહેર સાથેનું મારું જોડાણ વધ્યું. ૨૦૦૨ના આરંભે ગુજરાતમાં ભીષણ રમખાણો થયાં, તેના તરત પછીના ઉનાળામાં હું અમદાવાદ ગયો, ત્યારે સ્વાભાવિક રીતે જ મેં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. ત્યાં મેં આશ્રમના એક ટ્રસ્ટી સાથે કેટલોક સમય વાત કરી. ખુદ વિશે બોલવામાં સંકોચશીલ અને નમ્ર એવા આ ટ્રસ્ટીએ ગાંધીની સેવામાં ત્રીસ વર્ષ ગાળ્યાં હતાં. વાતચીત દરમિયાન એમણે મને કહ્યું કે ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણો ‘બીજી વારની ગાંધીહત્યા’ હતી.
ત્રણેમાં અરવિંદ ઉંમરમાં સૌથી નાના હતા. આઝાદીથી બરાબર ૭૫ વરસ પહેલાં ૧૫મી ઑગસ્ટે તેમનો જન્મ થયો હતો, અને બંગભંગ પછીનાં વરસોમાં અંગ્રેજ શાસનનો વિરોધ કરવામાં તેમણે અગ્રણી ભૂમિકા ભજવી હતી. દેશદ્રોહના ગુના હેઠળ તેમને એક વરસની કારાવાસની સજા થઈ હતી, પછી તેમણે તેમની શક્તિઓ ‘ઈશ્વર’ વિશેના રૂઢિવાદી વિચારને પડકારવાના હેતુ સાથે ભારતીય દર્શનની વિવિધ શાખાઓના પુનરાધ્યયન કરવા તરફ વાળી. પુડુચેરી સ્થાયી થઈને તેમણે પરંપરાનાં નવાં અર્થઘટનો સર્જ્યાં, આ વિષય પરની દરેક નિષ્ણાત-સત્તાને પડકારી, અને અનન્ય ઊર્જા સાથે શ્રેષ્ઠ દાર્શનિક સાહિત્યનું સર્જન કર્યું. તેમના નિબંધો પહેલાં તેમના સામયિક ‘આર્ય’માં પ્રસિદ્ધ થયા અને પછી પુસ્તકાકારે એકઠા થયા – ધ લાઈફ ડિવાઈન, ધ સિન્થેસિસ ઓફ યોગ, એસેઝ ઓન ગીતા, ધ સિક્રેટ્સ ઓફ વેદ, હાઈમ્સ ટુ ધ મિસ્ટિક ફાયર, ધ રનેસોંસ ઓફ ઈન્ડિયા, ધ હ્યુમન સાયકલ અને ફ્યુટર પોએટ્રી. દાર્શનિક અધ્યયન તરીકે આ લખાણો અનુપમ રહેશે. ૧૯૨૦માં શ્રી અરવિંદે આર્યનું પ્રકાશન બંધ કરવાનો ર્નિણય કર્યો અને તમામ પ્રકારનું લખાણકાર્ય લગભગ અટકાવી દીધું, કારણ કે તેઓ તેમની બધી શક્તિઓ તેમના ગહન આધ્યાત્મિક મહાકાવ્ય, સાવિત્રી, માટે આપવાના હતા. તે પછીના ત્રણ દાયકા તેમણે પોતાની યૌગિક શક્તિઓ દ્વારા વિશ્વમાં ચેતનાનું સ્તર ઊંચું લઈ જઈને માનવજાતમાં પરિવર્તન આણવા માટે આપી દીધા. એ સ્વપ્ન સાકાર કરવા માટે આવશ્યક હતી સામૂહિક સાધના, જે માટે પુડુચેરીમાં તેમણે આશ્રમ સ્થાપ્યો.
ત્રણમાંથી સૌથી પહેલાં જન્મેલા, અને ૧૯૨૧માં તો નોબેલ પારિતોષિક સાથે વિશ્વભરમાં ખ્યાતિ પણ પ્રાપ્ત કરી ચૂકેલા રવીન્દ્રનાથ ટાગોરે ડિસેમ્બર ૧૯૨૧માં વિશ્વભારતીનું ઉદ્ઘાટન કર્યું. શિક્ષણ અને સર્જનાત્મકતા માટેની આ તદ્દન નવા જ પ્રકારની સંસ્થામાં તેઓ વિશ્વમાનવનું સર્જન કરવા માગતા હતા, એવા માનવ જે સંપૂર્ણ માનવજાતનું જતન કરે. મહર્ષિ અરવિંદની જેમ ગુરુદેવ ટાગોરે પણ જે યજ્ઞ આરંભેલો તે એક જૂથ-સમુદાય કે એક રાષ્ટ્ર માટે નહિ પણ સમગ્ર વિશ્વના હિત માટે હતો. પુડુચેરી અને શાંતિનિકેતનના આશ્રમ નવા વિશ્વ માટેના નવા વિચાર ઘડવાની પ્રયોગશાળા જેવા હતા.
ગાંધીને જે આત્મ-પરિવર્તનની એષણા હતી તે આ બંને પ્રયોગો કરતાં પણ વધુ મૂળગામી હતી. ગાંધીની જૂન ૧૯૨૧ની તસવીરો અને સપ્ટેમ્બર ૧૯૨૧ની તસવીરો સરખાવીએ તો મોટો તફાવત જોવા મળે છે. જૂનમાં તેમણે કાઠિયાવાડી પોષાક પહેર્યો છે, પણ સપ્ટેમ્બરમાં તેમણે લંગોટી પહેરી છે, માથું મુંડાવેલું છે અને ટોપી પહેરી નથી. આ પહેલાં ઑગસ્ટ ૧૯૨૦માં ટિળકના અવસાન સાથે લાલ-બાલ-પાલનો એટલે કે લાલા લજપત રાય, બાલ ગંગાધર ટિળક અને બિપિન ચન્દ્ર પાલનો યુગ આથમી ગયો હતો. એ શૂન્યાવકાશમાં ગાંધી જાણે કે ઝંઝાવાતની જેમ આવ્યા, ભારતના ખૂણેખૂણાના પ્રવાસ કર્યા, કૉન્ગ્રેસનાં વિવિધ જૂથોને એકઠા કર્યા, યુવાનોને સેવાદળ સ્થાપવાની પ્રેરણા આપી અને હિન્દુ-મુસ્લિમ-ખ્રિસ્તી સૌને રાષ્ટ્રીય સ્વાતંત્ર્યસંગ્રામમાં જોતર્યા. ઑક્ટોબર ૧૯૨૦માં તેમણે ર્નિભયી સમાજસેવીઓ તૈયાર કરવા ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી અને ડિસેમ્બર ૧૯૨૧માં કલકત્તા અધિવેશનમાં તેમણે કૉન્ગ્રેસનું સુકાન સંભાળ્યું.