
સુમન શાહ
આજે માણસ એકને નહીં પણ અનેકને એક રીતે નહીં પણ અનેકશ: અનુભવી રહ્યો છે. બહુમુખી અને બહુવચનીય સમયમાં જીવી રહ્યો છે. એ પ્રવર્તમાન યુગસ્પન્દન વિશે વિચારવું જરૂરી છે.
જુઓ, માણસોને હવે બધી વસ્તુઓ સરખે સરખી લાગે છે. ગૉળ-ખૉળનો ભેદ નથી રહ્યો. સારું-નરસું લીલું-સૂકું નિરર્થક-સાર્થક સાચ-જૂઠ ધર્મ-અધર્મ, નીતિ-અનીતિ બધું બરાબર છે એ ભાવ વિકસી રહ્યો છે. એ ભાવ ભેદકતાનાશક હોત તો આવકાર્ય ગણાત, પણ આ તો વિશિષ્ટતાનાશક છે. નીવડેલા સાહિત્યકાર અને નવોદિત સાહિત્યકાર વચ્ચે ભેદ ન કરીએ, ન જ કરીએ, પણ નીવડેલાની સૃષ્ટિની સાહિત્યિક ગુણવત્તાને મામુલી લેખીએ એ સામાન્યીકરણ સારી વાત નથી. કોઈક સાહિત્યકાર રોજ સવારે ગુજરાતી ભાષા-સાહિત્યના પરિદૃશ્ય વિશે ચિન્તા વ્યક્ત કરતો હોય એને જગન્નાથની અવસ્થામાં પોઢેલા સાહિત્યકારની સુખનિદ્રા સાથે ન સરખાવાય.
વિશિષ્ટતાનાશ અને સૌ-સરખાવાદ બહુ ઝડપથી પ્રસરી રહ્યા છે. એ કશી નીરસતા નથી પણ દરેકને વિશિષ્ટ નહીં પણ બધાને સામાન્ય ગણનારો અવળા મોઢે વિકસી રહેલો આવિષ્કાર છે. એનાં અનેક કારણો છે : મોટું કારણ તો માહિતીની ભરપૂરતા. hiper-normalization. એ ભરપૂરતામાં ખરા-ખોટાની જાળવણી ન પણ થતી હોય, એમાં સમીક્ષાત્મક વિશ્લેષણ પણ ન થતું હોય – કોણ કરે?
એટલે, વિજ્ઞાન જેને sensory overload કહે છે એ પ્રભવે છે. માહિતીએ જનમાવેલા વિવિધ ઇન્દ્રિયબોધોના – sensory inputsના – ચિત્ત અર્થ કરવા જાય, એને પ્રક્રિયામાં ઢાળવા મથે, પણ એક સાથે શી રીતે વૅંઢારી શકે? જુઓ ને, માણસ નિરાંતે
શ્રેયા ઘોષાલને સાંભળતો હોય પણ વાહનોનું ભૉંભૉં-ચીચી, જોડે કૂતરાંનું ભસંભસા, વળી અમિતાભ બચ્ચન, વળી રાજકારણીઓ, અને વળી ભાડૂતી પત્રકારોએ મચાવેલો ઘૉંઘાટ! ભાષિક કે બિનભાષિક બધા જ સંકેતો અને પ્રકાશ ટોળાં ગન્ધ-દુર્ગન્ધ કે સામે ઘેર શેકાતો શીરો – એ સૌ, માણસના મગજને તાકીને બેઠાં હોય છે.
આ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ વગેરે સોશ્યલ મીડિયા અતિશયિત બહુવચનીય વાતાવરણ છે. દૃષ્ટિબિન્દુઓ કે માત્ર બિન્દુઓ, કાવતરાં કે કાવતરાંખોર વાતો, સુબોધીનાં કે અબુધનાં મન્તવ્યો, ચાલુ રાજકારણ વિશેના સાચા કે ખોટા બળાપા, વગેરે બધું જ સોશ્યલ ગણાય છે, એટલું જ નહીં, સાથે સાથે હોય છે. ડાહ્યા જનો કહેતા હોય છે કે વિવેક વાપરવાનો. એ ખરું પણ રજનીશની રીલ જોડે જાતીય પ્રદર્શન કરતી યુવતીની રીલ ડોકાય ત્યારે વિવેક બચારો ચૂપ થઈ જવાનો. કેટલા બધા લોકો સ્વસ્થ સુખી સમૃદ્ધ જીવન જીવવા વિશેના બોધ પીરસે છે – મને તો થાય, જાણે મને જીવન જીવતાં આવડતું જ નથી! તીવ્ર સમીક્ષા અર્પે એ નિપુણતાના ભરપૂર અભાવમાં આ દિશાહીન બહુવચનવાદ વકરી રહ્યો છે.
સાહિત્યવિષયક કે જીવનવિષયક સાચો કે ખોટો વિચાર, ખરું કે ખોટું મન્તવ્ય કે કોઈપણ બાબત, એના નાણાકીય કે માનસિક ક્રયવિક્રય માટે ઊંચામાં ઊંચો અવાજ ઊભો કરી આપતાં સંખ્યાબંધ પ્લૅટફૉર્મ્સ, અને AI જેવી અતિ વિકસિત ટૅક્નોલૉજિનાં ઉપકરણોનો આ બહુવચનવાદના વિકાસમાં મોટો ફાળો છે.
હવે નમ્બર્સનો મહિમા છે. મને મળેલા likesના Kથી હું ઊંચેરો બુદ્ધિવાન લાગું છું. મારા Facebook friends અને followersના આંકડાથી મારી મહાનતા નક્કી થાય છે. હું અનેક લોકોને એકઠા કરી શકું, મોટી મોટી સભાઓ ગજવી શકું, લોકને નચવી શકું, તો એ મારી રાજકીય કુનેહ ગણાય છે. રાજકારણે રાજનીતિનો અર્થ ભૂંસી નાખ્યો છે.

હવે રીયલનું સ્થાન વર્ચ્યુઅલે લીધું છે એમ ન કહો; એમ કહો કે વર્ચ્યુઅલ એના પ્રભાવે કરીને રીયલ લાગે છે. બૉદ્રિલાર્ડે simulacra વિભાવના વડે જણાવેલું કે મૂળ વિનાની નકલો થશે; પણ તેઓ હોત તો કહેત કે હવે તો નકલો જ મૂળ છે. AIએ સરજેલા personas, ચમકદમક સાથે રજૂ કરાતાં રાજનેતાઓનાં કે ઉદ્યોગપતિઓનાં વ્યક્તિ-ચિત્રો, સિનેમા ઍક્ટર્સ, અને રમતવીરોની યશગાથાઓને કારણે એક ચડિયાતા સમાજનું નિર્માણ થયું છે. પરિણામે, દેખીતી રીતે પણ અન્ય સામાજિક વર્ગો – અઢળક પ્રજાજનો – ડઘાયેલા અને રાંક દીસે છે.
એટલે વિચારણીય મુદ્દા ખૂણે હડસેલાઇ ગયા છે : લોકશાસન છે તો એ કયા વેશે છે, સર્વોચ્ચ છે તો એના નિર્ણયોની સમીક્ષા ક્યાં છે? ચાલુ યુદ્ધોમાં વિશ્વમાં રોજ મનુષ્યો મરે છે. દીવાળીની હવાઇઓની જેમ સામસામે જીવલેણ મિસાઇલો છોડાઇ રહી છે. એ તે કેવા પ્રકારની રાજનીતિનું ફળ છે? વગેરે વિશે બૌદ્ધિકો ભાગ્યે જ બોલે છે.
કોઈપણ સિસ્ટમના સિદ્ધાન્તોનું મૂલ્ય ન જળવાતું હોય ત્યારે એ સિસ્ટમનું બીજું રૂપ પ્રગટી ચૂક્યું હોય છે, એ દેખાવું જોઇએ, પણ જવલ્લે જ દેખાય છે. હું એ કહેવા માગું છું કે લોકશાહીના ઝભ્ભા હેઠળ વિકસી રહેલી આપખુદશાહી દેખાય છે -? રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રકલ્યાણને નામે યુદ્ધો લગી પ્હૉંચી ગયેલા geopoliticsની અમાનુષી ચાલ પરખાય છે?
પણ હવે યુદ્ધો આપણને સદવા માંડ્યાં છે. લોકો બોલતા હોય છે – એ તો ચાલ્યા કરે, આપણે શું! કુદરતી આફતો કોરોના પછી સામાન્ય લાગવા માંડી છે. રોજિંદા જીવનની આ નવ્ય ગતિ કોઈપણ કટોકટીનું સામાન્યીકરણ કરી આપશે. પણ એ સાથે નૉંધવું જોઈશે કે સંવેદનશીલતા પ્રેમ કે કરુણા જેવી મનુષ્યજીવનની ચાલકનિયામક ચીજોને જડતા વળગવા લાગી છે. એટલે પછી, આ પરિદૃશ્ય સામે પ્રકોપ અનુકમ્પા કે આમૂળ ક્રાન્તિ માટેનું બળ માણસ ક્યાંથી લાવવાનો’તો?
આ નવ્ય ઉચ્ચાવચતાયુક્ત ઑર્ડર અને રીયલ પર વર્ચ્યુઅલની સરસાઈને બહુવચનવાદ નષ્ટ નહીં કરી શકે બલકે એનાં અવનવાં રૂપો સરજી આપશે.
ખરો સવાલ એ છે કે માણસના વાસ્તવિક અનુભવનું શું -? એક આશા છે, સાહિત્ય અને અન્ય કલાઓ. એ દિશાએથી એક વિધાયક બહુવચનવાદી સમાજનું તેમ જ યુગસ્પન્દનનું સર્જન કે એથી સંતુલન અશક્ય નથી. કેમ કે કલાઓ વર્ગો કે જૂથોને નહીં પરન્તુ ધરતી પરનાં સૌ મનુષ્યોને જોડે છે. એને સરહદો રાજકારણ કે પ્રગતિશીલ ટૅક્નોલૉજિ હરાવી શકતાં નથી.
પણ સાહિત્યકારો અને કલાકારો જ હારી ગયા હશે, તો?
= = =
(270625USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


જન્મ દસકોઈ તાલુકાના ભુવાલડી જેવા સાવ નાનકડા ગામમાં. ભણતરની શરૂઆત ત્યાંની જ નિશાળમાં. પછી અમદાવાદમાં ભણી મેટ્રિક થયા. નોકરી મુંબઈની પોલીસ કોર્ટમાં ઇન્ટરપ્રિટરની. પણ આપબળે સંસ્કૃત અને અંગ્રેજીનો સારો એવો અભ્યાસ કરેલો. પરિણામે કવિ કાલિદાસના વિખ્યાત કાવ્યનો ગુજરાતી અનુવાદ કર્યો જે તેમના જમાનાના વિવેચકો અને વાચકો બન્નેએ માણ્યો અને વખાણ્યો હતો. અને એ માત્ર અનુવાદ નહોતો. મુંબઈની રોયલ એશિયાટિક સોસાયટી(હાલની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ)માં દિવસોના દિવસો સુધી બેસી, અંગ્રેજી અને સંસ્કૃત પુસ્તકોનો અભ્યાસ કરી, અનુવાદ સાથે જોડવા માટે તેમણે વિસ્તૃત પ્રસ્તાવના પણ તૈયાર કરી હતી. એ પુસ્તકની પહેલી આવૃત્તિ ૧૯૧૩માં અને બીજી આવૃત્તિ ૧૯૨૩માં પ્રગટ થઈ હતી. જો કે બીજી આવૃત્તિ પ્રગટ થઈ તે પહેલાં અનુવાદકનું તો ૧૯૧૪માં અવસાન થયું હતું. એ પુસ્તક તે કાલિદાસના મેઘદૂત કાવ્યનો અનુવાદ, અને એ અનુવાદ કરનાર તે કિલાભાઇ ઘનશ્યામ ભટ્ટ. પણ વખત જતાં તેમનું નામ અને કામ ધીમે ધીમે વિસારે પડવા લાગ્યું. એક કારણ એ પણ ખરું કે ‘મેઘદૂત’ના બીજા ગુજરાતી અનુવાદો પણ પ્રગટ થયા હતા, અને તેમાંના કેટલાક સાહિત્યની દુનિયાનાં કેટલાંક મોટાં માથાંએ કર્યા હતા.
પણ આ અનુવાદ આખો વાંચવો ન હોય અને છતાં માણવો હોય તો? આજના માણસને વાચક બનવા કરતાં શ્રોતા અને દૃષ્ટા બનવાનું વધુ ફાવે છે. એટલે વાચન અંગે બહુ ઉમળકો ન હોય તેવા ભાવકો માટે પણ અહીં સગવડ કરી છે. આપણા અગ્રણી ગાયક-સંગીતકાર આશિત દેસાઈએ બધા શ્લોકોને સંગીતબદ્ધ કર્યા, અને જાણીતા ગાયક પ્રફુલ્લ દવેએ તેને પોતાનો કંઠ આપ્યો. પુસ્તકમાં સાથે મૂકાયેલી બે ઓડિયો સી.ડી.માં એ ગાન સંઘરાયું છે જે સાંભળતાં કાલીદાસ અને કિલાભાઇની પ્રતિભાની સાથોસાથ સંગીતકાર અને ગાયકની પ્રતિભાનો પણ પરિચય થાય છે. આ ઉપરાંત પુસ્તકમાં કેટલીક પૂરક સામગ્રી પણ સૂઝપૂર્વક ઉમેરવામાં આવી છે. ‘મેઘદૂત’ વિશેના કવિ રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોનો અનુવાદ, ‘મેઘદૂત’ ફિલ્મમાંનું કૃતિના સારાંશ રૂપ ગીત, આપણા દેશના ટપાલ ખાતાએ ૧૯૬૦માં બહાર પાડેલી ટપાલ ટિકિટ વિશેની માહિતી, મેઘદૂતનું રચના સ્થળ મનાય છે તે રામટેક વિશેની માહિતી, ઉજ્જયીનીમાં આવેલી કાલિદાસ સંસ્કૃત અકાદમીનો પરિચય, મેઘદૂતના કેટલાક ગુજરાતી અનુવાદો વિશેની માહિતી, કાલિદાસ અને કીલાભાઈનો પરિચય, મેઘદૂતમાં ઉલ્લેખિત સ્થાનોનો પરિચય, અને મેઘમાર્ગનું નિદર્શન કરતો નકશો. આ બધું અહીં શ્રમ અને સૂઝથી ઉમેરવામાં આવ્યું છે. પુસ્તક માટેનું પૂરક લેખન કરવાનું તથા પરામર્શન કરવાનું કામ બિરેન કોઠારીએ કર્યું છે. ૧૯૧૩માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિમાં માત્ર અનુવાદ આપ્યો હતો, મૂળ સંસ્કૃત પાઠ આપ્યો નહોતો. પણ આ ખોટ બીજી આવૃત્તિમાં મૂળ સંસ્કૃત પાઠ ઉમેરીને પૂરી કરાઈ હતી. ૨૦૧૦માં પ્રગટ થયેલા આ નવા સંસ્કરણમાં થોડાક જ મૂળ સંસ્કૃત શ્લોકો આપ્યા છે. બધા જ શ્લોકો આપ્યા હોત તો પુસ્તક વધુ ઉપયોગી બની શક્યું હોત. પણ પ્રશિષ્ટ કૃતિઓને આમ નવા રૂપે રંગે રજૂ કરવાનો વિચાર જ ગમી જાય તેવો છે, અને એવા વિચારના ફળ જેવું આ પુસ્તક પણ સાહિત્યપ્રેમીઓના હૃદયમાં વસી જાય એવું છે.
