પ્રેમી જેમ પ્રેમિકા ઝંખે
એવો કૉરૉના વાઈરસ.
વાંછુ જેમ નોકરી શોધે
એવો કૉરૉના વાઈરસ.
શિશુ જેમ માને ઝંખે
એવો કૉરૉના વાઈરસ.
પ્રવાસી જેમ ગંતવ્ય શોધે
એવો કૉરૉના વાઈરસ.
ધરતી જેમ મેઘ ઝંખે
એવો કૉરૉના વાઈરસ.
મુમુક્ષુ જેમ ગુરુ શોધે
એવો કૉરૉના વાઈરસ.
થાકેલો જેમ પૉરૉ ઝંખે
એવો કૉરૉના વાઈરસ.
એકાકી જેમ સંગાથ શોધે
એવો કૉરૉના વાઈરસ.
ખેડૂત જેમ મોલ ઝંખે
એવો કૉરૉના વાઈરસ.
ભટકેલો જેમ માર્ગ શોધે
એવો કૉરૉના વાઈરસ.
ભૂખ્યો જેમ રોટલો ઝંખે
એવો કૉરૉના વાઈરસ.
તરસ્યો જેમ જળ શોધે
એવો કૉરૉના વાઈરસ.
વટેમાર્ગુ જેમ છાંયો ઝંખે
એવો કૉરૉના વાઈરસ.
વાઘ જેમ શિકાર શોધે
એવો કૉરૉના વાઈરસ.
ઉધઈ જેમ લાકડું શોધે
એવો કૉરૉના વાઈરસ.
ભૂત જેમ આંબલી શોધે
એવો કૉરૉના વાઈરસ.
બહુરૂપી પેઠે વેશ બદલે
આ કૉરૉના વાઈરસ.
ચોરની જેમ ચાર આંખ રાખે
આ કૉરૉના વાઈરસ.
જાસૂસની જેમ પગેરું શોધે
આ કૉરૉના વાઈરસ.
મુસાફરની જેમ આશરો ઝંખે
આ કૉરૉના વાઈરસ.
માનવોને હંફાવી કાઢે
આ કૉરૉના વાઈરસ,
અતિથિ જેમ આતિથ્ય માણે
એમ યજમાન દેહ માણે
આ કૉરૉના વાઈરસ!
* બાળકોની એક રમતનું નામ
e.mail: rupaleeburke@yahoo.co.in
![]()


કોરોના મહામારીની પહેલી લહેર જ્યારે દુનિયાભરમાં કહેર મચાવી રહી હતી, ત્યારે દુનિયામાં ધૂમ મચાવનાર બેસ્ટ સેલર પુસ્તક ‘હોમો સેપિયંસ: માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ (આ લખનારે તેનો ગુજરાતી અનુવાદ કર્યો છે)ના લેખક અને ઇઝરાયેલી ઇતિહાસકાર યુવલ નોઆ હરારીએ લંડનના પ્રતિષ્ઠિત સમાચારપત્ર ‘ધ ફાયનાન્સિયલ ટાઈમ્સ’માં ૨૦મી માર્ચ ૨૦૨૦ના રોજ એક લેખ લખ્યો હતો. ‘કોરોના વાઈરસ પછીની દુનિયા’ નામના આ લેખમાં તેમણે થોડીક ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે મહામારીના આ સંકટમાં દુનિયાભરની સરકારો એવાં વિકટ પગલાં ભરવાની છે, જેની અસર આવતીકાલની અર્થવ્યવસ્થા, રાજકીય અને સામાજિક સ્થિતિ પર પડવાની છે.
હરારીએ તે લેખમાં ટેકનોલોજીના સહારે કેવી રીતે સરકારો જનતા પર નિગરાની રાખી શકે છે તેનું ચિત્ર આપ્યું હતું. આજે આપણી પાસે એવી ટેકનોલોજી છે કે સરકારો દરેક લોક પર હર સમય નિગરાની રાખી શકે. હરારીએ સોવિયત સંઘનું ઉદાહરણ આપ્યું હતું કે પચાસ વર્ષ પહેલાં સોવિયત ગુપ્તચર સંસ્થા કે.જી.બી. પાસે ના તો એવી તાકાત હતી કે ૨૪ કરોડ લોકોની પાછળ-પાછળ ફરી શકે કે ના તો એટલા બધા લોકોની માહિતીઓનું વિશ્લેષણ કરી શકે તેવી સિસ્ટમ હતી. ત્યારે કે.જી.બી. એજન્ટો અને વિશ્લેષકો પર આધાર રાખતું હતું. આજે સરકારો કોટ-પેન્ટ અને ચશ્માં પહેરેલા એજન્ટોને બદલે સાધારણ લાગતાં સેન્સર્સ અને શક્તિશાળી અલગોરિધમની મદદથી આ કામ કરી શકે છે.
ભારતી પ્રવીણ પવાર નામનાં કોઈ બહેન કેન્દ્રનાં રાજ્યકક્ષાનાં પ્રધાન છે, અને તેમણે રાજ્યસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે કોવીડ સંક્રમણના બીજા આક્રમણ દરમ્યાન ઓક્સીજનના અભાવમાં દેશમાં એક પણ દરદીનું મૃત્યુ થયું નહોતું. બોલો. આને કહેવાય હિંમત. સાચું બોલવામાં તો હિંમત જોઈએ એવો આપણો અનુભવ છે, પણ એક હદથી વધારે ખોટું બોલવા માટે પણ હિંમત જોઈએ. કાચાપોચાનું કામ નથી. કોઈ વળી કહેશે કે આને નિર્લજ્જતા કેહવાય તો નિર્લજ્જ બનવા માટે પણ હિંમત જોઈએ. કોઈ શું કહેશે અને કોઈ આપણને કેમ મુલવશે એની ચિતા ન હોય, એ લોકો જ આવું ઉઘાડું અસત્ય બોલી શકે અને આ હિંમતનું કામ છે. ગાંધીજી ખરેખર નમાલા હતા. 
એ વાત સાચી કે કઢીચટ્ટાઓ જૂઠને સ્વીકારી લે છે અને કેટલાક જો તેને સ્વીકારતા નથી તો પડકારતા પણ નથી. ના, તેઓ બેવકૂફ નથી, તેઓ કઢીને વફાદાર હોય છે. જે કઢી ચટાડે તેને વેચાવા તેઓ તૈયાર રહે છે. કઢીચટ્ટાઓ બે પ્રકારના છે. એક એ જેઓ જૂઠને સત્ય તરીકે પીરસે અને એ પણ બુલંદ અવાજ અને આત્મવિશ્વાસ સાથે. એમાં વડા પ્રધાનને પણ ટપી જાય. ઉપરથી બચાવ પણ કરે અને કોઈ શંકા કરે તો તેને બોલવા જ ન દે. બીજા એ જેઓ બુલંદ રણકારનો ઉમેરો કર્યા વિના જૂઠને એમને એમ પીરસે, પણ શંકા ન કરે. પડકારવાનો તો સવાલ જ નથી. જૂઠ બોલનારાઓને ખબર છે કે જૂઠ ગમે તેવું હોય, આ કઢીચટ્ટાઓ તેને સવાલ કર્યા વિના પીરસવાના છે અને ઉપરથી બચાવ પણ કરવાના છે. કોને પીરસશે? બે પ્રકારના નાગરિકોને. એક એ જેઓ હિંદુ કોમવાદી છે અને બીજા એ જેઓ બેવકૂફ છે અને આ બન્ને મળીને ચૂંટણી જીતાડી આપશે. હિંદુ કોમવાદીઓમાં મુસ્લિમવિરોધી ઝેર એટલું ઠાંસીઠાંસીને ભર્યું છે કે જો મુસ્લિમનું બુરું થતું હોય તો પોતાની સાત પેઢીને તે બરબાદ કરવા તૈયાર છે. બીજો વર્ગ બેવકૂફોનો છે જેને વિચારતા આવડતું જ નથી. જે વિચારે નહીં એ શંકા ન કરે ત્યાં સવાલ તો બહુ દૂરની વાત છે. સ્વાભાવિકપણે તેઓ વફાદાર અને સંગઠિત છે.