ટોકિયો ઓલિમ્પિક્સમાં અત્યાર સુધીમાં ભારતીય મહિલાઓએ જ લાજ રાખી છે. જો કે, જર્મનીને હરાવીને 41 વર્ષે પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ લખાય છે ત્યાં સુધીમાં ભારતના ખાતામાં 5 મેડલ જમા થયા છે, તેમાંથી ત્રણ મહિલાને મળ્યા છે. પ્રથમ સિલ્વર મેડલ વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ ભારતને અપાવ્યો. બીજો બ્રોન્ઝ મેડલ બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુએ ભારત માટે મેળવ્યો. આ અગાઉ પણ સિંધુએ રિયો ઓલિમ્પિકમાં 2016માં સિલ્વર મેડલ અપાવ્યો હતો. સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર સિંધુ પહેલી ભારતીય મહિલા બની છે ને એ રીતે તેણે સુશીલકુમારના રેકોર્ડની બરાબરી કરી છે. ત્રીજો મેડલ બોક્સિંગમાં લવલિના બોરગોહેને જીત્યો છે ને તે બ્રોન્ઝ લઈને ભારત આવશે.

મહિલા હોકી ટીમ સેમિફાઇનલમાં પહોંચી ત્યારે તે ગોલ્ડ મેડલ મેળવશે એવી આશા જન્મી હતી, પણ બ્રિટન સામે મહિલા હોકી ટીમ હારી ગઈ છે એટલે બ્રોન્ઝની આશા પૂરી થઈ નથી. પણ, અહીં ઓલિમ્પિકનો ઇતિહાસ આપવો નથી. વાત આ ખેલાડીઓ કેવી રીતે ઓલિમ્પિક સુધી પહોંચે છે એની કરવી છે. મીરાબાઈ ચાનુ કે રાની રામપાલ
કે મહિલા ટીમની ગોલકીપર સવિતાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 9 પેનલ્ટી કોર્નર દીવાલની જેમ રોક્યા તે થોડા દિવસોમાં જ દુનિયાએ જાણ્યું હશે, બાકી ઘણાંને તો નામની ખબર પણ નહીં હોય એમ બને. આ નામ કમાવવાનું જરા પણ સહેલું નથી. ઓલિમ્પિક સુધી પહોંચતામાં જ કેટલા ય ખેલાડીઓને ફીણ વળી જતાં હોય છે. કેટલા ય ખેલાડીઓ શક્તિ છતાં રાજ્યની સ્પર્ધા સુધી પણ પહોંચી શકતા નથી ને પ્રોત્સાહનના અભાવમાં વચ્ચે જ ક્યાંક અટવાઈ જતા હોય છે.
મોટે ભાગે ભારતીય ખેલાડીઓ ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવતા હોય છે, એટલે એમને રમતની આબોહવા લગભગ મળતી જ નથી. રમત માટેનાં સાધનો કે ખોરાક ઘણાંના નસીબમાં હોતાં નથી, તો પરિવારના વડીલોને પણ રમતમાં રસ હોતો નથી, એમાં જો કોઈને થોડી પણ મદદ મળી જાય તો, તેટલા નાજુક સહારાથી જ ખેલાડીએ વૈતરણી પાર કરવાની રહે છે. હરિયાણાની 31 વર્ષીય સવિતા ગિયર પહેરીને 2 કલાકે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પહોંચતી હતી. એને એટલું હતું કે તેના દાદા ને પરિવારનો તેને સાથ હતો. તેની પોતાની ઇચ્છા જો કે, હોકી પ્લેયર બનવાની ન હતી, પણ દાદા મહિન્દર સિંહે તેને હોકી તરફ વાળી. 2001માં સવિતાની માતાને આર્થરાઇટિસ થયો ને ઘરની જવાબદારી સવિતા પર આવી. એ તો સારું છે કે કુટુંબના સભ્યો ઇચ્છતા હતા કે સવિતા હોકીમાં આગળ વધે એટલે તેમણે ઘરકામ માથે લઈ લીધું. સવિતાના પિતા પાસે પૈસા ન હતા એવા સમયે સવિતા પાસે ગોલકીપિંગની કીટ આવી, પછી કઈ દીકરી કુટુંબના સપનાંઓ સાકાર કરવા જીવ ન રેડે ! 2011માં તેણે પહેલીવાર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રારંભ કર્યો ને પછી તો અર્જુન એવોર્ડ સહિત અનેક માન અકરામ તેને મળ્યાં.
ભારતીય પહેલવાન રવિકુમાર દહિયાએ કુસ્તીમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. જો કે, રવિની પહેલવાની સરળ રહી નથી. તેની સ્થિતિ એવી ન હતી કે તેને પહેલવાની પરવડે. ભાડાનાં ખેતરોમાં મહેનત કરનાર પિતા રાકેશે 60 કિલોમીટર દૂર આવેલાં સ્ટેડિયમમાં દીકરાને દૂધ માખણ પહોંચાડવામાં લોહીનું પાણી કર્યું છે, ત્યારે વર્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ સુધી પહોંચાયું છે. આ ઉપરાંત પણ એશિયન ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ તથા 2015માં વર્લ્ડ જુનિયર રેસલિંગ ચેમ્પિયનશિપમાં રવિકુમારને સિલ્વર મેડલ મળી ચૂક્યો છે. આ બધું છતાં સરકારની નજર રવિ કે તેના ગામ પર ખાસ પડી નથી. તેના ગામમાં આજે પણ 3-4 કલાક જ વીજળી આવે છે. પાણી પણ પાણી વગરનું જ આવે છે એમ કહીએ તો ખોટું નથી.
મીરાબાઈ ચાનુ પણ મેડલ મેળવવા ખૂબ મથી છે. તે બે વર્ષ પોતાની માતાથી દૂર રહી છે. તેની ટ્રેનિંગ અમેરિકામાં થઈ. માતાએ તેને ખૂબ મોટિવેટ કરી છે. 26 વર્ષની ચાનુ હવે માતાને પૂરો સમય આપવા માંગે છે. તેનું લક્ષ્યાંક 2024ની પેરિસ ઓલિમ્પિક છે ને તે ગોલ્ડ પર નજર રાખીને બેઠી છે. જો કે, સૌથી વધુ સંઘર્ષ કદાચ મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલના ભાગે આવ્યો છે. ઘરમાં કોઈ જ ઇચ્છતું ન હોય કે છોકરી રમતમાં આગળ વધે, એવે વખતે ખેલાડી જીવને રમવું ને મરવું વચ્ચે બહુ ફરક રહેતો નથી. હરિયાણાનાં કુરુક્ષેત્રની રાની માટે તો ઘર જ કુરુક્ષેત્રથી ઓછું ન હતું. રાતના મચ્છરોનો ગણગણાટ ને ખોરાક પર માખીનો બણબણાટ હોય ત્યાં શાંતિ કેવીક હોય તે સમજી શકાય એવું છે. પિતા ગાડી હાંકતા ને મા લોકોનાં ઘરકામ કરતી. આ બધાંમાં પિતાની આવક હતી રોજના 80 રૂપિયા. માબાપ થાય એટલું કરતાં. બે મોટા ભાઈઓ પણ હતા, તેમાંનો એક દુકાનમાં ને બીજો સુથારીમાં મહેનત કરતો, પણ હોય જ એટલું કે વધારે કશું લાગે જ નહીં.
રાનીનાં ઘરની પાસે જ હોકી એકેડેમી હતી. પ્લેયરોને રમતાં જોઈ જોઈને એ થાકી હતી, કારણ તેનો જીવ રમવામાં હતો, પણ પિતાના 80 રૂપિયામાંથી હોકી સ્ટિક તો ન આવે ને ! તે એકેડેમીમાં દાખલ થવા ગઈ તો કોચે તેની નાજુક હાલત જોઈને જ ના કહી દીધી. તે જાણતો હતો કે રાનીની હાલત એવી નથી કે તે વ્યવસ્થિત ડાયેટ લઈ શકે. આમ
પણ તે કુપોષણનો શિકાર હતી. એવામાં તેને ભાંગેલી સ્ટિક હાથ લાગી ને એનાથી જ તેણે હોકીનાં શ્રીગણેશ કર્યાં. રાનીની વારંવારની વિનંતીઓ પછી તેને ટ્રેનિંગની છૂટ મળી. પણ કુટુંબને દીકરી હોકી રમે તે મંજૂર ન હતું. કુટુંબ તો એટલું જ જાણતું હતું કે છોકરીઓ તો ઘરકામમાં જ ખપે, તેને વળી સ્કર્ટ પહેરીને રમવાનું કેવું? રાનીએ કુટુંબને સમજાવ્યું કે રમવા જવા દો, જો તે સફળ ન થઈ તો કુટુંબ કહેશે તેમ જીવશે.
ઘર માની ગયું ને વહેલી સવારની ટ્રેનિંગ શરૂ થઈ. ઘરમાં ઘડિયાળ હતું નહીં કે વહેલાં ઊઠવાનો એલાર્મ રણકે, એટલે સવારનું કૂકડે કૂક માએ કરવાનું સ્વીકાર્યું. મા આકાશને જાગતું જોતી ને રાનીને ઉઠાડતી. એકેડેમીનો નિયમ હતો કે પ્લેયરે રોજ 500 એમ.એલ. દૂધ લઈ આવવાનું, પણ તે માંડ 200 એમ.એલ. દૂધ જ લઈ જઈ શકે એમ હતું ને તેણે કૈં પણ થાય રમવું તો હતું જ ! 300 એમ.એલ. પાણી ઉમેરીને તેણે દૂધ તો 500 એમ.એલ. કર્યું, પણ ડ્રેસ કોડનો પ્રશ્ન હતો. તે તો સલવાર કમીઝ પહેરીને પ્રેક્ટિસ કરતી હતી, પણ ટેલન્ટેડ હતી એટલે કિટની ને બૂટની વ્યવસ્થા કોચે જ કરી. તેણે તેના કુટુંબ જોડે રાનીને રાખી ને તેનાં જરૂરી પૌષ્ટિક આહારની વ્યવસ્થા પણ કરી. રાનીએ થાક્યા વગર સતત પ્રેક્ટિસ કરી. એમ કરતાં એક ટૂર્નામેંટ તે જીતી ને તેની પહેલી કમાણી 500 રૂપિયાની થઈ. એ રકમ તેણે પિતાના હાથમાં મૂકી. પિતાએ એક સાથે 500 રૂપિયા એ પહેલાં કદી પકડ્યા ન હતા. રાનીએ વચન આપ્યું કે એક દિવસ આપણું પણ ઘર થશે. રાજ્યની સ્પર્ધાઓ પછી રાની 15 વર્ષે રાષ્ટ્રીય સ્પર્ધા માટે બોલાવાઈ. સગાંઓ લગ્નની વાત છેડતા, પણ પિતાએ કહી દીધું કે મન હોય ત્યાં સુધી રમ. રાનીએ પણ તેનું શ્રેષ્ઠ આપવામાં કોઈ કસર ન રાખી ને એનું પરિણામ એ આવ્યું કે તે હોકી ટીમની કેપ્ટન બની.
એક દિવસ રાની ઘરે હતી ને પિતાના મિત્ર તેમની પૌત્રીને લઈને આવ્યા ને કહ્યું કે આ તને જોઈને હોકીની ખેલાડી બનવા માંગે છે. રાની એટલી ખુશ થઈ કે રડી પડી ! 2017માં તેણે ઘરનાં ઘરનું વચન પૂરું કર્યું. એ દિવસે ઘરનાં સૌ એકબીજાને વળગીને ખૂબ રડયાં. બસ, પછી તો 2021માં ટોકિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો હતો. એ સપનું તો પૂરું ન થયું, પણ થશે એટલું નક્કી છે.
મેડલ તો આવે કે ન આવે, પણ જે સંજોગોમાં આપણા ખેલાડીઓ સમર્પિત ભાવથી દુનિયા સામે ટક્કર લે છે તેને માટે ખેલાડીને વંદન જ કરવાં ઘટે. વિદેશી ખેલાડીઓ પોતાની રમત પર પૂરેપૂરું ધ્યાન આપી શકે તેવી સગવડો તેને અપાય છે ને તે મહેનત કરીને મેડલ મેળવે છે. ત્યાં કોઈમાં થોડું પણ સત્વ જણાય તો સરકાર અને સંસ્થાઓ તેની સઘળી જવાબદારી ઉપાડી લે છે. ભારતમાં એવું નથી. કોઈ ખેલાડીને શોધતું નથી. ખેલાડી જ તેની બધી ગરજ હોય તેમ રમત સુધી પહોંચે છે, ત્યાં પહોંચ્યા પછી પણ ઠેકાણું પડતું નથી. પહેલાં તો તેની પાત્રતા નથી એમ કહીને તેને હતાશ કરવામાં આવે છે. જો ખેલાડી મહિલા હોય તો તેની કસોટીનો તો પાર જ નથી રહેતો. તેનું કુટુંબ જ તેને ચૂલો ને લગ્ન બતાવીને એ ભાન કરાવી દે છે કે રમત તેનું ક્ષેત્ર જ નથી. તેમાં જો કોઈ માથું ફેરવીને આગળ વધે તો તેને રોકવાના બધા જ પ્રયત્નો થતા રહે છે. એમાં જો કોઈ ઈનામ મળ્યું કે રાજ્યમાં કે દેશમાં જીત મળી તો તેનો દિવસ ઊગે છે ને વાત આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી તો બધાં જ તેનાં સમર્થનમાં ટોળે વળી જાય છે. જો વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ સુધી વાત પહોંચી તો પછી ઇનામોનો અને પ્રશંસાનો વરસાદ વરસે છે. વડા પ્રધાન પણ જીતે તેને બિરદાવે છે, પણ તે જીતે તેને માટે ભાગ્યે જ કોઈ ભૂમિકા સરકાર ઊભી કરે છે. બનવું તો એવું જોઈએ કે થોડી પણ ક્ષમતા કોઈ ખેલાડીમાં જણાય તો સરકારે સામે ચાલીને તેનો હાથ પકડવો જોઈએ, જેથી ખેલાડીને જીવલેણ સંઘર્ષમાં થોડો પણ આધાર મળે. એના ઘણા બધા દિવસો આમ તો ઘર માટે કમાવા અને ટકવામાં જ પૂરા થાય છે, એ પછી સમય રહે તો તે રમત અંગે વિચારે છે. આવામાં ઓલિમ્પિક ગેમ્સમાં કોઈ થોડો પણ સારો દેખાવ કરે તો તે મેડલથી જરા પણ ઓછું નથી.
સાચું ને સારું તો એ ગણાય કે ખેલાડીને રમત સિવાયની બીજી કોઈ જવાબદારી જ ન રહે એટલો ટેકો ખેલાડીને થાય. સરકાર જીત પછી ખેલાડીને ભવિષ્યની ઘણી તકો પૂરી પાડે છે તે સારી વાત છે, પણ વધારે સારી વાત તો એ જ હોય કે તે જીતે તે માટેની બધી તકો સરકાર જ પૂરી પાડે, જેથી કોઈ પણ સક્ષમ ખેલાડીએ તકના અભાવમાં અડધેથી જ પાછા ન વળી જવું પડે. એ દિશામાં સરકાર સતત જાગતી રહે ને યોગ્ય તે પગલાં ભરે તો સોનામાં સુગંધ ભળે, ખરું કે નહીં?
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


કોઈપણ ધર્મ બે મુખ્ય આધારો પર ટકેલો હોય છે – એક એના સ્થાપકનું જીવન અને બીજું એમણે આપેલ ઉપદેશ. ધર્મપુરુષનું જીવન ધર્મની પરાકાષ્ઠાએ સ્થિર થયેલું હોય છે જે સાધક માટે એક લક્ષ્યાંક ઊભું કરે છે કે એણે કેટલી ઊંચાઈ સુધી પહોંચવાનું છે. આ ઊંચાઈને આંબવાનું બળ મળે છે પ્રભુના ઉપદેશમાંથી. ધર્મોપદેશમાં વાત એકડે એકથી શરૂ થાય છે. કોઈ પણ જીવાત્મા જેને આત્મોત્કર્ષ કરવો છે તેને આરંભથી લઈને અંતિમ ઉપલબ્ધિ સુધીનું માર્ગદર્શન મળી રહે છે ઉપદેશમાં. સાદી ભાષામાં કહીએ તો તીર્થંકર પરમાત્માનું જીવન તે ગિરિરાજની ટોંચ છે ને એના પગથિયાં તે એમની વાણીમાં વહેલો ધર્મોપદેશ. આ પગથિયાંના સહારે પરમ સુધી પહોંચવાનું છે. એટલે સાધક માટે જીવનની લગોલગ બલકે વિશેષ ઉપકારક છે પ્રભુનો સંદેશ. જૈન ધર્મનો આવો જ એક મજબૂત પાયો એટલે પ્રભુ મહાવીરનો ધર્મોપદેશ (દેશના). કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર પરમાત્માના સઘળા કર્મો ખપી ગયા પછી જે શેષ રહે છે તે છે અનુગ્રહ. ભગવાનની દેશના એટલે પ્રાપ્તિ પછીની પ્રસાદની વહેંચણી. કેટલા ય જીવોના કલ્યાણના કારણરૂપ ભગવાન મહાવીરના આ દિવ્ય પ્રસાદને ઝીલી લીધો એમના અધિકારી શિષ્યોએ. આકંઠ પીધેલા એ અમૃતને એમણે પચાવ્યું તો ખરું જ પણ કંઠોપકંઠ પરંપરાએ એને વહેતું પણ રાખ્યું. એટલું જ નહીં એને આગમોમાં સંકલિત કરીને આપણી સમક્ષ મૂકી આપ્યો. પ્રભુ મહાવીરનો જેટલો ઉપકાર છે એટલો જ મોટો ઉપકાર ગણધર ભગવંતોનો છે કે જેમણે આ વાણીને હૃદયસ્થ કરીને શબ્દસ્થ કરી લીધી, ગ્રંથસ્થ કરી લીધી.
સમણસુત્તંનું વિચારબીજ સૌપ્રથમ સંત વિનોબાજીના મનમાં રોપાયું હતું. મુસ્લિમ, ખ્રિસ્તી આદિ ધર્મનાં ધર્મગ્રંથો સહજ સુલભ છે જેના પરથી જે તે ધર્મનો પરિચય સરળતાથી મેળવી શકાય છે. આ પ્રકારનો કોઈ એક ગ્રંથ જૈન ધર્મ પાસે નહોતો. આ સંદર્ભે જૈન ધર્મના તમામ પેટા સંપ્રદાયો-ફિરકાઓને માન્ય હોય તેવા એક ગ્રંથની આવશ્યકતા વિનોબાજીને જણાઈ. વિનોબાજીના આ ઉમદા વિચારને મૂર્તિમંત કરવાની જહેમત ઉઠાવી જિનેન્દ્ર વર્ણીજીએ. તેમણે અથાગ પરિશ્રમ થકી આગમોનું પરિશીલન કરી જૈન ધર્મના પ્રત્યેક સંપ્રદાયને માન્ય હોય તેવી ગાથાઓનું એક સંકલન તૈયાર કર્યું, જેની ‘જૈન ધર્મસાર’ નામે એક હજાર નકલ છપાવી ભારતભરના મુનિઓ, આચાર્યો, જૈન-જૈનેતર વિદ્વાનોને મોકલાવી. વિદ્વાનોનાં સૂચનો અને સંશોધનોને ધ્યાન પર લઈ બીજું સંકલન પંડિત દલસુખભાઈ માલવણિયાએ કર્યું. સંત કાનજી સ્વામીની પ્રેરણાથી ડૉ. હુકુમચંદ ભારીલ્લે કેટલીક જરૂરી ગાથાઓ સૂચવી. ઉદયપુરના ડૉ. કમલચંદજી સોગાણીએ પણ ઊંડાણપૂર્વક અધ્યયન કરી સૂચનો કર્યા. આ બધાં સૂચનોનું અવલોકન કરી શ્રી વર્ણીજીએ ત્રીજું સંકલન કર્યું જેને ‘જિણધમ્મ’ એવું નામ અપાયું.
‘શ્યામચી આઈ’ તેમની જાણીતી કૃતિ છે જેનું ગુજરાતીમાં ભાષાન્તર પણ થયું છે. આચાર્ય અત્રેએ એના પર એ જ નામે મરાઠી ફિલ્મ પણ બનાવી છે. સાને ગુરુજીએ ‘ભારતીય સન્સ્કૃતિ’ નામનું પુસ્તક પણ લખ્યું છે જે ભારતને પ્રેમ કરનારા સાચા દેશપ્રેમીએ વાંચવું જોઈએ.