અંગ્રેજી ભાષાનો શબ્દકોશ તૈયાર કરનાર બ્રિટિશ વિદ્વાન સેમ્યુઅલ જોહ્ન્સને ૧૭૭૫માં કહ્યું હતું કે, પેટ્રીઓટિઝમ ઈઝ ધ લાસ્ટ રેફ્યુઝ ઓફ ધ સ્કૈઉન્ડ્રલ – દેશપ્રેમ બદમાશ લોકોનું છેલ્લું આશ્રયસ્થાન છે. એનો અર્થ એ થાય કે દેશપ્રેમના નામે કોઈ પણ અપરાધ કે ગેરવર્તન ચલાવી લેવામાં આવે છે. એક વર્ષ પહેલાં, ૧૭૭૪માં, જોહ્ન્સને બ્રિટિશ મતદારો સામે આપેલા એક ભાષણમાં સરકારમાં બેઠેલા લોકોના ખોટા દેશપ્રેમની ટીકા કરી હતી. એ ભાષણ પછી ‘ધ પેટ્રીઓટ’ તરીકે પ્રગટ થયું હતું. તેમાં તેણે કહ્યું હતું : “દેશપ્રેમી એ છે જેનો સાર્વજનિક વ્યવહાર તેના દેશ માટેના પ્રેમથી નિયંત્રિત હોય. સંસદના પ્રતિનિધિ તરીકે તેનામાં પોતાના માટે ન કોઈ આશા કે ડર હોય, ન દયા કે ઘૃણા હોય, પણ તેની દરેક બાબતમાં આમ જનતાનું હિત હોય.”
જોહ્ન્સને આ કહ્યું તેના ૨૦૦ વર્ષ પછી, ૨૦૦૩માં અટલ બિહારી વાજપેયીની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પરની ચર્ચામાં વાજપેયીએ કહ્યું હતું, “આ લોકશાહી છે અને લોકશાહીમાં જવાબદારી હોય છે. આપસી હોડમાં આપણે એકબીજાના દેશપ્રેમ પર દબાવ નાખવો ન જોઇએ, એકબીજાના દેશપ્રેમને પડકાર ફેંકવો ન જોઇએ અને એકબીજાના દેશપ્રેમ પર સંદેહ કરવો ન જોઇએ. મૂળભૂત સર્વસંમતી જેવું હોવું જોઈએ તે પણ નથી.”
જોહ્ન્સનની વાતને થોડા જુદા શબ્દોમાં કવિ રવીન્દ્રનાથ ટાગોરે પણ કહી હતી. ૧૯૦૮માં, વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝની પત્ની અબલા બોઝની ટીકાનો જવાબ આપતાં ટાગોરે એક જગ્યાએ લખ્યું હતું કે, “દેશભક્તિ આપણો અંતિમ આધ્યાત્મિક સહારો ન બનવી જોઈએ. મારો આશ્રય માનવતા છે. હું હીરાની કિંમતે કાચ નહીં ખરીદું. હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી માનવતા ઉપર દેશભક્તિની જીત નહીં થવા દઉં.”
આજે આપણે ૭૫મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે દેશપ્રેમ કોને કહેવાય તે પ્રશ્ન એટલો જ પ્રાસંગિક છે, જેટલો તે જોહ્ન્સના સમયમાં હતો. દેશને પ્રેમ કરવો એટલે શું? મોટા ભાગના લોકો દેશને પ્રેમ કરવાનો મતલબ ભારતની જમીનને પ્રેમ કરવાનો કરે છે, અને દેશની બહાર છે તેને નફરત કરે છે. આ પ્રતીકાત્મક પ્રેમ છે. આવા પ્રતીક તરીકે રાષ્ટ્રધ્વજ પણ છે. બહુ બધા લોકો માટે રાષ્ટ્રધ્વજ સામે ઊભા રહી છાતી ફુલાવવી એ દેશનો પ્રેમ ગણાય છે. કેટલાક લોકો માટે બંદૂકો અને તોપો એ દેશપ્રેમ છે. ટાગોરે એટલે માનવતાનો પ્રેમ એ દેશપ્રેમ છે એમ કહ્યું હતું.
દેશને પ્રેમ કરવો એટલે એની ભૌગોલિકતા અને એના ઇતિહાસને પ્રેમ કરવો એ ખાસ્સો સંકુચિત અભિગમ છે. આ સૌથી સરળ રસ્તો પણ છે. આમાં કોઇ કર્તવ્યપાલન નથી આવતું. વાજપેયીના શબ્દોમાં, ‘જવાબદારી નથી આવતી.’ તમે વગર ટિકિટે ટ્રેનમાં બેસીને કે રસ્તામાં પાનની પિચકારી મારીને કે લાંચ-રુશ્વત લઇને કે કોઈનું શોષણ કરીને પણ 15મી ઑગસ્ટે દેશપ્રેમનાં ગીત ગાઈને દેશપ્રેમ બતાવી શકો છો.
ભારતીય તરીકે મારી કોઈ વિશેષ યોગ્યતા હોવી જોઈએ? મારી કોઈ ચોક્કસ સંસ્કૃતિ હોવી જોઈએ જે મને ભારતીય તરીકે વ્યાખ્યાઇત કરે? ભારતીય હોવાની કેટલીક ઓળખો છે – જેમ કે પારિવારિક મૂલ્યો, સામાજિક પરંપરા અને દાયિત્વ, સાંસ્કૃતિક પસંદ-નાપસંદ, ભાષા અને ધાર્મિક અભિવ્યક્તિ, પરંતુ આ બધું મને દેશપ્રેમી બનાવે છે?
દેશનો અર્થ નકશા અને પ્રતીકોને પ્રેમ કરવાનો નથી. દેશ સરહદોથી બનતો નથી. દેશની રચના અને ઓળખ લોકોના સમૂહથી બને છે. થોડાં વર્ષો પહેલાં આવેલી ‘એરલિફ્ટ’ ફિલ્મમાં રણજિત (અક્ષયકુમાર) કુવેતના યુદ્ધમાં ફસાયેલા લોકોની જે મદદ કરે છે એ દેશપ્રેમ છે. તેમાં જ્યોર્જ કુટ્ટી (પ્રકાશ વેલાવાડી), જે રીતે રણજિતને પરેશાન કરતો રહે છે અને ‘અમે અને તમે’નો ભેદભાવ કરતો રહે છે, તે રાષ્ટ્રવાદથી પ્રભાવિત છે. દેશપ્રેમ એ છે જેમાં તમને એક સુંદર દેશના નાગરિક હોવાનો આનંદ છે. રાષ્ટ્રવાદ એ છે જ્યાં તમારી સંસ્કૃતિ, ભાષા કે ધર્મમાં માનતા ન હોય તેવા તમામ લોકો તમારા માટે ઘટિયા છે.
ભૌગોલિક રૂપમાં દેશની રચના ખાસ્સી નવી છે. રામના સમયમાં અયોધ્યા જન્મભૂમિ હતી, ભારત નહીં. ગામડામાં આજે પણ લોકો પોતાના ઇલાકાને ‘દેશ’ કહે છે. મુંબઈના કચ્છીઓ વતન જાય તો ‘દેશ ગયા છે’ એવું કહે છે. હજુ થોડાં વર્ષો પહેલાં બાંગ્લાદેશનાં અમુક ગામો ભારતમાં આવ્યાં હતાં અને ભારતનાં અમુક ગામો બાંગ્લાદેશમાં ગયાં હતાં. યુરોપમાં વીસમી સદીના ઉત્તરાર્ધમાં પણ લોકો દેશ બદલતા રહેતા હતા. બાંગ્લાદેશમાં એવા વયોવૃદ્ધ લોકો પણ છે, જે જન્મ્યા હતા ભારતમાં, પાકિસ્તાનમાં સ્થાયી થયા હતા અને બાંગ્લાદેશના નાગરિક બન્યા હતા. એક સમયે કાશ્મીરના મહારાજાથી લઇને જૂનાગઢના નવાબ સુધીના સામંતી રાજાઓ ભારતથી અલગ રહેવા માગતા હતા.
ટૂંકમાં, સીમાઓના રૂપમાં દેશની ભૂગોળ બદલાતી રહે છે. એટલે જરૂરી એ છે કે દેશ પ્રત્યેનો પ્રેમ સીમાઓમાં બંધાયેલો રહેવાને બદલે માણસો પર કેન્દ્રિત થાય. દેશમાં રહેતા લોકોને પ્રેમ કર્યા વગર દેશને પ્રેમ કરી શકાય? તમે એક સમુદાય અથવા વર્ગને પ્રેમ કરો પણ બીજા સમૂહને નફરત કરો તો એ દેશપ્રેમ ગણાય? એટલા માટે જ, કાશ્મીરની જમીન માટે આપણો દેશપ્રેમ ઉભરાય છે, પણ એમાં રહેતા કાશ્મીરીઓ માટે તે પ્રેમ ગાયબ છે.
વધતા ઓછા અંશે ભારતના બાકીના પ્રદેશોમાં પણ આપણી ભાવના જમીન સાથે તો જોડાયેલી છે, પરંતુ એની પર રહેતા (અને આપણાથી જુદા) લોકો એ ભાવના માટે કાબેલ નથી. ભારતમાં જાત-ભાતના તિરસ્કાર છે. દલિતો અને હરિજનોને હજુ ય પશુ સ્તરે ગણવામાં આવે છે. સ્ત્રી હજુ ય પાપનું મૂળ ગણાય છે. ઇશાન ભારતના નાગરિકો હજુ ય મુખ્ય ભારતથી વંચિત મહેસૂસ કરે છે.
ટોકિયો ઓલેમ્પિકમાં આર્જેન્ટીના સામે સેમીફાઈનલ મેચ હારી ગયેલી ભારતીય મહિલા હોકી ટીમની સભ્ય વંદના કટારિયાના ઉત્તરાખંડ સ્થિત ઘર સામે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. કેમ? વંદના દલિત છે અને ગામ લોકોને એવું લાગ્યું હતું કે ટીમમાં ‘વધારે પડતા’ દલિતો હતા એટલે ભારત હારી ગયું. તેનું મહેણું મારવા માટે તેમણે ફટાકડા ફોડ્યા હતા. પાકિસ્તાન સામે ફટાકડા ફોડો કે દેશના લોકો સામે, આમાં ક્યાં દેશપ્રેમ આવ્યો?
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 ઑગસ્ટ 2021
![]()


૧૯૪૨ના ઓગસ્ટ મહિનાની એક સાંજ. મુંબઈનાં ઘણાં ઘરોમાં લોકો રેડિયોનું ચકરડું ઘૂમાવીને એક નવું સ્ટેશન શોધી રહ્યા છે. સ્ટેશન પકડાય છે. પણ હજી કાર્યક્રમ શરૂ થયો નથી. આ સ્ટેશન પરથી આજે પહેલવહેલો કાર્યક્રમ રજૂ થવાનો છે. ઘરઘરાટી બંધ થાય છે અને બાવીસ વરસની એક છોકરીનો અવાજ ગૂંજી ઊઠે છે : “This is the Congress Radio calling on 42.34 meters from somewhere in India.” એ અવાજ હતો ઉષા મહેતાનો. પછી તો રોજ સાંજે કેટલા ય લોકો આ અવાજની રાહ જોતા. દરરોજના કાર્યક્રમની શરૂઆત થતી ‘સારે જહાં સે અચ્છા, હિંદોસ્તાં હમારા’ એ ગીતથી, અને છેલ્લે ‘વંદેમાતરમ્.’ વચમાં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ વિશેના સમાચાર, નેતાઓનાં ભાષણ, મુલાકાત, વગેરે. ૧૯૪૨ની ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ એ જો એક નવલકથા હોય, તો આ કૉન્ગ્રેસ રેડિયો એ તેનું એક ટૂંકું પણ ઝળહળતું પ્રકરણ છે.
અદાલતમાં કેસ ચાલ્યો ત્યારે ક્રાંતિકારીઓનો બચાવ કરવા મોતીલાલ સેતલવાડ, કનૈયાલાલ મુનશી, અને જસ્ટિસ (નિવૃત્ત) તેંદુલકર જેવા નામી વકીલો કોર્ટમાં ઊભા રહ્યા. ઉષાબહેન મહેતાને સખત મજૂરી સાથેની ચાર વરસની સજા થઈ. તેમને યરવડા જેલમાં લઈ જવામાં આવ્યાં. બીજા સાથીઓને પણ વધતી-ઓછી સજા થઈ. રેડિયો સ્ટેશન ખાતર અભ્યાસ અધૂરો મૂકનાર ઉષાબહેન મહેતાએ ૧૯૪૭ પછી ફરી અભ્યાસ શરૂ કર્યો. પીએચ.ડી. થયાં, વિલ્સન કોલેજ અને મુંબઈ યુનિવર્સિટીમાં અધ્યાપક બન્યાં. ૧૯૮૦માં નિવૃત્ત થયાં. જો ધાર્યું હોત તો આઝાદી પછી રાજકારણમાં પડીને પદ, પૈસા, પ્રતિષ્ઠા સહેલાઈથી મેળવી શક્યાં હોત. પણ ગાંધીજીના એક સાચા અનુયાયી તરીકે આવાં બધાં જ પ્રલોભનોથી દૂર રહ્યાં. ૧૯૯૮માં ભારત સરકારે પદ્મભૂષણનું સન્માન આપીને તેમના ફાળાનો ઋણસ્વીકાર કર્યો. ઈ.સ. ૨૦૦૦ના ઓગસ્ટની ૧૧મીએ તેમનું અવસાન થયું.