એક હતો રાજા.
એણે
જેની હત્યા કરવી હોય
એને
કોઈ ગુનામાં પકડતો
અને પછી
ફાંસીની સજા
આપી દેતો.
વાર્તા પૂરી.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 15
એક હતો રાજા.
એણે
જેની હત્યા કરવી હોય
એને
કોઈ ગુનામાં પકડતો
અને પછી
ફાંસીની સજા
આપી દેતો.
વાર્તા પૂરી.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 15
અધ્યાપનકાળના કેટલાક બનાવો (3) …
સપ્ટેમ્બર ૧૯૭૭માં હું ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં જોડાયો. ૨૭ વર્ષનો મારો દીર્ઘમાં દીર્ઘ અધ્યાપનકાળ ભાષાભવનમાં વીત્યો છે. લૅકચરર તરીકે જોડાયેલો. પછી રીડર થયો, વિભાગીય અધ્યક્ષ થયો, પ્રોફેસર થયો, પ્રોફેસર-ઇમેરિટસ થયો; વક્તા થયો, વિવેચક થયો, વાર્તાકાર થયો, વગેરે વગેરે જે કંઇ થયો, એ સારી પૅઠે અમદાવાદમાં થયો.
જો કે અમદાવાદ કદી પણ મારું સ્વપ્ન ન્હૉતું. મારી પસંદગી ન્હૉતી. મારે જાત પર જોર લાવીને પસંદ કરવું પડેલું. તો પણ એક વાતે છેલ્લે સારું લાગેલું કે ગુજરાતી સાહિત્યને માટેના એક ઉત્તમ વિભાગમાં છું. એમ પણ લાગેલું એ વાતે કે ક્યારેક મારી ભાષાના ઉત્તમ કવિ ઉમાશંકર જોશી વિભાગના અને સમગ્ર ભાષાભવનના અધ્યક્ષ હતા.
યાદ કરતાં યાદ આવે છે કે ભવનના બહુ ઓછા મિત્રો બહુ ઓછી વાર મારા ઘરે આવેલા છે. કોઇ કોઇ તો વારંવાર બોલવવા છતાં નહીં આવેલા. ક્રમે ક્રમે એમ જાણવા મળેલું કે અમદાવાદમાં ભલભલા સાહિત્યકારોના ઘરે ભલભલા સાહિત્યકારો નથી ગયા. એટલું ખરું કે મરણપથારી જેવા છેલવારકા પ્રસંગે ડોકિયું કરી આવ્યા હોય.
મને અને રશ્મીતાને – વડોદરા બાજુના રસિક જીવોને – એ અમદાવાદી લુખ્ખાસ સમજાતી ન્હૉતી. પણ સ્વીકારી લીધેલું કે એવી એમની શૈલી છે. જો કે રાધેશ્યામ શર્મા, ચન્દ્રકાન્ત ટોપીવાળા, ચિનુ મોદી, લાભશંકર ઠાકર અવારનવાર આવતા.
‘શબરી’-માં રહેવા ગયા પછી તો મેં રમૂજમાં કહેવા માંડેલું – અમે તો રાહ જોઇશું જ પણ જ્યારે આવો ત્યારે અમારે ઘરે રામ સ્વરૂપે આવજો. મને જણાવતાં આનન્દ થાય છે કે વડીલોમાં સૌથી વધુ કોઇ અમારે ત્યાં આવ્યું હોય તો તે ઉમાશંકર જોશી હતા.
એમની સાથેની મારી અંગતતા સાવ વિલક્ષણ હતી. બધું છતાં ઉમાશંકરનું આકર્ષણ રહેતું, મને ગમ્યા કરતા. હું કંઈ ‘સંસ્કૃતિ’-નો લેખક નહીં. અલબત્ત, મારી એક વાર્તા ‘હર્ષદલાલ હ. અને બીજાં’ એમને બહુ ગમેલી. એમણે ‘સંસ્કૃતિ’-માં પ્રકાશિત કરેલી – ૧૯૯૨ જેટલાં વહેલાં. એટલો પૂર્વાનુબન્ધ હતો. બીજો પૂર્વાનુબન્ધ એ હતો કે બોડેલીથી હું પ્રિન્સિપાલની હેસિયતે યુનિવર્સિટી-મીટિન્ગો માટે અમદાવાદ આવતો. ચન્દ્રકાન્ત ટોપીવાળા પણ પ્રિન્સિપાલ, તે એ ય આવતા. અમે બન્ને કવિ-કુલપતિને મળવા જતા. ફાઇલો કોરાણે મૂકીને ઉમાશંકર અમારી સાથે ખુલ્લા મનની ઘણી વાતો કરતા.
એટલે, ભવનમાં જોડાયા પછી મને એક ઇચ્છા બહુ થતી કે એમને એમના ઘરે નિરાંતે મળાય તો કેવું સારું. પણ ભવનના સાથીઓ કહે : એમને ઘેર ઍપૉઇન્ટમૅન્ટ વિના ન જવાય; ફોન કરવો પડે. ત્યારે એઓ વિભાગીય અધ્યક્ષ ન્હૉતા રહ્યા તો પણ એવું કેમ હશે, એવું મને ખૂંચ્યા કરે …
ત્યારે મારે ત્યાં ફોન નહીં, કેમ કે દુર્લભ હતા, ખાસ્સા દુર્લભ. ભવનનો ઑફિસ-ફોન વાપરી શકાતો’તો પણ એ બાપડો એક-નો-એક તે ગિરદી બહુ રહેતી. એટલે ફાવટ ન આવે. મેં નક્કી કરેલું કે મળે ત્યારે પૂછી લેવું – ફોન કર્યા વિના આવી શકાય? એમણે તરત કહેલું : હા-હા, શું કામ નહીં; માત્ર ભાળ મેળવી લેવી કે હું અમદાવાદ બહાર તો નથી ને …
એમની એ સમ્મતિનું પરિણામ એ આવ્યું કે શરૂમાં હું એકલો અને પછીથી રશ્મીતા તેમ જ બન્ને દીકરા – અમે સૌ – એમને ત્યાં જતાં થઈ ગયેલાં. બેસતા વર્ષે અચૂક જઇએ. પણ વળતું પરિણામ અતિ સુન્દર આવ્યું. ઉમાશંકર પણ અમારે ત્યાં, કૅમ્પસના ઘરે, બી-૩માં, આવતા થઈ ગયા.
મારી નવલકથા ‘ખડકી’ પ્રકાશિત થઈ ત્યારે એઓ અમારે ત્યાં પહેલી વાર આવેલા. પુસ્તક પ્રકાશિત થાય એટલે ઘરે મિત્રોને બોલાવવા અને શિરો ખવડાવવો એ મારો શિરસ્તો હતો. મારા ગુરુ સુરેશ જોષી પાસેથી શીખ્યો છું. આજે પણ ચાલુ છે. રશ્મીતા બનાવે. ‘ખડકી’ વિશે મેં થોડી વાત કરેલી. એ સાંભળીને ઉમાશંકરે કહેલું – સુમન પાસેથી આપણને હવે કસબાના જીવનની નવલકથાઓ મળશે. ત્યારે શિરો એમને બહુ ભાવેલો. એટલે આવે ત્યારે દરેક વખતે કહે : થોડો શિરો ખાઈશ : અમને પણ બહુ ઉમળકો રહેતો કે કેટલી સારી વાત છે.
એક સાંજે એવું બન્યું કે હું ને રશ્મીતા સ્કૂટર પર એમને મળવા ગયાં. જવાબ મળ્યો કે – એ તો તમારે ત્યાં આવવા નીકળી ગયા છે …! અમારા આનન્દાશ્ચર્યનો પાર નહીં. ફોન વિનાની એ બિન-તારી દિલ્લ્ગી યાદ આવતાં આજે પણ રોમાંચિત થવાય છે.
જઈને જોયું તો કવિશ્રી બી-૩ના આંગણાંમાં બેઠેલા. બન્ને બાજુ એક એક ઊંચા આસોપાલવ ને વચ્ચે અમારો પાટી ભરેલો જૂનો પણ સારો ખાટલો, તે પર બેઠેલા. ફૂલ-છોડવા, પવન, પંખીઓ, રોડ પરનાં વાહનો ને ઝૂમતાં વૃક્ષો વચ્ચે કવિશ્રી પૂર્વરાગ – મદીર જોડે વાતો કરતા’તા …
ચાલતા આવે. ક્હૅતા – કૅમ્પસમાં નીકળી પડવું પહેલેથી ગમે છે મને. થોડું દૂર પડે, પણ ચાલવાનું તો થઇ જાય …
બન્ને દીકરાને પોતાના મિત્ર ગણતા. મને ઈન્લૅન્ડ લખ્યું હોય તો ડાબી બાજુનો પત્ર અમને બન્નેને સમ્બોધ્યો હોય; ને જમણી તરફનો દીકરાઓને. સ્કૂલ ઑફ આર્કિટૅક્ચરમાં દીક્ષાન્ત પ્રવચન માટે ગયા હશે કોઇ વરસે. ભરી સભામાં અંગ્રેજીમાં પૂછેલું : મારો મિત્ર મદીર શાહ તે તમારે ત્યાંનો જ ને … વગેરે.
એમનો સર્વસંગ્રહ ‘સમગ્ર કવિતા’ પ્રગટ્યો તેને અર્ઘ્ય આપવાના મૂળ ભાવથી મેં પુસ્તિકા લખી – ‘ઉમાશંકર : સમગ્ર કવિતાના કવિ : એક પ્રોફાઇલ’. (૧૯૮૨). પુસ્તિકા પૂરી પ્રકાશિત થાય એ પહેલાં જ કેટલાકોએ ટીકા શરૂ કરી દીધેલી. એની વ્યથાકારક વાર્તા હવે પછી કરીશ.
= = =
(November 29, 2021: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર
જેનું છેવટ સારું તેનું સૌ સારું : આ જુગજૂની કેહતી સાંભરી ન સાંભરી ત્યાં તો એ આવી એવી આછરી ગઈ; કેમ કે ભારત સરકારે (વસ્તુતઃ વડા પ્રધાને) ત્રણ કૃષિ કાનૂન પડતા મૂક્યાની જાહેરાત કરી તે સાથે વાર્તા પૂરી થતી નથી.
કહી તો શકાય કે શાંત આંદોલનની ફતેહ થઈ – અને એ ખોટું પણ નથી. કહી તો શકાય કે આંદોલને એક બિનકોમી તાસીર પ્રગટ કરી – અને એ ખોટું પણ નથી : જેમ શાહીનબાગ દિવસોમાં મુસ્લિમબહુલ ધરણાર્થીઓને શીખ લંગરની અને દેશના વિવિધ હિસ્સાઓમાંથી નાગરિક કર્મશીલોની કુમક મળી રહી હતી; ખેડૂત આંદોલનની દેખીતી શીખ પહેલને એક નાજુક નિર્ણાયક વળાંકે ટિકૈત નેતૃત્વમાં જાટ જમાવટથી બળ મળ્યું. નાત-જાત-કોમ-લિંગના ભેદ વગરની દેશના ઠીકઠીક પ્રદેશોની સામેલગીરી પણ એમાં રહી. મહિલા નેતૃત્વ પ્રસંગોપાત બરોબરીને ધોરણે ઉભર્યું. આ બધા એના જમા મુદ્દા છે અને રહેશે.
પંજાબ અને ઉત્તર પ્રદેશની આવી રહેલી વિધાનસભા ચૂંટણી પહેલાં મતલણણી માટે ખેડરૂપનો આ નિર્ણય છે એ તો જાણે કે પ્રથમદર્શી અને વ્યાપક અવલોકન બની જ રહ્યું છે, પણ કૃષિ કાનૂન પાછા ખેંચાઈ રહ્યાની જાહેરાતના તરતના દિવસોમાં ગોદી મીડિયામાં એકંદરે હાંસિયે મુકાયેલી લખનૌની વિરાટ કિસાન રેલીમાં ટિકૈત અને બીજાઓએ કહ્યું છે તેમ એમ.એસ.પી. અને બીજા મુદ્દા (ખાસ તો લખીમપુર ખેરી ઘટનામાં કેન્દ્ર સરકારના મંત્રીની અમાનવીય ઉદ્દંડતા) ઊભા જ છે.
વડા પ્રધાને અમારી તપસ્યા ઓછી પડી એમ કહ્યું તે સંમિશ્ર પ્રતિભાવો જગવે છે. ૨૦૧૫માં ભૂમિ અધિગ્રહણ કાનૂન માટેની અભદ્ર અધીરાઈ જેવો જ કિસ્સો, વ્યાપક વિશ્વાસ અને સહમતિની ખાસ કૂશી કોશિશ વગરનો આ કૃષિ કાનૂન બેતનો પણ હતો. એની સામે પ્રતિકારને રાહે સાત સો લોકોએ જીવન ગુમાવ્યાં – તપસ્યા કહો, તપ ને તિતિક્ષા કહો, એ તો બીજે છેડે હતાં. કોરોના મામલે શ્રમિક સ્થળાંતરમાં સરકારી ચૂકથી (જો કે ‘ચૂક’ એ નરમ પ્રયોગ છે) હજારો નાગરિકોએ જે વેઠવું પડ્યું એનો કોઈ દિલી પ્રતિસ્પંદ કેન્દ્રિય નેતૃત્વને સ્તરે જાગ્યો જાણ્યો નથી.
નહીં કે જેને કૃષિ-સુધાર કહે છે તેવા કોઈક મુદ્દા અપ્રસ્તુત છે. સર્વોચ્ચ અદાલતે નીમેલી સમિતિના સભ્યોએ પોતે આપેલ હેવાલ જાહેર કરવાની જે માંગ કરી તે આ સંદર્ભમાં ચોક્કસ દુરસ્ત છે. બને કે એમાંથી કંઈક સહવિચાર મુદ્દા મળી રહે. અન્યથા પણ ચર્ચાપાત્ર મુદ્દા હોઈ જ શકે છે. પણ એકતરફી હંકારવાનો સત્તારવૈયો એ માટેની ભૂમિકા થવા દે તો અને ત્યારે ને કેન્દ્ર સરકારે, વડા પ્રધાન જેને ઓછી પડેલી તપસ્યા કહે છે તે ગાળામાં આંદોલનને જે રીતે ખાલીસ્તાની, નક્સલ, દેશદ્રોહી વગેરે વિશેષણોથી વગોવવાની ચેષ્ટા કરી અને આંદોલનના સમર્થનમાં સક્રિય કર્મશીલ બૌદ્ધિકોને ‘આંદોલનજીવી’ કહી કોઈક રીતે ઉતારી પાડતી કોશિશ કરી એને વિશે શું કહીશું. મને લાગે છે, વડા સુરક્ષા સલાહકાર દોવલે થોડા વખત પર જે ‘ઉચ્ચ વિચાર’ પ્રગટ કર્યા હતા એમાં કંઈક તાળો મળે છે. દોવલે કહ્યું હતું કે સલામતી સારુ જે બળો અને પરિબળો સામે લડવાનું રહે છે એમાં હવે ‘સિવિલ સોસાયટી’ અંગે સાવધાન ને સતર્ક રહેવાપણું છે. સત્તામાનસ હંમેશ શત્રુખોજમાં રાચતું હોય છે, અને કોઈ ન જડ્યું તો જે નાગરિકને નાતે કશાંક ટાકાટિપ્પણ, કશોક પ્રતિવાદ કે કિંચિત્વિશેષ-અભિવ્યક્તિ કરે છે તે એને સારુ કેમ જાણે ‘સૉફ્ટ ટાર્ગેટ’ ઠરે છે. સર્વોચ્ચ અદાલતની કોશિશ છે તેમ જો પેગસસ વિગતો સરકારી દાબડાની બહાર નીકળે તો આ વસ્તુ બને કે સાફ સમજાઈ રહે. ગમે તેમ પણ, સર્વોચ્ચ અદાલતે આ મામલે જે પ્રગટ ટિપ્પણી કરી તેમાં જ્યૉર્જ ઓરવેલ(૧૯૮૪)નું સ્મરણ કર્યું હતું તે ભૂલવા જેવું નથી.
ખરું જોતાં સત્તામાનસ અને એના હેવાયાં મીડિયારાં તો સિવિલ સોસાયટીની સક્રિયતાની જરૂરત અગાઉથી પણ વધુ હોવાની લાગણી જગવે છે. કિસાન આંદોલનના લાંબા પટ પર કથિત રાષ્ટ્રીય છાપાં જે રીતે સમાચાર સંકોચનથી ચાલ્યાં એમાં સત્તારૂઢ રાષ્ટ્રવાદનો પ્રતાપ વાંચવો કે બીજું કૈંક.
આ રાષ્ટ્રવાદી સત્તામાનસ, તમે જુઓ, છેલ્લાં બે’ક દસકાથી સાથે રહેલાં અકાલી દળને સાથે રાખી શક્યું નથી. કિસાન મુદ્દે જુદા પડ્યા તે વિગત સાચી અને સ્વીકાર્ય છે, પણ હિંદુત્વ રાજનીતિ જોડે મુસ્લિમો જ નહીં પરંતુ શીખો પણ અસુખ અનુભવે છે તે સમજવા જેવું છે. સાથે હતા તે ગાળામાં આ પ્રશ્ન પ્રગટ થયા વિના રહ્યો નહોતો.
હમણાં હિંદુત્વનો ઉલ્લેખ કર્યો એટલે સલમાન ખુરશીદની સંઘપ્રકાશિત કિતાબ સાંભરી આવી. પુસ્તકમાં એક ઠેકાણે હિંદુત્વ અને જેહાદી ઇસ્લામને એક સાથે મુકાયાં છે તે બદલ ઊહાપોહ ઉઠ્યો છે. બીજી પાસ, ગુલામનબી આઝાદે સલમાન ખુરશીદના વિધાન પરત્વે અસંમતિ અને નારાજગી પ્રગટ કરી છે. જો કે એમાં કાઁગ્રેસની આંતરિક સત્તાકારીનોયે હિસ્સો હશે. પણ પાયાની વિગત એ છે કે જેહાદી સરખામણી બાદ કરતાં ખુરશીદ અને આઝાદ એક જ પેજ પર છે. જે બુનિયાદી વાત પર બેઉ સમ્મત છે તે એ છે કે હિંદુધર્મ અને હિંદુત્વ બે ન્યારી બાબતો છે. એક તો જેવો છે તેવો પણ ધર્મ છે; બીજી એક રાજકીય વિચારધારા છે. આ દોર આગળ લંબાવીએ તો એમાંથી નીકળતો તર્ક એ છે કે જે હિંદુધર્મ એના કૉમનવેલ્થ સ્વરૂપને કારણે આકર્ષે છે તે હિંદુત્વે પહોંચતાં ‘અમે’ વિ. ‘તમે’ની કોમી ધ્રુવીકૃત પરિસ્થિતિએ પહોંચી જાય છે. જે મુસ્લિમ કોમવાદના સૌ વાજબી રીતે જ ટીકાકાર છીએ એના હિંદુ અડધિયા જેવી આ રાજનીતિ બની રહે છે.
અલબત્ત, જરી ફંટાઈને આ ચર્ચામાં ગયા પણ તે યથાપ્રસંગ સ્વતંત્રપણે અને વિગતે ચર્ચવા જોગ મુદ્દો છે એટલું કહી તંત્રીસ્થાનેથી વિરમતાં કિસાન આંદોલનને કૃષિના કોર્પોરેટીકરણનો જે ભય હાલના અંબાણી-અદાણી માહોલમાં વરતાય છે તે તરફ ધ્યાન ખેંચી સત્તામાનસ જનઆંદોલન પરત્વે સહૃદયતા કેળવે એવી અપીલ સાથે અટકીશું. (ટિકૈતે કહ્યું છે કે સંગ્રામવિશ્રામ સરકારે જાહેર કર્યો છે, અમે નહીં).
નવેમ્બર ૨૫, ૨૦૨૧
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 01-02